‘કુછ કુછ હોતા હૈ’ની જાયન્ટ સક્સેસ પછી કરણ જોહર પણ નહોતો ઇચ્છતો કે એની ટીમ ચેન્જ થાય, પણ એક ઘટના એવી ઘટી કે કરણે પોતાની ફિલ્મમાં એક મ્યુઝિક-ડિરેક્ટરને બદલે ત્રણ મ્યુઝિક-ડિરેક્ટર કરી નાખ્યા!
જતિન-લલિત , કભી ખુશી કભી ગમનું પોસ્ટર
સીધો-સાદો અને સરળ એક નિયમ છે કે જે ટીમને સફળતા મળી હોય એ ટીમને રિપીટ કરવામાં આવે. મોટા ભાગે તો એવું જ બને. હા, કોઈ એવી આકસ્મિક ઘટના ઘટી હોય તો વાત જુદી છે, પણ કોઈ પોતાની સક્સેસ ફૉર્મ્યુલાને ચેન્જ કરવા નથી માગતું, પણ એવું બન્યું. ‘કુછ કુછ હોતા હૈ’ની જાયન્ટ સક્સેસ પછી કરણ જોહરે નવી ફિલ્મ પર કામ શરૂ કર્યું, જે હતી ‘કભી ખુશી કભી ગમ.’ ફિલ્મ લખાતી ગઈ અને લખાતી ગઈ એમ બધાની આંખ સામે આવતું રહ્યું કે જો આ ફિલ્મને મોટા ઍક્ટર્સથી ભરી દેવામાં આવે તો ફિલ્મનું સેટઅપ જબરદસ્ત બની જાય. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સેટઅપ બહુ મહત્ત્વનું છે.
યશ ચોપડાએ અનેક ફિલ્મો બનાવી, પણ એ બધી ફિલ્મોમાં તેને સેટઅપની દૃષ્ટિએ પોતાની જો કોઈ ફિલ્મ અત્યંત ગમી હોય તો એ હતી ‘સિલસિલા.’ અકલ્પનીય સ્ટારકાસ્ટ, કોઈ ધારી પણ ન શકે કે જયા બચ્ચન કમબૅક કરે અને એ પણ એ જ ફિલ્મમાં જે ફિલ્મનો સબ્જેક્ટ એ સમયની પોતાની લાઇફ સાથે જોડાયેલો હોય એવું મીડિયા સહિત સૌકોઈ કહેતું હોય. અમિતાભ બચ્ચન અને રેખાનું એ સમયે અફેર પુરબહારમાં ચાલતું હતું અને જયા બચ્ચન સુધી વાત એ સ્તરે પહોંચી ગઈ હતી કે બચ્ચનસાહેબ પણ એનો વિરોધ ન કરી શકે. જયા બચ્ચન ઑલમોસ્ટ લંડનમાં રહેવા માંડ્યાં હતાં અને બાળકો પણ મોટા ભાગનો સમય તેમની સાથે રહેતાં. ફૅમિલીની ઇમેજને ધ્યાનમાં રાખીને કોઈ વાત જાહેરમાં ન આવે એની કાળજી લેવામાં આવતી હતી, પણ એમ છતાં અંદરખાને ભભૂકતો દાવાનળ સૌકોઈની સામે હતો. એક્સ્ટ્રામૅરિટલ રિલેશનને ઉજાગર કરતી આ ફિલ્મ માટે યશ ચોપડાએ જે કાસ્ટિંગ એકત્રિત કર્યું એણે તો આખી ઇન્ડસ્ટ્રીમાં દેકારો બોલાવી દીધો હતો. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને એ બન્ને હસબન્ડ-વાઇફનાં પાત્રોમાં તો સાથે રેખા અને સંજીવકુમાર. એ બન્ને કપલ અને અમિતાભ તથા રેખા વચ્ચે અફેર આગળ વધે. ગેસ્ટ અપીરન્સમાં શશી કપૂર, જેના મૃત્યુ પછી અમિતાભ જયા સાથે મૅરેજ કરવા તૈયાર થાય છે અને તે પોતાના રેખા સાથેના પ્રેમને ભૂલી જાય છે. આ જ પ્રેમ તેની લાઇફમાં ફરી આવે છે અને એ બન્ને ફરી એકબીજાની નજીક આવે છે. જે સ્તરના કલાકારો આવ્યા હતા તેમણે ફિલ્મનો સેટઅપ અદ્ભુત બનાવી દીધો અને એ સેટઅપના આધારે ‘સિલસિલા’ રિલીઝ પહેલાં જ સુપરહિટ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
‘કભી ખુશી કભી ગમ’માં પણ એવું જ થયું હતું. સેટઅપ એ સ્તરે ઊભો થવા માંડ્યો જેની કોઈ કલ્પના ન કરી શકે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરુખ ખાન, કાજોલ, હૃતિક રોશન અને કરીના કપૂર. મૅટર એન્ડ, ફિલ્મ પેપર પર જ સુપરહિટ થઈ ગઈ. હવે તો એમાં જેકંઈ નવું આવે એ બધેબધું એડિશન હતું, સોને પે સુહાગા જેવી વાત હતી. કરણ જોહરની આ બીજી ફિલ્મ હતી અને ઑડિયન્સ એનું નવું ક્રીએશન પણ જોવા તૈયાર હતી, તો જતિન-લલિતનું મ્યુઝિક પણ પુરબહારમાં ખીલી ચૂક્યું હતું અને બધાને ખાતરી હતી કે ફિલ્મમાં જતિન-લલિત જ આવશે, પણ એક ઘટના એવી ઘટી કે જતિન-લલિત પ્રોજેક્ટમાંથી અમુક અંશે બહાર ધકેલાઈ ગયા. ફિલ્મમાં કુલ ૮ સૉન્ગ હતાં, એ ૮માંથી જતિન-લલિતના ભાગે માત્ર ત્રણ જ સૉન્ગ આવ્યાં અને ૪ સૉન્ગ સંદેશ શાંડિલ્યએ તૈયાર કર્યાં તો એક સૉન્ગ આદેશ શ્રીવાસ્તવે તૈયાર કર્યું. એ વાત જુદી છે કે જતિન-લલિતના હિસ્સામાં જે સૉન્ગ આવ્યાં હતાં એ સૉન્ગ અન્ય ગીતોની સરખામણીમાં વધારે પૉપ્યુલર થયાં, પણ આખેઆખી ફિલ્મ કરવા મળવાની હતી એમાં ઑલમોસ્ટ ૬૦ ટકા હિસ્સામાં અન્ય મ્યુઝિક-ડિરેક્ટર આવી ગયા.
ઇન્ડસ્ટ્રીમાં આવું કરવા માટે આજે પણ કરણ જોહરને કોસવામાં આવે છે. કારણ કે એક જ ફિલ્મમાં એકથી વધારે મ્યુઝિક-ડિરેક્ટર વાપરવાનો શિરસ્તો આ જ ફિલ્મથી પડ્યો અને પછી તો જાણે એ પ્રથા પડી ગઈ હોય એમ દરેક ફિલ્મમાં બેથી ચાર મ્યુઝિક-ડિરેક્ટર દેખાવાનું શરૂ થઈ ગયું. ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મે મ્યુઝિક-ડિરેક્ટરની મોનોપૉલી તોડવાનું કામ કર્યું અને એને લીધે આજે પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના જૂના લોકો કરણ જોહરને રીતસરની ગાળો ભાંડે છે, પણ આપણી વાત એ દિશાની નથી, આપણે તો એ જાણવું છે કે એવું તે શું બન્યું કે કરણ જોહરે પોતાની હિટ ટીમને શું કામ તોડી?
બન્યું એમાં એવું કે ‘કભી ખુશી કભી ગમ’ના મ્યુઝિક માટે જતિન-લલિત જ ફાઇનલ હતા અને એ લોકોએ કામ પણ શરૂ કરી દીધું હતું. ફિલ્મમાં ટાઇટલ-સૉન્ગ સૌથી પહેલાં આવે છે, જેનું કામ ઑલરેડી પૂરું થઈ ગયું અને એ પછી એ બન્નેએ કામ શરૂ કર્યું. ફિલ્મમાં આવતાં એવાં બે સૉન્ગ પર કામ કરવાનું હતું, જે ગ્રૅન્ડ લેવલ પર તૈયાર કરવાનાં હતાં. એ સૉન્ગમાં પાંચથી છ સિંગર લાવવાના હતા તો સાથોસાથ એ સૉન્ગમાં ફિલ્મ સાથે જોડાયેલા મોટા ભાગના કલાકારોને પણ સ્ક્રીન પર લાવવાના હતા. એ બે સૉન્ગ એટલે ‘સે સાવા સાવા...’ અને બીજું સૉન્ગ ‘બોલે ચુડિયાં...’ આ જે બીજું સૉન્ગ છે એમાં તો બધેબધા કલાકારો સાથે પર્ફોર્મ કરે છે એટલે જતિન-લલિતે એ સૉન્ગ પર પહેલાં કામ શરૂ કર્યું. ફિલ્મના લિરિક્સ સમીરે જ લખવાના હતા, પણ આપણે જે સૉન્ગની વાત કરીએ છીએ એનું મુખડું સમીરે નહોતું લખ્યું, એ મુખડું જતિન-લલિતને પામેલા ચોપડાએ એટલે કે આદિત્ય ચોપડાની મમ્મીએ આપ્યું હતું.
બોલે ચુડિયાં, બોલે કંગના
હાય મૈં હો ગઈ તેરી સાજણા
તેરે બિન જિયો નય્યો લગદા
મૈં તે મર ગઈયા...
આ મુખડા પર સમીરે આગળના અંતરા લખ્યા અને જતિન-લલિતે મ્યુઝિક તૈયાર કર્યું. એકેક લાઇન સાથે ગીતના શબ્દોમાં લાગણીઓ બદલાય અને બદલાતી એ લાગણી સાથે સિંગર પણ ચેન્જ થાય એવી કરણ જોહરની ઇચ્છા હતી. જતિન-લલિતે ગાયકોની ફોજ ઊભી કરી દીધી. અલ્કા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ, સોનુ નિગમ, ઉદિત નારાયણ અને અમિતકુમાર સિંગર તરીકે આવ્યાં તો સવાબસ્સોથી વધારે મ્યુઝિક-પ્લેયર્સ આવ્યા. લલિત પંડિતે કહ્યું હતું કે ‘જે પ્રકારનો આખો માહોલ હતો એ જોતાં કોઈ પણ હેબતાઈ જાય. જે દિવસે અમે આ સૉન્ગ રેકૉર્ડ કર્યું એ દિવસે ૩૦૦ લોકો માટે ફૂડનો ઑર્ડર આપવામાં આવ્યો હતો અને આ એક સૉન્ગને કારણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઑલમોસ્ટ ૧૨ ગીતોનું રેકૉર્ડિંગ અટકી ગયું હતું, કારણ કે મેઇન કહેવાય એ બધા સિંગર અમારે ત્યાં હતા.’
આ ગીતના રેકૉર્ડિંગમાં યશ ચોપડા પણ હાજર રહ્યા હતા તો સેકન્ડ હાફમાં આદિત્ય ચોપડા પણ આવ્યો હતો. ‘કભી ખુશી કભી ગમ’ની આ હવા હતી. કેટલાક તો એવું પણ માનતા હતા કે કરણ જોહરે જે પ્રોજેક્ટ હાથમાં લીધો છે એ ક્યારેય પૂરો જ નહીં થાય. ચાન્સિસ પણ એવા હતા. હૃતિક રોશનની માર્કેટ સાવ નવી જ રીતે ખૂલી ગઈ હતી તો કરીના કપૂર પણ અચાનક જ ડિમાન્ડમાં આવી ગઈ હતી. શાહરુખ અને અમિતાભ બચ્ચન તો એવરગ્રીન હતા જ. આ ઉપરાંત જો કોઈ એકનો ઈગો ઇશ્યુ આવ્યો તો આખી ફિલ્મ લટકી પડે, પણ કરણ જોહરને ખાતરી હતી કે એવું નહીં થાય અને કરણનો આ કૉન્ફિડન્સ હંમેશાં જીત્યો છે. તેણે દરેક વખતે નવા-નવા અખતરા કર્યા છે અને એ અખતરા પાર પણ પડ્યા છે. તમે જુઓ, ધર્મા પ્રોડક્શન્સમાં બનેલી ‘કલંક’માં કરણ સંજય દત્ત અને માધુરી દીક્ષિતને સાથે લાવ્યો. એક સમયનાં એવાં બે પ્રેમીઓને, જે બન્નેએ બ્રેકઅપ પછી એકબીજાની સામે જોયું પણ નહોતું. અરે, એકબીજાના ઘરમાં પણ નામ લેવાની મનાઈ હતી અને એ પછી પણ કરણ જોહરે એ કરી દેખાડ્યું.
‘કભી ખુશી કભી ગમ’માં જતિન-લલિત પાસે કેમ ત્રણ જ સૉન્ગ કરાવીને કરણ જોહરે બીજાં ગીતો આદેશ શ્રીવાસ્તવ અને સંદેશ સાંડિયાલને સોંપી દીધાં એ ટૉપિક આપણો હજી અધૂરો છે, જેની ચર્ચા હવે આપણે કરીશું આવતા શુક્રવારે...

