Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કાશ્મીર, શમ્મી કપૂર, ગુજરાતી કપલ અને હનીમૂન

કાશ્મીર, શમ્મી કપૂર, ગુજરાતી કપલ અને હનીમૂન

04 November, 2022 04:41 PM IST | Mumbai
RJ Dhvanit Thaker

વાત કાશ્મીરની આવે એટલે આંખ સામે સફરજન, અખરોટ, કેસર, બદામ, શિકારા, ચિનાર અને બીજું ઘણું બધું આવી જાય, પણ મારી વાત કરું તો મારી આંખ સામે કાશ્મીર આવે એટલે તરત જ બરફ આવી જાય

શર્મિલા ટાગોર અને શમ્મી કપૂર

કાનસેન કનેક્શન

શર્મિલા ટાગોર અને શમ્મી કપૂર


આન્ટીએ કાશ્મીરી ડ્રેસ પહેર્યો હોય, ગાલ પર બે હાથ મૂક્યા હોય, માથે ટોપી હોય અને કાશ્મીર લેડી તરીકે ફોટો પડાવ્યો હોય. ત્યારે ફોટો પડાવતી વખતે બધાને એમ જ થાય કે આપણે શર્મિલા ટાગોર અને શમ્મી કપૂર જ છીએ.

કાશ્મીર એટલે બરફ. કાશ્મીર એટલે ચિનાર. કાશ્મીર એટલે સૌંદર્ય. કાશ્મીર એટલે ડર. કે પછી મનમાં જન્મતો જતો નવો ડર?



હમણાં મુંબઈ હતો ત્યારે અનાયાસ જ રવિવારનું ‘મિડ-ડે’ હાથમાં આવી ગયું. છે મારી પાસે ‘મિડ-ડે’ના ઈ-પેપરનું સબસ્ક્રિપ્શન, પણ સાચું કહું તો હું ઇન્ટરનેટ અને એ બધાથી બહુ દૂર થઈ ગયો છું. હવે મને સોશ્યલ મીડિયાથી માંડીને ઇન્ટરનેટ અને ગૂગલ અને ન્યુઝ અને સોશ્યલાઇઝ્‍ડ રહેવું ગમતું નથી. શું કામ મારો મૂડ આ પ્રકારે ચેન્જ થયો છે એની વાત આપણે ભવિષ્યમાં કરીશું, ત્યારે જ્યારે હું આ કૉલમને પૂર્ણાહુતિ તરફ લઈ જતો હોઈશ, પણ અત્યારે આપણે વાત કરવાની છે કાશ્મીર અને ‘મિડ-ડે’ની, વાત કરવાની છે ‘મિડ-ડે’ અને એને લીધે મારા મનમાં આવી ગયેલાં કેટલાંક ગીતોની.


મુંબઈમાં હતો એ દિવસ રવિવાર હતો અને સાવ જ અનાયાસ મારા હાથમાં રવિવારનું ‘મિડ-ડે’ આવી ગયું, જેમાં રુચિતા શાહનો કાશ્મીરનો આર્ટિકલ હતો. બહુ સરસ આર્ટિકલ હતો એ, પણ આપણે એ આર્ટિકલનું માર્કેટિંગ અત્યારે નથી કરવું. આપણે વાત કરવી છે કાશ્મીરની, જે વાતો એ આર્ટિકલને કારણે માનસપટ પર આવી ગઈ. જોકે એ દિવસોમાં કિશોરકુમારના સૉન્ગની વાત ચાલતી હતી એટલે વાત મગજમાંથી નીકળી ગઈ, પણ એ પછી અચાનક જ મને કાશ્મીરનો એ જ આર્ટિકલ બીજા એક મિત્રએ મેઇલ કરીને વાંચવા મોકલ્યો અને પેલી મગજમાંથી નીકળી ગયેલી વાતો ફરી તાજી થઈ ગઈ. તાજી થયેલી એ વાતો સાથે કાશ્મીર પણ તાજું થઈ ગયું.

કાશ્મીર. સફરજન, અખરોટ, બદામ, કેસર, શિકારા, કશ્મીરી તહેઝિબમાં બોલતા કાશ્મીરીઓ અને બરફ. કોણ એવું હશે જેણે જીવનમાં ક્યારેય બરફ નહીં ખાધો હોય? 


કદાચ એક પણ નહીં. હા, બરફ વિનાનું બાળપણ હોય જ નહીં. ભારતની ૧૫૦ કરોડની વસ્તીમાં ગરીબમાં ગરીબ માણસે પણ બરફ તો ખાધો જ હોય, કોઈ એવું ન હોય જેણે બરફ ન ખાધો હોય. રેલવે-સ્ટેશન કે બસ-સ્ટેશન પર ઠંડું બરફવાળું પાણી પીધું જ હોય અને બરફનો ગોળો પણ ખાધો જ હોય. બરફ વિનાનું જીવન તમે ક્યારેય વિચાર્યું છે ખરું? એક વખત વિચાર કરજો. આજે તો ફ્રિજને કારણે બરફ સહેલાઈથી મળે છે, પણ જો તમે તમારા નાનપણના દિવસોને યાદ કરશો તો યાદ આવશે કે બરફ વેચાતો લેવા જવાતું. 

૫૦ પૈસાનો કિલો બરફ આવતો અને સાઇકલની પાછળ આવતા કૅરિયરમાં એ બરફને ફિટ કરીને ઘરે લઈ આવવાનો. જો સાઇકલ ન હોય તો રૂમાલમાં બાંધીને કે પછી થેલીમાં લઈ આવવાનો. બરફ ઘરે આવે ત્યારે આપણે કેવા રાજી થઈ જતા? હવે રાજીપો ક્યાં ગયો? હવે તો બરફ આંખની સામે પડ્યો છે, ફ્રિજનું ડોર ખોલો અને બરફ હાજર, પણ એ ખુશી નથી, જે ખુશી નાનપણમાં ૫૦ પૈસાનો બરફ લાવીને થતી હતી. એ જે ખુશી હતી એ ખુશી અભાવની હતી. ચીજવસ્તુ ન હોય ત્યારે એ મેળવ્યાનો જે આનંદ હોય છે એ આનંદ, એ સમયે બાષ્પીભવન થઈ જાય જે સમયે તમારી પાસે એની ઉપલબ્ધિ થઈ જાય. જો ફ્રિજ ન આવ્યાં હોત તો આજે પણ આપણને એ બરફ ખુશ કરી જતો હોત. જરા વિચારો એ સમય, જે સમયે ફ્રિજ નહોતાં.
એવો સમય આપણે ત્યાં હતો જ, માત્ર એ સમયને વધારે તીવ્રતાથી જોતા જવાનો છે. જરા વિચારો કે રાજા-મહારાજાના જમાનામાં શું થતું હશે, જ્યારે એસી નહોતાં, કૂલર નહોતાં, ફ્રિજ નહોતાં. એ સમયે બરફ ખાવાનું મન થાય તો લોકો શું કરતા હશે? બાદશાહો અને રાજા-મહારાજાઓ મદિરાપાન કેવી રીતે કરતા હશે. ગરમાગરમ, સીધું જ બૉટલમાંથી કે પછી પાણીમાં બૉટલ પલાળીને રૂમ-ટેમ્પરેચર પર મદિરા લાવીને એનું સેવન કરવામાં આવતું હશે? ના, આ બેમાંથી કાંઈ નહીં. 

કહે છે કે જહાંગીર માટે બરફ છેક કાશ્મીરથી આવતો. એ વખતે તો થરમૉસ પણ નહોતાં તો પછી કેવી રીતે લાવતા હશે એ લોકો બરફ? 

જો આ સવાલ તમારા મનમાં આવે તો કહી દઉં, કહેવાય છે કે બરફને એકદમ ટાઇટ બૉક્સમાં ફિટ કરી દેવામાં આવતો. એવું બૉક્સ હતું જેમાં હવાની એક બુંદ પણ ન જાય અને એ બૉક્સના આધારે જ થરમૉસની શોધ થઈ. થરમૉસ પહેલાં થર્મોકોલનાં બૉક્સ આવતાં. મેં એ બૉક્સ જોયું છે, જેમાં બરફ રાખવામાં આવતો. એ બૉક્સ તૂટી જાય તો થર્મોકોલના ટુકડાને દીવાલ પર ઘસી એમાંથી થર્મોકોલના પેલા ઝીણા ટુકડા ઉડાડવાનો આનંદ અદ્ભુત હતો. મનમાં થતું કે કાશ, આ બૉક્સ તૂટી જાય અને આપણને એ ટુકડા રમવા મળે. ઍનીવેઝ, બરફની વાત પર પાછા આવી જઈએ.

જહાંગીરે કાશ્મીરથી બરફ લાવવાની ટ્રેડિશન શરૂ કરી. આ જ જહાંગીરે શાલિમાર બાગ બનાવેલો ૧૬૧૯માં કાશ્મીરમાં. આ શાલિમાર બાગ અત્યારે પણ કાશ્મીરમાં છે અને અનેક ફિલ્મોમાં પણ એ જોવા મળ્યો છે. બૉલીવુડના ૭૦-૮૦ના દસકામાં તો શૂટિંગ કરવા કાશ્મીર જવાનું બને એટલે શાલિમાર બાગમાં જ ફિલ્મ શૂટ થાય. એકાદ ગીત ત્યાં શૂટ થયું જ હોય.

બૉલીવુડ પરથી યાદ આવ્યા શમ્મી કપૂર. 

શમ્મી કપૂર અને કાશ્મીર, ડેડલી કૉમ્બિનેશન, 

‘યે ચાંદ સા રોશન ચેહરા, ઝુલ્ફોં કા રંગ સુનહરા
યે ઝીલ સી નીલી આંખેં, કોઈ રાઝ હૈ ઉનમેં ગહરા
તારીફ કરું ક્યા ઉસકી, જીસને તુમ્હેં બનાયા...’

આ સૉન્ગમાં તો પેલા લેકની અંદર, દલ લેકમાં, શિકારામાં ડાન્સ કરતાં-કરતાં શમ્મી કપૂરનું બૅલૅન્સ કેવી રીતે રહ્યું હશે એનો મને હંમેશાં વિચાર આવ્યો છે. 
આપણાં મમ્મી-પપ્પાની જનરેશન એ જનરેશન છે જે લોકોએ હનીમૂન કાશ્મીરમાં કર્યું હોય. ૧૦માંથી ૮ અરેન્જ્‍ડ મૅરેજવાળું કપલ કાશ્મીર ગયું જ હોય. એ લોકોના હનીમૂનના ફોટોગ્રાફ જોતાં જ એમ થાય કે યાર, આ જગ્યાનાં શું વખાણ કરીએ?

બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો અને એ પછી પણ એમાંથી ખૂબસૂરતી સતત ઝળક્યા કરે. મોટા ભાગનાં ગુજરાતી કપલની આ જ મેમરી હોય. આન્ટીએ કાશ્મીરી ડ્રેસ પહેર્યો હોય, ગાલ પર બે હાથ મૂક્યા હોય, માથે ટોપી હોય અને કાશ્મીરી લેડી તરીકે ફોટો પડાવ્યો હોય. એ વખતે ફોટો પડાવતી વખતે બધાને એમ જ થાય કે આપણે શર્મિલા ટાગોર અને શમ્મી કપૂર જ છીએ. પછી તો એ કપલ પોતાનાં બાળકોને પણ વેકેશનમાં લઈ જતાં થયાં અને એ બાળકોના પણ, ખાસ તો દીકરીઓના ફોટો પણ એવી રીતે લેતાં થયાં. આ જે યાદી છે એ યાદીમાં સુખ છે અને આપણે એ જ સુખની તલાશમાં આજે દુનિયાભરમાં ભટકીએ છીએ. શિકારામાં બેઠા હોઈએ, આપણે જ આપણને ન ઓળખીએ એવો લુક હોય અને એ શિકારા પર ફૂલની ટોકરી પડી હોય.

બહુ ઓછા લોકોને ખબર છે કે આજે જે મ્યુઝિકલ ઇન્ટસ્ટ્રુમેન્ટ્સ ગીતમાં વાગે છે એ સંતૂર કાશ્મીરનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. હા, એક સમય હતો કે એકેક કાશ્મીરી આ સંતૂર વગાડી જાણતો. કાશ્મીરનાં એ ઊંચાં ઝાડ અને એનાથી પણ ઊંચા પર્વતો અને એની વચ્ચે વાગતું સંતૂર. તમને સ્વર્ગ સિવાય કશું યાદ ન આવે.

શાયર રિફત સરોશે બહુ સરસ શબ્દોમાં કાશ્મીરને વર્ણવ્યું છે,

‘કાશ્મીર હિમાલય કા ધડકતા દિલ હૈ, 
ઇસ વાદી કા હર ફૂલ મહકતા હુઆ દિલ હૈ
ઇસ વાદી કે તરીકે ઉખુવત કે ફસાના,
ઇસ વાદીના હર નગ્મા મોહબ્બત કા તરાના,
યે વાદી એ ગુલ આજ ભી ગુલઝાર-એ-ઇરમ હૈ  
ઇસ વાદી કા હર ફૂલ બહારોં કે સનમ હૈ...’

કાશ્મીરની વધારે વાતો આવતા શુક્રવારે કરીશું, પણ જતાં પહેલાં કહી દઉં કે ઉખુવત એટલે ભાઈચારો.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2022 04:41 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK