ચાલો જાણીએ ગરબા માટે દર વર્ષે કંઈક નવું પહેરવાના શોખીનોએ આ વખતે શું કર્યું છે
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિ નજીક આવે એટલે ગરબારસિયાઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચે. નવેનવ દિવસ શું પહેરીશું એની તૈયારીઓ અત્યારથી થઈ ગઈ હોય. રંગબેરંગી ચણિયા-ચોળીઓ, કેડિયું, ધોતી-કુરતા તેમ જ અવનવી ઍક્સેસરીઝથી જાણે બજારમાં રોનક આવી જાય છે ત્યારે ભલેને ઘરમાં ઘણું પડ્યું હોય, પણ ઉત્સાહ એટલો હોય કે નવા કૉસ્ચ્યુમ્સની શૉપિંગ તો કરવી જ પડે. ચાલો જાણીએ ગરબા માટે દર વર્ષે કંઈક નવું પહેરવાના શોખીનોએ આ વખતે શું કર્યું છે
થ્રી.. ટૂ... વન... ઍન્ડ ગો...!
ADVERTISEMENT
નવરાત્રિ આડે જસ્ટ ત્રણ દિવસ બાકી છે ત્યારે ગરબારસિયાઓની પુરજોશમાં તૈયારીઓ થઈ ગઈ છે. કોઈકે ખરીદી કરી લીધી હશે તો કોઈકે કૉસ્ચ્યુમ્સ ભાડેથી લેવાની તજવીજ કરી દીધી છે. ચણિયા-ચોળી, કુરતા કે કેડિયું જ નહીં, જાતજાતની ઍક્સેસરીઝનું માર્કેટ પણ ગરમ છે. કેમ કે હવે માત્ર બહેનો જ નહીં, ભાઈઓમાં પણ ગરબાનો ક્રેઝ ચડી ગયો છે. બહેનોમાં દાંડિયા અને ગરબા રમવાનો જેટલો ઉત્સાહ હોય છે એટલો જ હરખ તૈયાર થવાનો પણ હોય છે. દરેક સ્ત્રીને મનમાં હોય છે કે તે ગરબા રમવા જાય ત્યારે ગ્રાઉન્ડ પર સૌથી સુંદર દેખાય. નવરાત્રિમાં તૈયાર થઈને ગરબા રમવા જવાનો શોખ ફક્ત બહેનોને જ હોય એવું નથી. પુરુષો પણ શૉપિંગ કરવામાં મહિલાઓથી જરાય પાછળ નથી. તો ચાલો જાણીએ આ વખતે ગરબારસિયાઓએ કેવી-કેવી તૈયારીઓ કરી છે.
ચણિયા-ચોળીને બદલે ધોતી અને કેડિયું લીધાં
નવરાત્રિની શૉપિંગ વિશે થાણેમાં રહેતી કશિશ જોશી કહે છે, ‘મેં આ વખતે ચણિયા-ચોળીને બદલે વર્કવાળુ કેડિયું અને ધોતીની ખરીદી કરી છે. સાથે ઍક્સેસરીરિઝમાં કમરબંધ, નેકલેસ, નાકની ચૂનની ખરીદી કરી છે. આ વખતે ટ્રેન્ડમાં ચાલી રહેલાં િત્રશૂળ, ડમરુ, ગણપતિની સ્ટાઇલના ઑક્સિડાઇઝ્ડ ઇયર-રિંગ્સ લીધાં છે. સાથે જ મારા ડ્રેસ સાથે મૅચિંગ થાય એવાં હાથનાં બલોયાં લીધાં છે. નવરાત્રિની શૉપિંગ પાછળ મેં ચાર હજારનો ખર્ચો કર્યો છે.’
ટ્રેડિશનલ અને ઇન્ડો-વેસ્ટર્ન બંને ટ્રાય કરીશ
મુલુંડમાં રહેતી પૂનમ બારોટ કહે છે, ‘મેં આ વખતે મુલુંડ માર્કેટમાંથી ચણિયા-ચોળીની ખરીદી કરી છે, જે આખા હેવી વર્કવાળા છે. એ સિવાય મારી પાસે એક પ્લેન ડેનિમ જૅકેટ છે, જેના પર હું આભલાં, કોડી, પૅચવર્ક કરીને એને ફૅન્સી લુક આપીશ. અમુક કપડાં મારી પાસે પહેલેથી છે અને થોડાકની મેં ખરીદી કરી છે. જ્વેલરીમાં મેં નેકલેસ, ઇયર-રિંગ્સ, બ્રેસલેટ, કમરપટ્ટાની શૉપિંગ કરી છે. અઢી હજારમાં મને જોઈતું હતું એ બધું ખરીદી લીધું. મને ગરબા રમવાનો ખૂબ શોખ છે સાથે-સાથે હું એક સિંગર પણ છું. મારે આ વર્ષે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપવાનો હોવાથી મેં ટ્રેડિશનલ અને ઇન્ડો-વેસ્ટર્ન લુક પસંદ કર્યો છે. નવરાત્રિના નવેનવ દિવસ કલરના હિસાબે શું પહેરવું એ મેં નક્કી કરી રાખ્યું છે.’
પુરુષો માટે એટલી વરાઇટી નથી હોતી
મુલુંડમાં રહેતો યુવરાજ ગોહિલ કહે છે, ‘મેં આ વખતે મુલુંડ માર્કેટમાંથી ચાર કુરતા, બે ધોતી, જૅકેટ અને ટોપીની ખરીદી કરી છે. ગયા વર્ષનાં બે કેડિયાં પડ્યાં છે. મને એ વાતનો ગુસ્સો આવે કે મહિલાઓની ચણિયા-ચોળીમાં દર વર્ષે કંઈને કંઈ નવી વરાઇટી આવે પણ પુરુષોના ડ્રેસ દર વર્ષે સેમ જ હોય છે. ઍક્સેસરીઝમાં મેં હાથનાં કડાં અને પગનાં કડલાં લીધાં છે. આ બધી શૉપિંગ પાછળ મેં ૬૦૦૦નો ખર્ચ કર્યો છે.’
ચણિયા-ચોળી ને ઘાઘરો લીધાં, કોટી ને ધોતી-કુરતા લેવાનાં બાકી
આ વખતે હું નવરાત્રિ માટે ખૂબ જ એક્સાઇટેડ છું એમ જણાવતાં મયૂરી વ્યાસ કહે છે, ‘મેં આ વખતે મિરર વર્કવાળાં ચણિયા-ચોળી લીધાં છે. એ સિવાય લહેરિયા ઘાઘરો લીધો છે. એના પર ક્રૉપ ટૉપ પહેરીશ જે હાલમાં સિવડાવવા માટે આપ્યું છે અને સાથે ઓઢણી છે. ઍક્સેસરીઝમાં મેં લૉન્ગ નેકલેસ, માંગટીકો, ઇયર-રિંગ્સ, કમરપટ્ટો વગેરેની ખરીદી કરી છે. આ બધી વસ્તુ ખરીદવામાં મારો પાંચ હજારનો ખર્ચ થઈ ગયો છે, પણ હજી મારે ધોતી-કુરતા, કોટીની ખરીદી કરવાની બાકી છે. મેં થોડી શૉપિંગ અંધેરી-બોરીવલીમાંથી કરી છે અને થોડી અમદાવાદમાંથી કરી છે.’
દ્વારકા અને મુંબઈ બંને જગ્યાએથી ચણિયા-ચોળી લીધાં
મેં આ વખતે મુંબઈ અને ગુજરાત બંને જગ્યાએ નવરાત્રિની શૉપિંગ કરી છે એમ જણાવતાં નાલાસોપારામાં રહેતી મેઘલ મજેઠિયા કહે છે, ‘થોડા સમય પહેલાં હું દ્વારકા ગઈ હતી અને ત્યાં વિવિધ પ્રકારનાં ચણિયા-ચોળી જોઈને એને ખરીદતાં હું મારી જાતને રોકી શકી નહીં. અહીંથી મેં ભરતકામ અને આભલા વર્કવાળાં ચણિયા-ચોળી ખરીદ્યાં છે. મેં ત્યાંથી સરસ વર્કવાળી બંગડીઓ પણ ખરીદી છે. એના પર ઝીણાં-ઝીણાં ઢીંગલા-ઢીંગલીઓ બનાવેલાં છે. એવી જ રીતે બોરીવલી માર્કેટમાં પણ એકથી એક વરાઇટીનાં ચણિયા-ચોળી હતાં, જ્યાંથી મેં પ્રિન્ટેડ ચણિયા-ચોળી ખરીદ્યાં છે. સાથે જ મેં એક વર્કવાળું જૅકેટ પણ ખરીદ્યું છે. દ્વારકા અને બોરીવલીમાં બંને જગ્યાએ ચણિયા-ચોળીની પ્રાઇસ રેન્જ સેમ જ છે. બોરીવલીમાં તમને દુકાનદાર ૩૦૦૦-૩૫૦૦નો ભાવ કહેશે, પણ જો તમને ભાવ કરાવતાં આવડતું હોય તો તમને ૧૫૦૦-૨૦૦૦માં આપી દેશે. એ સિવાય મેં ઈ-કૉમર્સ સાઇટ પરથી એક ચોકર, નેકલેસ અને પેન્ડન્ટ ચેઇનનો સેટ પણ મગાવ્યા છે.’
નવેનવ દિવસ નોખા તરી આવવું છે
મેં નવરાત્રિ માટે દાદર માર્કેટમાંથી શૉપિંગ કરી છે એમ જણાવતાં મોહન ખોલિયા કહે છે, ‘નવરાત્રિના નવેનવ દિવસના કલરના હિસાબે મેં પ્લેન કુરતા ખરીદ્યા છે. નીચે પહેરવા માટે બ્લૅક અને વાઇટ કલરની બે ધોતી લીધી છે. બે વર્કવાળી કોટી લીધી છે. આ ત્રણેય વસ્તુને હું અલગ-અલગ રીતે કલર કૉમ્બિનેશનના હિસાબે પહેરીને દરરોજ ડિફરન્ટ લુક ટ્રાય કરીશ. સાથે જ મેં પગમાં પહેરવા માટે મોજડીઓ લીધી છે. આ બધી વસ્તુ પાછળ મેં પાંચ હજાર ખર્ચ્યા છે અને હવે એ ગરબાના તાલે ઝૂમીને વસૂલીશ.’
અમારું આખું ગ્રુપ મૅચિંગ કપડાં ખરીદે
નવરાત્રિના શૉપિંગ એક્સ્પીરિયન્સ વિશે વાત કરતાં મલાડમાં રહેતો વિશ્વમ મોદી કહે છે, ‘દર વર્ષે હું મારા ફ્રેન્ડસર્કલ સાથે ગરબા રમવા જાઉં છું. અમારું સાત-આઠ લોકોનું ગ્રુપ છે. અમે બધા શૉપિંગ પણ સાથે જ કરીએ છીએ. બને ત્યાં સુધી અમે મૅચિંગ કપડાં લઈએ છીએ. એટલે અમારું ગ્રુપ ગ્રાઉન્ડ પર નોખું તરી આવે. આ વર્ષે મેં કેડિયું, ધોતી, કડલાં, મોજડી વગેરેની શૉપિંગ ભુલેશ્વર માર્કેટમાંથી કરી છે. નવરાત્રિની શૉપિંગ માટે અમે મુંબઈની અનેક માર્કેટમાં ફર્યા પણ અમને સૌથી સસ્તું અને સારું ભુલેશ્વર માર્કેટમાંથી મળ્યું. અમે બધા સ્ટુડન્ટ્સ છીએ. એટલે પૉકેટ મનીમાંથી પૈસા મળે એમાંથી જ ખર્ચ કરવો પડે.’

