અત્યારે લગભગ ૬૮થી ૬૯ વર્ષની નિવૃત્ત બહેનપણીઓને ફરી ભેગી કરવાનું કામ કર્યું હતું પાંચ સખીઓએ. પાંચ દાયકાથી વધુ સમય વીત્યા પછી એ જ જૂની સ્કૂલમાં મળવાનો અનુભવ કેવો રહ્યો એ જાણીએ
૫૩ વર્ષ પહેલાંની આ તસવીર જોઈને ‘પૈચાન કૌન’ રમવાની મજા માણી આ દાદીઓએ
સુનીતિ હાઈ સ્કૂલ ફૉર ગર્લ્સની દસમા ધોરણમાં સાથે ભણતી ૧૯૬૯-’૭૦ના બૅચની બહેનોનું હમણાં અનોખું રીયુનિયન થયું. અત્યારે લગભગ ૬૮થી ૬૯ વર્ષની નિવૃત્ત બહેનપણીઓને ફરી ભેગી કરવાનું કામ કર્યું હતું પાંચ સખીઓએ. પાંચ દાયકાથી વધુ સમય વીત્યા પછી એ જ જૂની સ્કૂલમાં મળવાનો અનુભવ કેવો રહ્યો એ જાણીએ
સ્કૂલ છોડ્યાના ૫૩ વર્ષ બાદ મળેેલી આ બહેનોમાંથી કેટલીકને હજીયે આ સ્કૂલની આગવી પ્રાર્થના કડકડાટ મોંએ આવડે છે.
ADVERTISEMENT
સ્કૂલમાં સાથે ભણતા વિદ્યાર્થીઓ દસ-વીસ વર્ષ પછી જ્યારે પોતપોતાની દુનિયામાં સેટલ થઈને મળે ત્યારે જૂની યાદોનો પટારો ખૂલે અને ફરી એક વાર બાળપણને વાગોળીને એ સમયમાં પહોંચી જવાની મજા છે એ અનેરી છે. જોકે આવું સ્નેહમિલન પાંચ દાયકા કરતાં વધુ સમય પછી થાય એવું બહુ જવલ્લે જ થાય છે. જોકે ગયા મહિને પ્રાર્થના સમાજમાં આવેલી સુનીતિ હાઈ સ્કૂલ ફૉર ગર્લ્સની ગુજરાતી માધ્યમનો એસએસસીનો બૅચ ૫૩ વર્ષ બાદ ફરીથી મળ્યો. ૧૯૬૯-૧૯૭૦માં એસએસસીમાં ભણતી બહેનોનો બૅચ ૨૧ જાન્યુઆરીની બપોરે એકઠો થયો હતો અને જૂનાં સંસ્મરણો તાજાં કર્યાં હતાં. મીના મસરાણી, દક્ષા શેટ્ટી, રીટા તન્ના, ભાનુ વેદ, ઈલા જોષી, મીનાક્ષી ગોરડિયા અને લતા વીંછી એમ સાત બહેનોએ ભેગાં મળીને આ કાર્યક્રમ માટે મહેનત કરી હતી. સૌથી પહેલાં તો એ બૅચની બધી જ બહેનોને ભેગાં કરવાનું કામ ખાસ્સું અઘરું હતું. રીટા તન્ના કહે છે, ‘અમે સ્કૂલના રજિસ્ટરને ફંફોસીને એમાંથી અમારા બૅચની બીજી બહેનોને શોધી હતી. એમાંથી લગભગ ૩૦ જણને અમે ખોળી શક્યા અને અમે અમારી જ સ્કૂલમાં મળવાનું નક્કી કર્યું.’

હવે આ સ્કૂલનું નામ બદલાઈને અશોક સ્કૂલ થયું છે જેમાં હાલ ગર્લ્સ અને બૉય્ઝ મળીને કુલ ૨૦૦ સ્ટુડન્ટ્સ ભણે છે. આ બહેનો ભલે ૫૩ વર્ષ પછી મળી પણ તેમણે સ્કૂલના હાલના પ્રિન્સિપાલ, ટીચર્સ અને બાકીના સ્ટાફ સહિત લગભગ ૫૦ લોકો સાથે મિલનનો આ કાર્યક્રમ માણ્યો એટલું જ નહીં, તેમના સમયનાં એક ટીચર કુમુદિનીબહેન પણ હાજર રહ્યાં. ચાપાણી સાથે નાસ્તામાં રાખ્યાં હતાં અમીરી ખમણ, થેપલાં અને છૂંદો, ઇડલી-ચટણી અને વટાણાના ઘૂઘરા.
સ્કૂલની પ્રાર્થના ગાઈ
એસએસસી પાસ કર્યા પછી ૫૩ વર્ષે મળેલી અને દાદીનું પ્રમોશન મેળવી ચૂકેલી આ મહિલાઓએ સ્કૂલ શરૂ થાય એ પહેલાં ગાવામાં આવતી હતી એ ૬ લાઇનની પ્રાર્થના ‘અમે સુનીતિના વિદ્યાર્થી, સુનીતિ અમારી માતા..’ ગાઈ.
ડ્રેસ-કોડ રાખ્યો બ્લુ
કાર્યક્રમના દિવસે મહિલાઓએ ડ્રેસ-કોડ બ્લુ રાખ્યો હતો, કારણ કે તેઓ સ્કૂલમાં હતા ત્યારે તેમના યુનિફૉર્મનો કલર બ્લુ હતો. હાજર બધી જ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ બ્લુ કલરનો ડ્રેસ અથવા તો સાડી પહેરીને આવી. આ મહિલાઓમાંની કોઈ અંધેરી, કોઈ બોરીવલી, મલાડ, દહિસર, ભાઈંદર અને પ્રૉપર મુંબઈ સહિત અલગ-અલગ જગ્યાએ રહે છે એટલું જ નહીં; તેમની સરનેમ પણ બદલાઈ ગઈ છે.
ગુજરાતીને પ્રેમ કરતી અનોખી સ્કૂલ
૧૯૪૧માં જેની સ્થાપના થઈ હતી એ સુનીતિ હાઈ સ્કૂલનું નામ ૧૯૮૪માં બદલીને અશોક હાઈ સ્કૂલ કરવામાં આવ્યું. ગુજરાતી પરિવારનાં બાળકો ગુજરાતી માધ્યમમાં ભણી શકે અને એ રીતે ગુજરાતી ભાષાને ટકાવી રાખવાના હેતુ સાથે અંગેજી માધ્યમ નહીં પણ ગુજરાતી માધ્યમ ચલાવવાનો સાહસપૂર્ણ અને દાદ માગી લે એવો નિર્ણય સ્કૂલે લીધો. હાલ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના થઈને કુલ ૨૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. અત્યારે સ્કૂલ અને ભણતર જ્યાં એક ધીકતો વ્યવસાય બની ગયાં છે એવા આ સમયમાં અહીં પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનાં બાળકોની ફી માત્ર ૬૦ રૂપિયા છે અને એમાં પણ જો કોઈ ન આપી શકે તેમ હોય તો ફી માફ કરવામાં આવે છે. બાળકોને જમવાનું, યુનિફૉર્મ, નોટબુક, પુસ્તકો સ્કૂલ આપે છે એટલું જ નહીં; સ્કૂલમાં જવા-આવવા માટે બસની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાર્થીઓના વાલીઓને કોઈ જ આર્થિક બોજ ન પડે એ સ્કૂલ જુએ છે. સતીશભાઈ શેઠ અને સંપૂર્ણ શેઠ પરિવારના સભ્યો ટ્રસ્ટીગણમાં રહીને શાળા ચલાવી રહ્યા છે. શાળાના પ્રિન્સિપાલ નવનીતભાઈ લાડ છે.


