Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભરતગૂંથણ સાથે ગૂંથાઈ રહ્યું છે વડીલોનું સ્વાસ્થ્ય?

ભરતગૂંથણ સાથે ગૂંથાઈ રહ્યું છે વડીલોનું સ્વાસ્થ્ય?

16 November, 2022 03:04 PM IST | Mumbai
Pallavi Acharya

વયોવૃદ્ધોને પજવતી ડિમેન્શિયા અને ઑલ્ઝાઇમર્સ જેવી બીમારી ભરતગૂંથણનું કામ કરતા લોકો પાસે જલદી નથી આવતી એવું સંશોધકોનું કહેવું છે ત્યારે જાણીએ ભરતકામ કરતી વડીલ મહિલાઓનું મંતવ્ય શું છે

સાવિત્રીબહેન ગોરી

સ્પેશ્યલ સ્ટોરી

સાવિત્રીબહેન ગોરી


સોય-દોરા, સોયા, અંકોડી કે કોઈ પણ પ્રકારના સોયાથી થતું ભરતગૂંથણ એ માત્ર શોખ કે કલાની વસ્તુ નથી પણ મહા સ્ટ્રેસબસ્ટર પ્રવૃત્તિ છે એટલું જ નહીં, ડિમેન્શિયા અને ઑલ્ઝાઇમર્સ જેવી વડીલોને વધુ પજવતી બીમારીને એ પાછી ઠેલી શકે છે એવું સાઇકોલૉજીને લગતાં સંશોધનોનું કહેવું છે. શું ખરેખર ભરતગૂંથણ કરવાથી વડીલોને ફાયદો થાય છે? ભરતકામ કરતા વડીલોને મળ્યા તો સમજાયું કે એનાથી તો તેમનાં તન અને મન બન્ને ટકાટક રહ્યાં છે અને મોજથી જીવે છે.

સોય-દોરા જ સાથી
સ્મિતાબહેન શાહ

મલાડ (ઈસ્ટ)માં રહેતાં સ્મિતા શાહ હૅન્ડ એમ્બ્રૉઇડરી કરે છે, ક્રોશિયો વર્ક, પૅચવર્ક, સૅટિન વગેરે પ્રકારનું ભરતકામ કરે છે. સાડીની બૉર્ડર, બ્લાઉઝ, રૂમાલ, ચાદરો તથા બાળકો માટે ઓઢવાની ચાદરો પર કાર્ટૂન વગેરે પૅચવર્ક કરે છે. તેઓ પોતાના પૂરતું જ ભરતકામ નથી કરતાં, ઑર્ડરથી પણ બનાવે છે. ૬૮ વર્ષનાં સ્મિતાબહેન સિંગલ છે અને તેમની બહેન સાથે રહે છે. તેઓ કૂપર હૉસ્પિટલમાં ઈસીજી ટેક્નિશ્યન હતાં. ગૂંથણના ક્રીએટિવ વર્કે તેમનામાં ભારે કૉન્ફિડન્સ પૂર્યો હોય એવી પ્રતીતિ તેમની સાથે વાત કરતાં થાય છે. કોરોના સમયની વાત કરતાં તે કહે છે, ‘કોરોનાનાં બે વરસમાં એક પણ દિવસ મેં ઘરની બહાર પગ નહોતો મૂક્યો, પણ મને જરાય એકલતા ન લાગી. સોય અને દોરા જ છે મારાં સાથી. એ છે એટલે મને કોઈના સાથની કે મિત્રતાની જરૂર નથી લાગતી કે ક્યાંય બહાર જવાની પણ જરૂર નથી લાગતી. હું ખુશ રહી શકું છું અને મન સદા કામમાં રહેવાથી કોઈ ખોટા વિચારો પણ નથી આવતા.’


સ્મિતા સેકન્ડમાં ભણતાં હતાં ત્યારથી ભરતકામ કરે છે. ઇન ફૅક્ટ તેમના પરિવારમાં પેઢીઓથી બધા કંઈને કંઈ ક્રીએટિવ વર્ક કરે છે. તેમનાં નાની અને મમ્મી, મામાઓ બધા જ કંઈને કંઈ કરતાં. તેમનાં મમ્મી ઘરમાં કદી કોઈને નવરાં બેસવા નહોતાં દેતાં. સ્મિતાનાં નાની ૮૫ વર્ષ સુધી ભરતકામ કરતાં રહ્યાં હતાં. તેમને લકવો થયો હતો તો પણ પથારીમાં પડ્યાં-પડ્યાં પણ બે સોયાથી ભરતાં હતાં. સ્મિતા કહે છે કે ગૂંથણકામ કરવાથી માંદગીમાંથી જલદી બહાર આવી શકાય. માંદગી હોય તો એ લાગે જ નહીં.

મગજ સતત પરોવાયેલું રહે

હાલ મેં એક સાડી ભરવા લીધી છે એમ કહી વાતની શરૂઆત કરતાં થાણેમાં રહેતાં ૬૮ વર્ષનાં સાવિત્રી શાંતિલાલ ગોરી કહે છે, ‘મારી દીકરી અને વહુ માટે સાડી તથા પંજાબી સૂટ પર મેં એમ્બ્રૉઇડરી કરી છે, મારી પૌત્રી અને દોહિત્રીનાં ટી-શર્ટ અને ડ્રેસ પર એમ્બ્રૉઇડરી કરી છે. એની મને ખુશી છે કે મેં તેમના માટે બનાવ્યું અને વધુ ખુશી ત્યારે પણ થાય છે જ્યારે તેઓ કહે કે મારાં મમ્મી, સાસુ, દાદી કે નાનીએ આ બનાવ્યું છે. મને નવરાં બેસવું નથી ગમતું. ભરતકામ કરતા રહેવાથી મારું મન ખુશ રહે છે, મને કોઈની જરૂર નથી લાગતી. હાથ ભરતકામ કરે અને મુખથી પ્રભુનું નામ લઉં જેથી મને એકલું નથી લાગતું.’

બીજી એક મહત્ત્વની વાત સાવિત્રીબહેને એ કહી કે ભરતકામ કરીએ ત્યારે કેવી ડિઝાઇન કરીશું, ક્યાં કેવો કલર લઈશું, કેવી બુટ્ટી ભરીશું વગેરેમાં મગજ એટલું ઇન્વૉલ્વ અને બિઝી રહે કે બીજું કશું વિચારવાનો અવકાશ જ ન રહે. વળી આ મેં બનાવ્યું છે એવું કહીએ ત્યારે ક્રીએટિવિટીની  ખુશી તો મળે જ, પણ ભારે સંતોષ પણ મળે છે.

બચપણથી ભરતકામ કરતાં શીખેલાં સાવિત્રીબહેન એસએસસીમાં હતાં ત્યારે એક દુકાનમાં કચ્છી ભરતની ૫૦૦ બુટ્ટીઓ ભરીને આપતાં હતાં. ૬૮મા વર્ષે પણ સાવિત્રીબહેન ભરતકામના ઑર્ડર લે છે, ત્રણ ઘરની રસોઈ કરવા જાય છે અને એ પણ બસથી ટ્રાવેલ કરીને મુલુંડ જાય છે. તેઓ કહે છે, ‘ભરતગૂંથણમાં બિઝી રહેવાથી મને કંટાળો ક્યારેય નથી આવતો. કોઈ વાર એવું લાગે તો નવું ભરત હાથમાં લઈ લઉં.’

પરિવારની ખોટ પુરાય

સેંતારાબહેન કોઠારી

ઘાટકોપરમાં રહેતાં ૮૫ વર્ષનાં સેંતારાબહેન કોઠારી કમાલનાં છે. અગાઉ તેઓ જાતજાતની એમ્બ્રૉઇડરી સહિત મશીન એમ્બ્રૉઇડરી, ક્રોશિયો, બે સોયાનું ઊનનું ગૂંથણ જેવાં અનેક ભરતગૂંથણ કરતાં હતાં પણ હવે તેઓ એના ક્લાસ જ લે છે. ૪૦ વર્ષ પહેલાં તેમના પતિના અવસાન પછી તેઓ એકલાં રહે છે. સંતાનો કે પરિવારમાં પણ તેમને કોઈ નથી, પણ આ દાદીમા ભારે કામઢાં, ખુશમિજાજ અને આત્મવિશ્વાસથી છલોછલ છે. આજેય કંઈ ને કંઈ નવું શીખવાની અને શીખવવાની ઇચ્છા તેમનામાં બળવત્તર છે.
મને બહાર જઈને કામ કરવું ગમતું નથી એમ કહેતાં સેંતારાબહેન કહે છે, ‘ઘરમાં હું જે કરું છું એમાં મને આનંદ મળે છે. છોકરીઓ અને મહિલાઓ મારા ઘરે શીખવા આવે છે અને આ લોકો જ મારો પરિવાર છે. મને પરિવારની ખોટ નથી સાલતી. ભરતગૂંથણ કરવાથી અને શીખવાડવાથી મને બહુ આનંદ મળે છે. મને ક્યારેય એવું નથી લાગતું કે હું એકલી પડી ગઈ. આ કામથી મને બહુ સંતોષ થાય છે. હું જાતે ખુશ રહી શકું છું. મારું મન પ્રફુલ્લિત રહે છે.’

સેંતારાબહેન તેમના ઘરે ભરતકામ શીખવા આવતી મહિલાને પગભર બનાવવા ઇચ્છે છે એમ જણાવતાં તેમની સ્ટુડન્ટ હિના છેડા કહે છે, ‘તેમની પાસેથી ભરતગૂંથણ ઉપરાંત પણ મને ઘણું જાણવા-શીખવા મળ્યું છે કે આ ઉંમરે પણ જો તેઓ નવું-નવું શીખે છે તો હું કેમ ન કરી શકું. તેમના સાથમાં હિંમત મળે છે. એકલા હાથે આ ઉંમરે પણ તેઓ જિંદગી સામે ઝઝૂમે છે. તેમના સ્ટુડન્ટને તેમને એવા તૈયાર કરવા છે કે તેઓ પગભર બને, કોઈની સામે તેમણે હાથ લાંબો ન કરવો પડે.’

સાઇકિયાટ્રિસ્ટ શું કહે છે?

શરીરનું કોઈ પણ અંગ હોય, એને સ્વસ્થ રાખવું હોય તો રેગ્યુલર એક્સરસાઇઝ જોઈએ. એવું જ મગજનું પણ છે. રોજ કસરત મળે તો એ તંદુરસ્ત રહે એમ જણાવતાં દહિસર (ઈસ્ટ)માં પોતાનું ક્લિનિક ધરાવતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. દેવેન્દ્ર સાવે ભરતગૂંથણ મગજને કેવી રીતે કસરત આપે છે એને સરળ ભાષામાં સમજાવતાં કહે છે, ‘તમે ભરતકામ કરો ત્યારે ફ્લાવર ક્યાં મૂકશો, એમાં કયા ક્લરનો દોરો લેશો તો સારું લાગશે, કયા કલર સાથે કયો કલર વધુ ઊઠશે જેવા અનેક વિચારો અને આઇડિયા કરવા પડે. આમ આ એક પ્રકારની કૉમ્પ્લેક્સ ઍક્ટિવિટી છે જેમાં ઘણી બાબતો એકસાથે ઇન્વૉલ્વ થાય છે. મગજની આ ફાઇન મોટર સ્કિલ છે જેમાં મગજની સાથે આંગળીઓ, આંખો વગેરે પણ જોડાય છે એટલું જ નહીં, આ એક પ્રકારનું મેડિટેશન છે; કારણ કે એમાં તમારી બધી જ સેન્સ ઇન્વૉલ્વ થાય છે. ભરતકામ કરવા બેસો તો એક કલાક ક્યાં નીકળી જાય એની ખબર ન પડે. બાકી સામાન્ય રીતે એક કલાક મેડિટેશનમાં બેસવાનું હોય તો કદાચ અઘરું પડે. આમાં તમારી એકાગ્રતા વધે છે અને ઇમૅજિનેશન પાવર પણ વધે છે. સૌથી મહત્ત્વનું કે તમે કંઈક ક્રીએટ કરી રહ્યા છો તેથી ખૂબ ખુશી મળે છે અને ડિપ્રેશન દૂર થાય છે.’

ભરતગૂંથણ વડીલો માટે કેમ સારું?

 ઍન્ગ્ઝાયટી ધરાવતા વડીલો માટે ભરતગૂંથણ સ્ટ્રેસબસ્ટર છે એટલું જ નહીં, ડિમેન્શિયા અને ઑલ્ઝાઇમર્સ જેવી સમસ્યા ગૂંથણકામથી ડિલે થઈ શકે છે. એ મગજને તેજ રાખે છે.
 ન્યુરોસાઇકિયાટ્રી અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભરતકામ જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી વડીલોમાં ૩૦થી ૫૦ ટકા સુધી ક્ષતિ થવાની સંભાવના ઘટી શકે છે. ગૂંથણકામમાં એક સમયે મગજના ઘણા ભાગોનો ઉપયોગ કરવાની જરૂર પડે છે.

હાથ-આંખનું સંકલન સુધરે. ગૂંથવાનું કામ મગજ માટે અને શરીર માટે પણ સારું છે. ઘણા વડીલો ઉંમરની સાથે હાથ-આંખના સંકલનમાં મુશ્કેલી અનુભવે છે એ સુધરે. મનને શાંત રાખે, વ્યસ્ત રાખે જેથી હતાશા ન લાગે. તમારા ક્રૉનિક પેઇનને ઓછું કરે. ઉપરાંત આ એક મોટી સામાજિક પ્રવૃત્તિ પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2022 03:04 PM IST | Mumbai | Pallavi Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK