Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્યા રખ્ખા હૈ કિસી કી ધડકન બન જાને મેં મઝા તો હૈ કિસી કી ધડકન વાપસ લાને મેં!

ક્યા રખ્ખા હૈ કિસી કી ધડકન બન જાને મેં મઝા તો હૈ કિસી કી ધડકન વાપસ લાને મેં!

15 February, 2023 05:54 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

શરીરને આપણે વાપરીએ છીએ, મનને થકવીએ છીએ, બુદ્ધિને કસીએ છીએ, રાત-દિવસ એનો ઉપયોગ કર્યા પછી જે મેળવીએ છીએ એ માણવાનો સમય આપણા હાથમાં રહેતો નથી. ક્યારેક એવી પણ લાગણી થાય છે કે દળીદળીને ઢાંકણીમાં નાખ્યું. જે મેળવ્યું છે એ ભોગવી ન શકીએ એનો અર્થ શું?

પ્રતિકાત્મક તસ્વીર માણસ એક રંગ અનેક

પ્રતિકાત્મક તસ્વીર


હૉસ્પિટલ! નર્સિંગહોમ! કેવું ટિપિકલ વાતાવરણ હોય છે. આમ તો દરેક સ્થળને પોતાનું એક આગવું વાતાવરણ હોય છે, આગવી ભાત, આગવી છાપ હોય છે. દરિયાકિનારો હોય કે ડુંગરની ધાર, નદીકિનારો હોય કે જંગલની આરપાર, રેલવે-સ્ટેશન હોય કે મૉલ-બજાર, શાકમાર્કેટ હોય કે સ્મશાનઘાટ... બધાં સ્થળોનો નોખો-નોખો અંદાજ. એમાં થતી વાતો જુદી, એમાં થતી મુલાકાતો જુદી. એમાં થતી રજુઆતો જુદી, એમાં થતા પગરવ જુદા, એમાં થતા અનુભવ જુદા!

૮૩ વર્ષની મારી ઉંમરમાં નર્સિંગહોમમાં રહેવાનો મારો આ બીજો અનુભવ. અનુભવ પહેલો હોય કે બીજો, આપણે તો ભાઈ એવા ને એવા અવળચંડા જ રહેવાના. સ્મશાનમાં હોઈએ ત્યાં સુધી સંસાર અસાર લાગે, જીવનનો અર્થ સમજાવા લાગે, મૃત્યુનો મહિમા મનમાં ઘૂમવા લાગે, કરેલી ‘હાય હોય’ વ્યર્થ ભાસવા માંડે, પણ જેવા સ્મશાનની બહાર નીકળીએ કે ફરી પાછા એના એ જ રામ. એ જ રીતે માંદા પડી હૉસ્પિટલમાં આવીએ કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ની કહેવત યાદ આવવા માંડે. તંદુરસ્તીનું માહાત્મ્ય સમજાવા માંડે, શરીરની કિંમત સમજાવા માંડે. હૉસ્પિટલના બેડ પર પડ્યા-પડ્યા અનેક સંકલ્પો કરવા માંડીએ, જીવનમાં કરેલી અનેક ભૂલો, પડેલી ટેવો સુધારવાની પ્રતિજ્ઞા કરવા મંડી પડીએ, પણ જેવા સાજા થઈએ કે ભૂલી જઈએ છીએ કે આપણે બીમાર હતા. 



આપણે સૌથી વધુ ઉપેક્ષા જો કરતા હોઈએ તો એ આપણા શરીરની છે, કારણ કે એ આપણને મફતમાં મળ્યું છે. એ આપણું જ છે એટલે આપણને એની કિંમત સમજાતી નથી. એ ખોટકાય છે ત્યારે સુધારી શકાય છે એ વિચારે આપણે એના પ્રત્યે ઉદાસીન છીએ. આપણે માનીએ છીએ કે મન આપણા કાબૂમાં નથી, શરીર આપણા કાબૂમાં છે, પણ એ ભ્રમ છે. શરીરમાં મન છે, મનમાં શરીર નથી. બળવાન શરીરમાં બળવાન આત્મા વસી શકે છે એવું શાસ્ત્રો કહે છે. 


આપણે કોઈ જાણતા નથી કે આપણે જન્મીએ છીએ ત્યારથી કરોડપતિ તરીકે જન્મીએ છીએ. એક માર્મિક વાત જાણવા જેવી છે...

રસ્તાની કૉર્નર પર મર્સિડીઝ ગાડી ઊભી રાખીને એક શખ્સ ફોન પર વાત કરતો હતો. ત્યાં એક યુવાન-તગડો ભિક્ષુક લાંબો હાથ કરીને તેની પાસે ભીખ માટે આજીજી કરવા લાગ્યો. શખ્સે ફોન પર વાત પૂરી કરીને ભિક્ષુકને પૂછ્યું, ‘કેટલા પૈસા જોઈએ છે?’ પેલો કહે, ‘તમે જે આપશો એ લઈ લઈશ.’ શખ્સે કહ્યું, ‘લાખ રૂપિયા ચાલશે?’ ભિક્ષુક દંગ રહી ગયો, ‘સાહેબ મદદ ન કરવી હોય તો કાંઈ નહીં, આવી મજાક તો ન કરો.’ શખ્સે ‘બેવકૂફ, હું મજાક નથી કરતો’ કહીને ખિસ્સામાંથી લાખ રૂપિયાનું બંડલ કાઢ્યું. ભિક્ષુકે એ લેવા હરખભેર હાથ લંબાવ્યો ત્યાં શખ્સે કહ્યું, ‘પણ બદલામાં તારે મને તારો જમણો હાથ આપવો પડશે, અને સાંભળ, જમણો પગ આપીશ તો બે લાખ આપીશ, એક આંખ આપીશ તો પાંચ લાખ આપીશ, એક કિડની આપીશ તો ૫૦ લાખ આપીશ, લિવર આપીશ તો ૧ કરોડ રૂપિયા આપીશ... મારા દોસ્ત, તારી પાસે તો અખૂટ ખજાનો છે, બસ તું વેચવા કાઢ, હું ખરીદવા તૈયાર છું.’ ભિક્ષુક વાતનો મર્મ જાણી ગયો. 


આ પણ વાંચો:  કહાં જટાયુ રાવણ સે અબ લડતા હૈ નહીં લખન અબ રામ કે પીછે ચલતા હૈ

માણસ નાનો હોય કે મોટો, દરેક માણસ જીવનની ‘રેસ’માં ઊતરેલો છે. કેટલાકને ક્યાં પહોંચવું છે એની ખબર નથી છતાં દોડતો રહે છે, ભાગતો રહે છે, કેટલાકને મંજિલની ખબર છે, પણ મંજિલ વચ્ચે આવતી અડચણો, રુકાવટોને લીધે અધવચ્ચે જ હાંફી જાય છે, થાકી જાય છે. કેટલાક એક મંજિલ પાર પાડે છે તો નવી મંજિલની ઝંખનામાં રત થઈ જાય છે. જે પામે છે તે અટકતા નથી, જે નથી પામતા એ પણ અટકતા નથી. ઘોડાની જેમ દોડીને, ગધેડાની જેમ મહેનત કરીને, કૂતરાની જેમ જીવીને જ્યારે થાકે છે ત્યારે આરામ, વિશ્રામ, અલ્પવિરામનો ખ્યાલ આવે છે અને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. 

 શરીરને આપણે વાપરીએ છીએ, મનને થકવીએ છીએ, બુદ્ધિને કસીએ છીએ, રાત-દિવસ એનો ઉપયોગ કર્યા પછી જે મેળવીએ છીએ એ માણવાનો સમય આપણા હાથમાં રહેતો નથી. ક્યારેક એવી પણ લાગણી થાય છે કે દળીદળીને ઢાંકણીમાં નાખ્યું. જે મેળવ્યું છે એ ભોગવી ન શકીએ એનો અર્થ શું? ઊંઘ માટે ગોળી લેવી પડે, ભૂખ લાગે એ માટે ગોળી લેવી પડે, ખોરાક પચાવવા માટે ગોળી લેવી પડે, મનને શાંત રાખવા માટે ગોળી લેવી પડે, અરે ગોળીઓની આડઅસરથી બચવા બીજી ગોળી લેવી પડે એના જેવી દુર્દશા બીજી કઈ હોઈ શકે? તંદુરસ્ત શરીર આત્મા માટે બગીચો છે, માંદલું શરીર ઉકરડો. 

 માણસે તબિયતનો ખ્યાલ પોતાના માટે જ રાખવો જોઈએ? એ ન ભૂલવું જોઈએ કે વ્યક્તિ પોતે કોઈના આધારે જીવતી હોય છે એ જ રીતે વ્યક્તિના આધાર પર પણ ઘણી વ્યક્તિઓ જીવતી હોય છે. માણસ માત્ર એકબીજાના આધાર પર જીવતા હોય છે એટલે તો એ સામાજિક પ્રાણી ગણાય છે. એક વ્યક્તિની બેદરકારી આખા કુટુંબની દુર્દશાનું કારણ બની શકે છે. 

આપણે સૌથી મોટી ભૂલ એ કરીએ છીએ કે યુવાનીમાં ભવિષ્યનો વિચાર કરીને પૈસા બચાવવા મહેનત કરીએ છીએ, હકીકતમાં ભવિષ્યમાં તબિયત ન બગડે, તંદુરસ્તી કાયમ રહે એનો વિચાર કરવો જોઈએ. સ્વાસ્થ્ય સારું હશે તો બાકીની કોઈ પણ મુશ્કેલી આસાનીથી પાર કરી શકીશું. 

 એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આપણી તંદુરસ્તીનો આધાર શું અને કેટલું ખાઈએ છીએ એના પર નહીં, પણ કેટલું પચાવી શકીએ છીએ એના પર નિર્ભર હોય છે. આ વાત માત્ર ખોરાક પૂરતી મર્યાદિત નથી. સુખ-દુઃખ, લાગણી, આઘાત-પ્રત્યાઘાત પચાવવાની પાચનશક્તિ પણ કેળવવી જોઈએ. 

સમાપન

ખાટલે પડ્યા હોઈએ ત્યારે સૌથી વધારે અસર કઈ દવા કરે છે? 
કોઈ દવા નહીં. 
સૌથી વધારે અસર તમારા ખાટલાની આસપાસ વીંટળાયેલા તમારા કુટુંબની આંખમાં રહેલી લાગણી, ચહેરા પર પથરાયેલી ભાવના અને હૃદયમાં ધરબી રાખેલો પ્રેમ કરે છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2023 05:54 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK