સોહરાબ મોદી એટલે ભારતીય ફિલ્મજગતની શરૂઆતનું સન્માનજનક નામ, સિનેમાજગતની શરૂઆતનો સ્તંભ, તેમના નામ વગર ભારતીય ફિલ્મજગતનો ઇતિહાસ અધૂરો ગણાય. તેઓ ફિલ્મજગતના પહેલા ‘શોમૅન’ ગણાતા.

સોહરાબ મોદી
સોહરાબ મોદી એટલે ભારતીય ફિલ્મજગતની શરૂઆતનું સન્માનજનક નામ, સિનેમાજગતની શરૂઆતનો સ્તંભ, તેમના નામ વગર ભારતીય ફિલ્મજગતનો ઇતિહાસ અધૂરો ગણાય. તેઓ ફિલ્મજગતના પહેલા ‘શોમૅન’ ગણાતા.
આ શીર્ષકની સંવાદ-પંક્તિ જાણે એક કહેવત-કહેણી બની ગઈ હોય એમ આજે અવારનવાર જુદા-જુદા સંદર્ભમાં વપરાય છે. તુમ્હારા રૂમ રૂમ ઔર હમારા રૂમ બાથરૂમ? તુમ્હારા પ્યાર પ્યાર ઔર હમારા પ્યાર લફડા? તુમ્હારા ભાઈ ભાઈ ઔર હમારા ભાઈ કસાઈ? વગેરે વગેરે રીતે. આ સંવાદ લોકપ્રિય માત્ર એના શબ્દોને કારણે જ નહીં, પરંતુ કલાકાર સોહરાબ મોદીના બુલંદ અવાજમાં એને પેશ કરવાની આગવી સ્ટાઇલ પણ કારણભૂત છે.
ADVERTISEMENT
નાટક કે ફિલ્મ સફળ કરવામાં સંવાદનો સિંહફાળો હોય છે. સંવાદનું કામ માત્ર ક્રિયાને અર્થ આપવાનું જ નહીં, નાટક કે ફિલ્મના હાર્દને પ્રેક્ષકોના હૈયા સુધી પહોંચાડવાનું પણ હોય છે. સોહરાબ મોદીની સંવાદ બોલવાની શૈલી એટલી આગવી અને નાટ્યાત્મક હતી કે પ્રેક્ષકો માટે મામૂલી સંવાદ પણ મહત્ત્વનો બની જતો. અરે જોઈ ન શકતા લોકો તેમના મુખે બોલાયેલા સંવાદ સાંભળવા તેમની ફિલ્મ જોવા જતા. તેમના અવાજમાં રણકાર હતો, તેમની જીભ પર ઉર્દૂ ભાષાની મીઠાશ શોભતી હતી. એમાં આરોહ-અવરોહ શબ્દોને શણગારતા, અવાજની બુલંદી પ્રેક્ષકોને ધ્રુજાવી નાખતી. તેઓ અવાજના જાદુગર હતા, સંવાદોના શહેનશાહ હતા.
અમારા નવા નાટક ‘પપ્પા તોફાની, મમ્મી મસ્તાની’ના ગ્રૅન્ડ રિહર્સલ વખતે ફિરોઝ ભગતે મને કહ્યું કે મારા પહેલા ગુરુ સોહરાબ મોદી હતા, પછી તમે. મારી મમ્મી રોશની મોદીસાહેબ સાથે શરૂઆતથી જ જોડાયેલાં હતાં અને એ જ કારણે જ્યારે હું ૧૫ વર્ષનો હતો ત્યારે ‘ધરતીનો છેડો ઘર’માં મને કામ કરવાની તક મળી હતી.
ફિરોઝે કહ્યું કે સોહરાબ મોદી તમારી જેમ જ સંવાદ કેમ બોલાય છે એના પર ખૂબ ધ્યાન આપતા. તેઓ કલાકારને અવાજનું મહત્ત્વ સમજાવતાં કહેતા કે સ્ક્રીન અને નાટકનાં બે મુખ્ય અંગ છે, એક્સપ્રેસન અને વૉઇસ-હાવભાવ અને અવાજ. ૯ ઇંચના ચહેરાના હાવભાવ ૨૬ ઇંચના સ્ક્રીન પર પથરાય એ બધા પ્રેક્ષકો જોઈ શકે છે. સ્ટેજ પરથી કલાકારોના હાવભાવ પાછલી હરોળના પ્રેક્ષકો બરાબર જોઈ શકતા નથી એટલે અવાજ દ્વારા કલાકારને પોતાના હાવભાવ પણ વ્યક્ત કરતાં આવડવું જોઈએ.
સોહરાબ મોદી એટલે ભારતીય ફિલ્મજગતની શરૂઆતનું સન્માનજનક નામ, સિનેમાજગતની શરૂઆતનો સ્તંભ, તેમના નામ વગર ભારતીય ફિલ્મજગતનો ઇતિહાસ અધૂરો ગણાય. તેઓ ફિલ્મજગતના પહેલા ‘શોમૅન’ ગણાતા. તેમણે ૨૫થી વધુ ફિલ્મો નિર્માણ કરી અને ૨૨થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન અને અભિનય કર્યો.
હિન્દી ફિલ્મની સૌથી પહેલી ટેક્નિકલ ફિલ્મ ‘ઝાંસી કી રાની’ તેમણે આપી. એ જમાનામાં અઢળક પૈસા ખર્ચીને, વિદેશી ટેક્નિશ્યનોની સહાય લઈને ભવ્ય ફિલ્મ બનાવવાનું તેમનું સપનું તો તેમણે પૂરું કર્યું, પણ ફિલ્મ નિષ્ફળ જતાં તેઓ બરબાદીની કગાર પર આવી ગયા હતા.
સોહરાબ મોદી પારસી હતા, પત્ની મુસ્લિમ હતી, પરંતુ ફિલ્મ હિન્દુ સંસ્કૃતિ પર બનાવતા. સિનેમા દ્વારા ભારતના ઇતિહાસને ઉજાગર કરવામાં તેમનું મોટું પ્રદાન હતું. મિનરવા મૂવીટોનના નેજા હેઠળ ‘હેમલેટ’, ‘મીઠા ઝહર’, ‘જેલર’, ‘પુકાર’, ‘સિકંદર’, ‘પૃથ્વી વલ્લભ’, ‘શીશ મહલ’, ‘મિર્ઝા ગાલિબ’, ‘ઝાંસી કી રાની’, ‘નૌશેરવાન-એ-આદિલ’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું.
સોહરાબ મોદીનો જન્મ ૧૮૯૭ની બીજી નવેમ્બરે મુંબઈમાં થયો હતો. સુખી કુટુંબ હતું. તેઓ ૧૧ ભાઈ-બહેન હતાં, જેમાં તેઓ સૌથી નાના હતા. પારસી હોવા છતાં ઉર્દૂ ભાષા પર પ્રભુત્વનું કારણ તેમના પિતા હતા. પિતા સરકારી હોદ્દા પર હોવાથી શહેર-શહેરમાં બદલી થતી એટલે મોદી મોસાળમાં-મામાને ત્યાં રામપુરમાં ઊછર્યા. રામપુરમાં નવાબની સમૃદ્ધ લાઇબ્રેરી હતી. એ લાઇબ્રેરીમાં અભ્યાસને કારણે તેમને ઉર્દૂનો ચસકો લાગ્યો અને હિન્દી-ઉર્દૂ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું.
સોહરાબ મોદીના ભાઈ રુસ્તમ ‘સુબોધ થિયેટ્રિકલ કંપની’ નામની નાટકની મંડળી ચલાવતા, સાથોસાથ ગામેગામ-શહેર-શહેર જઈને નાનકડા પ્રોજેક્ટર દ્વારા ફિલ્મ બતાવવાનો ધંધો પણ કરતા. એને કારણે જ સોહરાબ મોદીને નાટક-ફિલ્મમાં રસ પડવા મંડ્યો. મોદીએ જાહેરમાં અનેક વાર કહ્યું છે કે મારી સફળતાનું મુખ્ય કારણ મારો ભાઈ રુસ્તમ છે, જે હંમેશાં મારો પ્રેરણાસ્ત્રોત રહ્યો.
૧૯૨૪થી તેમણે નાટકમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું. તેમનો અવાજ, સંવાદ બોલવાની આગવી ઢબ, સ્પષ્ટ ઉચ્ચારણો, પાત્રને આત્મસાત કરવાની કળા, નાટકીય રજૂઆત લોકોના આકર્ષણનું કારણ બન્યાં.
ભાઈ રુસ્તમની તબિયત કથળ્યા પછી ‘ટૂરિંગ ડ્રામા’ કંપનીનો કારોબાર સોહરાબે સંભાળી લીધો. એટલું જ નહીં, વધાર્યો, વિસ્તરાવ્યો. ૧૯૩૩ સુધીમાં ૪ થિયેટરો સુધ્ધાં ખરીદી લીધાં (ઘણાને ખબર નહીં હોય, પણ સીએસએમટી સામે આવેલું પ્રખ્યાત ‘ન્યુ અમ્પાયર’ થિયેટર મોદીની માલિકીનું હતું અને ‘ઝાંસી કી રાની’નો પ્રીમિયર શો ત્યાં જ યોજાયો હતો અને એ જ ‘ઝાંસી કી રાની’ને કારણે એ થિયેટર વેચવાનો વારો આવ્યો).
૧૬ વર્ષની ઉંમરથી મોદી ગ્વાલિયર ટાઉન હૉલમાં ફિલ્મોનું પ્રદર્શન કરતા હતા. એ પછી મુંબઈમાં ‘સ્ટેજ’ ફિલ્મ કંપનીની સ્થાપના કરી. આ કંપનીની પહેલી ફિલ્મ ૧૯૫૩માં ‘ખૂન કા ખૂન’ બની જે ‘હેમલેટ’ પર આધારિત હતી. આ જ ફિલ્મમાં પ્રસિદ્ધ અભિનેત્રી સાયરાબાનુનાં માતા નસીમ બાનુએ પ્રથમ વાર અભિનય કર્યો હતો.
જેમણે ભારતીય સિનેમા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું તેમને ભારતીય ફિલ્મના ઇતિહાસમાં જે મળવું જોઈએ એ સ્થાન અને માન ન મળ્યાં. ફિલ્મના ઇતિહાસમાં તો ઠીક, પોતાના પરિવારમાં પણ ન મળ્યું. પરાકાષ્ઠા તો એ હતી કે તેમનામૃત્યુ બાદ તેમને મળેલા કેટલાક અવૉર્ડ ચોરબજારમાંથી મળી આવ્યા હતા. એ બધી વાતો આવતા સપ્તાહે.
સમાપન
હર નઝર મેં મુમકિન નહીં હૈ બેગુનાહ રહના
ચલો કોશિશ કરતે હૈં કિ ખુદ કી નઝર મેં બેદાગ રહેં.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

