‘RRR’ના આ સૉન્ગે ઑસ્કર તો હવે મેળવી લીધો છે, પણ શું તમને ખબર છે કે આ સૉન્ગ તૈયાર કરતી વખતે જુનિયર એનટીઆર અને રામ ચરણ એટલી હદે ફ્રસ્ટ્રેટ હતા કે બન્ને રીતસર ફિલ્મ છોડવાનું વિચારવા માંડ્યા હતા!
કાનસેન કનેક્શન
જુનિયર એનટીઆર અને રામચરણ એસ. એસ. રાજામૌલીની ફિલ્મ RRRના `નાટું નાટું` ગીતમાં
‘જો તમારે ફિલ્મ છોડવી હોય તો હું આ ફિલ્મ અત્યારે જ બંધ કરી દઈશ અને એ પછી કદાચ હું ક્યારેય ફિલ્મ નહીં બનાવું...’ રાજામૌલીના આ શબ્દોએ બન્ને હીરોના મનમાં નવી એનર્જી ભરી દીધી અને બન્ને ફરીથી કામ પર લાગી ગયા.
‘બૈલ જૈસા ધુલ ઉડાકે
શિંગ ઉઠાકે તુમ ભી નાચો
બાજે જમકે તાલ ઢોલ
બેટા રાજુ ઉડકે નાચે...’
ADVERTISEMENT
આ શબ્દો ‘RRR’ના ‘નાટુ, નાટુ...’ સૉન્ગના હિન્દી ડબ વર્ઝનના છે, પણ તામિલ વર્ઝન કોઈને સમજાશે નહીં એટલે આપણે હિન્દી લિરિક્સનો ઉપયોગ કરવાના છીએ, પણ મહત્ત્વનું એ છે કે એનાથી આ સૉન્ગની જે ભવ્યતા છે એ જરા પણ ઓછી થવાની નથી. મ્યુઝિક ડિરેક્ટર એમ. એમ. કીરાવાણી અને લિરિસિસ્ટ ચંદ્રબોઝે આ સૉન્ગ તૈયાર કર્યું અને તમે માનશો નહીં, પણ હકીકત છે કે આ સૉન્ગ તૈયાર થયું ત્યારથી બધાને ખાતરી હતી કે આ ગીત તહેલકો મચાવી દેશે. ઑસ્કર મેળવ્યા પછી બધા આ ગીત વિશે વાત કરવા માંડ્યા છે તો સાથોસાથ અમુક લોકોએ એના મેકિંગ વિશે પણ વાત કરી છે એટલે આપણે એવી કોઈ વાત રિપીટ નથી કરવાના, જે અગાઉ તમારી આંખો સામે આવી ગઈ હોય. આપણે એ જ વાત કરીશું, જે તમારા માટે નવી હોય, ઓરિજિનલ હોય.
આ સૉન્ગનું હિન્દી વર્ઝન રિયા મુખરજીએ લખ્યું છે. ફૉર્ચ્યુનેટલી રિયા મુખરજી એ જ કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ હતાં, જે કંપનીમાં હું વર્ષો સુધી રેડિયોજૉકી રહ્યો. ઍનીવેઝ, ફરીથી વાત કરીએ આપણે ‘RRR’ની.
‘RRR’ના આ સૉન્ગનું મ્યુઝિક કમ્પોઝ કરવાનું કામ ચાલુ હતું ત્યારે એક વાત ક્લિયર હતી કે આ સૉન્ગ એવું હશે જેમાં એનર્જી હોય, તાકાત હોય અને ભારોભાર ઉત્સાહ હોય. આ સૉન્ગ માટે રાજામૌલીએ જે બ્રીફ આપી હતી એ બ્રીફ મ્યુઝિક-ડિરેક્ટર કીરાવાણી પાસેથી સાંભળવાની જરૂર છે. રાજામૌલીએ કીરાવાણી સરને કહ્યું કે ‘આગ અને પાણી બન્ને પોતાના જોર પર છે. બેમાંથી એક પણ શાંત પડવા તૈયાર નથી અને એ બન્ને એકબીજાને ઓછાં પણ ઊતરતાં દેખાડતાં નથી. પાણી કે આગ વિના ચાલે નહીં એ વાત આ સૉન્ગના મ્યુઝિક અને એના લિરિક્સમાં દેખાવી જોઈએ.’
સૉન્ગ બન્યું પણ એવું જ અને એના લિરિક્સ પણ એવા જ લખાયા.
‘તીરોં સે ભી તેજ કોઈ
કર સકે જો ભેદ નાચો
અસ્તબલ મેં ઘોડે જૈસે
ભાગ દોર છોડ નાચો
મિટ્ટી જોટા રોટ નાચો
મિર્ચી ખાકે ઐસે નાચો...’
બસ, બધું ભૂલીને નાચો, મન મૂકીને નાચો, ગમે તો પણ નાચો અને ન ગમે તો પણ નાચો. એવી રીતે નાચો જાણે વર્ષોથી તબેલામાં બંધાયેલા રહેલા ઘોડાને છૂટો મૂકવામાં આવ્યો હોય. એવી રીતે નાચો, જાણે ચાકડા પર માટી મૂકી હોય અને ચાકડો ગતિશીલ બન્યો હોય. એવી રીતે નાચો જાણે તીખી મિર્ચી ખાધી હોય. બસ, નાચો, નાચો, નાચો... નાચવાની વાત છે અને એ પણ મન મૂકીને નાચવાની વાત છે.
સૉન્ગ તૈયાર થવામાં ઑલમોસ્ટ દોઢ મહિનો નીકળી ગયો અને ત્યાં સુધીમાં ફિલ્મનું શૂટ આગળ વધી ગયું હતું એટલે રાજામૌલીએ નક્કી કર્યું કે આ ગીતને આપણે મોડેથી શૂટ કરીશું. આ સૉન્ગ શૂટ છેક ત્યારે થયું જ્યારે ઑલમોસ્ટ ૭૫ ટકા ફિલ્મ બની ગઈ હતી. આ સૉન્ગ હૈદરાબાદમાં શૂટ કરવામાં નથી આવ્યું, એ યુક્રેનમાં શૂટ કરવામાં આવ્યું છે અને યુક્રેનમાં પણ જેવીતેવી જગ્યાએ એ શૂટ નથી થયું. ગીતમાં બન્ને હીરોની પાછળ જે ઇમારત દેખાય છે એ વાઇટ બિલ્ડિંગ યુક્રેનનું રાષ્ટ્રપતિ ભવન છે, જેની બિલકુલ બાજુમાં જ સંસદભવન છે. આ સૉન્ગ શૂટ કરવા માટે પરમિશન ખુદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આપી હતી અને તેઓ પોતે એક દિવસ શૂટ જોવા પણ આવ્યા હતા. ફિલ્મની ક્રેડિટ જોશો તો તમને એમાં ઝેલેન્સ્કીનું નામ પણ જોવા મળશે.
એક ગીતનું સામાન્ય રીતે બેથી ત્રણ દિવસ શૂટિંગ ચાલે અને બહુ-બહુ તો પાંચ દિવસ શૂટ ચાલે, પણ ‘નાટુ નાટુ’ સૉન્ગનું શૂટિંગ એકધારું ૨૦ દિવસ સુધી ચાલ્યું હતું, જેને માટે ઇન્ડિયાથી ૧૨૦ લોકોનો સ્ટાફ લઈ જવાયો હતો. કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતને પણ જ્યારે આ સૉન્ગ આપવામાં આવ્યું ત્યારે તેમની પાસે રાજામૌલીએ એક જ વાત કહી હતી, ‘એક વાત યાદ રહે, મારા બન્ને હીરો સુપરસ્ટાર છે. એ બેમાંથી કોઈ પણ ઓછો ઊતરવો ન જોઈએ અને કોઈ વધારે પાવરફુલ ન દેખાવો જોઈએ.’
પ્રેમ રક્ષિતે જે કોરિયોગ્રાફી ઊભી કરી હતી એ એવી કે રિહર્સલ્સના શરૂઆતના ત્રણ-ચાર દિવસ તો જુનિયર એનટીઆર અને રામ ચરણ બન્ને પોતે જ એકબીજાને ઈજા પહોંચાડતા હતા. કાં તો સ્ટેપ કરવા જતાં તેઓ પડે અને કાં તો સાથે ડાન્સ કરતા હોય ત્યારે ભૂલથી એકબીજાને મારી બેસે. રામ ચરણે કહ્યું હતું કે ‘અમને એવું થતું કે અમે ક્યાં આ ફિલ્મ સાઇન કરી લીધી. અમને જરા પણ એવું નહોતું થયું કે ચાલો, આટલી તકલીફ વધારે ભોગવી લઈએ. એક દિવસ તો મેં નક્કી પણ કર્યું કે કાં તો ડિરેક્ટર રાજામૌલીને કહીને એની કોરિયોગ્રાફી ચેન્જ કરાવું અને કાં તો હું ફિલ્મ છોડી દઉં. જુનિયર એનટીઆર પણ એ કરવા રેડી હતો. અમે જઈને રાજામૌલીને વાત કરી ત્યારે તેમણે એક જ વાક્ય કહ્યું, જેને લીધે અમે ફિલ્મ છોડવાનું ભૂલીને અમારા કામ પર લાગી ગયા.’
‘જો તમારે ફિલ્મ છોડવી હોય તો હું આ ફિલ્મ અત્યારે જ બંધ કરી દઈશ અને એ પછી કદાચ હું ક્યારેય ફિલ્મ નહીં બનાવું...’
રાજામૌલીના આ શબ્દોએ બન્ને હીરોના મનમાં નવી એનર્જી ભરી દીધી અને એના આધારે બન્ને ફરીથી કામે લાગી ગયા, જે હિસ્ટરી છેક ઑસ્કર સુધી પહોંચી. ઑસ્કરની વાત નીકળી છે તો કહીશ કે ‘RRR’ માટે આપણે ખરેખર ગર્વ લેવો જોઈએ, કારણ કે આ ફિલ્મ ખરા અર્થમાં ભારતીય ફિલ્મ છે. અગાઉ ‘સ્લમડૉગ મિલ્યનેર’ માટે એ. આર. રહમાન અને ગીતકાર ગુલઝારને ‘જય હો...’ સૉન્ગ માટે ઑસ્કર મળ્યો હતો તો બેસ્ટ મ્યુઝિક અરેન્જમેન્ટ માટે રસૂલ પુકુટ્ટીને પણ ઑસ્કર આપવામાં આવ્યો હતો, પણ ઓરિજિનલી એ ફિલ્મ ઇન્ડિયન ફિલ્મ નહોતી. એ બ્રિટિશ ફિલ્મ હતી. એની સ્ટોરી ઇન્ડિયન રાઇટરે લખી હતી અને એનું બૅકડ્રૉપ ઇન્ડિયન હતું એટલે એમાં ઍક્ટર અને લોકેશન ઇન્ડિયન હતાં, પણ ફિલ્મ બ્રિટિશ હતી તો ‘ગાંધી’ માટે બેસ્ટ કૉસ્ચ્યુમનો ઑસ્કર અવૉર્ડ ભાનુ અથૈયાને મળ્યો, પણ આ ‘ગાંધી’ પણ બ્રિટિશ ફિલ્મ હતી. ઇન્ડિયન ફિલ્મ તરીકે આપણે ત્યાંથી અગાઉ ‘મધર ઇન્ડિયા’ અને ‘લગાન’ જેવી ફિલ્મો ઑસ્કરમાં ગઈ હતી, પણ એ ઑસ્કર નહોતી લાવી શકી, જે આ વખતે ‘RRR’ અને ડૉક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ લાવી. આ ખરા અર્થમાં ઇન્ડિયન જીત છે અને આ ઇન્ડિયન જીત માટે આપણને વધારે આનંદ થવો જોઈએ. અફકોર્સ, અગાઉ મળેલા ઑસ્કર માટે પણ આપણે ખુશ છીએ જ પણ આ વખતે, પેલી કહેવત જેવું થયું છે, ‘મામાના ઘરે મા પીરસવામાં...’
દેખો દિલ કા યે મેલા
યારા અપને સાથ નાચો
એડિયોં કે જોરો પેં
ધૂમ ધડાકા દેશી નાચો
વો પસીના માથે કા
ચમકે દમકે ઐસે નાચો
બસ, નાચો... નાચો, નાચો નાચો નાચો નાચો...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)