Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > પુરુષોને આપણે કેટલા સમજીએ છીએ?

પુરુષોને આપણે કેટલા સમજીએ છીએ?

19 November, 2022 05:44 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

પુરુષો તો ખૂબ ઓછું બોલે છે અને ક્યારેક તો બોલતા જ નથી તો તેમને સમજવા કેટલા અઘરા હોઈ શકે!  આજે પુરુષોને સમજવાનો એક પ્રયાસ કરીએ, જઈએ તેમની થોડી વધુ નજીક. જાણીએ અને સમજીએ આજના સમયના પુરુષોને

પુરુષોને આપણે કેટલા સમજીએ છીએ? ઇન્ટરનૅશનલ મેન્સ ડે

પુરુષોને આપણે કેટલા સમજીએ છીએ?


ઇન્ટરનૅશનલ મેન્સ ડે    સ્ત્રીઓ ખૂબ બોલે છે છતાં કહેવાય છે કે સ્ત્રીને સમજવી અઘરી છે. પુરુષો તો ખૂબ ઓછું બોલે છે અને ક્યારેક તો બોલતા જ નથી તો તેમને સમજવા કેટલા અઘરા હોઈ શકે!  આજે પુરુષોને સમજવાનો એક પ્રયાસ કરીએ, જઈએ તેમની થોડી વધુ નજીક. જાણીએ અને સમજીએ આજના સમયના પુરુષોને

પુરુષને સમજવા માટે...
પુરુષને સમજવો હોય તો કેમ સમજવો એ પ્રશ્નનો ખૂબ સરસ જવાબ આપતાં જય વસાવડા કહે છે, ‘પુરુષને જો સમજવો હોય તો તેના શબ્દો પર ન જાઓ, તેની ઍક્શન્સને જુઓ. એ શું કહે છે એના કરતાં એ શું કરે છે એ વધુ મહત્ત્વનું છે. એ ભલે તમને દિવસમાં પાંચ વાર આઈ લવ યુ ન કહે, પણ એ તમારી દરેક નાનામાં નાની જરૂરિયાત પૂરી કરવા માટે ખપે છે એ તેનો તમારા માટેનો પ્રેમ છે. એ ભલે તેનાં માતા-પિતાને કેમ છો એમ ન પૂછતો હોય પણ તેણે તેમના મેડિક્લેમ કઢાવી રાખ્યા હોય, દવાઓ સમયસર લઈ આવતો હોય એ તેની કાળજી છે.’ 


સ્ત્રીઓના હક વિશે લડનારા, તેમના ઉત્થાન માટે કામ કરનારા અને તેમને સમજનારા લોકોની સંખ્યા દિવસે-દિવસે વધતી જ જાય છે. સમાજ માટે એ એક સકારાત્મક પગલું ગણી શકાય પરંતુ સ્ત્રીઓ માટેની લડતમાં ક્યાંક આપણે પુરુષોને ભૂલી તો નથી ગયા? સ્ત્રીઓને ઉપર લાવવામાં ક્યાંક આપણે પુરુષોને તો નીચે નથી ધકેલી રહ્યા? ફૅમિલી હોય કે સમાજ, પુરુષોનું યોગદાન બધી જ જગ્યાએ ઘણું બહુમૂલ્ય છે. તેમના યોગદાનને સમજવું જરૂરી છે. તે વગર કહ્યે જે કર્યે જાય છે એવા તેના સમર્પણને સમજવું જરૂરી છે. આવો, આજે મેન્સ ડે પર પુરુષોને થોડું વધુ નજીકથી સમજવાની કોશિશ કરીએ.  
‘માતૃભાષા નામ એટલે પડ્યું કે હંમેશાં મા જ બોલતી આવે છે, બાપને બિચારાને બોલવાનો મોકો જ મળતો નથી.’ આના જેવા કેટલાય જોક્સ કન્વિક્શન સાથે કહીને લોકોને નાટકોમાં હસાવનાર ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘ભલે આપણે આવા જોક્સ કરીએ, પણ હું આ વાતમાં માનતો નથી. ભારત સદીઓથી પુરુષપ્રધાન સમાજ જ છે. હું નથી માનતો કે આ દેશને મેન્સ ડે ઊજવવાની જરૂર છે. પુરુષ આ દેશમાં ક્યારેય બિચારો હતો નહીં. પણ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. સ્ત્રી અને પુરુષના હકો અને ફરજો સમાન રીતે વહેંચાઈ જવા લાગ્યા છે. આજનો પુરુષ વધુને વધુ સહિષ્ણુ બનતો જાય છે, જે એક ખૂબ સકારાત્મક બદલાવ છે.’
પુરુષના માથાનો બોજ 
જોકે એનો અર્થ એ પણ નથી કે પુરુષોના જીવનમાં મુશ્કેલીઓ નથી. આજના પુરુષની મુશ્કેલીની એક ગાથા એ છે કે આજની તારીખે દરેક છોકરી સંયુક્ત કુટુંબમાં રહેવાની ના પાડે છે, કારણ કે તેને પોતાની આઝાદીથી જીવવું છે. પણ આ આઝાદીની કિંમત મોટા ભાગના કેસમાં પુરુષ ચૂકવી રહ્યો છે. માતા-પિતાથી અલગ રહેવા માટે તેણે કરીઅરની શરૂઆતમાં જ ઘર લેવાની જવાબદારી આવે છે. ઘર ન લઈ શકે તો ભારે રેન્ટના પૈસા ચૂકવવા પડે છે. આ મુદ્દો સમજાવતાં સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘સંયુક્ત કુટુંબમાં રહીએ તો પુરુષના માથે જે આર્થિક જવાબદારી હોય એ વહેંચાઈ જતી હોય છે. અલગ રહેવા જાઓ તો છાપાથી લઈને વાસણો સુધી બધું નવું વસાવવું પડે છે. આ કમરતોડ મોંઘવારી, જેમાં દર વર્ષે આપણે આપણો ખર્ચો ૧૦-૨૦ ટકા વધારતા જઈએ છીએ, એમાં આજના પુરુષ પર પ્રેશર ખૂબ વધે છે.’ 
ફેમિનિઝમની અધૂરી સમજ  
છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્ત્રીઓના ઉત્થાન માટે જે મૂવમેન્ટ ચાલે છે એ સમાજ માટે ખૂબ જરૂરી હતી. પરંતુ તકલીફ એ છે કે ફેમિનિઝમની સાચી સમજ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે.  ફેમિનિઝમ એટલે સ્ત્રી અને પુરુષોને સમાન તક અને સમાન અધિકાર. ફેમિનિઝમ એ પુરુષોની વિરુદ્ધ કોઈ જંગ નથી. આ સત્ય લોકો સમજતા નથી. એટલે દે ઠોક વલણ ચાલે છે, જેને લીધે પુરુષોએ સહન કરવું પડી રહ્યું છે એમ સમજાવતાં ઉદાહરણ સાથે જાણીતા લેખક અને વકતા જય વસાવડા કહે છે, ‘હાલમાં દીપિકા પાદુકોણે એક કૅમ્પેન કર્યું, માય લાઇફ માય ચૉઇસ. લોકોએ એની ખૂબ પ્રશંસા કરી. આજે લોકો માને છે કે સ્ત્રીઓને પોતાની લાઇફ તેમની રીતે જીવવા દેવી. તેની ચૉઇસ પ્રમાણે તે કરી શકે છે. પરંતુ વિચારો કે આ કૅમ્પેન જો સંજય દત્ત કે સલમાન ખાને કર્યું હોત તો? તો પણ શું લોકો એમ જ માનત કે માય લાઇફ માય ચૉઇસ? ના. લોકો તેમને ઉદ્ધત, વંઠેલા કે ખબર નહીં શું-શું કહેત. જો કોઈ સ્ત્રી પુરુષ વિરુદ્ધ ફરિયાદ કરે તો કાયદો સ્ત્રીની જ વાત માને એવા દેશના કાયદાઓ જ પુરુષને અન્યાય કરે છે. એને ઍટ લીસ્ટ પોતાનો પૉઇન્ટ મૂકવાનો કે તે પણ સાચો હોઈ શકે છે એવો બેનિફિટ ઑફ ડાઉટ તો આપો.’ 
પ્રોત્સાહન આપો 
પુરુષ અને સ્ત્રીનાં હક અને ફરજો એકસરખાં થતાં જાય છે ત્યારે આજના પુરુષે ફક્ત કમાવાનું કામ જ નથી કરવાનું, પણ સ્ત્રીની જેમ મલ્ટિટાસ્ક કરવાનું છે. જેમ કે તેણે ઘરના કામમાં મદદ કરવાની છે, તેણે સંબંધો સાંચવવાના છે, તેણે બાળઉછેરમાં પણ ભાગ લેવાનો છે. તો શું આ બધું તેના માટે સરળ છે? એનો જવાબ આપતાં કૉમેડિયન મનન દેસાઈ કહે છે, ‘ના, અમારા માટે એ જરાય સરળ નથી, કારણ કે નાનપણથી અમને કોઈ કામ કરવાની ટ્રેઇનિંગ નથી મળી. પરંતુ હવે જ્યારે અમે સમજીને કરીએ છીએ તો એમાં પણ પાણીમાંથી પોરા કાઢે છે. મુદ્દો એવો છે કે અમે જીવનભર અમારી મરજીથી જ બધું કર્યું છે. પણ કાલે તો મારી કામવાળી પણ સંભળાવી ગઈ કે તમે રહેવા દ્યો, નહીં થાય તમારાથી. જો તમે ઇચ્છતા હો કે પુરુષો ઘરની જવાબદારી સંભાળે તો તેને આવું ડિસકરેજ ન કરો, પ્રોત્સાહન આપો. ભૂલો થાય તો અમે જાતે શીખશું.’ 
કહેવું કોને જઈને?
આપણે ત્યાં પુરુષ એટલે સશક્ત જ હોવો જોઈએ એમ માનવામાં આવે છે. સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ એવું જ માને છે. એ વિશે સમજાવતાં મનન દેસાઈ કહે છે, ‘જો કોઈ પુરુષ પોતાના મિત્રોને પોતાની વ્યથા કહેતો હોય તો તેના મિત્રો તેના પર ખીજવાય છે કે આ બૈરાની જેમ શું રોયા કરે છે. છોડને લા! કોઈ પોતાના ઘરમાં મા અને પત્ની વચ્ચે પિસાતો હોય અને વાત કરે તો કહેશે કે આ બૈરાઓનું આવું જ હોય, છોડને ભાઈ! પુરુષો પોતાની વ્યથા સ્ત્રીઓને નથી કહી શકતા, પરંતુ પોતાના પુરુષ મિત્રોને પણ નથી કહી શકતા. પોતાના મનની વાત એ ક્યા ઠાલવે?’
આદર કરીએ 
સ્ત્રી સમર્પણ કરે છે એ બધાને દેખાય છે તો પુરુષોના આવા સમર્પણને પણ આપણે જોવું જોઈએ. એને સાવ ન ગણકારો તો એ અન્યાય જ છેને! ઉદાહરણ આપીને સમજાવતાં જાણીતાં લેખિકા અને વકતા કાજલ ઓઝા વૈદ્ય કહે છે, ‘પહેલાંના સમયમાં પુરુષો ઘરે જમવા આવતા હતા. હવે નથી આવતા. વિચારો! ૨૦-૪૦ વર્ષ એ વ્યક્તિ ટિફિનનું ઠંડું જમવાનું ખાય છે, કારણ કે ઘરના બધા ગરમ જમી શકે. કેટલાય પુરુષો એવા છે જેને તમે કહો કે અરે આ ગંજીમાં કાણું પડી ગયું તો કહેશે કે ચાલે હવે, કોણ જુએ છે. સામે સ્ત્રીને એ કહેશે કે તું નવી સાડી લઈ લે, તેં તો આ ઘણી વાર પહેરી લીધી. કેટલાય એવા પુરુષો છે જે બૈરી માટે દર વર્ષે નવાં ઘરેણાં લેશે પણ પોતાના માટે આજ સુધી સોનાની ચેઇન પણ લીધી નથી. આપણે સ્ત્રીઓ બજારમાં જઈએ એકાદ વસ્તુ લેવા. કહીએ કે બસ, મૅચિંગ દુપટ્ટો જ લેવો છે, બે કલાક પછી ત્રણ બૅગ્સ ભરીને સામાન લઈને આવીએ છીએ. કોઈ પુરુષને આપણે જોયો છે મૉલમાં ભટકતો અને પોતાના માટે વસ્તુઓ ખરીદતો? કેમ આટલું કમાતો હોવા છતાં કબાટના નાનકડા ખૂણામાં તેનો બધો સામાન આવી જાય છે અને પોતાની વાઇફ માટે તે પોતાનો કબાટ ખાલી કરી આપે છે? કારણ કે સ્ત્રીઓ એ રીતે પ્રિવિલેજ્ડ છે અને એ પ્રિવિલેજ તેને આપનાર પુરુષનો આદર કરવો જ જોઈએ. સલામ કરીએ એ લોકોને જે આપણી સગવડ માટે, આપણા સુખ માટે, આપણી સુરક્ષા માટે કેટલાં વર્ષો સુધી આકરી મહેનત કરે છે.’


19 November, 2022 05:44 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK