Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પોતપોતાના પડછાયા ઢોળી

પોતપોતાના પડછાયા ઢોળી

27 November, 2022 08:23 AM IST | Mumbai
Hiten Anandpara

કવિતાના ઝગમગતા છત્ર પર રમેશાઈનો ઢોળ મંદિરના ગુંબજ પર ચડેલા સોનાના ઢોળ જેવો ઐશ્વર્યમાન અને દેદીપ્યમાન છે

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


પાર-અપરંપારના કવિ રમેશ પારેખની જન્મતારીખ છે ૨૭ નવેમ્બર. તેમનું કવિકર્મ વિરલ છે, લખલૂટ છે, માતબર છે અને દીર્ઘકાલીન છે. કવિતાના ઝગમગતા છત્ર પર રમેશાઈનો ઢોળ મંદિરના ગુંબજ પર ચડેલા સોનાના ઢોળ જેવો ઐશ્વર્યમાન અને દેદીપ્યમાન છે. તેમની પંક્તિઓ સાથે આજની મહેફિલ છ અક્ષરને નામ કરીએ. મંદાક્રાન્તા છંદમાં લખાયેલી ગઝલની આ પંક્તિઓમાં નિરાશા અને આશા બંને સામેલ છે...

ધીરે ધીરે સતત સપનાં ખૂટવાની કથા છે



આંખો શું છે, બસ તરડ છે, તૂટવાની કથા છે


આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ

આ બાજુ કૂંપળ અવનવી ફૂટવાની કથા છે


સમગ્ર વિશ્વના દેશો પર્યાવરણના ફેરફારો અંગે ચિંતત છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા પોતપોતાની ક્ષમતા અને દાનત અનુસાર પ્રયાસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનમાં આવેલું ખોફનાક પૂર ક્લાઇમેન્ટ ચેન્જનો પ્રતાપ છે. ગામોનાં ગામો નકશા પરથી ભૂંસાઈ ગયાં. કબર માટે ખુલ્લી જમીન મેળવવી મુશ્કેલ બને એ હદે પૂરનાં પાણી ફરી વળ્યાં. આવી કોઈ દર્દનાક પરિસ્થિતિને અનુલક્ષીને રમેશ પારેખની આ પંક્તિઓ સમજી શકાશે...

પોતપોતાના પડછાયા ઢોળી દઈ

ઘરની હરચીજ ખાલીપાવંતી બની

ફર્શ ચારે ખૂણામાં રઝળતી હતી

રાત આખીયે હું એને જોતો રહ્યો

વીસમી સદી કૃષિ અને ઉદ્યોગના પડકારોની રહી. એકવીસમી સદી ટેક્નૉલૉજીનો ધબકારો અને પર્યાવરણના પડકારો ઝીલનારી બની રહેશે. મધરઅર્થની ઉપેક્ષા આખરે તો જીવલેણ જ નીવડવાની. રસ્તામાં ઉઘાડેછોગ પ્લાસ્ટિકનો કચરો ફેંકતા આપણા હાથે શિસ્ત શીખવી પડશે. રેલવેના પ્લૅટફૉર્મ અને પાટાઓ પર ખાલી બૉટલની ફેંકાતી ખેરાત આપણી માનસિક નિર્ધનતા છે. કુદરત વીફરે તો છાકટી બૉટલ પર એવું બૂચ મારી દે કે જીવ ગૂંગળાઈને મરી જાય. નાગરિક તરીકે અને સમાજ તરીકે આપણી જાતને અરીસામાં જોવી જરૂરી છે. તો આપણને આ પંક્તિનો મર્મ સમજાય...

અરીસો એવો દરિયો છે કે જેમાં

તરે છે માછલી તેથી ઉઝરડાઈ ગયો છે

અરીસાને ઊગે છે નહોર ઝીણા

અરીસો કેટલીયે વાર ખૂની થઈ ગયો છે

ગળું ઘૂંટીને, ધારદાર હથિયારથી કે બંદૂકથી થતું ખૂન જ માત્ર ખૂન નથી. લાચારીને હડધૂત કરી ઉતારી પાડીએ એ સંવેદનાનું ખૂન છે. સત્તા અને શક્તિના જોરે કમજોર પર જુલમ આચરીએ એ માનવતાનું ખૂન છે. બાળકો પાસેથી બાળપણ છીનવી આપણી અધૂરી ઇચ્છાઓ સાકાર કરવાનું મશીન બનાવીએ એ શૈશવનું ખૂન છે. દરેક કતલમાં લોહી વહે એ જરૂરી નથી. રમેશ પારેખ સમસ્યા અને સમાધાન દર્શાવે છે...

તજી આખો મેવાડ ચાલી ગઈ

અને ટોળું થઈ ગઈ મીરાં આપણી

નહોરીલા વહેવાર ચાલે અહીં

સકળ આ નગર છે ગુફા આપણી

હસ્તધૂનન કરીએ ત્યારે પોતાના નહોરની છાપ સામા હાથ પર મૂકી અણગમો દર્શાવવાની કળા ઘણાને હસ્તગત હોય છે. પરિણામે બંને હાથોની રેખા તરડાવાની. દોડતા માણસને આડે પગ નાખી પાડી નાખવાની ચેષ્ટામાં ખેલ છે, ખેલદિલી નથી. આખરે આ પગનું શું થવાનું છે એ આપણે સમજી લેવું જોઈએ...

બુલંદી સામે બગાવત કરી ઊઠેલા પગ

ગુલાંટ ખાઈ પગરખાંમાં જઈ પૂગેલા છે

આ પગને ઝાંઝરી શું, ઝાંઝવા શું, ઝરણું શું?

કે એની ડેલીએ દીવા ઠરી ચૂકેલા છે

જિંદગીની જ્યોત અખંડ નથી હોતી. એ તો બુઝાય અને નવા સ્વરૂપે પ્રગટે. કેટલીક વાર અનેક કારણોસર આ જ્યોત પોતાનું આંતરિક તેજ અને તત્ત્વ ગુમાવી દે. પછી માત્ર ઉંમર પસાર કરવાની હોય. જીવન એવું જીવાય જેની કોઈ નોંધ પણ ન લે. અખબારી ભાષામાં રમેશ પારેખ જે હકીકત છેડે છે એ પત્રકારજગત અને પ્રકાશન-પ્રણાલી સાથે સંકળાયેલા લોકો વિશેષ સમજી શકશે...

કોઈ નહીં વંચાતી જાહેરાત જેવી રિક્તતા

લોહીના ખૂણે પડી રહેશે ને કાળી થઈ જશે

શબ્દમાં આજે નહીં કંપોઝ થાતી આ પીડા

આવતી કાલે તો ન્યુઝવૅલ્યુ વિનાની થઈ જશે

જોરાવર ગ્રામકન્યાનું ગીત

 

ઠોંસો મારું તો થાય ઠેં

એવા એક છોરા પર મરી પડું મેં!

 

આફૂડી આફૂડી કૉળ્યું ચડે છ્

એનું ઊતરેલું ડાચડિયું જોઈ

નહીં તો એ છોરામાં એવું તે શું છે

કે જે મારા બાવડામાં ન્હોય?

સાવઝની ફટવે છે ફેં ઈ હાથ

મારા ખાઈ ગયા છોરાથી ભે?

 

બકરીઓ ચારવાનું મેલી ઈ ભૂત

એક ઝાડવામાં આંખ્યું ચરાવતો!

એક ઝાડમાંથી ઝાડ કેટલાંક, આંખ એની

જોતી કે છેડો ન આવતો?

દાઝ ઘણી ચડતી રે છે

ઈ દાઝનો ઉતાર પણ બેઠો ઈ, લે!

 

રમેશ પારેખ

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2022 08:23 AM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK