Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ફોટોને PDFમાં કન્વર્ટ કેવી રીતે કરશો?

ફોટોને PDFમાં કન્વર્ટ કેવી રીતે કરશો?

Published : 05 April, 2024 07:48 AM | IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ફ્રી ઑનલાઇન કન્વર્ટર અને ઍપ્લિકેશનમાં ઘણી ઍડ્સ હોય છે અને ડેટા પણ સિક્યૉર ન રહેવાનો ભય હોવાથી પોતાના ડિવાઇસના જ બેઝિક ફીચરનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે

પ્રતીકાત્મક તસવીર

ટેક ટૉક

પ્રતીકાત્મક તસવીર


ઘણી વાર યુઝર્સને ફોટોને PDFમાં કન્વર્ટ કરવાની જરૂર પડે છે. મોટા ભાગે ફોટો JPEG ફૉર્મેટમાં હોય છે. મોબાઇલમાં ફોટો ક્લિક કર્યો હોય કે પછી કૅમેરામાં, આ JPEG ફોટોની સાઇઝ ખૂબ જ મોટી હોય છે. ઘણી વાર યુઝર્સને PDFમાં કન્વર્ટ કરવાની ફરજ પડે છે. મોટા ભાગે કોઈ વેબસાઇટ પર ડૉક્યુમેન્ટ અપલૉક કરવા માટે એની જરૂર પડે છે. આ માટે ઑનલાઇન પણ ફાઇલ કન્વર્ટ કરી શકાય છે તેમ જ આ માટે કેટલીક ઍપ્લિકેશન અને સૉફ્ટવેર પણ આવે છે. ઑનલાઇન ફાઇલ કન્વર્ટ કરવા માટે ઘણી વેબસાઇટ છે, પરંતુ એ માટે ઘણી ઍડ્સ જોવી પડે છે અને ઘણી વાર નવી વિન્ડો પણ ખૂલી જાય છે, જેની કન્ટેન્ટ જોવાલાયક પણ નથી હોતી. આ સાથે જ ફોટો એટલે કે ડેટા લીક થવાનો પણ ભય રહે છે. જોકે આજે સ્માર્ટફોન અને કમ્પ્યુટર એટલાં તો સ્માર્ટ થયાં જ છે જેમાં આ બેઝિક ફીચર્સ હોય, પરંતુ હજી સુધી ઘણા યુઝર્સને એ કેવી રીતે કન્વર્ટ કરવા એ ખબર નથી હોતી. તો એ વિશે જોઈએ.

ઍન્ડ્રૉઇડ
ઍન્ડ્રૉઇડ એક એવું પ્લૅટફૉર્મ છે જેના પર દુનિયાભરની ઍપ્લિકેશન મળી રહે છે. આ માટે ઑફિશ્યલ ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી નથી. ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશનની ફાઇલને ડાઉનલોડ કરીને પણ ઇન્સ્ટૉલ કરી શકાય છે. ઑનલાઇન ફ્રી ફાઇલ કન્વર્ટરની જેમ ઍન્ડ્રૉઇડ ફ્રી ઍપ્લિકેશનમાં પણ ઍડ્સ જોવા મળે છે. જોકે યુઝરે આ માટે મોબાઇલના ઇન-બિલ્ટ ફીચરનો ઉપયોગ કરવો જોઈએ. ફોટો કન્વર્ટ કરવો હોય તો ગૂગલ ફોટોઝ ઓપન કરવું. ત્યાર બાદ જે પણ ફોટોની PDF ફાઇલ કરવી હોય એ ઓપન કરવો. ત્યાર બાદ ઑપ્શન્સમાં જઈને પ્રિન્ટ પર ક્લિક કરવું. ત્યાર બાદ એક વિન્ડો ઓપન થશે. એ વિન્ડોમાં પેજ સાઇઝ સિલેક્ટ કરી શકાશે અને PDFને બ્લૅક ઍન્ડ વાઇટ અથવા તો ક્લરમાં બનાવવી એ પણ પસંદ કરી શકાશે. એ કર્યા બાદ ઉપર સેવ ઍઝ PDF ઑપ્શન હશે એના પર ક્લિક કરવું, એથી ફાઇલ સેવ થઈ જશે. JPEG જ નહીં, પરંતુ કોઈ પણ વર્ડ ફાઇલ અથવા તો એક્સેલ ફાઇલને પણ આ રીતે PDFમાં કન્વર્ટ કરી શકાય છે. એ માટે ફાઇલ ઓપન કરીને સેમ પ્રોસેસ કરવી.

આઇફોનમાં કઈ રીતે?

ઍન્ડ્રૉઇડની જેમ આઇફોનમાં પણ આ ફીચર છે. આઇફોનમાં બે રીતના ઑપ્શન આવે છે અને એ કયા વર્ઝનની ઑપરેટિંગ સિસ્ટમ છે એના આધારે છે. મોટા ભાગના વર્ઝનમાં યુઝર્સને પ્રિન્ટ ઑપ્શન જોવા મળશે અને જૂના વર્ઝનમાં સેવ ઍઝ ઑપ્શન જોવા મળી શકે છે. કોઈ પણ ફોટોને PDFમાં કન્વર્ટ કરવા માટે સૌથી પહેલાં એને ઓપન કરવો. ઓપન કર્યા બાદ પ્રિન્ટ પર ક્લિક કરવું. એના પર ક્લિક કર્યા બાદ એક વિન્ડો ઓપન થશે, જ્યાં ફોટો દેખાશે અને ઉપર નો પ્રિન્ટ એમ દેખાતું હશે. જોકે ત્યાં પેપર સાઇઝ સિલેક્ટ કર્યા બાદ ઉપર શૅર કરવાના ઑપ્શન પર ક્લિક કરતાં એને ડાયરેક્ટ વૉટ્સઍપ પર અથવા તો ઈ-મેઇલમાં PDF તરીકે શૅર કરી શકાશે. એને મોબાઇલમાં સેવ કરવું હોય તો ફાઇલ્સમાં પણ PDF તરીકે સેવ કરી શકાશે. ફોટોની સાથે ટેક્સ્ટ ફાઇલને પણ કન્વર્ટ કરવા માટે આ જ પ્રોસેસ છે.

કમ્પ્યુટર પર કેવી રીતે?

ભારતમાં મોટા ભાગના લોકો વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. પહેલાં કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલને અથવા તો કોઈ પણ ફાઇલને કન્વર્ટ કરવા માટે ઍડોબી ઍક્રોબેટ ઍપ્લિકેશનની જરૂર પડતી હતી. આવી ઘણી ઍપ્લિકેશન છે જેના દ્વારા ફાઇલને PDFમાં કન્વર્ટ કરી શકાય છે. જોકે વિન્ડોઝમાં હવે એની જરૂર નથી. આ માટે કોઈ પણ ફાઇલને ઓપન કરીને એમાં પણ પ્રિન્ટ ઑપ્શન પસંદ કરવાનો રહેશે. મોટા ભાગની કંપનીમાં પ્રિન્ટર ઑટોમૅટિક સિલેક્ટ થઈ ગયું હશે તો ત્યાં પ્રિન્ટર પર ક્લિક કરી માઇક્રોસૉફ્ટ પ્રિન્ટ ટુ PDF પર ક્લિક કરવું. જો કોઈ પ્રિન્ટર સિલેક્ટ ન હોય તો પણ માઇક્રોસૉફ્ટ પ્રિન્ટ ટુ PDF પર ક્લિક કરવું. આમ કરવાથી કોઈ પણ ફાઇલને PDF તરીકે સેવ કરી શકાશે.

PDF કન્વર્ટ કરવાના ફાયદા?

PDF એક એવું ફૉર્મેટ છે જેને સ્કૂલથી લઈને કૉલેજ અને નાના ડૉક્ટરથી લઈને મલ્ટિનૅશનલ હૉસ્પિટલ, સ્મૉલ બિઝનેસથી લઈને મોટી-મોટી કંપનીઓ અને પ્રાઇવેટ સેક્ટરથી લઈને ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે. PDFનો ફાયદો એ છે કે એનું ફૉર્મેટિંગ ક્યારેય ચેન્જ નથી થતું. એટલે કે જે યુઝરે એને જે સ્ટાઇલમાં બનાવ્યું છે એ એ જ સ્ટાઇલમાં રહેશે. ગમે તે ડિવાઇસમાં ગમે તેટલી વાર ઓપન કરવામાં આવે, એમાં બદલાવ નથી થતો. જ્યારે વર્ડ ફાઇલ અને એક્સેલ ફાઇલમાં ભૂલમાં બટન દબાવાઈ ગયું તો ચેન્જ થઈ જાય છે. ફોટો કન્વર્ટ કરવાની વાત હોય તો PDF ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. મોટા ભાગના સ્માર્ટફોનમાં એક ફોટોની સાઇઝ બે મેગાબાઇટ્સની આસપાસ હોય છે અને એ જ ડિજિટલ કૅમેરામાં હોય તો ઓછામાં ઓછી દસ મેગાબાઇટ્સ હોય છે. જોકે દરેક સાઇઝ કેટલા મેગાપિક્સેલ પર ફોટો ક્લિક કર્યો છે એના પર હોય છે. આ મોટી સાઇઝની ફાઇલ કૉમ્પ્રેસ થઈ જાય છે અને એથી જ સ્ટોર કરવા અથવા તો ઈ-મેઇલ કરવા માટે ખૂબ જ સરળ રહે છે. તેમ જ એની ક્વૉલિટીમાં પણ કોઈ બદલાવ નથી જોવા મળતો. PDFને વધુ સિક્યૉર બનાવવા માટે એને પાસવર્ડ પણ આપી શકાય છે. તેમ જ ઘણાં ડિવાઇસ એવાં હોય છે જેમાં દરેક ફૉન્ટ સપોર્ટ નથી કરતા. ઉદાહરણ તરીકે જો કોઈ ફૉન્ટ કસ્ટમાઇઝ્ડ હોય તો દરેક મોબાઇલમાં એ સપોર્ટ નહીં કરે. ઘણા શબ્દોમાં બદલાવ જોવા મળી શકે છે. આથી જ્યારે PDFમાં ફાઇલને કન્વર્ટ કરવામાં આવે તો દરેક શબ્દ જે હોય એ જ રીતે જોઈ શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2024 07:48 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK