‘શક્તિ’, ‘વિઘ્નહર્તા ગણેશ, ‘યશોમતી મૈયા સે’ જેવી ટીવી-સિરિયલો અને ‘સેક્રેડ ગેમ્સ’ જેવી સુપરહિટ વેબ-સિરીઝમાં કામ કરી ચૂકેલો હિતાંશુ જિન્સી બહુ સ્પષ્ટતા સાથે આ વાત કહે છે અને કેટલીક એવી ટિપ્સ પણ આપે છે જેના થકી સરળતાથી સ્વાસ્થ્ય જાળવી શકાય
ફિટ & ફાઇન
હિતાંશુ જિન્સી
ગોલ્ડન વર્ડ્સ : સ્વસ્થ રહેવા માટે ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન આપવું. પહેલા નંબરે કસરત અને ડાયટ, બીજા નંબરે પૂરતી ઊંઘ અને ત્રીજા નંબરે સારું વાંચન. ત્રણેયને આદતમાં કેમ કન્વર્ટ કરવાં એ રસ્તો તમારે જાતે શોધવાનો છે.
જો તમે કમ્ફર્ટેબલ હો, તમે અંદરથી ખુશ હો, તમારાં બધાં કામ વ્યવસ્થિત રીતે કરી શકતા હો તો સમજજો કે તમે ફિટ છો. જો તમે જીવનને પૉઝિટિવલી લઈ શકતા હો, તમામ સંજોગોમાં પણ હિંમત હાર્યા વિના ટકી શકતા હો, સંજોગોને તમારા પર હાવી થતા રોકી શકતા હો તો તમે ફિટ છો.
ADVERTISEMENT
મને લાગે છે કે આપણે ત્યાં છેને ફિટનેસની વ્યાખ્યાને લોકોએ બહુ ડહોળી નાખી છે. લોકોએ એટલો હાઉ ઊભો કરી દીધો છે કે પોતે ફિટ છે કે નહીં એની ચિંતા કરવામાં જ માણસ બિચારો અડધો બીમાર પડી જાય. મારી દૃષ્ટિએ ફિટનેસ ભારરૂપ ક્યારેય ન હોવી જોઈએ. ના, એ બર્ડન તો ન જ હોવી જોઈએ. બહુ સિમ્પલ છે કે નિયમિત કસરત કરવાની અને શરીરને પોષણ ન આપે એવી વસ્તુઓ ઓછી ખાવાની અને પૂરતી ઊંઘ લેવાની. આટલું કરશો તો તમે ફિટ જ છો, જો તમે કૉમનમૅન હો તો અને આ જ વાતને તમારે ધ્યાનમાં રાખવાની હોય.
સાચું કહો, જીવવું છેને?
જેને જીવન જીવવાની મજા આવે છે એ લોકો ક્યારેય પોતાની હેલ્થ સાથે લાંબો ટાઇમ કૉમ્પ્રોમાઇઝ થાય એ નહીં ચલાવે, ક્યારેય નહીં. બહુ જ સિમ્પલ છે કે જો જીવવું જ છે તો સારી રીતે શું કામ નહીં અને સારી રીતે જીવવા માટે સારું સ્વાસ્થ્ય મહત્ત્વનું છે. દરેક સંજોગમાં તમે હેલ્ધી થઈને ટકી રહો એ જરૂરી છે. જો હૅપી અને લૉન્ગ લાઇફ જોઈતી હોય તો જાતને દરરોજ પૂછો કે શું ખરેખર હું શરીરને અનુકૂળ જીવન જીવી રહ્યો છું કે હું એને એક્સપ્લોઇટ કરી રહ્યો છું? અંદરથી જે જવાબ આવશે એ સો ટકા સાચો જ હશે અને પછી ઇમ્પ્રૂવ થવાનું મોટિવેશન પણ અંદરથી જ મળશે. પણ એ જ્યારે મળે ત્યારે તમે એને ઝીલવા માટે તૈયાર હોવા જોઈએ, કારણ કે મોટિવેશનનું એવું છે કે એ આવે છે ધીમેથી પણ ભાગે છે એકદમ ફાસ્ટ.
તમારી ડાયટને સમજો
સ્વાભાવિક છે કે ખાવાનો શોખ ન હોય એવું ભાગ્યે જ દુનિયામાં કોઈ હશે. કાશ્મીરી ડિશ દાલ-મખની મારી ફેવરિટ છે. એ સિવાય રાજમા-ચાવલ, સાગ જેવી આઇટમો પણ મને ભાવે, પરંતુ હું આડેધડ ક્યારેય નથી ખાતો. આપણે જે ખાઈએ એ જ આપણે બનીએ. યસ, આપણી પર્સનાલિટીને પણ જો આપણો ખોરાક અફેક્ટ કરતો હોય તો ખાવામાં સભાનતા રાખવી કેટલી જરૂરી છે એ પણ શું કહેવાની વાત છે હવે? મેં ઘણા કેસોમાં જોયું છે કે જે સિનિયર સિટિઝન પણ લૉન્ગ લાઇફ જીવ્યા છે એની ફૂડ પૅટર્ન એક્સલન્ટ હતી અને એ જ કારણ હતું કે તે એટલે લાંબું જીવ્યા. હું તમને પણ એ જ કહીશ કે જો તમે ઇચ્છતા હો કે તમારા સો વર્ષનું આયુષ્ય તમે ખર્ચો તો સારું ખાઓ અને સાચું ખાઓ. સાચું ખાઓનો અર્થ એટલો જ કે ઓછામાં ઓછી પ્રોસેસ કરેલું ખાઓ. હું કોઈ ડાયટ ફૉલો નથી કરતો પણ એ પછી પણ હું બહુ જ હેલ્ધી ખાવાનું પ્રિફર કરું છું. મારે મને હેલ્ધી ફૂડની એક જ વ્યાખ્યા છે, ઓછામાં ઓછું કુક થયેલું.
આ પણ વાંચો: પાતળા એટલે ફિટ અને જાડા એટલે અનફિટ એ માનસિકતા છોડી દો
વાત, આદત અને સ્વભાવની
મોટા ભાગે આદત શબ્દને આપણે નકારાત્મકતા સાથે જોડી દીધો છે, પરંતુ હકીકતમાં એને તમે પૉઝિટિવલી પણ જોઈ શકો છો. જેમ કે કોઈ પણ ખરાબ આદત છોડવી અઘરી છે એમ સારી આદત પાડી હોય તો એને પણ બ્રેક મારવાનું કામ અઘરું છે. એટલે જ હું દરેકને કહેતો હોઉં છું કે હેલ્ધી લાઇફસ્ટાઇલને તમારી આદત બનાવી દો.
સવારે ઊઠીને કેવું સીધું બ્રશ જ હાથમાં આવે છે એવી જ આદત તમે સાકર જોઈને હાથ પાછા જ હટી જાય કે દરરોજ એક કલાક ફિઝિકલ ઍક્ટિવિટી ન કરો તો ચેન ન પડે એ રીતે જુદો-જુદો લાઇફસ્ટાઇલ ચેન્જ થોડાક સમય માટે કન્ટિન્યુ કરશો તો એ તમારી આદત બન્યા વગર નહીં રહે. પછી તમારે કંઈ જ કરવાની જરૂર નથી. પછી શરીર પોતે જ તમારી પાસે પોતાને અનુકૂળ કામ કરાવશે.