Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તેરે બિના ઝિંદગી સે કોઈ શિકવા તો નહીં...

તેરે બિના ઝિંદગી સે કોઈ શિકવા તો નહીં...

01 March, 2024 07:48 AM IST | Mumbai
RJ Dhvanit Thaker

‘આંધી’માં એક એવી મહત્ત્વાકાંક્ષી મહિલાની વાત હતી જે પોતાનાં સપનાં પૂરાં કરવાની લાયમાં પરિવારને પણ છોડી ચૂકી છે. ફિલ્મમાં સુચિત્રા સેનનો ગેટઅપ અને એનું પ્રોફેશન ઇન્દિરા ગાંધી સાથે અદ્દલોઅદ્દલ મળતું હતું એટલે જ એ ફિલ્મ ઇમર્જન્સીમાં અટવાઈ ગઈ

આંધી ફિલ્મનો સીન

કાનસેન કનેક્શન

આંધી ફિલ્મનો સીન


આપણી વાત ચાલે છે ઈસવી સન ૧૯૭પમાં ઇન્દિરા સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી ઇમર્જન્સીની. આ ઇમર્જન્સી જેમ કિશોરકુમારને નડી હતી એવી જ રીતે ઇમર્જન્સી ગુલઝારને પણ નડી હતી. અલબત્ત, ગુલઝારને તો પહેલાં નડી હતી. બન્યું હતું એમાં એવું કે ગુલઝારે એક ફિલ્મ ડિરેક્ટ કરી હતી, ટાઇટલ હતું ‘આંધી’. જે. ઓમપ્રકાશ ફિલ્મના પ્રોડ્યુસર. ‘આંધી’ ફિલ્મ કદાચ આજની જનરેશનને બહુ યાદ ન હોય તો પણ એનાં સૉન્ગ્સ તો બધાને યાદ હોય જ હોય. અદ્ભુત સૉન્ગ. જબરદસ્ત મ્યુઝિક, પણ એની વાતો આપણે ભવિષ્યમાં કરીશું, અત્યારે 
વાત કરીએ લાગુ કરવામાં આવેલી ઇમર્જન્સી અને ફિલ્મની. 

‘આંધી’ ફિલ્મ તૈયાર હતી અને રિલીઝ કરવા માટે યોગ્ય સમયની રાહ જોવાતી હતી, તો પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલતું હતું, પણ એ દરમ્યાન જ પ્રોડ્યુસર જે. ઓમપ્રકાશને ત્યાં સેન્સરબોર્ડમાંથી લેટર આવ્યો કે આ ફિલ્મને અમે સેન્સર સર્ટિફિકેટ નહીં આપીએ, કારણ કે ફિલ્મનો વિષય દેશનાં વડાં પ્રધાનની પર્સનલ લાઇફ સાથે મેળ ખાતો આવે છે, જે અત્યારના તબક્કે યોગ્ય કહેવાય નહીં. જે. ઓમપ્રકાશે તરત જ ગુલઝારને બોલાવ્યા અને ગુલઝાર સાથે મીટિંગ કરી. પ્રોડ્યુસરની ક્લિયર વાત હતી કે આપણા પૈસા લાગ્યા છે અને આપણે લાંબો સમય રાહ જોઈ શકીએ એમ નથી એટલે તમે ફિલ્મ ફરીથી રિવ્યુ કરો. ગુલઝારે ફરી એક વાર ફિલ્મ જોઈ અને જ્યાં પણ તેમને એવું લાગ્યું કે એડિટ-ટેબલ પર ફિલ્મ કટ થઈ શકે એ સીન કટ કરવાનું નક્કી કરી લીધું, તો સાથોસાથ અમુક કટિંગ પછી નવા સીન ઉમેરવા જેવા લાગ્યા એ સીન પણ લખ્યા અને ‘આંધી’નું ૧૨ દિવસનું નવેસરથી શૂટિંગ-શેડ્યુલ ગોઠવવામાં આવ્યું. જે સીન નવા લખાયા હતા એ બધા શૂટ કરવામાં આવ્યા. નવેસરથી એડિટિંગ, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને કલર કરેક્શન જેવાં કામ કરવામાં આવ્યાં. 


ફિલ્મ ફરીથી સેન્સરમાં મોકલવામાં આવી. હવેની વાત તમે ધ્યાનથી સાંભળજો.
બીજી વખત ફિલ્મ સેન્સરબોર્ડમાં ગઈ ત્યારે ગુલઝારે સંપર્ક વ્યક્તિમાં પોતાનું નામ નહીં પણ જે. ઓમપ્રકાશનું નામ અને સરનામું લખ્યું હતું. ગુલઝારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું પ્રોડ્યુસરની માનસિકતા સમજતો હતો અને મારી હાલત પણ મને સમજાતી હતી. પ્રોડ્યુસરના પૈસા લાગ્યા હતા તો મારું મન, મારું દિલ પ્રોજેક્ટમાં લાગ્યાં હતાં. નૅચરલી તેમને આર્થિક નુકસાન થવાનું હતું તો મારું ઇમોશનલ નુકસાન થવાનું હતું. હું આજે, ચાર દસકા પછી પણ કહું છું કે આર્થિક નુકસાન તમે રિકવર કરી શકો, પણ ઇમોશનલ નુકસાન ક્યારેય કવર ન થાય.

ઓરિજિનલ ‘આંધી’ ક્યારેય રિલીઝ ન થઈ. ઇમર્જન્સી પછી ગુલઝારે જે. ઓમપ્રકાશને કહ્યું હતું કે આપણે ‘આંધી’ નવેસરથી સેન્સર કરાવીને રિલીઝ કરવી જોઈએ, પણ જે. ઓમપ્રકાશ ક્રીએટિવ ખરા, પણ વેપારી પણ એટલા જ, તેમને ખબર હતી કે નજીકના ભવિષ્યમાં જ ઇન્દિરા ગાંધીની સરકાર ફરી સત્તા પર આવશે અને જો એવું બનશે તો ઇન્દિરા ગાંધી સહેજ પણ રહેમ નહીં રાખે એનો પણ તેમને અણસાર હતો એટલે ગુલઝારની નારાજગી સ્વીકારીને પણ જે. ઓમપ્રકાશે ‘આંધી’ રીસેન્સર કરાવી નહીં અને એને લીધે રિયલ ‘આંધી’ ક્યારેય બહાર આવી નહીં. ઇમર્જન્સીને કારણે જે ‘આંધી’ રિલીઝ ન થઈ એ ફિલ્મમાં સંજીવકુમારના અમુક સીન્સ એવા હતા જે સીન્સ જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય. વાઇફની મહત્ત્વાકાંક્ષાઓ કયા સ્તરે વધી ગઈ છે અને મહત્ત્વાકાંક્ષા વધે ત્યારે પર્સનલ લાઇફને કેવું ડૅમેજ થાય એની વાત એ ‘આંધી’માં હતી. મજાની વાત એ છે કે મહત્ત્વાકાંક્ષા કઈ હદે માણસને વિકૃત બનાવી દે છે એ વાત પણ એમાં દર્શાવવામાં આવી હતી અને એ પણ દર્શાવવામાં આવ્યું હતું કે વ્યક્તિએ પોતાની જાત પર પણ અંકુશ મૂકવા જોઈએ. કેટલાક સીન ફિલ્મમાં એવા પણ હતા જેમાં ઇન્દિરા ગાંધી જેવું જ કૅરૅક્ટર પોર્ટ્રે કરનારી સુચિત્રા સેન અમુક એવાં સ્ટેપ્સ લે છે જે સ્ટેપ્સ પોતાની સત્તા અકબંધ રાખવા માટે લેવાયેલાં હોય છે અને સરકારને પણ એનાથી જ પ્રૉબ્લેમ થયો હતો.


‘આંધી’માં ક્યાંય એવું નહોતું કે એ ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીની વાત કહેતી હોય, પણ હા, એ પણ એટલું જ સાચું હતું કે એમાં ઇન્દિરા ગાંધીની વાત તો હતી જ હતી અને સુચિત્રા સેનનો ગેટઅપ પણ એ જ પ્રકારનો હતો કે એને જોતાં જ તમને ઇન્દિરા ગાંધી યાદ આવી જાય. ‘આંધી’ એના મ્યુઝિક અને ફિલ્મની સ્ટોરી સાથે જોડાયેલા વિવાદને કારણે બૉક્સ-ઑફિસ પર હિટ રહી, પણ ગુલઝારના મનમાં જે પ્રકારની ફિલ્મ હતી એવી તો એ નહોતી જ રિલીઝ થઈ.

એક તબક્કે એવી પણ ચર્ચા શરૂ થઈ હતી કે ‘આંધી’ની રીમેક બનશે અને એમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને લેવામાં આવશે. એ પછી તરત એવી પણ વાતો શરૂ થઈ હતી કે ઐશ્વર્યા અને અભિષેકને લઈને ‘આંધી’ નહીં, પણ ‘અભિમાન’ની રીમેક બનશે અને એ પછી તો એ વાતને પણ રદિયો મળી ગયો. અલબત્ત, ‘આંધી’ની રીમેક બનવી જ જોઈએ અને એમાં એ પૉટેન્શિયલ પણ છે કે તે આજના કપલની વાત કરે. આજે જુઓને તમે, એ જ વાતાવરણ છે. મૅરેજ-લાઇફ હવે ટૂંકી થવા માંડી છે અને એનું કારણ છે મહત્ત્વાકાંક્ષાઓ, જેને લીધે સંબંધોનો અંત લાવવામાં પણ કોઈ ખચકાટ રહ્યો નથી. 

એક સમય હતો કે પતિ ઘરની બહારની તમામ જવાબદારી સંભાળતો અને વાઇફ પરિવારની તમામ જવાબદારી સંભાળતી. જેને લીધે બહુ સરસ રીતે જીવનની ગાડી આગળ વધતી. બેમાંથી કોઈ એક વિના રહી શકે, જીવી શકે એવો મુદ્દો પણ કોઈના મનમાં નહોતો આવતો, કારણ કે બન્ને માનતા હતા કે એકમેક સાથે જ એ સંસારને આગળ વધારી શકશે પણ વધતી જતી સુવિધાએ ઘણી બાબતોમાં એકમેકની જરૂરિયાત ઘટાડવાનું કામ કર્યું છે તો મહત્ત્વાકાંક્ષાઓએ પણ એકબીજાની અનિવાર્યતાને ઓછું કરવાનું કામ કર્યું છે. આજે છોકરીઓ આસાનીથી પૈસા કમાય છે અને એ કમાણી દ્વારા તે પોતાની ઇચ્છાઓ પૂરી કરે છે, તો પારિવારિક જવાબદારીમાંથી જે પુરુષ પહેલાં દૂર રહેતો હતો એ હવે દૂર ભાગતો થઈ ગયો છે. તેને હવે રાત પડ્યે સાથે બેસીને જમવા માટે ફૂડ અને કંપનીની જરૂર પડે તો તરત જ હોટેલ અને દોસ્તો યાદ આવી જાય છે. રસ્તા બન્ને પાસે છે અને એ રસ્તાનો ઉપયોગ પણ બન્ને મન મૂકીને કરે છે, જેને લીધે જીવનમાં આંધી પ્રસરવાની શરૂ થઈ ગઈ છે.

‘આંધી’ની રીમેક બને એ આવશ્યક છે, કારણ કે આજના સમયમાં દરેક કપલના જીવનમાં આંધી ફરી રહી છે. કેટલાકના જીવનની આંધી બહાર આવે છે તો કેટલાકના જીવનમાં રહેલો ચક્રવાત દેખાતો નથી, પણ ક્યાંક ને ક્યાંક એ અંદર ફરી તો રહ્યો જ છે. ‘આંધી’ના જ શબ્દોને આપણે ફરી પાછા સમજવાની જરૂર છે.

‘કાશ ઐસા હો,
તેરે કદમોં સે ચૂન કે મંઝિલ ચલેં
ઔર કહીં દૂર કહીં,
તુમ ગર સાથ હો
મંઝિલોં કી કમી તો નહીં...
તેરે બીના ઝિંદગી સે કોઈ 
શિકવા તો નહીં
તેરે બિના ઝિંદગી ભી કોઈ
ઝિંદગી તો નહીં...’

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2024 07:48 AM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK