Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > જો મુફ્ત મેં મિલતા હૈ, ખૂબ મેહંગા પડતા હૈ ઘાટા હૈ આપકા ભાઈ, મેરા કુછ નહીં જાતા હૈ

જો મુફ્ત મેં મિલતા હૈ, ખૂબ મેહંગા પડતા હૈ ઘાટા હૈ આપકા ભાઈ, મેરા કુછ નહીં જાતા હૈ

06 December, 2023 01:52 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

ગ્રાહકોને આકર્ષવા દુકાનદારો ‘એક પર એક ફ્રી’ની યોજના જેમ જાહેર કરે છે એનાથી એક ડગલું સરકાર આગળ નીકળી ગઈ છે. સરકાર તો એક પર એક ફ્રી નહીં, બધું જ ફ્રીમાં લહાણી કરી રહી છે. મફતમાં વીજળી, મફતમાં પાણી, મફતમાં રૅશન-કિટ, મફતમાં સાઇકલ...

પ્રતીકાત્મક તસવીર

માણસ એક રંગ અનેક

પ્રતીકાત્મક તસવીર


જ્યારે-જ્યારે અને જ્યાં-જ્યાં ચૂંટણીની મોસમ આવે છે ત્યારે-ત્યારે ને ત્યાં-ત્યાં રિશવત, લાલચ ને મફતની યોજના છલકાય છે. ‘રીંગણાં લઉં બે ચાર? લેને ભાઈ દસ બાર...’ દલા તરવાડી જેવો ઘાટ સર્જાય છે. સત્તા મેળવવા કે સત્તા ટકાવી રાખવા જે-તે પક્ષો જાતજાતની લલચામણી ‘મફત’ની યોજનાઓ પોતાના ચૂંટણીઢંઢેરામાં જાહેર કરીને પ્રજાને ભરમાવવાનો ત્રાગડો રચે છે અને પ્રજા ભરમાય છે પણ ખરી. 


ગ્રાહકોને આકર્ષવા દુકાનદારો ‘એક પર એક ફ્રી’ની યોજના જેમ જાહેર કરે છે એનાથી એક ડગલું સરકાર આગળ નીકળી ગઈ છે. સરકાર તો એક પર એક ફ્રી નહીં, બધું જ ફ્રીમાં લહાણી કરી રહી છે. મફતમાં વીજળી, મફતમાં પાણી, મફતમાં રૅશન-કિટ, મફતમાં સાઇકલ, મફતમાં ધાબળા, ગરીબ મહિલાઓને સાડી, માસિક નિર્વાહ ખર્ચ વગેરે-વગેરે વચનોની ભરમારથી મતદાતાઓને લલચાવવાની તરકીબમાં રાજ્યોની બધી સરકારો મોળી નથી ઊતરતી. તેલંગણની આરઆરએસ પાર્ટીના પ્રમુખે તો હદ કરી નાખી હતી. મતદાતાઓને દારૂની એક બૉટલ અને એક મરઘીની લહાણી કરતા ફોટો પ્રસિદ્ધ થતા જોવા મળ્યા, એટલું જ નહીં, એ માટે લાંબી કતાર લાગી હતી અને એને કાબૂમાં રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવી પડી હતી. 
દુનિયાની મોટામાં મોટી લોકશાહીની આ સ્થિતિ જોઈને આપણું માથું શરમથી ઝૂકી જાય છે. મફતની યોજના જાહેર કરનાર સરકાર કરતાં એનો લાભ લેવા તલપાપડ જનતાની વધારે દયા આવે છે. લોકો કેમ સમજતા નથી કે જગતમાં મફતમાં કાંઈ મળતું નથી. એની કિંમત એક યા બીજા પ્રકારે આપણે ચૂકવવી જ પડે છે. અરે એક સામાન્ય વિચાર લોકોને કેમ નથી આવતો કે સરકાર આ બધા માટે પૈસા લાવશે ક્યાંથી? દેશના અર્થતંત્ર પર આની શી અસર થશે? આખરે પૈસા તો આપણા ભરેલા કરના જ હશેને? આપણે આપણા પગ પર જ કુહાડી નથી મારી રહ્યાને? 
એક સમાચાર સાંભળીને મારું ચિત્ત ચકરાવે ચડી ગયું. હું જાગ્રત છું કે સપનામાં એ નક્કી જ કરી ન શક્યો. હા, એટલું જરૂર નક્કી કરી શક્યો કે આ મારા દેશની વાત તો નથી જ. તો કોની છે? આર્જેન્ટિનાની. 



તાજેતરમાં આર્જેન્ટિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ. બે ઉમેદવારો હતા, એક જેવિયર મિલે અને બીજો સરગિયો માસા. સરગિયો માસા વર્તમાન સરકારમાં વિત્ત મંત્રી હતો અને રાષ્ટ્રપતિ તરીકે એ જ ચૂંટાઈ આવશે એવું માનવાનાં ઘણાં બધાં કારણ લોકો પાસે હતાં. એમાંનું એક કારણ હતું વિત્ત મંત્રી તરીકેની તેમની કલ્યાણકારી યોજનાઓ. વિત્ત મંત્રી તરીકે તેણે વીજળી-પાણી માટે સબસિડી જાહેર કરી, યુવાનો માટે બેકારી ભથ્થું, બસમાં મફત મુસાફરી, ગરીબો માટે રૅશન-કિટ વગેરે વગેરે. ઘણી યોજનાઓ દ્વારા લોકપ્રિય બનવાના પ્રયાસ કર્યા, એટલું જ નહીં, પણ પોતે જો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો ઇન્કમ ટૅક્સ રદ કરશે એવી ઘોષણા પણ કરી... આનાથી વિશેષ લોકોને બીજું જોઈએ શું? બીજી તરફ જેવિયર મિલેની છાપ આર્જેન્ટિનામાં એક પાગલ-ધૂની માણસ તરીકેની હતી. રાજકારણમાં તે ત્રણ વરસથી જ આવ્યો હતો. એ પણ અર્થશાસ્ત્રી તો ખરો જ, પણ સંગીતનો રસિયો. તેણે અનેક મ્યુઝિક કૉન્સર્ટ પણ યોજી હતી. 


લોકોને તેના ગાંડપણનો પરચો ચૂંટણીપ્રચારની સભામાં જ મળી ગયો. પ્રચારસભામાં તે મોટી ‘આરી’ લઈને આવતો અને લોકોને સંબોધીને કહેતો, ‘બોલો, આ આરીથી હું શું કાપવાનો છું? બીજું કાંઈ નહીં, સરકારી ફિજૂલ ખર્ચાઓ અને જો ચૂંટશો તો હું કલ્યાણકારી યોજનાના નામે ચાલતાં તમામ ધતિંગો બંધ કરાવી દઈશ. મફતમાં કાંઈ નહીં આપું. દરેક વસ્તુ મેળવવા પરિશ્રમ કરવો પડશે, એની કિંમત ચૂકવવી પડશે. કલ્યાણકારી યોજનાના નામે મફતમાં ચાલતા મહિલા, સ્વાસ્થ્ય, કલ્ચરલ વિભાગો હું બંધ કરાવી દઈશ. અરે સરકારી નોકરીઓની ભરતીમાં પણ હું કાપ મૂકાવી દઈશ. દેશને સંકટમાંથી બહાર લાવવા માટે ત્યાંની સેન્ટ્રલ બૅન્ક પણ બંધ કરીશ. આર્જેન્ટિનાની કરન્સી ‘પેસો’ બંધ કરીને યુએસ ડૉલરને ચલણમાં લાવીશ જેથી અમીરોનું કાળું નાણું કોઈ કામનું નહીં રહે.’ 

આપણા દેશમાં કોઈ નેતા આવી ઘોષણા કરે તો તે ચૂંટાઈ આવે ખરો? લોકો તેના કેવા હાલ કરે? તેની ડિપોઝિટ તો ઠીક, પોતાની જાત પણ સલામત ન રાખી શકે. જેવિયર મિલે માટે ઊલટું થયું, તે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યો. ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યો. મિલેને ૫૬ ટકા મત અને માસને ૪૪ ટકા મત મળ્યા. 
 સલામ છે આર્જેન્ટિનાની પ્રજાને. સલામ છે લોકોની સમજદારીને. સલામ છે રાષ્ટ્રહિતની ભાવનાને. છેલ્લાં ૩૦-૪૦ વર્ષથી આર્જેન્ટિનાનું અર્થતંત્ર ખાડે જતું ગયું. જે-તે સરકાર આવતી એણે લોકપ્રિયતા જાળવવા રાષ્ટ્રની તિજોરી ખાલી કરી અને મફતની યોજનાઓ દ્વારા તેઓ પોતાની ખુરસી ટકાવી રાખતા હતા. મોંઘવારી, અંધાધૂંધી, અરાજકતા, બેકારી દિન-પ્રતિદિન વધતી રહી. દેશની તિજોરી તળિયે ગઈ, ધનવાનો ગરીબ બનતા ગયા, ગરીબો લાચાર, નિરાધાર બનતા ગયા, યુવાનો બેકાર-હતાશ થતા ગયા. પ્રજાના બધા જ વર્ગો પોતાનું કૌવત ખોઈ બેઠા ત્યારે જ પ્રજાની સાન ઠેકાણે આવી ને જેવિયર મિલેને જિતાડ્યો. 


આર્જેન્ટિનાની પ્રજાએ મોઘમ રીતે જાણે આપણને ઇશારો કર્યો છે કે ‘અમારી આંખ ઊઘડી ગઈ છે, તમારી હજી ક્યાં સુધી બંધ રહેશે? અમે ચેતી ગયા છીએ, તમે પણ ચેતી જાઓ. મફતની લાલચ છોડો, મહેનત કરો. આપનો ઉદ્ધાર આપણે જ કરવો પડશે. સરકાર પર નિર્ભર ન રહો. જૉન એફ કેનેડીએ પોતાના પ્રથમ પ્રવચનમાં જે કહ્યું હતું એ યાદ રાખો કે હું તમારા માટે શું કરવાનો છું એવું મને પૂછશો નહીં. હું તમને પૂછું છું કે તમે દેશ માટે શું કરવાના છો?’

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2023 01:52 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK