Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > કોઈ પાસે નિઃશુલ્ક કામ કરાવવાની માનસિકતા ક્યારેય કેળવવી નહીં

કોઈ પાસે નિઃશુલ્ક કામ કરાવવાની માનસિકતા ક્યારેય કેળવવી નહીં

31 January, 2023 05:39 PM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

જો તમે મફતમાં કામ કરતા હો અને આવું વિચારો તો સમજી શકાય અને એ પછી પણ હું તો કહીશ કે તમે મફતમાં કામ કરતા હો એવા સમયે પણ તમારા સાથીને અયોગ્ય વળતર મળતું હોય એની સામે વિરોધ નોંધાવે એ જ સાચો કૅપ્ટન, સાચો લીડર

પ્રતિકાત્મક તસવીર

એક માત્ર સરિતા

પ્રતિકાત્મક તસવીર


ઘણા લોકો એવા છે જેઓ બીજાની પાસે મફતમાં કામ કરાવવાની વાતને પોતાનું શૌર્ય ગણે છે અને પ્રોડ્યુસર કે પછી જેકોઈ લાગતાવળગતા હોય એ સૌની સામે કૉલર ટાઇટ કરે છે, પણ હકીકત તો એ છે સાહેબ કે એ લોકો શોષણ કરવાનું જ કાર્ય કરે છે.


આપણી વાત ચાલતી હતી કૅપ્ટનની, લીડરની. અમારાં નાટકોમાં કે પછી ફિલ્મોમાં જે ડિરેક્ટર હોય એ કૅપ્ટન કહેવાય એવી જ રીતે મીડિયામાં જે તંત્રી હોય એ કૅપ્ટન કહેવાય, મોટી કંપનીમાં એના મૅનેજિંગ ડિરેક્ટર કૅપ્ટન કહેવાય. ટીમ સારું કામ કરે તો પણ કૅપ્ટનને જશ મળે અને જો ટીમ નબળું કામ કરે તો પણ એનો અપજશ કૅપ્ટનના શિરે આવે. આ જશ, આ અપજશ લેવાનો હક તમને ત્યારે જ મળે જ્યારે તમે તમારી ટીમની આગળ ઊભા હો અને એ ટીમને તમારું પીઠબળ મળતું હોય. ગયા મંગળવારે કહ્યું એમ, સારું પર્ફોર્મ કરવું એ જ માત્ર કૅપ્ટનની જવાબદારી નથી, પણ ટીમના દરેકેદરેક પ્લેયર સારું પર્ફોર્મ કરે એ જોવાની કૅપ્ટનની સૌથી મોટી ફરજ છે. હું હંમેશાં માનું છું કે વ્યક્તિએ વ્યક્તિના પડખે ઊભા રહેવું જોઈએ અને તમારા ઉપરીએ તો ખાસ આ કામ કરવું જોઈએ. આજે આ વાત કહું છું એવું નથી, હું નાની હતી ત્યારથી આ વાત માનતી આવી છું અને એનું અનુકરણ કરતી આવી છું. મને લાગે છે કે આર્થિક, સામાજિક અને પદની દૃષ્ટિએ મારાથી જે નાના હોય તેમને માટે મારે જ લડવું જોઈએ. જો હું લડવા માટે તૈયાર ન હોઉં તો મને કૅપ્ટન બનવાનો કોઈ હક નથી.


અનેક વખત મારા નાટકના સાથી-કલાકારો માટે મારે પ્રોડક્શન મૅનેજર કે ડિરેક્ટર સાથે પ્રૉબ્લેમ થયો છે અને એવું પણ બન્યું છે કે મારા સાથી-કલાકારને યોગ્ય રીતે ન્યાય ન મળે તો મેં નાટક છોડી દીધું છે. એટલું યાદ રાખજો સાહેબ કે કામ કરતાં પણ મહત્ત્વનું એ છે કે તમે તમારું કર્મ કેવા ભાવ સાથે કરો છો. પૈસા તો કોઈ પણ કમાઈ લે, પણ પૈસા કમાવા માટે તમે તમારા કર્મને કયા સ્થાન પર રાખો છો એ અત્યંત મહત્ત્વનું છે અને એટલે જ આજે પણ મને જૂની રંગભૂમિનું કોઈ મળી જાય તો તરત કહે છે, ‘ઇન્દુ, અમને તારી પેલી વાત યાદ આવી ગઈ’ કે પછી ‘ઇન્દુ, નાટક માટે ફલાણી ટૂર પર ગયાં ત્યારે તેં અડધી રાતે કેવો બધાનો ઊધડો લઈ નાખ્યો હતો.’
આ બહાદુરી નથી, આ ફરજ છે અને ફરજ નિભાવી જાણે એ જ સાચો કૅપ્ટન.
lll

પૈસા વિના કામ કરવાની મેં ના પાડી દીધી અને મોઢા પર જ મારા દિગ્દર્શકને કહી દીધું કે ‘જો તમે તમારી ટીમના હિતમાં કામ ન કરી શકતા હો તો એટલું વિચારી લેજો કે કાલ સવારે તમારે માટે ટીમમાંથી એક પણ જણ આગળ નહીં આવે અને તમે એકલા પડી જશો. તમારા વિના ક્યાંય કોઈ કામ અટકશે નહીં અને તમને કોઈ યાદ પણ નહીં કરે.’


દિગ્દર્શક મને જોતો જ રહી ગયો કે આવું તો કેમ કોઈને કહી શકાય, પણ સાચું હતું અને તમને કહ્યું એમ, સાચું કહેવામાં સંકોચ શાનો? હા, સાચું કહેવામાં સંકોચ ત્યારે કરવો જ્યારે આમન્યા જાળવવાની હોય, જ્યારે સામે ફૅમિલી મેમ્બર હોય કે પછી આપણા વડીલો હોય, પણ એનો અર્થ એવો પણ નથી કે સાચું નહીં કહેવાનું. સાચું કહેવાનું. સાચું કહેવું એ માત્ર તમારા જ હિતમાં નથી, પણ સામેની વ્યક્તિના હિતમાં પણ છે. તેને પણ ખબર પડશે કે એ ખોટું કરે છે, તો તેને પણ અટકવાનો સમય મળશે અને તે પણ પોતાની રીતે નવેસરથી સાચી દિશામાં આગળ વધશે.
‘એટલું નક્કી કે હું પૈસા વિના કામ નહીં કરું...’ મેં મારા એ દિગ્દર્શકને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ‘મફતમાં હું ક્યાંય જતી નથી. મારે પણ મારી જવાબદારીઓ છે અને મારો પરિવાર છે. મફતમાં હું કોઈના પરિવારના મનોરંજન માટે જાઉં એના કરતાં તો બહેતર છે કે હું મારા પરિવારને આનંદ કરાવું...’
‘હા પણ બજેટ...’

‘કહું તો છું, નહીં કરો નાટક...’ મેં પરખાવ્યું, ‘કયા દર્શકોએ તમારા પર બંદૂક તાકી છે કે તમારે નાટક કરવું જ પડશે.’
મેં દૃઢતાપૂર્વક ફરી એ જ વાત કહી,
‘રહેવા દો નાટક કરવાનું અને એ પછી પણ મન થતું હોય તો કોઈ સ્કૂલ કે કૉલેજમાં જઈને નાટક કરો... બાળકોને બે વસ્તુ શીખવા પણ મળશે.’
ખરેખર તે હેબતાયેલી અવસ્થામાં જ મને જોયા કરતા અને પછી ધીમેકથી નજર ઝુકાવી લીધી.
મારો બળાપો ઓસર્યો એટલે તેણે ધીમેકથી મને કહ્યું અને એ પણ મારી સામે જોયા વિના જ,
‘જુઓ... હું પેમેન્ટનું કરાવી દઈશ, પણ કદાચ એ પેમેન્ટ તમને ઓછું...’
‘તો હું ના પાડીશ અને કાં તો...’ મેં તરત જવાબ આપ્યો, ‘મને નાટકનો સબ્જેક્ટ અને મારું કૅરૅક્ટર ગમ્યાં હશે તો હું બાંધછોડ કરીશ, પણ એટલું ક્લિયર કે હું મફતમાં કામ નહીં કરું અને બીજી ક્લૅરિટી એ કે તમારે કોઈની પાસે આવી રીતે મફતમાં કામની અપેક્ષા રાખવી ન જોઈએ.’

આ પણ વાંચો : સારું કામ કરવું નહીં, સૌ પાસેથી સારું કામ લેવું એ કૅપ્ટનની પ્રાથમિક ફરજ છે

‘હા, પણ બજેટ...’

સામાન્ય રીતે હું કરતી નથી, પણ એ દિવસે મેં તેમની વાત કાપી અને કહ્યું,

‘જુઓ, બજેટ ન હોય એવા પ્રોડ્યુસરને તમારે જ કહી દેવું જોઈએ કે નાટક નહીં બની શકે અને ધારો કે બજેટ બહુ મોટું ન હોય તો તમારે ઍક્ટર પર છોડી દેવું જોઈએ કે તેણે એ પૈસામાં કામ કરવું છે કે નહીં, પણ તમારે ક્યારેય મફતની સેવા લેવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’ મેં ચોખવટ કરતાં કહ્યું, ‘આપણે ત્યાં અનેક કલાકારો એવા છે જે ક્યાંય નોકરી નથી કરતા અને માત્ર ઍક્ટિંગ પર જ પોતાનું ઘર ચલાવે છે. એ કલાકારો કેવી રીતે તમારા પ્રોજેક્ટમાં જોડાઈ શકે અને વિચારો કે તેણે જોડાવું હોય તો પછી તેમનું ઘર કઈ રીતે ચાલે? દિગ્દર્શક તરીકે, એક કૅપ્ટન તરીકે તમારે વિચારવું રહ્યું કે તમારી ટીમમાં હોય એ લોકોનું ઘર કેવી રીતે ચાલશે. જો તમે બોલી ન શકતા હો તો તમારે કબૂલવું જોઈએ કે તમે પણ બીજા લોકોની જેમ શોષણમાં માનો છો અને એવું હોય તો...’

‘અરે નહીં, સરિતાજી... ઐસી બાત નહીં હૈ...’ દિગ્દર્શકે વાતને પૂર્ણવિરામ આપતાં કહ્યું, ‘આજ કે બાદ કભી ઐસા નહીં હોગા... અબ આપ બતાઓ, સ્ક્રિપ્ટ આપ કો અચ્છી લગી કી નહીં?’
‘હા, વો તો અચ્છી હૈ...’

આ વાત અત્યારે અહીં પૂરી કરતી વખતે પણ મારે એ કહેવું છે કે ઘણા લોકો એવા હોય છે જેઓ બીજાને મફતમાં લાવવાને પોતાનું શૌર્ય ગણે છે અને પ્રોડ્યુસર કે પછી જે કોઈ લાગતા-વળગતા હોય એ સૌની સામે કૉલર ટાઇટ કરે છે, પણ હકીકત તો છે સાહેબ, કે એ લોકો શોષણ કરવાનું જ કાર્ય કરે છે. નિઃશુલ્ક કામ કરવા જો તમે તૈયાર ન હો તો પછી તમે એવી અપેક્ષા કેમ રાખી શકો કે સામેવાળી વ્યક્તિ નિઃશુલ્ક કામ કરશે અને એવું પણ કેમ ધારી શકો કે એવું કરીને તમે કૉલર ટાઇટ કરો છો.

ના, એવું નથી. એવું કરીને તમે ખરેખર તો તમારી નબળી કૅપ્ટનશિપ અને તમારો સ્વાર્થી સ્વભાવ જાહેર કરતા હો છો.

આ વાત અને આ વિષયને આપણે અહીંથી આગળ લંબાવીશું, પણ એ પહેલાં એક વાત પૂછવાની કે નાટક જોવા જાઓ છો કે નહીં? જજો અને મારી નાટકની દુનિયાને વધારે ને વધારે ઉપર લઈ જવામાં તમારો ફાળો પણ આપજો.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2023 05:39 PM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK