વિશાલ કહે છે, ‘તમારું બૉડી મંદિર છે, હવે તમારે જ નક્કી કરવાનું છે કે તમે આ મંદિરને કચરાટોપલીની જેમ ટ્રીટ કરવા માગો છો કે પછી એની પવિત્રતા અકબંધ રાખો છો’
વિશાલ કોટિયન
‘બિગ બૉસ’ની પંદરમી સીઝનમાં જોવા મળેલો ઍક્ટર-મૉડલ વિશાલ કોટિયન આવું માત્ર કહેતો નથી, ચુસ્ત રીતે પાળે પણ છે. વિશાલ કહે છે, ‘તમારું બૉડી મંદિર છે, હવે તમારે જ નક્કી કરવાનું છે કે તમે આ મંદિરને કચરાટોપલીની જેમ ટ્રીટ કરવા માગો છો કે પછી એની પવિત્રતા અકબંધ રાખો છો’
રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com
બે વાત સૌકોઈએ સમજવાની જરૂર છે; એક, લાઇફ બહુ નાની છે અને બીજી, હ્યુમન બૉડી મંદિરથી સહેજ પણ ઓછું પવિત્ર નથી. જો નાની લાઇફને તમારે સારી રીતે સાચવવી હોય અને મંદિર જેટલી જ પવિત્ર જગ્યાને તમારે સંભાળી રાખવી હોય તો તમારે અવેર રહેવું જ પડે. જો તમે અવેરનેસ નહીં રાખો તો નક્કી છે કે હેરાન તમારે અને તમારી આજુબાજુમાં રહેલા તમારા ફેવરિટ લોકોએ થવું પડશે.
ADVERTISEMENT
દરેક પાસે ૨૪ કલાક છે. હું હંમેશાં કહું છું કે જો આ ૨૪ કલાકમાંથી આપણે એક કલાક આપણી બૉડીને ન આપી શકીએ તો આપણામાં અને જંગલી જાનવરમાં કોઈ ફરક નથી. હું મારી બૉડીને મિનિમમ એક કલાક આપવામાં માનું છું, પણ હકીકત એ છે કે હું એ એક કલાક આપીને મારી બૉડીને થૅન્ક યુ કહું છું. હું તો મારા ફ્રેન્ડ્સને પણ કહેતો હોઉં છું કે આપણને જે હેલ્પ કરે છે તેને થૅન્ક્સ કહેવાની નીતિ આપણે રાખીએ છીએ તો પછી આપણે આપણી જ બૉડીને શું કામ થૅન્ક્સ ન કહીએ. કહેવું જ જોઈએ અને થૅન્ક્સ કહેવાની એક જ રીત છે, તમે તમારી બૉડીને સમય આપો.
અબ બાત મેરી અપની
હું ફિઝિકલ ઍક્ટિવિટી કે ફિટનેસ ટ્રેઇનિંગ નાનપણથી કરું છું. નાનો હતો ત્યારે જ હું કરાટે શીખ્યો છું. કરાટેમાં હું બ્લૅક બેલ્ટ છું. કૉલેજના દિવસોમાં મેં વર્કઆઉટ શરૂ કર્યું જે આજ સુધી ચાલુ છે, એટલે આમ જુઓ તો છેલ્લાં પચીસેક વર્ષથી હું ફિટનેસ માટે ઍક્ટિવ છું. કોવિડ દરમ્યાન પણ મેં એક દિવસ વર્કઆઉટ બંધ નથી રાખ્યું.
હું દરેકેદરેક વ્યક્તિને કહીશ કે એવું માનવું જરૂરી નથી કે તમે ઍક્ટર હો કે મૉડલ હો તો જ તમારે વર્કઆઉટ કરવું જોઈએ. ના, તમે બિઝનેસમૅન હો તો પણ વર્કઆઉટ કરવું જોઈએ અને તમે કૉર્પોરેટ સેક્ટરમાં હો તો પણ તમારે વર્કઆઉટ કરવું જોઈએ. વર્કઆઉટને લીધે માણસ સારો દેખાય છે એ તેની બાય-પ્રોડક્ટ છે, બાકી તમે વર્કઆઉટ સારા દેખાવા માટે નહીં, પણ હેલ્થ સારી રાખવા માટે કરો છો એ ભૂલવું ન જોઈએ. સમય નથી મળતો કે પછી પહોંચી નથી વળાતું એવાં જેકોઈ કારણો લોકો આપે છે એ બધાં બહાનાંથી ઓછું કંઈ નથી એમ કહું તો ચાલે. તમને અમારા ફીલ્ડની વાત કરું.
એક ઍક્ટર દિવસમાં ૧૨ કલાકની શિફ્ટમાં કામ કરે. સેટ એવી જગ્યાએ હોય અને ઘર એવી જગ્યાએ હોય કે આવવા-જવામાં જ મિનિમમ ત્રણ-ચાર કલાકનું ટ્રાવેલિંગ થાય. ટોટલ થયા સોળ કલાક, બીજા છથી આઠ કલાક સૂવાથી માંડીને ફ્રેશ થવાના એટલે થયા ૨૪ કલાક. ઍક્ટરની લાઇફ એકદમ સરસ છે એવું માનનારાઓને હું કહીશ કે સૌથી વધારે હાર્ડવર્ક જો કોઈ કરતું હોય તો એ છે ઍક્ટર.
અબ બાત મેરી પ્લેટ કી
હું કોઈ પણ પ્રકારના ડાયટને ફૉલો કરતો નથી અને ભાવતું બધું જ ખાઉં છું. મારું વર્કઆઉટ પણ મેં સેટ કર્યું છે અને મારું ડાયટ પણ હું જ સેટ કરું છું. મને બહુ નાની ઉંમરે દારાસિંહજી સાથે કામ કરવાનો મોકો મળેલો. એ વખતે તેમણે મને કહેલું કે અમારા સમયમાં તો અમે અખાડામાં કુસ્તી કરતા અને કુસ્તી પછી લસ્સી, પરાઠા ને ઘી ખાઈને અમારું ડાયટ મેઇન્ટેન કરતા. બસ, એ વાત મારા મનમાં સજ્જડ રીતે બેસી ગઈ. લોકો શું કામ આર્ટિફિશ્યલ સપ્લિમેન્ટ પાછળ પાગલ છે એનું કારણ મને આજ સુધી સમજાતું નથી.
હું મારા ડાયટમાં કૅલરી કાઉન્ટ કરું છું. હું રસગુલ્લા ખાઉં પણ કૅલરી કાઉન્ટ કરતાં વધારે નથી ખાવાનું અને હું માત્ર ફ્રૂટ ખાઈને પણ મારા કૅલરી કાઉન્ટ સુધી પહોંચું તો પણ એનાથી વધારે નહીં ખાવાનું. મારું પર્સનલી માનવું છે કે ભૂખ અને બૉડીની જરૂરિયાત વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. જો તમે સાચી રીતે ખાતા અને ચાવતા હો તો તમે ક્યારેય વધારે પડતું ફૂડ ખાઓ નહીં, પણ આપણે એ બાબતમાં ધ્યાન જ નથી આપતા અને એટલે ઍક્સેસ ફૂડ બૉડીમાં જાય છે, જે તમારી હેલ્થને બગાડવાનું કામ કરે છે.
હું ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરું છું. ખાવાની બાબતમાં મને જૈનોને ફૉલો કરવાનું ગમે છે. તમે જૈનોને જોયા હશે કે એ સૂર્યાસ્ત પછી ફૂડ નથી ખાતા, સૂર્યોદય પછી જ ખાય છે. આ બહુ સારી આદત છે. રાતે નાહકનું બૉડીને બર્ડન આપવાનું બંધ કરો અને સવારે વહેલા જાગીને બૉડીને એવું ફૂડ આપો જેની જરૂર હોય.
ગોલ્ડન વર્ડ્સ `તમે ગમે એટલા ફિટ અને હેલ્ધી હો પણ એ જ મુજબ તમારે દર ત્રણથી છ મહિને બૉડી ચેકઅપ કરાવવું જોઈએ`

