Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લેડીઝની જેમ વડીલોનો પણ અલગ ડબ્બો હોવો જ જોઈએ

લેડીઝની જેમ વડીલોનો પણ અલગ ડબ્બો હોવો જ જોઈએ

Published : 14 December, 2022 05:03 PM | IST | Mumbai
Pallavi Acharya

પીક અવર્સમાં તો ભલભલા જુવાનિયાઓ માટે પણ લોકલ ટ્રેનની સફર ઍડ્વેન્ચરસ બની જતી હોય છે ત્યારે પલ્લવી આચાર્યએ કેટલાક સિનિયર સિટિઝન્સને પૂછી જોયું કે શું તેમને અલગ ડબાની જરૂર છે

લેડીઝની જેમ વડીલોનો પણ અલગ ડબ્બો હોવો જ જોઈએ

લેડીઝની જેમ વડીલોનો પણ અલગ ડબ્બો હોવો જ જોઈએ


આવો નિર્દેશ કેન્દ્રના રેલવે મંત્રાલયને આપવાની માગણી બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ એક જનહિતની અરજી દ્વારા કરવામાં આવી છે ત્યારે મુંબઈના વડીલોને મળીને જાણીએ કે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં તેમને કેવી તકલીફ પડે છે. પીક અવર્સમાં તો ભલભલા જુવાનિયાઓ માટે પણ લોકલ ટ્રેનની સફર ઍડ્વેન્ચરસ બની જતી હોય છે ત્યારે પલ્લવી આચાર્યએ કેટલાક સિનિયર સિટિઝન્સને પૂછી જોયું કે શું તેમને અલગ ડબાની જરૂર છે

રિઝર્વ્ડ સીટમાં પણ વડીલોને કોઈ બેસવા નથી દેતું : વિલેશ દોશી



ઘાટકોપર રહેતા અને મસ્જિદ બંદરમાં ચોવિયાર હાઉસમાં કામ કરતા ૬૧ વર્ષના વિલેશ દોશીનું માનવું છે કે વડીલો માટે અલગ ડબ્બો હોવો જોઈએ, કારણ કે કેટલાક વડીલો ભલે બપોરે નીકળે પણ સાંજે ઘરે આવતાં ભારે ભીડ નડે છે. તેઓ કહે છે, ‘રિઝર્વ્ડ સીટ પર લોકો બેસી ગયા હોય છે અને વડીલોને જગ્યા નથી આપતા એટલું જ નહીં, ભીડ એવી હોય છે કે વડીલોએ ઊતરવું  હોય એ સ્ટેશન પર ઊતરી જ નથી શકતા, લોકોએ ગેટ બ્લૉક કરી રાખ્યો હોય છે. લોકલ ટ્રેનમાં ઘણા વડીલો ટ્રાવેલ કરતા હોય છે. તેમના માટે રેલવે એક વાર અલગ ડબ્બાની સુવિધા આપે તો પણ એ વડીલોને કેટલો કામ લાગશે એ પ્રશ્ન છે.’


વડીલોને કહે છે, ઘરે બેસો : ભરત લોડાયા

નાલાસોપારામાં રહેતા ૬૮ વર્ષના ભરત લોડાયા લાઇસન્સિંગ ઇન્સ્પેક્ટર હોવાથી રોજ સાંતાક્રુઝ ટ્રાવેલ કરતા હતા. તેઓ કહે છે, ‘સિનિયર સિટિઝન માટે રિઝર્વ્ડ સીટ છે પણ પીક અવર્સમાં તો અંદર જઈ જ નથી શકાતું. ઈવન ત્યાં સુધી પહોંચી ગયા તો બીજી સમસ્યા કે સીટ પર બેઠેલી વ્યક્તિ તમને પૂછે કે આપકા પ્રૂફ ક્યા હૈ અને ઉપરથી ઝઘડો કરે! એટલું જ નહીં, તમને સલાહ આપે કે અંકલ ઘર પર બૈઠો. ક્યૂં ટ્રેન મેં આતે હો, આરામ કરો.’


વધુમાં તેઓ કહે છે, ‘ડબ્બામાં ચડીને એક વાર સીટ સુધી પહોંચી ગયા તો પણ ઊતરવા માટે બહાર કેવી રીતે આવવું? ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તેથી મારા મતે વડીલો માટે અલગ ડબ્બો અને એનો ઉપયોગ માત્ર વડીલો જ કરી શકે એ માટે પ્રૉપર અટેન્ડન્ટ હોવો જોઈએ.’

ટ્રેનમાં ચડતાં હું પડી ગયો હતો : રમેશ કોટક
 
મુલુંડ વેસ્ટમાં રહેતા અને ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સીનું કામ કરતા ૬૯ વર્ષના રમેશ કોટકે કામસર મુલુંડથી આખા મુંબઈમાં ટ્રાવેલ કરવું પડે છે. તેઓ કહે છે, ‘વડીલો માટે એક ડબ્બો હોવો જ જોઈએ. સામાન્ય ડબ્બામાં ચડવા માગતા સિનિયર સિટિઝનને પણ એટલા ધક્કા વાગે છે કે આસમાનના તારા દેખાઈ જાય. ટ્રેનમાં ચડતાં હું એક વાર વી. ટી. સ્ટેશન પર પડી ગયો હતો. મારાં નસીબ સારાં કે ટ્રેન અને પાટાની વચ્ચે ન સરકી ગયો પણ મારા પર પગ મૂકીને લોકો જતા રહ્યા.’
 
વડીલો માટે અલગ ડબ્બો જરૂરિયાત છે એમ જણાવતાં રમેશ કોટક કહે છે, ‘હમણાં ૭૫ વર્ષના એક ભાઈને ચડ્યાની થોડી વારમાં જ ચક્કર આવવા લાગ્યાં. જેમ-તેમ જગ્યા કરી લોકોએ નીચે બેસાડ્યા અને પાણી પાયું. વડીલો માટે અલગ ડબ્બો ૧૧૦ ટકા હોવો જોઈએ.’

ફર્સ્ટ ક્લાસમાં પણ હોવું જોઈએ રિઝર્વેશન : રાજેશ ડગલી

મલાડ વેસ્ટમાં રહેતા અને મૅનેજર તરીકે કામ કરતા ૬૯ વર્ષના રાજેશ ડગલી રોજ મલાડથી ચર્ચગેટ ટ્રેનમાં ટ્રાવેલ કરે છે. મલાડથી ચડું પછી મને છેક બાંદરામાં સીટ મળે છે; એ પણ રોજ જતો હોવાથી મને ખબર છે કે બેઠેલામાંથી ચાર-પાંચ અહીં ઊતરે છે તેથી હું એ સીટ આગળ જઈને ઊભો રહું છું એમ જણાવતાં તે કહે છે, ‘કેટલાય વડીલોને છેક ચર્ચગેટ સુધી ઊભા રહેવું જ પડે છે. એમાંય વળી ટ્રેનનો ટાઇમ કે પ્લૅટફૉર્મ ચેન્જ થાય ત્યારે તો વડીલોની હાલત ઓર બગડી જાય છે.’

જુલાઈમાં મેં જૉબ ચેન્જ કરીને ચર્ચગેટ જવાનું ચાલુ કર્યું એ પહેલા દિવસે જ હું ટ્રેનમાં પડી ગયો હતો એમ જણાવતાં વધુમાં રમેશ કોટક કહે છે, ‘એ તો સારું થયું કે ડબ્બામાં પડ્યો. ઘણા યંગ લોકો પણ પડી જાય છે ત્યાં સિનિયર સિટિઝનનું તો શું કહેવું? વડીલો માટે અલગ ડબ્બો આપવાનું પૉસિબલ નથી, કારણ કે આટલા બધા રશમાં વડીલોને એક ડબ્બો આપે તો બીજા લોકોને બહુ તકલીફ પડે અને એ ડબ્બામાં સામાન્ય લોકો ચડી જાય તો તેમને ફાઇન મારે. તેથી સામાન્યમાં જેમ સીટ રિઝર્વ્ડ છે એમ ફર્સ્ટ ક્લાસમાં પણ હોવી જોઈએ.’

વડીલનો રિસ્પેક્ટ આજે કોઈ નથી કરતું : શાંતિભાઈ રાંભિયા
 
સેલ્સ-એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂકેલા ઘાટકોપર ઈસ્ટમાં રહેતા ૬૭ વર્ષના શાંતિભાઈ રાંભિયા નિવૃત્ત છે, પણ કોઈને કોઈ કારણસર લોકલ ટ્રેનમાં તેમનું ટ્રાવેલિંગ રહે છે. તેઓ કહે છે, ‘મુંબઈમાં ઘણી વાર એવી જગ્યાએ જવું પડે જ્યાં કાર લઈ જવી શક્ય નથી હોતી. હમણાં જ મારા ભત્રીજાનાં લગ્નમાં ગયા હતા ત્યારે ટ્રેનમાં જવું પડ્યું. ત્રણ-ચાર ટ્રેન છોડો પછી ચડવા મળે. પછી બેસવા મળશે એ તો વિચારવાનું જ નહીં. ચડતાં એવા ધક્કા વાગે કે ઘણી વાર લાગે કે પડી જવાશે. ધક્કામુક્કીમાં જો પડ્યા ને હાથ-પગ ભાંગ્યા તો વડીલોને તો જલદી રિકવરી પણ ન આવે.’

વડીલો માટે અલગ કમ્પાર્ટમેન્ટની સુવિધા એક વાર રેલવે કરી આપે તો પણ એમાં દિવ્યાંગ જનના ડબ્બામાં આમ લોકો ઘૂસી જાય છે એવું નહીં થાય એની કોઈ વ્યવસ્થા હશે કે કેમ એ સવાલ કરતાં શાંતિભાઈ કહે છે, ‘એસી લોકલમાં એવા લોકો ચડી જાય છે જેમની પાસે એસીનો પાસ કે ટિકિટ નથી હોતા. પકડાઈ જઈશું તો ફાઇન ચૂકવી દઈશું, ત્યાં સુધી કરી લો ટ્રાવેલ એવી તેમની મેન્ટાલિટી હોય છે એટલું જ નહીં, વડીલનો આજે કોઈ રિસ્પેક્ટ નથી કરતું કે બેસવા જગ્યા આપે. બસમાં સિનિયર માટે આગળની ચારેક સીટ રિઝર્વ્ડ હોય છે. વળી આગળના દરવાજેથી ચડી શકાય અને કોઈ તકલીફ હોય તો ડ્રાઇવરને રિક્વેસ્ટ કરીએ તો બસ વધુ ઊભી પણ રહે.’

અલાઉડ ન હોવા છતાં દિવ્યાંગ જનના ડબ્બામાં ટ્રાવેલ કરવું પડે છે : સૂર્યકાંત ઉદેશી

મલાડ વેસ્ટમાં લિબર્ટી ગાર્ડન નજીક રહેતા ૭૫ વર્ષના સૂર્યકાંત ઉદેશી રોજ મલાડથી ચર્ચગેટ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરે છે. ૧૯૭૫થી તેઓ એક કંપની સાથે કામ કરી રહ્યા છે. સૂર્યકાંતભાઈ હવે ચર્ચગેટ જવા માટે અંધેરીથી રિટર્ન થાય છે એની વાત કરતાં કહે છે, ‘ભીડ એવી હોય કે દિવ્યાંગ જનના ડબ્બામાં અલાઉડ ન હોવા છતાં ઘણી વાર મારે એમાં ટ્રાવેલ કરવું પડે છે. ચડતી વખતે તમારે ઝડપ રાખવી પડે નહીં તો ચડી જ ન શકો.’

સૂર્યકાંતભાઈનું કહેવું છે કે વડીલોને આખો ડબ્બો આપો તો સારું જ છે, પણ કમસે કમ રિઝર્વ્ડ સીટની સંખ્યા વધારવી જોઈએ. હાલ ચર્ચગેટ તરફના લેડીઝ ડબ્બા પછીના ડબ્બામાં છેલ્લી ૭ સીટ સિનિયર સિટિઝન માટે રિઝર્વ્ડ છે પણ એનો કોઈ મતલબ નથી રહેતો. ત્યાં લોકો બેસી જાય છે અને કોઈ વડીલ આવે તો સીટ ખાલી પણ નથી કરતા. પીક અવર્સમાં બોરીવલીથી ઊપડતી પણ બધી ટ્રેનો ભરાઈને જ આવે છે. તેથી આ સમયમાં વડીલો માટે ટ્રાવેલ કરવું મુશ્કેલ થઈ પડે છે. રિઝર્વ્ડ સીટ, જે હાલ ૭ છે એના બદલે ૧૩ મળવી જોઈએ. એમ થાય તો દવાબજાર, હીરાબજાર અને શૅરબજાર જતા વડીલોને રાહત મળે. સવા-દોઢ કલાક ઊભા રહેતા વડીલોની હાલત બહુ કફોડી થઈ જાય છે.’

ટ્રેનમાં કોઈ નથી જોતું કે વડીલ છે : વસંત વોરા

બોરીવલી વેસ્ટમાં રહેતા ૭૦ વર્ષના વસંત વોરાની દાદરમાં દુકાન હતી, તેથી તેઓ રોજ પીક અવર્સમાં ટ્રાવેલ કરતા હતા. હવે તેઓ દુકાન નથી જતા, પણ રોજ કોઈને કોઈ કારણસર તેમનું ટ્રાવેલિંગ હોય છે. ટ્રેન લેટ થાય અથવા પ્લૅટફૉર્મ ચેન્જ થાય ત્યારે વડીલો માટે ભાગવું મુશ્કેલ છે એમ જણાવતાં વસંત વોરા કહે છે, ‘મને કિડની ડાયાલિસિસ, અસ્થમા સહિતના ફિઝિકલ ૧૪ ક્રિટિકલ પ્રૉબ્લેમ છે. ટ્રેનમાં ચડતાં ધક્કા વાગે એ તો ખરું જ પણ તમે ઊભા હો તો કોઈ રિઝર્વ્ડ સીટમાં પણ બેસવા ન દે. ફર્સ્ટ ક્લાસમાં પણ એવું જ હોય છે. કોઈ કશી મદદ ન કરે. રિઝર્વ્ડ સીટમાં પણ બેસી ગયેલાઓને કોઈ દંડ નથી થતો. નિયમનું પાલન નથી થતું એટલે લોકો નિયમ તોડતા જ રહે છે.’

આ પણ વાંચો : મુંબઈ લોકલમાં સિનિયર સિટિઝન માટે ડબ્બો રિઝર્વ કરો; હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

વડીલોએ ઘણાં કારણોસર બહાર જવું પડે છે એ વિશે  વસંત વોરા કહે છે, ‘કોઈને કમાવાની મજબૂરી હોય છે તો કોઈને પેન્શન, મેડિકલ, ઇન્શ્યૉરન્સ કે બૅન્કિંગ માટે જવું પડે  છે. કોઈને મફત અનાજ કે રૅશન મળતું હોય તો એ લેવા જવું પડે છે. કોઈને હૉસ્પિટલોની વિઝિટ હોય છે.’

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2022 05:03 PM IST | Mumbai | Pallavi Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK