Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અનંત અંબાણીનાં પ્રી-વેડિંગ ફંક્શન્સ જ્યાં હતાં એ રિલાયન્સ ટાઉનશિપ કેવી છે?

અનંત અંબાણીનાં પ્રી-વેડિંગ ફંક્શન્સ જ્યાં હતાં એ રિલાયન્સ ટાઉનશિપ કેવી છે?

Published : 10 March, 2024 08:45 AM | IST | Jamnagar
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ફંક્શન માટે જામનગર આવેલી સેલિબ્રિટીઝ રિલાયન્સની જે ટાઉનશિપ જોઈને આફરીન પોકારી ગઈ એ ખરા અર્થમાં રિલાયન્સના અદ્‍ભુત મૅનેજમેન્ટનું પરિણામ છે

જામનગરની હાઉસિંગ કૉલોની રિલાયન્સ ગ્રીન્સ

જામનગરની હાઉસિંગ કૉલોની રિલાયન્સ ગ્રીન્સ


આવી ટાઉનશિપમાં રહેવાનું કોને મન ન થાય? : જામનગરની આ હાઉસિંગ કૉલોનીનું નામ છે રિલાયન્સ ગ્રીન્સ, જ્યાં યોજાયાં હતાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રી-વેડિંગ ફંક્શન્સ. અજાયબી જેવી નગરી વિશે જાણો અથથી ઇતિ...

‘અમેઝિંગ...’



જામનગર છોડતી વખતે ઍરપોર્ટ પહોંચેલા માર્ક ઝકરબર્ગે ત્યાં હાજર રહેલી ન્યુઝ-ચૅનલો અને પ્રિન્ટ-મીડિયાના પ્રતિ​નિધિઓ સાંભળે એ રીતે રાડ પાડીને કહ્યું હતું. નૅચરલી, પત્રકારોને સોશ્યલ મીડિયાના આ શહેનશાહની બાઇટ મળે તો તેઓ રાજી થઈ જાય, પણ માર્કભાઈ કંઈ ઑફિશ્યલ બાઇટ આપી નહોતા રહ્યા. તે તો જામનગર શહેર પર ઓવારી ગયા હતા. જોકે હકીકત જુદી હતી. માર્ક ઝકરબર્ગે જે જોયું હતું એ જામનગર શહેર નહીં પણ જામનગર શહેરથી ૧૪ કિલોમીટર દૂર આવેલી ​રિલાયન્સ ગ્રીન્સ નામની ​રિલાયન્સ કંપનીની ટાઉનશિપ હતી અને તેણે આ ટાઉનશિપને શહેર ધાર્યું હતું. માર્ક ઝકરબર્ગ જ શું કામ, જામનગર શહેરમાં ઊતરી પડેલી તમામેતમામ સેલિબ્રિટીઝની એ જ હાલત હતી. બધા અત્યારે જામનગર પર આફરીન છે. દેશનું શ્રેષ્ઠ શહેર જામનગર હોય એવું તેમને લાગે છે અને લાગે પણ શું કામ નહીં? નીતા મુકેશ અંબાણીની સીધી ​નિગરાની હેઠળ ​રિલાયન્સ ગ્રીન્સ આખી ઊભી થઈ છે. એ માટે નીતા અંબાણીએ મહિનાઓ સુધી મુંબઈ-જામનગરના રીતસર ધોડા કર્યા હતા, દુનિયાનાં અનેક બેસ્ટ શહેરોનો સ્ટડી કર્યો હતો, અનેક વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ સાથે લમણાફોડી કરી હતી અને એ પછી આજની આ ​રિલાયન્સ ગ્રીન્સ નામની ટાઉનશિપ ઊભી થઈ છે. જેના પ્રી-વેડિંગનું ત્રણ દિવસનું ફંક્‍શન આ ટાઉનશિપમાં રાખવામાં આવ્યું હતું તે અનંત અંબાણી પણ એક ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યો છે કે આ ટાઉનશિપ બનતી હતી ત્યારે હું એકાદ-બે વર્ષનો માંડ હતો, મને ઘરે મૂકીને મમ્મી સવારે ટાઉનશિપના કામ માટે આવે અને સાંજે ફરી પાછી મારી પાસે મુંબઈ આવે.


મોસ્ટ વેલકમ. રિલાયન્સ ​રિફાઇનરીની એક્ઝૅક્ટ સામે આવેલી રિલાયન્સ ગ્રીન્સમાં દાખલ થતાં જ સામે જાયન્ટ સાઇઝનો ફાઉન્ટન મહેમાનનું સ્વાગત કરે છે


શું છે આ ​રિલાયન્સ ગ્રીન્સ?

દરેક મોટી કંપની જ્યારે પણ શહેરથી દૂર પોતાની ફૅક્ટરી કે પ્લાન્ટ બનાવે ત્યારે એ ફૅક્ટરી કે પ્લાન્ટની આજુબાજુમાં પોતાની ટાઉનશિપ બનાવે, જેથી ફૅક્ટરીમાં કામ કરવા આવનારા વર્કર્સને સરળતાથી રહેવા ઘર મળી રહે અને એ લોકો કામ કરી શકે. ભારતની અનેક કંપનીઓની પોતાની આ પ્રકારની ટાઉનશિપ છે જ, પણ એ બધામાં રિલાયન્સ ગ્રીન્સ શિરમોર છે. આગળ કહ્યું એમ રિલાયન્સ રિફાઇનરી માટે બનાવવામાં આવેલી આ ટાઉનશિપને કંપનીએ ​રિલાયન્સ ગ્રીન્સ નામ આપ્યું છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ​રિલાયન્સની આ ટાઉનશિપની ૭૦ ટકા જગ્યામાં હરિયાળી રાખવામાં આવી છે.

​રિફાઇનરીની સાથે જ ટાઉનશિપનું કામ પણ શરૂ થયું હતું. ૧૯૯૬થી ૧૯૯૯ના સમયગાળા દરમ્યાન અંદાજે ૪૦૦ એકરમાં ટાઉનશિપ ડેવલપ થઈ તો ૨૦૦૬ પછી આ જ ટાઉનશિપની સાથે જોડાયેલી અન્ય અંદાજિત ૩પ૦ એકર જમીન પર ટાઉનશિપ આગળ વધારવામાં આવી.

ટાઉનશિપ કે યુરોપિયન સિટી?

​રિલાયન્સ ગ્રીન્સને ટાઉનશિપ કહેવી એ હકીકતમાં તો અંબાણી ફૅમિલીનું અપમાન કરવા સમાન છે, કારણ કે સામાન્ય ટાઉનશિપથી હજારોગણી ચડિયાતી એવી આ ​રિલાયન્સ ગ્રીન્સ છે. એ જુઓ તો તમને કોઈ પણ યુરોપિયન સિટી યાદ આવી જાય. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે અનંત અંબાણીના પ્રી-વેડિંગનું ત્રણ દિવસનું જે ફંક્શન જામનગરમાં કરવામાં આવ્યું એ આ ​રિલાયન્સ ગ્રીન્સમાં જ કરવામાં આવ્યું હતું તો તમામ સેલિબ્રિટીઝને આ જ ટાઉનશિપમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ઍરપોર્ટથી ગેસ્ટને સીધા ટાઉનશિપમાં લાવવામાં આવ્યા અને ત્રણ દિવસ પછી તેમને ટાઉનશિપથી જ સીધા ઍરપોર્ટ પર લઈ જવામાં આવ્યા હતા.

આ જ ટાઉનશિપ જોઈને સેલિબ્રિટીઝ જામનગરના પ્રેમમાં પડી ગઈ છે, પણ તેમનો કહેવાનો અર્થ એવો છે કે દુનિયામાં ​રિલાયન્સ ગ્રીન્સ જેવું બીજું કંઈ નથી.

ટાઉનશિપનું તમામેતમામ પ્રકારનું મૅનેજમેન્ટ ​રિલાયન્સ દ્વારા જ થાય છે. સફાઈ-કામદારોથી લઈને ટ્રાફિક મૅનેજ કરતો સ્ટાફ, ઇલેક્ટ્રિશ્યન, સિક્યૉરિટી, ગાર્ડનિંગ સંભાળતો સ્ટાફ અને એ સિવાય એક શહેરને સાચવવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બીજા જે કોઈ ડિપાર્ટમેન્ટ હોય એ બધા ડિપાર્ટમેન્ટ ​રિલાયન્સ દ્વારા બનાવવામાં આવ્યા છે અને મૅનેજ પણ એ જ કરે છે. આ ટાઉનશિપમાં કોઈ અજાણી વ્યક્તિ અંદર આવી ન શકે એવી વ્યવસ્થા પણ છે. જો તમે એમાં રહેતા હો તો તમારે સિક્યૉરિટીને પહેલેથી આવનારી વ્યક્તિનું નામ, કામ અને બીજી અન્ય વિગતો લખાવી દેવાની તો સાથોસાથ એ પણ લખાવી દેવાનું કે તેમની સાથે કેટલી વ્યક્તિઓ આવી રહી છે. એ જ વ્યક્તિ અને એટલી જ વ્યક્તિઓને ટાઉનશિપમાં પ્રવેશ મળે. અરે, ગાડીનો નંબર પણ આપી રાખવો પડે છે. આ બધી અરેન્જમેન્ટ્સ કર્મચારીઓની સિક્યૉરિટીના હેતુથી કરવામાં આવી છે.

રિલાયન્સ ગ્રીન્સના આ બર્ડ-વ્યુ પરથી સ્પષ્ટ દેખાશે કે જ્યાં-ત્યાં ઇમારતો ખડકી દેવાને બદલે પ્લાનિંગ કરીને સેક્ટર્સ ઊભાં કરવામાં આવ્યાં છે

કેવી છે અંદરની વ્યવસ્થા?

સિમ્પ્લી સુપર્બ.

​રિલાયન્સ ગ્રીન્સમાં અંદાજે ૨૦,૦૦૦થી પણ વધુ લોકો રહે છે જેઓ​રિલાયન્સના કર્મચારીઓ અને તેમના ફૅમિલી મેમ્બર્સ છે. એવું નથી કે રિફાઇનરીમાં કામ કરતા તમામ લોકોએ અહીં જ રહેવાનું હોય છે. ટાઉનશિપમાં કોણે રહેવું એ પણ કંપની દ્વારા નક્કી થાય છે. જે લોકોને સિટી સાથે પનારો વધારે પડતો હોય એવા કર્મચારીઓને ​રિલાયન્સ દ્વારા જામનગર શહેરમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. ​રિલાયન્સ ગ્રીન્સમાં ઑફિસરના ગ્રેડ મુજબના બંગલો અને ફ્લૅટ્સ છે તો સાથોસાથ એ પ્રકારના અપાર્ટમેન્ટ્સ પણ છે જે ફક્ત બૅચલર્સ કે પછી ફૅમિલી વિના આવ્યા હોય એવા કે પછી ​રિલાયન્સના જ કર્મચારી હોય પણ થોડા સમય પૂરતા આવ્યા હોય એ લોકો માટે છે.

આ પ્રકારના અપાર્ટમેન્ટ્સ પણ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. એ ટિપિકલ ફ્લૅટ નથી, પણ સર્વિસ અપાર્ટમેન્ટમાં હોય એવી સ્વીટ જેવી રૂમ હોય છે. આગળના ભાગમાં ડ્રૉઇંગરૂમ અને એક બેડરૂમ. ફુલ્લી ઇક્વિપ્ડ એવા આ હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર ચોવીસમાંથી વીસ કલાક સતત ચાલતી પૅન્ટ્રી હોય છે, જ્યાં ચા-કૉફીથી માંડીને નાસ્તાની વ્યવસ્થા રહે છે. આ લોકોના જમવા માટેની વ્યવસ્થા પણ વિશેષ રીતે ​રિલાયન્સ દ્વારા કરવામાં આવી છે અને એકદમ મામૂલી એવા ટોકન દરે થ્રી-કોર્સ લંચ અને ડિનર આપતી રેસ્ટોરાં પણ છે.

આ જે રેસ્ટોરાં છે એનું મૅનેજમેન્ટ બેસ્ટ કેટરિંગ સર્વિસ પ્રોવાઇડ કરતી કંપનીઓને આપવામાં આવ્યું છે.

રિલાયન્સ ગ્રીન્સમાં નાનાં-મોટાં તળાવો પણ બનાવવામાં આવ્યાં છે તો એ તળાવનું બ્યુટિફિકેશન પણ કરવામાં આવતું રહે છે, જેથી કર્મચારીઓના ફૅમિલી મેમ્બર માટે એ પિક​નિક-સ્પૉટ બની રહે

ફૅમિલી હોય તેમનું શું?

બાળકોના ભણવા માટે સેન્ટ્રલ બોર્ડની સ્કૂલ છે તો શૉપિંગ મૉલ પણ છે. શૉપિંગ મૉલની સાથોસાથ એક એવું મિની માર્કેટ બનાવવામાં આવ્યું છે જેમાં અન્ય વેપારીઓને પણ સ્થાન આપવામાં આવે છે. હા, બીજા વેપારીઓને તો જ સ્થાન મળે જો તેઓ પોતાની પ્રોડક્ટ્સ કે સર્વિસની અનિવાર્યતા પુરવાર કરે. ​રિલાયન્સ ગ્રીન્સમાં સિવિક સેન્ટર પણ છે તો સાથોસાથ બાળકોના વિકાસ માટે અલગ-અલગ પ્રકારની ઍક્ટિવિટી માટેનાં સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યાં છે. બીમારીની વાત મનમાં આવે એ પહેલાં કહેવાનું કે ​રિલાયન્સ ગ્રીન્સમાં ૧૦૦ બેડની મ​લ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ પણ છે જે સમયાંતરે ગ્રીન્સમાં રહેતી દરેક વ્યક્તિનું રૂટીન ચેકઅપ પણ કરતી રહે છે.

ટેનિસ લૉન, બૅડ્મિન્ટન કોર્ટ, બાસ્કેટબૉલ કોર્ટ, સ્ક્વૉશ પણ છે અને ​રિલાયન્સ ગ્રીન્સમાં ઑ​લિ​મ્પિક સાઇઝનો સ્વિમિંગ-પૂલ પણ છે. ઇન્ટરનૅશનલ સ્ટૅન્ડર્ડનું ફુટબૉલ ગ્રાઉન્ડ પણ છે અને ક્રિકેટ સ્ટેડિયમ પણ છે. ઇન્ડોર ગેમ્સ એરિયા પણ બનાવવામાં આવ્યો છે તો ફૅમિલી એન્ટરટેઇનમેન્ટ ઝોન પણ બનાવવામાં આવ્યો છે.

​રિલાયન્સ ગ્રીન્સની ચારેય દિશામાં જાયન્ટ ગાર્ડન છે તો ગ્રીન્સમાં નાનાં-મોટાં અનેક ગાર્ડન પણ છે. આ જ ​રિલાયન્સ ગ્રીન્સમાં મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને તમારી જાણ ખાતર અનંત અંબાણીના પ્રી-વેડિંગની થીમ માટે જે મંદિરો બનાવવામાં આવ્યાં હતાં એ હવે ​રિલાયન્સ ગ્રીન ટાઉનશિપને કાયમ માટે આપી દેવામાં આવ્યાં છે. એ સિવાય કેટલાક પર્મનન્ટ સેટ પણ બનાવ્યા હતા એ સેટ પણ ​રિલાયન્સ ગ્રીન્સને કાયમ માટે આપી દેવામાં આવ્યા છે.

ટાઉનશિપમાં ઑલરેડી આ એક મંદિર હતું, જ્યાં નિય​મિત પૂજાપાઠ અને આરતી થાય એ માટે પૂજારીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

કોઈ તકલીફ પડે તો શું કરવાનું?

સાહેબ, આવો સવાલ જો તમારા મનમાં આવે તો ખરેખર તમારા પર ગુસ્સો આવી જાય. તમે જિયો નેટવર્કના માલિકની ટાઉનશિપની વાત કરતા હો ત્યારે તમારે મનમાં રાખવું જોઈએ કે આ આખું નગર કેવું ટેક્નોસૅવી હોઈ શકે છે!

તમે ​રિલાયન્સના કર્મચારી છો, ફૅમિલી સાથે ​રિલાયન્સ ગ્રીન્સમાં રહો છો અને તમારા ઘરની ટ્યુબલાઇટ ઊડી ગઈ છે અથવા ધારો કે ટીવી બગડી ગયું છે. અરે, ધારો કે તમારા બાથરૂમમાં લીકેજ છે તો ચિંતા નહીં કરવાની. તમારે રિલાયન્સ ગ્રીન્સના રહેવાસીઓ વાપરે છે એ મોબાઇલ ઍપ્લિકેશનમાં જવાનું અને કમ્પ્લેઇન્ટ મૂકી દેવાની. તમને તરત જ સમય પણ કહી દેવામાં આવશે અને કહેવામાં આવ્યો હોય એ સમય પહેલાં તમારે ત્યાં પ્લમ્બર કે ઇલેક્ટ્રિશ્યન કે સિવિક સર્વિસની કે પછી જે કોઈ ફ​રિયાદ કરી હશે એ ડિપાર્ટમેન્ટની વ્યક્તિ આવી જશે અને તમારી તકલીફ દૂર કરશે.

સહેજ પણ અતિરેક નથી, પણ નગ્ન હકીકત છે કે આજે પણ અમેરિકા અને કૅનેડા જેવા દેશોના કોઈ શહેરમાં આ પ્રકારની વ્યવસ્થા નથી ગોઠવાઈ અને​ રિલાયન્સ ગ્રીન્સમાં આ ફૅસિલિટી વર્ષોથી ચાલી રહી છે. કદાચ આ જ કારણ છે કે ​રિલાયન્સ સાથે જોડાયેલી અને ​રિલાયન્સ ગ્રીન્સમાં રહેવા આવી ચૂકેલી વ્યક્તિ મોટી કે તોતિંગ ઑફર પછી પણ કંપની છોડીને જવા માટે તૈયાર નહીં થતી હોય.

ટ્રાફિકનું સંચાલન યોગ્ય રહે એ માટે ટાઉનશિપમાં ટીમ છે તો રોડ-રસ્તાની મરમ્મત માટે પણ ટાઉનશિપની ટીમ છે અને સ્ટ્રીટલાઇટોની જાળવણી માટે પણ એક અલાયદી ટીમ છે

અહીં કોણ-કોણ રહે છે?

​રિલાયન્સ ગ્રીન્સમાં અલગ-અલગ વર્ગના કર્મચારીઓ તો રહે જ છે, પણ એની સાથોસાથ અંબાણી ફૅમિલીનો વિલા પણ આ જ ​રિલાયન્સ ગ્રીન્સમાં છે તો અન્ય ડિરેક્ટર્સના વિલા પણ આ જ ​રિલાયન્સ ગ્રીન્સમાં બનાવવામાં આવ્યા છે. અંબાણી ફૅમિલી જ્યારે પણ જામનગર આવે ત્યારે ​રિલાયન્સ ગ્રીન્સમાં જ ઊતરે છે, એ સિવાય બીજે ક્યાંય નહીં. ​રિલાયન્સ ગ્રીન્સમાં રહેતી એક પણ વ્યક્તિ એવી નથી જેણે અંબાણી ફૅમિલીને સહજ રીતે અહીં અવરજવર કરતી જોઈ ન હોય.

પ્રી-વેડિંગનો ચોથો દિવસ

સામાન્ય રીતે તો બધાને એમ જ છે કે અનંત અંબાણીના પ્રી-વેડિંગનું ફંક્શન ત્રણ દિવસનું હતું; પણ ના, એવું નથી. એ ફંક્શનનો ચોથો દિવસ પણ હતો જેમાં ​રિલાયન્સ ગ્રીન્સમાં રહેતા લોકો અને ​રિલાયન્સની એ ટીમ તથા તેમના ફૅમિલી મેમ્બર્સને સામેલ કરવામાં આવ્યા હતા જેમને ત્રણ દિવસ દરમ્યાન ડ્યુટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. એ ફંક્શનમાં અરિજિત સિંહની કૉન્સર્ટ રાખવામાં આવી હતી તો સાથે ગ્રૅન્ડ ગાલા લંચ અને ડિનર પણ રાખવામાં આવ્યાં હતાં.​રિલાયન્સ ગ્રીન્સમાં યોજાયેલા સેલિબ્રિટીઝ સાથેના ત્રણ દિવસના ફંક્શન દરમ્યાન ગ્રીન્સમાં રહેતા લોકો માટે પણ કેટલાક નિયમો લાગુ કરાયા હોવાથી આ ચોથા દિવસના ફંક્શનમાં મુકેશ અંબાણીએ ​રિલાયન્સ ગ્રીન્સના સૌકોઈનો આભાર પણ માન્યો હતો.

પાર્ટી લૉન, જ્યાં રિલાયન્સ ગ્રીન્સમાં રહેતા કર્મચારીઓ પોતાનાં ફૅમિલી ફંક્શન્સ કરી શકે છે

સેલિબ્રિટીઝ ક્યાં રોકાઈ હતી?

રિલાયન્સ ગ્રીન્સમાં જ. આ જ ટાઉનશિપમાં આખું ટેન્ટસિટી ઊભું કરવામાં આવ્યું હતું અને સેલિબ્રિટીઝને એ ટેન્ટમાં ઉતારો આપવામાં આવ્યો હતો, જ્યારે તેમની સાથે આવેલા સ્ટાફને ​રિલાયન્સ ગ્રીન્સમાં જ તૈયાર થતા અન્ય અપાર્ટમેન્ટ્સને ત્રણ મહિનામાં તૈયાર કરાવીને એમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આવતાં વર્ષોમાં ​રિલાયન્સના અન્ય પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે જેમના પર અત્યારે કામ ચાલી રહ્યું છે. એ પ્રોજેક્ટ્સ માટે ​રિલાયન્સ ગ્રીન્સમાં જ વધારાના અપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવે છે. નક્કી થયું કે પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં કરવું એટલે અંબાણી ફૅમિલીએ અહીં બની રહેલા એ અપાર્ટમેન્ટ્સનું કામ ઝડપી કરાવીને ત્રણ મહિનામાં એમને તૈયાર કરાવ્યા અને પછી એ આખેઆખા અપાર્ટમેન્ટ્સ ઇન્ડિયાની બેસ્ટ હૉસ્પિટૅલિટી આપતી કંપનીઓને સોંપી દીધા, જેથી એ એમાં ઇન્ટીરિયરથી માંડીને બાકીની તમામ પ્રકારની સુવિધા પૂરી પાડી શકે. ફાઇવસ્ટાર કૅડરની સુવિધાથી સજ્જ થયેલા એ અપાર્ટમેન્ટ્સમાં સેલિબ્રિટી  સાથે આવેલા સ્ટાફને ઉતારો આપવામાં આવ્યો તો તેમની ડ્યુટીમાં ચોવીસ કલાક હાજર રહે એ માટે ઇન્ડિયાની બેસ્ટ હોટેલ મૅનેજમેન્ટ કંપનીને જવાબદારી સોંપી.

શું છે વનતારા?

કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિ​બિલિટી એટલે કે સમાજ પ્રત્યેનું તમારું ઉત્તરદાયિત્વ નિભાવવાની જવાબદારી ભારત સરકારે દરેક કંપનીને સોંપી છે એટલે જો તમે એવું માનતા હો કે જામનગરમાં બનેલું વનતારા એ જ જવાબદારીના ભાગરૂપ છે તો એમાં તમારી ભૂલ છે. આ કોઈ એ પ્રકારની ઍક્ટિવિટી નથી. આ બિલકુલ ઇચ્છાથી કરવામાં આવતું કામ છે અને વનતારા અનંત અંબાણીની ઇચ્છાનું પ્રતીક છે.

વનતારાનું નિર્માણ ​રિલાયન્સ ગ્રીન્સમાં નથી થયું. એ ​રિલાયન્સ રિફાઇનરીમાં બનાવવામાં આવ્યું છે. ત્રણ હજાર એકરમાં ફેલાયેલા વનતારામાં એક લાખ સ્ક્વેરફુટમાં ફેલાયેલી મલ્ટિ-સ્પેશ્યલિટી હૉ​સ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવ્યું છે જેમાં એમઆરઆઇ, એક્સ-રે સેન્ટર, આઇસીયુ, સીટી સ્કૅન, ડેન્ટલ સ્કેલર્સ, એન્ડોસ્કોપી, ડાયાલિસિસ, અલ્ટ્રા સાઉન્ડ થેરપીની સાથોસાથ જાયન્ટ વિડિયો કૉન્ફરન્સ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ જ હૉ​સ્પિટલમાં હાઇડ્રોલિક ઑપરેશન ​થિયેટર બનાવવામાં આવ્યું છે જે તમને પ્રાણીના લેવલ પર કે પછી પ્રાણીને તમારા લેવલ પર લાવવાનું કામ આસાનીથી કરે છે. વનતારાની હૉસ્પિટલમાં જર્મની, જપાન, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી ડૉક્ટરોને લાવવામાં આવ્યા છે જેઓ હાથી, વાઘ, સિંહ, ચિત્તા જેવાં જંગલી પ્રાણીઓની સારવાર કરશે.

એક નાનકડું ઉદાહરણ જોઈએ.

હાથીને મોતિયો આવે એવા સમયે ધૂંધળું દેખાતું હોવાથી એ હિંસક બનતો હોય છે. વનતારામાં હાથીના મોતિયાની સર્જરી શક્ય બની છે. તમને ખબર હશે કે મોતિયાની સર્જરી પછી આંખમાં લેન્સ મૂકવો પડે, પણ હાથીની આંખની સાઇઝનો લેન્સ અગાઉ ક્યારેય બન્યો નહોતો. ​

રિલાયન્સે અને નામજોગ કહેવું હોય તો અનંત અંબાણીએ મોતિયા પછી હાથીની આંખમાં લેન્સ મૂકવા માટે લેન્સ બનાવતી કંપનીઓ સાથે રીતસર ડિસ્કશન કર્યું અને કસ્ટમાઇઝ્ડ લેન્સ બનાવવા માટે એમને તૈયાર કરી. હાથીમાં એક પ્રૉબ્લેમ કાયમી જોવા મળ્યો છે જે છે એના ઘૂંટણનો. ૭૦ વર્ષનો લાઇફસ્પૅન ધરાવતા હાથીના જીવનમાં મોટા ભાગે ૪૦ વર્ષ પછી ઘૂંટણનો પ્રૉબ્લેમ જોવા મળે છે. એ પ્રૉબ્લેમના કાયમી નિરાકરણનું કામ હવે વનતારામાં થઈ શકશે.

ભારતમાં બસ્સોથી વધારે અને દુનિયામાં પ૦૦૦થી વધારે ઝૂ છે. એ ઝૂમાં અગિયાર લાખથી પણ વધારે પ્રાણીઓ છે. દુનિયાની બેસ્ટ હૉ​સ્પિટલ બનવાને કારણે ઝૂમાં રહેલાં પ્રાણીઓને અત્યાર સુધી જે સામાન્ય સ્તરની સારવાર મળતી હતી એ હવે હાઈ-ટેક સ્ટેજમાં મળશે. વનતારામાં જે પ્રાણીઓે છે એમને રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2024 08:45 AM IST | Jamnagar | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK