આંસુ આવવાનાં અનેક કારણો હોઈ શકે. કણું આંખમાં ગયું હોય તોય આંસુ આવે. દુઃખદ ઘટના બની હોય તો આંખોમાંથી ગંગાજમના વહેવા માંડે

પ્રતીકાત્મક તસવીર
પીડાને જો આંસુ નામે વહન ન મળે તો એ જ્વાળામુખી બની જાય. બહાર નીકળવામાં નિષ્ફળ જતી વેદના ભીતર ધરબાઈને સંચિત થતી જાય તો ગમે ત્યારે ફાટી પડવાની સંભાવના રહે. આંસુને નિર્બળતાના નામે ખપાવવામાં આવે છે, પણ એનાં અનેક રૂપ છે. અનિલ ચાવડા પીડા પાછળ છુપાયેલા કોઈ પ્રભુ-સંકેત તરફ શેરનિર્દેશ કરે છે...
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે
નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે
આંસુ આવવાનાં અનેક કારણો હોઈ શકે. કણું આંખમાં ગયું હોય તોય આંસુ આવે. દુઃખદ ઘટના બની હોય તો આંખોમાંથી ગંગાજમના વહેવા માંડે. જટિલ રોગોમાં પ્રિયજનને થતી પીડા આપણી આંખોથી ન જોવાય ત્યારે સાંત્વન આપવા આંસુ ધસી આવે. કૅન્સર જેવા રોગોની સારવારમાં વેદના ખમતા દરદીની સજળ આંખો જોવાનું કામ કપરું છે. પીડાની માત્રા તો જે ભોગવતું હોય એને જ ખબર પડે, આપણે તો માત્ર પ્રાર્થના કરી શકીએ. સાચા મનથી કરેલી દુઆ અદૃશ્ય રહીને દવાનું કામ કરવા સક્ષમ હોય છે. બેફામસાહેબ પ્રીતના પારાવારમાં સહેલ કરાવે છે...
જે આંસુ ખોઉં છું એનો મને અવેજ મળે
કે હું રડું તો તમારા નયનમાં ભેજ મળે
તમારી પ્રીત મળે ને ફક્ત મને જ મળે
પછી ભલેને વધારે નહીં તો સહેજ મળે
પ્રેમમાં આંસુ વહેતાં હોય અને સાથે જુદાગરો સહેતા પણ હોય. વિરહ બહુ તીક્ષ્ણ ચીજ છે. એ દેખાય નહીં પણ વાગે બહુ. એમાંય હાથમાંથી હાથ સરકી ગયો હોય અને ફરી પાછા મળવાની શક્યતા ન હોય ત્યારે આ તીક્ષ્ણતા વધારે ખૂંખાર બને. મરીઝ વિરહનો વિરલ અફસોસ વ્યક્ત કરે છે...
જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા
હવે જિંદગીભર રુદન કરવું પડશે
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યાં
ઘણી વાર આંસુ વપરાઈ-વપરાઈને એટલાં ખાલી થઈ ગયાં હોય કે ખરા વખતે જ બહાર ન નીકળે. પતિની લાંબી માંદગી દરમિયાન જ પત્નીનાં એટલાં આંસુ ખર્ચાઈ ગયાં હોય કે નિધન વખતે એ ગેરહાજર હોય. કેટલાંક આંસુ ગળામાં ડૂમો થઈને અટવાઈ ગયાં હોય. સામાન્ય રીતે જવાબો આપવા ટેવાયેલા ડૉ. મુકુલ ચોકસી કવિના વેશે સવાલ પૂછે છે...
ખાલી કૂવાનાં અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબનાં છે સજનવા
ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા
રૂમાલથી કોઈનાં આંસુ લૂછવાનું કામ નાનુંસૂનું નથી. આઘાતમાં એક નાનો સધિયારો પણ ટેકારૂપ બની શકે. એનાથી વિપરીત આઘાત ત્યારે વધારે લાગે જ્યારે સામેવાળાનાં આંસુ છેતરામણાં હોય. આંસુને હથિયાર બનાવીને પોતાની મનમાની કરતા પ્રસંગો આપણી શ્રદ્ધાને નિર્બળ બનાવતા જાય. પ્રમોદ અહીરે પણ વેધક સવાલ પૂછે છે...
કોરી વાતો... નકલી પીડા...
એમાં તારી દુનિયા ક્યાં છે?
જેનામાં હો સાચાં આંસુ
એવી અસલી ઘટના ક્યાં છે?
આજકાલ ફેક લગ્નની ઘટનાઓ અવારનવાર છાપામાં છપાયા કરે છે. લગ્ને-લગ્ને કુંવારા સંબંધો અને લગ્ને-લગ્ને કુંવારી છેતરામણી વ્યાવસાયિક રૂપ ધારણ કરી ચૂક્યાં છે. સોશ્યલ મીડિયા પર સંપર્ક કરી, પ્રેમજાળમાં ફસાવી લેભાગુ વૃત્તિથી પૈસા ખંખેરે છે. સપ્તપદીમાં સાચો અગ્નિ જોઈએ, ચાઇનીઝ જ્યોત ન ચાલે. રતિલાલ સોલંકીની પંક્તિઓમાં આ દાઝ વર્તાશે...
સંબંધોને અંકગણિત બસ
માફક આવે સરવાળાનું
સોળ અહીં ને આંસુ ત્યાં છે
કેવું બંધન વરમાળાનું
સ્મિતનું વચન આપીને આંસુઓની ભેટ ધરતા સંબંધો જિંદગીને જર્જરિત કરી નાખે. એમાં ફ્કત સાથે રહેવાનું હોય, સાથે જીવવાનું નહીં. સાંજે ઑફિસથી ઘરે પાછા ફરતી વખતે ડૉ. દિલીપ મોદી કહે એવું અનુભવાય ત્યારે કોઈ પેઇનકિલર કામ નથી લાગતી...
એવી રીતે જાઉં હું મારા ઘરે
કોઈ જાણે અજનબી પાછો ફરે
ગાંઠ મેં રૂમાલની વાળી દીધી
આંસુઓ ભેગાં કર્યાં છે ભીતરે
લાસ્ટ લાઇન
જોઈ લે મારી જીવનગાથાનાં પૃષ્ઠો
છે કલંકિત આ કથા, પાપે-વિવાદે
સંકટો આખા જગતનાં
જાણે કે પાછળ પડ્યાં!
પ્યાલીમાંથી નહીં મળે કોઈ મજા
કે નહીં ઉપચાર પીડાનો મળે!
‘મખ્ફી’, ઝાંખી આંખોથી વહી રહેલાં
લાલઘૂમ આંસુ હવે પી,
છેક કાંઠા લગ ભરીને
ઝેબુન્નિસા ‘મખ્ફી’ (ઔરંગઝેબની પુત્રી)
ભાવાનુવાદ : મીનાક્ષી ચંદારાણા
કાવ્યસંગ્રહ : દીવાન-એ-ઝેબુન્નિસા