જન્મેલું બાળક અને ગાંડી થઈ ગયેલી તેની પ્રેમિકા-બુઢ્ઢી થઈ રહેલી પ્રેમિકાની માનું આખું સરઘસ જ્યારે દત્તાત્રેયને આંગણે આવ્યું.
ઇલસ્ટ્રેશન
જ્યારથી મંજરીને ખબર પડી કે ચિત્તુની દીકરી છે ત્યારથી મંજરી સતત અવઢવમાં જીવી રહી હતી. મંજરી અને ચિત્તુ વચ્ચે ખૂબ પ્રેમ હતો. મા-દીકરો કે બે દોસ્તો વચ્ચે હોય એવો! ચિત્તુના ગયા પછી મંજરીને ડિપ્રેશન આવી ગયું. તેણે માંડ-માંડ પોતાની જાતને સંભાળી ત્યાં આ ચોંકાવનારા સમાચાર તેની સામે મોઢું ફાડીને ઊભા રહ્યા. ચિત્તુનું લફરું, એનાથી જન્મેલું બાળક અને ગાંડી થઈ ગયેલી તેની પ્રેમિકા-બુઢ્ઢી થઈ રહેલી પ્રેમિકાની માનું આખું સરઘસ જ્યારે દત્તાત્રેયને આંગણે આવ્યું ત્યારે બન્ને, આ ૫૦-૫૦ ટકા શક્યતાની વચ્ચે બરાબરના ફસાયાં હતાં. હવે જ્યાં સુધી ચિત્તુ ન જડે ત્યાં સુધી આ છોકરીને સ્વીકારવી કે નકારવી એનો નિર્ણય થઈ શકે એમ નહોતો...
તેણે એક વાર તો દત્તાત્રેયને કહી દીધું હતું કે ‘હું એ ગાંડી છોકરીની દયા ખાઈને કોઈનું પાપ નહીં સ્વીકારું...’
ADVERTISEMENT
દત્તાત્રેયે જવાબ આપ્યો હતો, ‘DNA ટેસ્ટ કરાવીએ, ખાતરી કર્યા વગર હું એ છોકરીને ઘરમાં નહીં લઉં.’ તેમણે સધિયારો આપ્યો હતો, ‘પણ DNA ટેસ્ટ કરાવવા માટે ચિત્તુ તો જોઈએને?’ તેમણે કહ્યું હતું, પતિ-પત્ની બન્ને ગહન વિચારમાં પડી ગયાં હતાં, પછી બાબાસાહેબે જરા ઇમોશનલ થઈને કહ્યું હતું, ‘જો ખરેખર આપણા ચિત્તુની છોકરી હોય તો તેને રખડતી કેમ મુકાય? આપણી સંપત્તિનો કોઈ વારસ નથી. ભગવાને મોકલી હોય એવુંય બનેને?’ મંજરી પોતાની બિલાડી જેવી ચકળવકળ થતી રાખોડી આંખોથી તેની સામે જોતી રહી હતી...
એ પછી મંજરીએ પોતાનાં તમામ ચક્રો ગતિમાન કરી દીધાં હતાં, વાઈ ગામમાં આ છોકરીનું બૅકગ્રાઉન્ડ અને આટલાં વર્ષો પહેલાં ચિત્તુ સાથે એનો કોઈ સંબંધ હતો કે નહીં એ જાણવા માટે તેણે પોતાના ખબરીઓને કામે લગાડ્યા. જે સમાચાર આવ્યા એનાથી મંજરીને વધુ આઘાત લાગ્યો. ચિત્તુ નિયમિત વાઈ જતો એટલું જ નહીં; ગામના બુઢ્ઢા થઈ ગયેલા લોકોએ ૧૪-૧૫ વર્ષ પહેલાં ચિત્તુને આ છોકરી સાથે ગામમાં રખડતો, સિનેમા જોતો અને મંદિરના ઓટલે, નદીકિનારે બેઠેલો જોયો હોવાની સાક્ષી મળી ત્યારે મંજરી પાસે ચિત્તુનું આ લફરું માન્યા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નહીં. મૅનિક ડિપ્રેસિવ-ગાંડા જેવી થઈ ગયેલી આ છોકરી, નિર્મલા ખરેખર ચિત્તુના પ્રેમમાં હતી... તેણે તેના સંતાનને જન્મ આપ્યો. દીકરી. તેનું નામ ચિત્રા પાડ્યું, તેને ઉછેરી... મજૂરી કરી ભણાવી... નિર્મલા આટલાં વર્ષમાં કોઈ દિવસ દત્તાત્રેય પાસે આવી નહીં, પરંતુ ધીરે-ધીરે તેની નિરાશા અને ખિન્નતાએ તેને ઘેરી લીધી. તે માનસિક રોગનો શિકાર થઈ ગઈ. કલાકો આકાશ તરફ જોઈને બેસી રહે, રડે તો કલાકો સુધી રડ્યા જ કરે, ક્યારેક દિવસો સુધી ન જમે ને ક્યારેક એકસાથે ન માની શકાય એટલું બધું ખાઈ જાય... તેની મા હવે બુઢ્ઢી થવા લાગી હતી. બાપ હતો નહીં એટલે નિર્મલા ન જાણે એમ તેની માએ દત્તાત્રેયનો સંપર્ક કર્યો હતો... મંજરીની તપાસમાં એકેએક વિગતો સાચી નીકળી. આ બધી વાતની જે દિવસે મંજરીને ખબર પડી એ દિવસથી મંજરી ફરી એક વાર ચિત્તુની પ્રતીક્ષા કરવા લાગી. ચિત્તુની દીકરીને પોતાને ઘેર લાવીને તેને ચિત્તુ જેટલાં જ લાડ લડાવી, મોટી કરવાની તેની ઝંખના દિવસે-દિવસે બળવત્તર થવા લાગી.
બીજી તરફ દત્તુએ અમદાવાદથી રાધાને કિડનૅપ કરાવી તેને સાતારાની હવેલીમાં પહોંચાડી એ વાતની મંજરીને જાણ હતી. મંજરી ક્યારની પ્રતીક્ષા કરી રહી હતી કે દત્તાત્રેય તરફથી ચિત્તુના કોઈ સમાચાર આવે... મંજરીની ગણતરી મુજબ રાધા ક્યારની સાતારા પહોંચી જવી જોઈએ, પૂછપરછ કરવામાં દત્તુને બહુ સમય ન લાગવો જોઈએ તેમ છતાં ચાર કલાક વીતી ગયા હતા, દત્તુ તરફથી કોઈ સમાચાર આવ્યા નહોતા! મંજરી બેચેન હતી. મંજરીને એ બરાબર ખબર હતી કે ફોન કરીને કોઈ પણ લાંબી પૂછપરછ કરે એ દત્તાત્રેયને બહુ પસંદ નહોતું. આપવામાં આવે એટલી માહિતી-નીડ ટુ નો બેઝિસ પર જ તે સમાચારની આપ-લે કરતો. તેને કહેવું હશે એટલું જ કહેશે, એ વાતની ખાતરી હોવા છતાં સારીએવી પ્રતીક્ષા કર્યા પછી મંજરીએ ફોન કર્યો.
દત્તાત્રેયને અત્યારે ફક્ત ઋતુરાજના ફોનની પ્રતીક્ષા હતી. ફોન કાપી નાખ્યા પછી ઋતુરાજ નિરાંતે બેઠો હતો. દત્તાત્રેય પૂરેપૂરો બેચેન-બેબાકળો થઈ જાય ત્યાં સુધી તેને તડપાવ્યા પછી જ પોતે ફોન કરશે એવું નક્કી કરીને ઋતુરાજ તો પોતાના કામમાં પરોવાઈ ગયો હતો પણ દત્તાત્રેયને એક ક્ષણ પણ ચેન પડતું નહોતું, એવામાં મંજરીના ફોનની રિંગ વાગી, ‘શું છે?’ દત્તાત્રેય અકળાયો.
‘કંઈ બોલી, એ બાઈ?’ દત્તાત્રેયનો છણકો સાંભળીને તેને સમજાઈ ગયું હતું કે અત્યારે કોઈ જવાબ મળવાનો નથી છતાં મંજરીએ સહેજ અચકાઈને પૂછ્યું.
‘પછી કહું...’ દત્તુએ કહ્યું.
‘મને ચિંતા થાય છે.’ મંજરીએ હિંમત કરીને કહી નાખ્યું, ‘ચિત્તુ છે કે નથી... એટલું તો કહો.’
‘એ જ જવાબ મેળવવાની રાહ જોઈને બેઠો છું.’ દત્તુથી કહેવાઈ ગયું, ‘હમણાં એક ફોન આવ્યો હતો. આ બાઈ કહે છે કે કોઈ ઋતુરાજ છે. તેને આપણા ચિત્તુ વિશે ખબર છે...’
‘એટલે?’ મંજરીનો અવાજ આનંદથી તરડાઈ ગયો, ‘ચિત્તુ... ચિત્તુ છે?’ તેણે પૂછ્યું.
‘હંમમ્...’ દત્તાત્રેય પાસે આ વાતનો કોઈ પાકો જવાબ નહોતો.
‘તો... ક્યાં છે?’ મંજરી હવે જવાબ મેળવ્યા વગર ફોન મૂકી શકે એમ નહોતી, ‘પૂછો એ ઋતુરાજને...’
‘ફોન ઠેવ આતા!’ દત્તાત્રેય અચાનક જ ચિડાઈ ગયો, ‘ડોકે ફિરવું નકા.’ કહીને તેણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.
lll
બેલ્જિયમની નજીક આવેલા બ્રૂઝ શહેરના એક મકાનના બીજા માળે ઊભેલો ચિત્તુ કાચની વિશાળ બારીમાંથી એની સામે દેખાતા નહેરના પાણી પર ધ્રૂજી રહેલા વૃક્ષોના પડછાયા જોઈ રહ્યો હતો. તેને રહી-રહીને ઋતુરાજની ચેતવણી યાદ આવતી હતી, ‘તેને મળતાં પહેલાં એટલું સમજી લેજે કે એ તને શું કામ શોધે છે...’ ચિત્તુના મનમાં ભાઈ પ્રત્યેના અથાગ સ્નેહ ભરેલા વાસણમાં ઋતુરાજે ઝેરનું ટીપું નાખી દીધું હતું, ‘તેર વર્ષે તને શોધવા નીકળ્યો છે. અચાનક આટલા ધમપછાડા કરે છે એટલે કંઈ તો હશેને... બાકી આટલાં વર્ષે કોઈ શોધે નહીં, કોઈને...’
ચિત્તુને સમજાતું નહોતું કે તણે ભાઈને ફોન કરવો જોઈએ કે નહીં! મિલકતનું કોઈ લફરું હોય અને માંડ-માંડ ગોઠવાયેલી તેની જિંદગી જો ફરી એક વાર વિખરાય તો એને સમેટવાની તાકાત હવે ચિત્તુમાં નહોતી રહી. તેને ફરી ઋતુરાજની વાત યાદ આવી, ‘હજી તો દેશની બહાર છે તું! આ દેશમાં પગ મૂકતાં પહેલાં દત્તાત્રેય મોહિતે, કમલનાથ અને મોહિનીની ચાલ સમજીને પછી પાછો આવજે, બાકી આ તેર વર્ષ બચતો રહ્યો તું... હવે ઋતુરાજ નથી તને બચાવવા માટે.’
ચિત્તુ ક્યાંય સુધી વિચારતો રહ્યો, પછી તેણે તેના મગજને બદલે તેના મનની વાત માનવાનો પ્રયત્ન કરી જોયો. ચિત્તુએ પોતાના ફોનમાં વર્ષોથી સંઘરી રાખેલો દત્તાત્રેયનો નંબર જોડ્યો. એક રિંગ વાગી. દત્તાત્રેય હાથમાં પકડેલો ફોન જુએ એ પહેલાં ચિત્તુએ ડરના માર્યા ફોન કાપી નાખ્યો. તે હજી અવઢવમાં હતો. થોડી ક્ષણો વિચાર્યા પછી તેણે ફરી એક વાર દત્તાત્રેયનો નંબર જોડ્યો. હવે હિંમત રાખીને દત્તાત્રેય ફોન ઉપાડે ત્યાં સુધી રિંગ વાગવા દીધી.
પોતાના ફોન પર અજાણ્યો વિદેશનો નંબર જોઈને પહેલાં દત્તાત્રેય અચકાયો, પછી કોણ જાણે એની છઠ્ઠી ઇન્દ્રિયએ તેને શું કહ્યું કે એણે ફોન ઉપાડી લીધો, ‘હલો!’
ચિત્તુના રોમ-રોમમાં ભાઈનો અવાજ સાંભળીને કોઈ સુખની, આનંદની લહર દોડી ગઈ. મંદિરના ઘંટારવ સંભળાતા હોય એવી શાંતિ થઈ તેના મનને. ચિત્તુ માટે તેનો ભાઈ, દત્તાત્રેય શંકરરાવ મોહિતે તેનું સર્વસ્વ હતો. તે તેર વર્ષ ભાઈથી દૂર કેવી રીતે રહ્યો એ વાતની ક્યારેક ચિત્તુને નવાઈ લાગતી. આજે દત્તાત્રેયનો અવાજ સાંભળીને એને હર્ષનો ડૂમો ભરાઈ ગયો, ‘દાદા...’ તે મહામુશ્કેલીએ બોલી શક્યો.
સામે છેડે દત્તુને પણ ડૂમો ભરાઈ ગયો. દુનિયાના કોઈ પણ છેડે તે પોતાના ભાઈનો અવાજ ન ઓળખે એ શક્ય જ નહોતું. દત્તુની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં, ‘માઝા બાળ... માઝા ભાઉ... કુઠે આહેસ તુ? કિતી વર્ષ...’ દત્તાત્રેયની આંખોમાંથી સડસડાટ આંસુ જઈ રહ્યાં હતાં. સામે ઊભેલાં રઝાક અને રાધા પણ દત્તાત્રેયની આંખોમાંથી વહેતાં આંસુ જોઈ રહ્યાં હતાં. રઝાકને એ સમજાતાં વાર ન લાગી કે આ ફોન ચિત્તુનો જ છે. રાધાને ભાષા ન સમજાઈ, પણ એટલું તો સમજી જ શકી કે ભરતમિલાપ થઈ ચૂક્યો છે. તેણે પણ હળવેકથી પોતાની આંખના ખૂણા લૂછી નાખ્યા. રઝાક પણ પોતાનાં આંસુને રોકી શક્યો નહીં.
સામે છેડે ચિત્તુ તો ધ્રુસકે જ ચડી ગયો. વર્ષોથી રોકી રાખેલો પોતાના રુદનનો બંધ આજે જાણે તૂટી ગયો હોય એમ પોક મૂકીને રડી રહેલો ચિત્તુ માત્ર, ‘દાદા... દાદા...’ સિવાય કશું બોલી શક્યો જ નહીં.
‘ક્યાં છે તું?’ દત્તાત્રેયે પૂછ્યું.
‘હું... હું...’ જવાબ આપતાં પહેલાં ચિત્તુને ફરી એક વાર ઋતુરાજની ચેતવણી યાદ આવી. બધાં પત્તાં ખોલી નાખવાને બદલે તેણે સાવધાનીથી એક-એક ડગલું ભરવાનો નિર્ણય કર્યો, ‘યુરોપના એક દેશમાં છું, દાદા.’ તેણે આંસુ લૂછી નાખ્યાં.
‘અહીંથી...’ દત્તાત્રેયની આંખોમાંથી હજી આંસુ વહી રહ્યાં હતાં, ‘અહીંથી ત્યાં કેવી રીતે પહોંચ્યો? મારો નાનકડો ચિત્તુ કેટલા સંઘર્ષ, કેટલી મુશ્કેલીમાંથી પસાર થયો હશે એ વિચાર કરું છું તો ધ્રૂજી જાઉ છું. તારા ભાઈને કેમ કહ્યું નહીં તેં? હું તને કોઈ પણ મુશ્કેલીમાંથી બચાવી લઈશ એવો વિશ્વાસ નહોતો તને?’
‘દાદા...’ ચિત્તુએ ધીમેથી કહ્યું, ‘તમારામાં નહીં તો કોનામાં વિશ્વાસ કરું? પણ... સંજોગો જ એવા થઈ ગયા કે...’
‘દુનિયાના કોઈ પણ સંજોગો સામે લડી લેત હું...’ દત્તાત્રેયે કહ્યું, ‘તને બચાવવા માટે મારો જીવ આપી દેત, બેટા!’ રઝાક અને રાધા સાંભળતાં રહ્યાં, દત્તાત્રેય ચિત્તુ સાથે એ બધી જ વાતો કરી લેવા માગતો હતો જે તેણે તેર વર્ષ દરમિયાન નહોતી કરી. બન્ને ભાઈઓની વાત થોડી વાર સુધી ચાલતી રહી, પછી દત્તાત્રેયે આગ્રહપૂર્વક ચિત્તુને ભારત આવવાનું કહ્યું. થોડી વાર સુધી દત્તાત્રેય વિચારતો રહ્યો કે ચિત્તુને તેની દીકરી વિશે જણાવવું કે નહીં, પછી તેણે નિર્ણય કર્યો કે ચિત્તુ એક વાર તેની સામે ઊભો હોય ત્યારે આ વાત કહેવી વધુ યોગ્ય રહેશે... એ ક્ષણે તેણે અજિતા વિશે ચિત્તુને કહેવાનું ટાળ્યું.
lll
‘શિવ, કોઈ પણ રીતે માને મળીને આ સવાલો પૂછવા છે મારે...’ શામ્ભવી ફરી એક વાર જીદે ચડી હતી.
તેની સામે બેઠેલો શિવ આ છોકરીના મનમાં ચાલતા ઉતાર-ચઢાવ, તેની સમસ્યાઓ અને તેના મન પર થઈ રહેલા આ આકરા પ્રહારો જોઈને દુખી હતો, બેચેન હતો; પણ પોતે સીધી કે આડકતરી રીતે તેની કોઈ મદદ કરી શકે એમ નહોતો એમ શિવને સમજાવા લાગ્યું હતું. છેલ્લે થોડા પ્રસંગો પછી હવે જેલમાં પ્રવેશવું અસંભવ બની ગયું હતું. રાધાને મળવાનો તો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો એ વાત શિવ છેલ્લી પંદર મિનિટથી શામ્ભવીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ શામ્ભવી કોઈ રીતે તેની વાત સાંભળવા કે સમજવા તૈયાર નહોતી.
મોહિનીની આખી વાત સાંભળી લીધા પછી શામ્ભવી એક વિચિત્ર અસમંજસમાં અટવાઈ ગઈ. તેનું મન અને હૃદય તેની માના ચારિત્ર્ય વિશે મોહિની જે કહી રહી હતી એ માનવા તૈયાર નહોતાં, પરંતુ મોહિનીએ જે આત્મવિશ્વાસ અને ખાતરી સાથે આ બધું કહ્યું હતું એ સાંભળ્યા પછી કે તેની નજર સામે મગજમાં જે લૉજિકલ પુરાવા શામ્ભવીને દેખાતા હતા એ જોયા-જાણ્યા પછી તેના મનમાં રાધા વિશેના કેટલાક પ્રશ્નો ઊઠ્યા હતા. અત્યાર સુધી શામ્ભવી દૃઢપણે એમ માનતી હતી કે તેની માનો કોઈ વાંક ન હોઈ શકે, પરંતુ હવે રાધાને મળીને આ સવાલો પૂછવા જોઈએ એમ તેનું મન કહી રહ્યું હતું.
‘જો શૅમ!’ સામે બેઠેલા શિવે ખૂબ ધીરજથી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘તું હવે રાધાઆન્ટી સુધી નહીં પહોંચી શકે. કદાચ પહોંચી ગઈ તો પણ તે તારા સવાલોના જવાબ નહીં આપે.’ તેણે નિઃશ્વાસ નાખીને કહ્યું, ‘નહીં આપી શકે, કદાચ!’
‘તું સમજતો કેમ નથી?’ શામ્ભવી બેચેન હતી. અકળાયેલી, ચીડાયેલી અને પોતાની જ જાત સાથે ઝઘડતાં-ઝઘડતાં થાકેલી શામ્ભવીએ જોરથી કહ્યું, ‘તું મારી મદદ કરીશ કે નહીં એનો જવાબ આપ.’
‘શૅમ!’ શિવે હતી એટલી ધીરજ રાખીને શામ્ભવીનો હાથ પકડ્યો, ‘મેં હંમેશાં તારી મદદ કરી છે. તું જાણે જ છે કે હું...’
‘ભાષણ નથી જોઈતું.’ શામ્ભવી પાસે આમ પણ પ્રમાણમાં ધીરજ ઓછી હતી, એમાંય આજે તો રાધા સુધી પહોંચવામાં એક મિનિટની પણ રાહ જોઈ શકે એવી તેની મનઃસ્થિતિ નહોતી રહી, ‘તું મદદ ન કરવાનો હોય તો હું અનંતને કહું.’
‘હા, જા! કહી દે અનંતને...’ શિવ પણ કંઈ બહુ ઠરેલ, મૅચ્યોર, જિંદગી જોઈ ચૂકેલો છોકરો નહોતો. અનંતથી તેને ઇન્સિક્યૉરિટી આવતી હતી, ને એમાંય જ્યારે શામ્ભવીએ અલ્ટિમેટમ તરીકે અનંતના નામનું હથિયાર ઉગામ્યું ત્યારે શિવ પણ ચિડાઈ ગયો, ‘એ કરશે તારી મદદ. તેના બાપની ઓળખાણથી, તેની વકીલની મદદથી લઈ જશે તને અંદર...’ શિવ ઊભો થઈ ગયો, ‘મારાથી નહીં થાય.’ તેણે હાથ જોડ્યા. શામ્ભવીને ત્યાં જ બેઠેલી મૂકીને શિવ ચાલી નીકળ્યો. ગુસ્સામાં પોતાનાથી દૂર જઈ રહેલા શિવની પીઠ જોઈ રહેલી શામ્ભવીને રડવું આવી ગયું.
‘હં, બોલ...’ પહેલી જ રિંગમાં શામ્ભવીનો ફોન ઉપાડીને અનંતે કહ્યું. અનંત તેના પિતા અખિલેશ સાથે બેસીને નવી AGMના મુદ્દાની ચર્ચા કરી રહ્યો હતો. સામે બેઠેલા પિતાને બિલકુલ ખ્યાલ ન આવે એવી રીતે વાત કરવી પડશે એવી સાવધાની સાથે અનંતે વાત શરૂ કરી.
‘મારે મળવું છે.’ શામ્ભવીના અવાજમાં બેચેની અને ઉતાવળ હતાં, ‘હમણાં જ...’
‘અ... હમણાં?’ અનંત ગૂંચવાયો. સામે બેઠેલા અખિલેશના કાન સરવા થઈ ગયા, ‘સાંજે?’
‘આઇ કાન્ટ વેઇટ.’ શામ્ભવી ઉશ્કેરાઈ ગઈ, ‘કોઈ માણસ મરતો હોય ત્યારે તેને બચાવવાને બદલે સાંજ-સવાર કરે છે તું?’
‘શું થયું છે?’ અનંત માટે પરિસ્થિતિ ખૂબ વિકટ હતી. અખિલેશ સામે જ બેઠા હતા, સીધી નજરથી તે અનંતને જે રીતે જોઈ રહ્યા હતા એનાથી અનંત પણ બેચેન થવા લાગ્યો હતો, ‘હું તને પછી ફોન કરું છું.’
તેને ફોન મૂકી દેવા સિવાય બીજો કોઈ ઉપાય ન સૂઝ્યો. જોકે હવે તેનું મન ઑફિસમાંથી નીકળીને શામ્ભવી પાસે પહોંચી ગયું હતું. તેને શું થયું હશે, તે આટલીબધી અકળાયેલી-બેચેન કેમ હતી એ સવાલો અનંતને પજવવા લાગ્યા.
શામ્ભવીએ અંતે કમલનાથને ફોન લગાવ્યો. શિવ અને અનંત પાસેથી તેને જે મદદ કે સધિયારો જોઈતા હતા એ ન મળ્યા એ પછી શામ્ભવીને તેના મનની અકળામણે એટલીબધી ઉશ્કેરી મૂકી કે હવે બીજા કોઈને પૂછવા કે મદદ માગવા કરતાં જે આ ઘટનાના સાક્ષી હતા, જેના ઉપર પેલા માણસને મરાવી નાખવાનો આક્ષેપ હતો અને જેની પત્નીના ચારિત્ર્ય વિશે મોહિની આટલા ખાતરીપૂર્વકના આક્ષેપો કરતી હતી એને જ સીધો સવાલ પૂછવાનું શામ્ભવીએ નક્કી કરી લીધું.
શામ્ભવીનો નંબર જોઈને કમલનાથે ફોન ઉપાડ્યો ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે સામે છેડેથી આવો બૉમ્બ જેવો સવાલ તેમના પર ઝિંકાશે. તેમણે ફોન ઉપાડીને સ્નેહથી કહ્યું, ‘બોલો બચ્ચા...’
શામ્ભવી પાસે કોઈ લાડ કે વહાલ માટે સમય નહોતો. તેણે પિતાને ફોન જોડીને સીધું જ પૂછી નાખ્યું, ‘મારી માને કોઈની સાથે અફેર હતું?’
(ક્રમશઃ)


