ફૉરેન એજ્યુકેશન કન્સલ્ટન્સી ચલાવતાં નેહા સોમાણીએ ૪૧ છોકરાઓનાં ફૉરેનમાં ઍડ્મિશન કરાવ્યાં છે
નેહા સોમાણીની તસવીર
પહેલાં બહુ મન છતાં ભણવા ન મળે અને પછી ભણવાની ઉંમર પસાર કરી લીધાને બે દશક વીતી ગયા હોય ત્યાં ઇલેવન્થમાં ભણતી દીકરીની સાથે મમ્મી ટ્વેલ્થની તૈયારી કરે. બોરીવલીનાં નેહા સોમાણીના જીવનની આ સત્ય ઘટના છે. ૪૬ વર્ષની ઉંમરે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીમાં BScની ડિગ્રી લઈને ફૉરેન એજ્યુકેશન કન્સલ્ટન્સી ચલાવતાં નેહા સોમાણીએ ૪૧ છોકરાઓનાં ફૉરેનમાં ઍડ્મિશન કરાવ્યાં છે
‘પપ્પા, કાલથી હું સ્કૂલ નથી જવાનો...’
‘કેમ?’
‘મમ્મી એવું કહે છે કે કાલથી તે ભણવા જશે ને હું ઘરે શાક-રોટલી બનાવીશ.’
૨૦૧પમાં બોરીવલીમાં રહેતાં જૈન પરિવારનાં નેહા સોમાણીના ઘરમાં આ સંવાદ થયેલો. આઠમામાં ભણતા દીકરા રુષિલે પપ્પા પરેશભાઈ સાથે આ વાત કરી, કારણ કે સાંજે હોમવર્ક કરાવતી વખતે મમ્મીએ રુષિલનો દાવ લઈ લીધો હતો. નેહાબહેન કહે છે, ‘મારી લાઇફનો એ સૌથી મોટામાં મોટો ટર્નિંગ પૉઇન્ટ બન્યો.’
ADVERTISEMENT
બન્યું એવું કે ટ્વેલ્થ ફેલ મમ્મી દીકરાને બે દિવસથી એક દાખલો શીખવતી હતી અને રુષિલને એ દાખલો આવડતો નહોતો. નૅચરલી મમ્મી કંટાળી ગઈ અને તે રુષિલને વઢી. બાળકબુદ્ધિમાં રુષિલે કહી દીધું કે મારે નથી ભણવું એટલે મમ્મીએ જવાબ આપ્યો, ‘કાલથી હું ભણવા જઈશ, તું ઘરે રહીને શાક-રોટલી બનાવજે.’પરેશભાઈએ વાતને પૉઝિટિવલી લઈ રાતે નેહા સાથે વાત કરી કે ભલે તું મજાકમાં બોલી, પણ જો ભણવાની તારી ઇચ્છા હોય તો મને વાંધો નથી. નેહાબહેનને આજે પણ એ રાત યાદ છે. નેહાબહેન કહે છે, ‘મેં સમજાવ્યું કે હવે આ ઉંમરે એવું બધું ન હોય, પણ મારા હસબન્ડે મને કહ્યું કે આમ પણ તું ભણવા માગતી જ હતીને, તો પછી એક કામ કર. ટ્વેલ્થ પાસ કરી શકે તો કરી લે. ઍટ લીસ્ટ છોકરાઓને તો એવું નહીં લાગે કે તેની મમ્મી ટ્વેલ્થ ફેલ છે. મારાં સાસુ અનસૂયાબહેન અને સસરા શાંતિલાલભાઈએ પણ કહ્યું કે નેહાને સંકોચ ન થતો હોય તો ભલે ભણવા જતી. અને ૪૧ વર્ષની ઉંમરે હું ફરીથી ભણવા બેઠી.’
નેહાબહેન ફરી ભણવા ગયાં ત્યારે તેમની દીકરી જીલ નાઇન્થમાં હતી અને દીકરો રુષિલ એઇટ્થમાં. નેહાબહેને ત્યાર પછી ૪૬ વર્ષની ઉંમરે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સબ્જેક્ટ સાથે BSc કર્યું અને એ પછી ફૉરેન એજ્યુકેશનનું ગાઇડન્સ આપતી એજ્યુસ્ફીઅર નામની કન્સલ્ટન્સી કંપની પણ શરૂ કરી, જે કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈના ૪૧ સ્ટુડન્ટ્સને ફૉરેન યુનિવર્સિટીમાં ઍડ્મિશન અપાવ્યું છે. કોઈએ કહ્યું છેને, અગર જલના હૈ તો એક ચિનગારી કાફી હૈ. નેહાબહેન સાથે એવું જ થયું. નાનપણથી ભણવાનો ગજબનાક શોખ ધરાવતાં પણ ઘરની પરિસ્થિતિના કારણે ભણી નહીં શકેલાં નેહાબહેનનો એ સંઘર્ષમય ભૂતકાળ જાણવા જેવો છે.
ઇતના સા ખ્વાબ હૈ...
મૅરેજ પહેલાં મલાડની ચાલીમાં બે બહેનો સાથે રહેતાં નેહાબહેનના પપ્પા કિશોર શાહ બહુ કડક સ્વભાવના. શરૂઆતનાં વર્ષોમાં ઘરની આર્થિક પરિસ્થિતિ સારી હતી પણ શૅરબજારમાં નુકસાન ગયું. એ દિવસોની વાત કરતાં નેહાબહેનની આંખોમાં આજે પણ આંસુ આવી જાય છે. નેહાબહેન કહે છે, ‘હું છઠ્ઠા ધોરણમાં ભણતી ત્યારે બંગડી પર ભરતકામ કરતાં શીખી ગઈ, જેના મને ત્રણસો રૂપિયા મળતા. એ ત્રણસો રૂપિયામાં અમારે ત્રણ બહેનોએ અમારો ખર્ચો કાઢવાનો. ફી પપ્પાએ ભરી દીધી હોય, પણ એ પછીના બધા ખર્ચા મારી આ ઇન્કમ પર ચાલે.’ એ સમયે નવમા ધોરણમાં પહેલી વાર ભણવામાં નેહાબહેનને જીવવિજ્ઞાન આવ્યું અને બાયોલૉજીનો આ વિષય નેહાબહેનને બહુ ગમી ગયો. તેમણે નક્કી કરી લીધું કે સાયન્સ લઈ તે ભવિષ્યમાં ડૉક્ટર બનશે, પણ પરિવારના એક પ્રસંગમાં જ્યારે બધા સામે પોતાના મનની આ વાત મૂકી ત્યારે અનેક લોકોએ મહેણાંટોણા માર્યાં. ખુદ પપ્પા-મમ્મીએ પણ ઘરે આવીને કહ્યું કે ડૉક્ટર બનવાના ફિતૂર મનમાં રાખવાના નથી, આર્ટ્સ લઈને ભણવાનું પૂરું કરો એટલે વાત પતે. નેહાબહેન કહે છે, ‘મેં તેમને બહુ સમજાવ્યાં પણ મારી વાત માન્યાં નહીં ને મલાડની નગીનદાસ ખાંડવાલા કૉલેજમાં મારું ઍડ્મિશન લીધું. મારું ભણવામાંથી એવું તે મન ઊઠ્યું કે મેં રીતસર વિદ્રોહના મૂડ સાથે ભણવાનું મૂકી જ દીધું, જેને કારણે અગિયારમા ધોરણમાં હું છએ છ સબ્જેક્ટમાં ફેલ થઈ. બીજા વર્ષે ચારમાં ફેલ અને છેક ત્રીજા વર્ષે મેં અગિયારમું પાસ કર્યું. બારમામાં પણ બે વાર ટ્રાય આપી અને બન્ને વાર ફેલ. મમ્મી-પપ્પા સમજી ગયાં કે હવે ભણાવવાનો અર્થ નથી. પહેલું માગું આવ્યું અને બન્ને પક્ષથી હા આવી ગઈ એટલે મેં મૅરેજ કરી લીધાં પણ એ મૅરેજ સમયે એટલું નક્કી રાખ્યું હતું કે હું મારાં બાળકોને જેટલું ભણવું હશે એટલું ભણાવીશ.’
એક દુનિયા ઔર ભી...
મૅરેજ સમયે મનોમન નક્કી કર્યું હતું એવું જ નેહાબહેને કર્યું અને મોટી દીકરી જીલ અને દીકરા રુષિલનું બોરીવલીની માતુશ્રી કાશીબેન વ્રજલાલ વળિયા ઇન્ટરનૅશનલ વિદ્યાલયમાં ઍડ્મિશન લીધું. નેહાબહેન કહે છે, ‘ફી વધારે અને ઇન્કમ ઓછી એટલે પહેલેથી નક્કી હતું કે છોકરાઓને ઘરે જ ભણાવવાં. દર વર્ષે હું મારા છોકરાઓની જે ટેક્સ્ટબુક લેવાની હોય એ બે લઉં. એક સેટ ઘરે રહે. છોકરાઓ સ્કૂલ જાય એટલે હું એ બુક્સ ખોલીને ભણવા બેસી જાઉં જેથી પછી સાંજે હોમવર્ક કરાવતી વખતે મને વાંધો ન આવે.’
નેહાબહેનને તો પ્રૉબ્લેમ ન આવ્યો અને આઠમામાં ભણતા દીકરાને એક દાખલો બે દિવસ સુધી આવડ્યો નહીં અને નેહાબહેનની લાઇફ ચેન્જ થઈ. નેહાબહેન કહે છે, ‘શીખવાની મારી તૈયારી હતી એટલે મેં પણ હા પાડી. ૨૭ વર્ષના ગૅપ પછી હું ફરી ૪૧ વર્ષની ઉંમરે ટ્વેલ્થની તૈયારી કરવાની હતી. મેં તપાસ કરી કે હવે એક્ઝામ આપવી હોય તો શું કરવાનું અને પછી એ ડૉક્યુમેન્ટ્સ ભેગા કરી ૨૦૧પમાં મેં ફરી ભણવાનું શરૂ કર્યું.’
આ ૨૭ વર્ષમાં એજ્યુકેશન ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફારો આવ્યા હતા, જેની સાથે તાલ મિલાવવાનું કામ નેહાબહેને કરવાનું હતું. નવી પદ્ધતિ મુજબ તેમણે બધી તૈયારી કરી અને ૨૦૧૬માં તેમણે ટ્વેલ્થની એક્ઝામ આપી. નેહાબહેન કહે છે, ‘એક્ઝામ સમયે બધાને એવું લાગતું કે હું સુપરવાઇઝર છું. મારો નંબર મલાડની SNDT મહિલા કૉલેજમાં આવ્યો હતો. હસબન્ડ રોજ મને એક્ઝામ-સેન્ટરે મૂકવા આવે અને પેપર પૂરું ન થાય ત્યાં સુધી બહાર ઊભા રહે. આજે પણ હું એ દિવસો યાદ કરું છું તો મારી આંખમાં પાણી આવી જાય છે.’
એક સમયે જે નેહાબહેનને ટ્વેલ્થના એક સબ્જેક્ટમાં પાસ થવામાં ફાંફા પડતા હતા એ નેહાબહેનને આ વખતે ૬૩ ટકા આવ્યા. ટેક્નિકલી તો તેમણે માત્ર ટ્વેલ્થ પાસ કરવાનું હતું, પણ હવે તેમનું મન ભણવામાં લાગી ગયું હતું. પણ ટ્વેલ્થમાં આર્ટ્સ હતું એટલે મેડિકલ ક્ષેત્ર વિશે તો વિચારી શકાય એમ નહોતું એટલે કમ્પ્યુટરમાં જબરદસ્ત દિલચસ્પી ધરાવતાં નેહાબહેનના સદ્નસીબે તેમણે મૅથ્સ રાખ્યું હતું એટલે તેમને IT ફીલ્ડમાં જવા મળી શકે એમ હતું. તેમણે ગોરેગામની પાટકર કૉલેજમાં ઍડ્મિશન લીધું અને કૉલેજ શરૂ કરી, જે તેમણે ૨૦૧૯માં ફર્સ્ટ ક્લાસ માર્ક્સ સાથે પૂરી કરી. નેહાબહેન કહે છે, ‘પહેલાં તો હતું કે જૉબ કરું પણ પછી બહુ વિચારતાં મનમાં થયું કે મારા જેવા કેટલા સ્ટુડન્ટ્સ હશે જે બહુ ભણવા માગતા હશે, આગળ વધવા માગતા હશે પણ પ્રૉપર ગાઇડન્સના અભાવે પાછળ રહી જતા હશે. નક્કી કર્યું કે ફૉરેન એજ્યુસ્ફીઅર કન્સલ્ટન્સી શરૂ કરવી અને પછી એનો સ્ટડી શરૂ કર્યો, જેમાં લૉકડાઉન બહુ ઉપયોગી બની ગયું. ઘરે બેઠાં ઇન્ટરનેટ પર આખી દુનિયા ફેંદી અને પછી એજ્યુસ્ફેર કન્સલ્ટન્સીની શરૂઆત કરી. અત્યાર સુધીમાં ૪૧ સ્ટુડન્ટ્સ ફૉરેન હાયર-એજ્યુકેશન માટે ગયા છે. ટેક્નિકલી કંપનીને ત્રણ વર્ષ થયાં પણ પ્રૅક્ટિકલી તો દોઢ વર્ષ લૉકડાઉનમાં ગયું એટલે દોઢ વર્ષમાં ૪૧ સ્ટુડન્ટ્સ મોકલ્યા એમ પણ કહી શકાય.’
અડચણો આવી અઢળક
નવેસરથી ટ્વેલ્થ જૉઇન કરીને પછી કૉલેજ પૂરી કરવા સુધીમાં નેહાબહેનને અઢળક અડચણો આવી છે. આ જ તબક્કામાં દીકરાની તબિયત એ સ્તર પર બગડી કે લ્યુકેમિયા થવાની પૂરી સંભાવના હતી તેમ જ મમ્મી અને સાસુમા બન્નેનાં અવસાન થયાં. સાસુ અનસૂયાબહેનને તો લાસ્ટ સ્ટેજનું કૅન્સર હતું એટલે ટ્રીટમેન્ટ અને પછીની કૅરમાં પણ તેમનો પુષ્કળ સમય જતો. નેહાબહેન કહે છે, ‘BScની ફાઇનલ એક્ઝામ ચાલતી હતી એ દરમ્યાન મારાં સાસુ હૉસ્પિટલમાં હતાં. હું ભાગીને પેપર આપવા જતી અને પછી ફરીથી હૉસ્પિટલમાં આવી જાઉં. આખી એક્ઝામ આમ પસાર કરી. કોઈ તૈયારી પણ થતી નહોતી પણ મને ખબર હતી કે કેવી જવાબદારીઓ સાથે આગળ વધવાનું મેં નક્કી કર્યું છે. કદાચ તેમના જ આશીર્વાદ હશે કે હું ક્યાંય અટકી નહીં.’