Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પૅન્ડેમિકે બધાં કૅલ્ક્યુલેશન ચેન્જ કરી નાખ્યાં છે

પૅન્ડેમિકે બધાં કૅલ્ક્યુલેશન ચેન્જ કરી નાખ્યાં છે

15 January, 2022 12:50 PM IST | Mumbai
Abhishek Jain

હવે દરેક વ્યક્તિના હાથમાં અને દરેક ફૅમિલીના ડ્રૉઇંગરૂમમાં એક થિયેટર છે, જે વર્લ્ડ સિનેમાનું રિપ્રેઝન્ટેશન કરે છે એટલે હવે એ જ ફિલ્મો જોવા લોકો થિયેટર સુધી જશે જે મોટું અમેઝમેન્ટ અને ગ્રેટર એન્ટરટેઇનર હશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફિલ્મો હંમેશાં અમેઝમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ માટે જ બનતી હોય છે એટલે દરેક ફિલ્મને એક ચોક્કસ પ્રકારનું ઑડિયન્સ મળી રહે છે. દરેક ફિલ્મનો, દરેક સબ્જેક્ટનો વર્ગ અલગ છે અને એ મુજબ જ ફિલ્મ બનાવવામાં આવતી હોય છે. વાત કરીએ રીજનલ સિનેમાની તો આપણી પાસે એ કૅટેગરીમાં સૌથી પહેલાં આવે હિન્દી ફિલ્મ. 
હિન્દી ફિલ્મ વિશે વધારે વાત કરવાની જરૂર જ નથી, આપણે ત્યાં પેદા થતા અને મૃત્યુ પામતા દરેકની પસંદમાં હિન્દી ફિલ્મ હોય જ હોય. હિન્દી સિનેમા આપણે ત્યાં દરેકને અપીલિંગ લાગે છે અને એ કનેક્ટ પણ કરે છે એટલે હિન્દી ફિલ્મોને સૌથી મોટું ઑડિયન્સ મળતું હોય છે. એની રિચ પણ મોટી છે. હું તો કહીશ કે જ્યાં-જ્યાં ભારતીય છે ત્યાં-ત્યાં હિન્દી ફિલ્મ જોવાય છે. રીજનલ સિનેમામાં એ પછી જો કોઈ આવે અને આપણી વાત કરવી પડે તો એ છે સાઉથની ફિલ્મો. સાઉથમાં પણ તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ ચાર ભાષાની ફિલ્મો બને છે. એટલું જ નહીં, આ ચારેચાર ભાષામાં બનતી ફિલ્મો વચ્ચે પણ બહુ મોટું અંતર હોય છે. જે ફિલ્મો કન્નડ અને મલયાલમમાં બને છે એની ટ્રીટમેન્ટ છે, એનું સ્ટોરી-ટેલિંગ અલગ છે તો જે ફિલ્મો તામિલ અને તેલુગુમાં બને છે એ ફિલ્મોની ટ્રીટમેન્ટ અને એના સ્ટોરી-ટેલિંગમાં પણ બહુ મોટો ડિફરન્સ છે. આ લૅન્ગ્વેજના ઑડિયન્સની ડિમાન્ડ પણ તમને જુદી જોવા મળશે. કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં સેન્સિબિલિટી જુદા જ લેવલની જોવા મળે તો તેલુગુ અને તામિલ ફિલ્મોની ઇન્ટેન્સિટી સાવ જુદા લેવલ પર જોવા મળે. કહેવાનો મતલબ એ કે એ ફિલ્મોનું માર્કેટ અલગ છે. એ પછી મેજર લેવલ પર માર્કેટ ધરાવતી જો કોઈ રીજનલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી હોય તો એ છે મરાઠી અને બંગાળી ફિલ્મોની. તો એ સિવાય બીજી ભાષામાં પણ ફિલ્મો બને છે. આ બધા વચ્ચે ગુજરાતી ફિલ્મો પણ છે જ. હવે આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પણ બહુ મોટું કદ ધરાવતી થઈ ગઈ છે. હવે વાત કરીએ આપણે આજના સિનારિયોની.
છેલ્લા થોડા સમયમાં જે બહુ મોટો ચેન્જ આવ્યો છે એ ચેન્જમાં ભાષાનું બૅરિયર રહ્યું નથી. હિન્દી ડબ કે પછી સબટાઇટલ સાથે વિશ્વનું બેસ્ટ સિનેમા આપણે ત્યાં હવે અવેલેબલ છે. આજે તમે કોઈ પણ એક ઓટીટી પ્લૅટફૉર્મ પર લોગઇન કરો એટલે તમારી સામે દુનિયાની દરેક ભાષાનાં પચીસ-ત્રીસ હજારથી વધુ ટાઇટલ આંખ સામે આવી જાય છે. લૉકડાઉનમાં દરેક લોકો ઘરમાં હતા, જેનો પૂરતો ફાયદો આ ડિજિટલ પ્લૅટફૉર્મને થયો છે. દરેકને ગમતી ફિલ્મો ઑનલાઇન અવેલેબલ છે તો ભાષા, સબટાઇટલને લીધે બીજી ફિલ્મો જોવી પણ સહેલી થઈ ગઈ છે. તમે ધારો તો કોરિયન ડ્રામા જોઈ શકો અને તામિલ, તેલુગુ ફિલ્મ પણ મળશે. કાં તો એ તમને હિન્દી ડબ વર્ઝનમાં મળશે અને ડબ નહીં હોય તો સબટાઇટલ સાથે જોવા મળશે. 
સાઉથની ફિલ્મો આપણે ત્યાં હવે વધારે જોવા મળવા લાગી એનું કારણ ક્યાંક ને ક્યાંક આ જ છે. વર્ષો પહેલાં આપણે સાઉથની ફિલ્મોની રીમેક બનાવતા, પણ ઇન્ટરનેટનો વ્યાપ નહોતો એટલે હિન્દી બેલ્ટના ઑડિયન્સને ખબર નહોતી પડતી, પણ હવે ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી એવી મોટી થઈ ગઈ છે કે ઑફિશ્યલ રાઇટ્સ જ આપવામાં આવે અને ખરીદવામાં આવે. 
‘બાહુબલી’, ‘કેજીએફ’, ‘માસ્ટર’, ‘થેરી’, ‘રોબોટ’ જેવી ફિલ્મોએ સિનારિયો બદલી નાખ્યો છે. પહેલાં આપણી પાસે હિન્દી અને ઇંગ્લિશ એમ બે પ્રકારની ફિલ્મોની ચૉઇસ હતી, પણ ડબ વર્ઝનને કારણે ભાષાનું બૅરિયર નીકળી ગયું એટલે સાઉથની ફિલ્મ પણ એક ઑપ્શન તરીકે ચૉઇસમાં મુકાઈ ગઈ. આજે જેટલી રાહ આપણે ‘બ્રહ્માસ્ત્ર’ની નહીં જોતા હોઈએ એટલી રાહ ‘આર.આર.આર.’ની કે પછી ‘રાધે-શ્યામ’ની જોઈએ છીએ. હમણાંની જ વાત કરું તો, મહિના પહેલાં રિલીઝ થયેલી ‘પુષ્પા’એ બધા રેકૉર્ડ તોડી નાખ્યા. ‘પુષ્પા’ની સાથે રિલીઝ થયેલી ‘83’ને એટલો સારો રિસ્પૉન્સ ન મળ્યો, પણ એનાં ઘણાં કારણ છે, જેમાં પડ્યા વિના જો ‘પુષ્પા’ની જ વાત કરવાની હોય તો કહેવું પડે કે સાઉથની ફિલ્મો આપણે ત્યાં બહુ સારી રીતે એક્સેપ્ટ થવા માંડી છે. અહીં મારે ફિલ્મની ટ્રીટમેન્ટની પણ વાત કરવી છે. હવે રીજનલ ફિલ્મ પણ એ પ્રકારે બનવા માંડી છે કે કોઈને લાગે નહીં કે આ કોઈ પર્ટિક્યુલર રીજનની ફિલ્મ છે. 
હવે ઑડિયન્સને પુષ્કળ ચૉઇસ મળે છે અને એ ચૉઇસને કારણે જ આજનો સિનારિયો ચેન્જ થયો છે. હવે દરેકને ખબર છે કે આજે રિલીઝ થયેલી ફિલ્મ વધીને બે મહિનામાં કોઈ ને કોઈ પ્લૅટફૉર્મ પર અવેલેબલ થશે, જેને લીધે થિયેટરમાં જવાનું મન થાય તો બેસ્ટ અને જે સૌથી વધુ અપીલિંગ હોય એ જ ફિલ્મ જોવાનું લોકો પસંદ કરશે. સમય આવી ગયો છે એક્સપોઝર લેવાનો. જરા વિચારો કે હમણાં રિલીઝ થયેલી ‘સ્પાઇડરમૅન’ જો દુનિયાભરમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે અને એમાંથી ૧૦ ટકા રકમ જો ઇન્ડિયન માર્કેટમાંથી લેવામાં આવતી હોય તો તમને ખ્યાલ આવશે કે લોકો કઈ હદે એક્સપોઝર લેતા થયા છે. 
સેકન્ડલી, પૅન્ડેમિક છે એટલે ઑડિયન્સ દરેક ફિલ્મ થિયેટરમાં જોવા નહીં જાય. આજે મિનિમમ ૩૦૦ રૂપિયા ટિકિટ છે અને મોટા ભાગે કોઈ એકલું ફિલ્મ જોવા જતું નથી. એવા સમયે તે સિલેક્ટેડ કૅટેગરીમાં જ ફિલ્મ પસંદ કરશે જેનો બેનિફટ એવી ફિલ્મોને થશે જેને એક્સપોઝર મળ્યું હોય. લોકો એન્ટરટેઇનમેન્ટ પાછળ પૈસા ખર્ચે છે, પણ હવે તે આ ૩૦૦-૪૦૦ રૂપિયા ડિજિટલ પ્લૅટફૉર્મના સબસ્ક્રિપશનમાં આપશે અને સિલેક્ટિવ થઈને થિયેટરમાં ફિલ્મ જોશે. 
મારે એક વાતની સ્પષ્ટતા કરવી છે કે એવું નથી કે હવે આપણે ત્યાં સાઉથની ફિલ્મો વધારે જોવાય છે અને હિન્દી ફિલ્મો ઓછી જોવાય છે. ના, એવું નથી અને નથી જ, પણ હકીકત એ છે કે વ્યુઅરશિપ બ્રૉડ થઈ છે. લોકો પાસે પુષ્કળ ઑપ્શન છે ત્યારે તેઓ સતત નવું અને અલગ જોતા થયા છે. હિન્દી ફિલ્મો પણ દોઢ-બે વર્ષમાં જે રિલીઝ થઈ એમાંથી માંડ બે-ચાર થિયેટરમાં આવી, બાકી બધી ઑનલાઇન જ રિલીઝ થઈ છે એટલે આ બાબતમાં જજમેન્ટલ બનવું મને યોગ્ય નથી લાગતું. હવે સ્ટારિઝમ પણ બહુ અટ્રૅક્ટ કરે એવું મને નથી લાગતું. ફિલ્મ અપીલ કરવી જોઈએ, સબ્જેક્ટ અપીલ કરવો જોઈએ. તમે બહુ મોટા ખર્ચે ફિલ્મ બનાવો પણ એ એટલી અપીલિંગ નહીં હોય તો લોકો હવે જોવા નહીં જાય. કૅલ્ક્યુલેશન, પૅન્ડેમિકે બધાં કૅલ્ક્યુલેશન ચેન્જ કરી નાખ્યાં છે. 
હવે એ સમય નથી જેમાં ફિલ્મ જોવા માટે તમારે થિયેટરમાં જવું પડે. હવે ગ્લોબલ ઑડિયન્સ બન્યું છે, જેમાં દરેકના હાથમાં અને દરેક ફૅમિલીના ડ્રૉઇંગરૂમમાં એક થિયેટર છે જેના પર વર્લ્ડ સિનેમા પથરાયેલું પડ્યું છે. બસ, તમારા એક જ ક્લિકની જરૂર છે. આ એક ક્લિક સાથે તમે દુનિયા સાથે જોડાઈ જાઓ છો તો પછી નૅચરલી હવે જે ફિલ્મ ઑડિયન્સને મોટું અમેઝમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ આપશે એ જ ફિલ્મ જોવા લોકો થિયેટર સુધી જશે. પછી એ બૉલીવુડ હોય, ટેલીવુડ હોય કે પછી હૉલીવુડ હોય. ફ્લૉપ અને હિટની વ્યાખ્યા પણ હવે ચેન્જ થઈ છે. આવતા સમયમાં બિઝનેસના આંકડા પણ મહત્ત્વના રહેવાના નથી, કારણ કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એ આંકડાઓનું પણ મહત્ત્વ હોતું નથી. ત્યાં વ્યુઅરશિપ મહત્ત્વની છે અને વ્યુઅરશિપનો આધાર સબસ્ક્રિપ્શન પર આધારિત છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે અનએક્સપેક્ટેડ રિઝલ્ટ માટે તૈયાર રહેવું એ જ આ પૅન્ડેમિક પછીની સિચુએશનનું સરવૈયું છે. ‘મેટ્રિક્સ’ની આગળની બધી ફિલ્મો સુપરહિટ રહી હોય તો ‘મેટ્રિક્સ’ સિરીઝની લેટેસ્ટ ફિલ્મ ફ્લૉપ થઈ શકે અને ધાર્યું પણ ન હોય એ રીતે ‘83’ પણ ફ્લૉપ થઈ 
જાય તો ‘પુષ્પા’ હિટ થાય અને એવી જ રીતે ‘મિન્નલ મુરલી’ જેવી ક્યારેય  લોકો સુધી નહીં પહોંચનારી ફિલ્મોનાં વખાણ પણ લોકો સુધી પહોંચવા માંડે. 
આપણે પૅન્ડેમિકે ચેન્જ કરેલા કૅલ્ક્યુલેશનનો અનાદર બિલકુલ કરવો ન જોઈએ.

ઘણા લોકો એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે હવે આપણે ત્યાં સાઉથની ફિલ્મો વધારે જોવાય છે અને હિન્દી ફિલ્મો ઓછી જોવાય છે. ના, એવું નથી અને નથી જ, પણ હકીકત એ છે કે વ્યુઅરશિપ બ્રૉડ થઈ છે. લોકો પાસે પુષ્કળ ઑપ્શન છે ત્યારે તેઓ સતત નવું અને અલગ જોતા થયા છે.



પૅન્ડેમિક છે એટલે ઑડિયન્સ દરેક ફિલ્મ થિયેટરમાં જોવા નહીં જાય. આજે મિનિમમ ૩૦૦ રૂપિયા ટિકિટ છે અને મોટા ભાગે કોઈ એકલું ફિલ્મ જોવા જતું નથી. એવા સમયે તે સિલેક્ટેડ કૅટેગરીમાં જ ફિલ્મ પસંદ કરશે જેનો બેનિફટ એવી ફિલ્મોને થશે જેને એક્સપોઝર મળ્યું હોય.


(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2022 12:50 PM IST | Mumbai | Abhishek Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK