Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગરબા ચીલાચાલુ ડાન્સ નથી, એ તો છે દિવ્ય નૃત્ય

ગરબા ચીલાચાલુ ડાન્સ નથી, એ તો છે દિવ્ય નૃત્ય

25 September, 2022 12:48 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

નવરાત્રિ પહેલાં કેટલાક વેધક સવાલો સાથે ‘મિડ-ડે’નાં રુચિતા શાહે અતુલ પુરોહિત સાથે કરેલી રસપ્રદ ચર્ચા પ્રસ્તુત છે 

અતુલ પુરોહિત

ટુ ધ પૉઇન્ટ

અતુલ પુરોહિત


ગરબાની રાજધાની જાહેર કરી શકાય એવા વડોદરામાં છેલ્લાં ૩૩ વર્ષથી સંપૂર્ણ પરંપરાગત નવરાત્રિ કરાવતા અને ગરબારસિકોમાં બાપજી તરીકે પ્રખ્યાત ગુજરાતના ગરબા કિંગ અતુલ પુરોહિતે તાજેતરમાં ‘તારા વિના શ્યામ મને’ ગરબાના કૉપીરાઇટ્સ લીધા છે અને સાથે ચોખવટ પણ કરી છે કે કૉપીરાઇટ્સ આ ગરબાને કોઈ ખોટી રીતે પોતાના નામે ન ચડાવે એટલે છે, બાકી આજે પણ બધા જ આ ગરબો ગાઈ શકશે એ પણ કોઈ જાતની પરમિશન વિના. બદલાતા ટ્રેન્ડ વચ્ચે પણ ગરબાના ઓરિજિનિલ એસેન્સને જાળવવા મથી રહેલા અતુલભાઈને ઘણા લોકો જુનવાણી કહીને વખોડતા હોય છે તો બીજી બાજુ યુવાવર્ગમાં તેમનો જબરો ક્રેઝ છે. નવરાત્રિ પહેલાં કેટલાક વેધક સવાલો સાથે ‘મિડ-ડે’નાં રુચિતા શાહે અતુલ પુરોહિત સાથે કરેલી રસપ્રદ ચર્ચા પ્રસ્તુત છે 

નવરાત્રિની ચકાચૌંધ જુદા જ લેવલ પર પહોંચી છે ત્યારે ૬૭ વર્ષની ઉંમરે તમે તમારા નિયમો સાથે ગરબા કરો છો અને એમાંય યુવાવર્ગની પડાપડી હોય છે. આ શું મૅજિક છે બાપજી?



આ મારું નહીં, ગરબાનું અને મારાં માતાજીનું સત્ત્વ છે. આજથી પાંચસો-છસો વર્ષ પહેલાં લખાયેલાં ભક્તિગીતો, ભજનો અને ગરબાઓનું કલેક્શન તમે જુઓ, એની અંદરની ભાષા, જે તે સંત-કવિઓએ રચેલી રચના પાછળ રહેલા સાત્ત્વિક ભાવો અને એ ગાતી વખતે ભાવવિભોર થતું હૃદય જ છે કે જે ખેલૈયાના હૃદયને પણ ભાવોલ્લાસથી ભરી દે. આ પ્રચંડ ઊર્જાનું આદાન-પ્રદાન છે. આમેય નવરાત્રિ એટલે શક્તિને આપણી અંદર સમાહિત કરવાનું, એ ઊર્જા સાથે એકરૂપ થવાનું પર્વ છે. નવરાત્રિમાં ગરબા એ દિવ્ય નૃત્ય છે. એ કોઈ ચીલાચાલુ ડાન્સ નથી. ગરબા શબ્દનો અર્થ પણ જગજાહેર છે. મટકી એ ગર્ભનું પ્રતીક છે અને એની અંદર રહેલી જ્યોત એ દિવ્ય જ્યોતિ એટલે કે આત્માનું પ્રતીક છે. જ્યારે માતાજીની ગરબી વચ્ચે હોય અને એની ફરતે પ્રદક્ષિણા આપતા હો એમ નૃત્ય કરો ત્યારે એ દિવ્ય ઊર્જા સાથે તમારો સમન્વય થતો હોય છે. આટલી પવિત્રતા જે પર્વમાં છુપાયેલી હોય એમાં હલકાઈ કે આછકલાપણું આવે એ કેમ ચાલે? ઍટ લીસ્ટ મારી નવરાત્રિમાં આવું ન થાય એનું ધ્યાન મેં છેલ્લાં ૩૩ વર્ષથી રાખ્યું છે. ચાહે એ યુનાઇટેડ વે ઑફ વડોદરાની નવરાત્રિ હોય કે પછી વિદેશમાં થતું નવરાત્રિનું સેલિબ્રેશન. કેટલાક નિયમોનું પાલન કરવું જ પડે જો મારી પાસે ગવડાવવું હોય તો. આ દાદાની દાદાગીરી છે એમ સમજો ભલે. પહેલો નિયમ માતાજીનો ગરબો વચ્ચોવચ હોય અને બધાં જ એક સર્કલમાં એ ગરબાની પ્રદક્ષિણા અપાતી હોય એમ નાચતા હોય. બીજો નિયમ કમ્પલ્સરી ટ્રેડિશનલ કપડાં જ પહેરવાનાં. જીન્સ, ટી-શર્ટ જેવા આધુનિક વસ્ત્રો નહીં જ ચાલે. ત્રીજો નિયમ, નવરાત્રિમાં માતાજીના ગરબા જ ગવાશે અને એ પણ પ્રાચીન ઢોલ, ઢોલક, હાર્મોનિયમ, ખંજરી, મંજીરા જેવાં વાજિંત્રો ઉપર જ. ચંપલ કે શૂઝ ગ્રાઉન્ડની બહાર ઉતારીને આવવાનું. આ નિયમો પાળવાની તૈયારી હોય તો જ અમારી નવરાત્રિમાં આવી શકાય. માતાજીની કૃપા છે કે આ નિયમો પ્રત્યે હજારો યુવક-યુવતીઓેને પણ મારા જેટલો જ પ્રેમ છે.


એટલે આ નિયમો વિના તમારા સિવાયની જે નવરાત્રિઓનાં આયોજનો થાય છે એ બધાં બોગસ છે એમ?

(સહેજ ખોંખારા સાથે) તમારે એને જે નામ આપવું હોય એ આપો, પણ એ ગરબા તો નથી જ. આપણા ટ્રેડિશનલ ગરબામાં હિન્દી ફિલ્મોનાં ગીતો અને મરસિયાઓ ગવાય એ તમને યોગ્ય લાગે છે? મતલબ સમજ્યા વિના રિંગટોનની જેમ બે-ચાર લાઇન ગાઈને ગરબો બદલી દેવામાં આવે છે અને ગમે તેવી વેશભૂષા હોય. નકરો ઘોંઘાટ હોય અને મ્યુઝિકના અતિરેક વચ્ચે કદાચ ગરબાના બે-ચાર શબ્દો સંભળાઈ પણ જાય તો એ તમારાં નસીબ. આને ગરબા કઈ રીતે કહી શકો? આને ભવાડો જ કહેવાય. ગરબાનું અને નવરાત્રિનું મૂળ સત્ત્વ જ્યાં ગાયબ હોય એને નવરાત્રિનું નામ કેમ આપી શકાય? આ રીતે નવરાત્રિને વગોવવાનું બંધ કરવું જોઈએ. આ ભેળસેળનો હું ખુલ્લેઆમ વિરોધ કરું છું. એવું નથી કે મૂળ ગરબા નથી ચાલતા. જો એવું હોત તો હું અત્યારે ઘરે બેસીને રામનામની માળા જપતો હોત. આમ અત્યારે અમેરિકાથી ગરબાના કાર્યક્રમોના હેક્ટિક શેડ્યુલ વચ્ચેથી સમય કાઢીને તમારી સાથે વાત ન કરતો હોત. ઑથેન્ટિક ગરબાની ડિમાન્ડ છે જ એનો અમારા ગરબા જીવંત દાખલો છે. તમે પીરસો તો ખરા. માતાજી ક્યાંય ખૂણામાં સ્થાપિત કર્યાં હોય અને તમે બૂટ-ચંપલની ફરતે ફરીને ગરબા કરતા હો અને એને નવરાત્રિ નામ આપો તો એ કેમ સ્વીકારાય?


બરાબર, પણ નવાં વાજિંત્રોએ તમારું શું બગાડ્યું છે. સંગીત જ છેને એ પણ?

જી નહીં. દરેક ગીતના પ્રકાર સાથેનાં વાજિંત્રોનું પણ એટલું જ મહત્ત્વ રહ્યું છે. ગરબાના તાલ માટે ગામડામાં ઢોલક, ઢોલકી વગેરે વગાડાતાં અને ગરબાના રાગ સાથે એ તાલને મૅચ કરવામાં આવતું. તમારાં આજનાં વેસ્ટર્નાઇઝ્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે એ તાલ પકડી નહીં શકો. એ ઘોંઘાટ કરનારાં છે. એટલે જ તમને ગરબામાં મીઠાશ નથી મળતી. બીજું ટ્રેડિશનલ વાજિંત્રો જરાય ઊતરતાં નથી, પણ ઊલટાનું તમારા ગરબાને વધુ આત્મીય બનાવે છે તો શું કામ એને છોડીને નવાની પાછળ ભાગવું જોઈએ?

પરિવર્તન સંસારનો નિયમ છે જ્યારે તમે તો સતત બદલાવનો વિરોધ જ કરો છે. લોકો તમને જુનવાણી કહે છે... ભીડથી જુદા તરી આવીને ભીડ ભેગી કરવાનું આ ગિમિક તો નથીને?

જે યોગ્ય લાગે એ કહો. હું બદલાવનો વિરોધી નથી. હું ખોટી રીતે થતા બદલાવનો વિરોધી છું. તમે હીરા ફેંકીને કાંકરા હાથમાં પકડો અને એને બદલાવનું નામ આપો તો એ સ્વીકાર્ય નથી. જે પણ નવા સિંગરો છે એ બધાં મારાં દીકરા-દીકરી જેવાં જ છે. તેમનોય વિરોધી નથી. બધાં સરસ ગાય છે. હું તો માત્ર એ અપીલ કરું છું કે તમે ગરબાના મૂળ સ્વરૂપને જાળવો. ગરબાની ગરિમાને બચાવો. તમારું કલ્ચર મરી જાય એવો બદલાવ શું કામનો? વાત રહી ગિમિકની. જરાય નહીં. મેં જ્યારે શરૂ કર્યું ત્યારે ભીડ ઓછી હતી. જુદો હતો એટલે પણ ફેંકાઈ જવાના પૂરા ચાન્સ હતા. એને બદલે ઉત્તરોત્તર મારે ત્યાં ભીડ વધી છે. જ્યારે તમે સામા પ્રવાહે તરો ત્યારે જોખમ વિશેષ હોય છે, પરંતુ સત્ત્વ સાથે આગળ વધતા હો તો તમને ઈશ્વરનોય સહકાર મળતો હોય છે. 

અરે, આવું બધું કોણે શીખવાડ્યું તમને?

(હસી પડે છે) આ સમજણ માટે અફકોર્સ માટે મા-બાપની કેળવણી જવાબદાર છે જ. સાથે નાનપણથી સંગીતમાં રત હતો ત્યારે જે જે મહારથીઓ સાથે ગાવાનું બન્યું તેમને સંગીતની એ સાધના માટે તેમનું સમર્પણ દૈવીય સ્તરનું હતું. કેટલીક બાબતો આત્માનુભૂતિથી પણ આવે છે. માતાજીની કૃપા અને મારાં બાનો પણ બહુ મોટો રોલ છે. મારા માનસગુરુ પુરુષોત્તમ ઉપાધ્યાયે મને ખૂબ શીખવ્યું છે. હું જ્યારે ભણતો ત્યારે મારા એક મિત્ર હતા, જેમના પુરુષોત્તમભાઈ મામા થાય. એ મિત્ર નાની ઉંમરમાં દુનિયા છોડીને ચાલ્યા ગયા. તેમની સાથે હું પણ પુરુષોત્તમભાઈને મામા જ કહું. ત્યારથી બંધાયેલો એ સંબંધ આજે પણ અકબંધ છે. એ ઘડતર કામ લાગે છે. 

ગરબાની મૂળ પરંપરા બચાવવા માટે તમે ગાવા સિવાય બીજું શું કર્યું?

જુઓ, લગભગ આખા વડોદરામાં અમારી સ્ટાઇલ મુજબ જ ટ્રેડિશનલ ગરબા થાય છે. એટલે એક જનરેશન તો તૈયાર થઈ ચૂકી છે. બીજું, એક ઇન્સ્ટિટ્યૂટ બનાવવાનું વિચાર્યું છે. એ માટે વડોદરા પાસે અમે એક માતાજીનું મંદિર બનાવ્યું છે. ત્યાં થોડીક જગ્યામાં એક એેકૅડેમીમાં શરૂ કરીશું, જ્યાં ગરબાપ્રેમી અને સંગીતપ્રેમી આવીને પ્રાચીન ગરબા અને તેના ઢાળ, પ્રાચીન વાજિંત્રો વગેરે શીખી શકે. નજીકના સમયમાં આ આઇડિયા પર કામ શરૂ કરીશું. 

આટલી સાત્ત્વિક-તાત્ત્વિક વાતો અને બાપજી તરીકે લોકચાહના મેળવ્યા પછી પૈસા લેવાની બાબતમાં આપ આજના ટ્રેન્ડને ફૉલો કરે છે કે એમાં પણ જુની પરંપરા પ્રમાણે રહેવાનું?

(ગંભીરતા સાથે) દરેક યુગની એક લાક્ષણિકતા હોય છે. એક યુગ ભાવપ્રધાન હતો જ્યાં માગ્યા વિના પણ તમારો ગુજારો થઈ જાય એટલું લોકો આપી દેતા. અત્યારનો અર્થપ્રધાન યુગ છે. ડગલે ને પગલે પૈસાની જરૂરિયાત છે. પરિવાર અને સંગીતનો પણ મારો પરિવાર છે તેમનાં ઘર ચલાવવાની જવાબદારી પણ શિરે હોય ત્યારે પૈસા લેવા અનિવાર્ય છે. વર્ષો પહેલાં શરૂ કર્યું ત્યારે હું સુંદરકાંડ નિ:શુલ્ક કરતો ત્યારે સ્વેચ્છાએ દક્ષિણાપેટે કોઈ સો રૂપિયા પણ નહોતું આપતું. એટલે યસ, હું અને મારી ટીમ જે પણ કાર્યક્રમ આપીએ છીએ એના કલાકાર તરીકેના જે ચાર્જિસ હોય એ લઈએ જ છીએ.

શું વાત કરો છો! તમે ચેઇન-સ્મોકર હતા એ સાચું છે?

સો ટકા સાચું. ૨૦૦૧ પહેલાં સુધી નવરાત્રિમાં જાઉં તો દર કલાકે સ્ટેજની પાછળ જઈને મારે સિગારેટ ફૂંકવી પડે એવું જબરું વ્યસન. બધા જ શોખ હતા, પણ વ્યાસપીઠ પર બેસીને સુંદરકાંડ કરવાની તક મળી ત્યારે થયું કે બ્રહ્માંડનું જે સૌથી ઊંચું આસન કહેવાય, જેની સામે દેવતાઓ પણ નીચે બેસે એના પર બેસવાનો છું અને એ પછી જો હું વ્યસનને વળગી રહું તો આ આસનની ગરિમાનો ભંગ થાય. કાં તો વ્યસન છોડીશ કાં તો વ્યાસપીઠ પર નહીં જાઉં. હનુમાનદાદાની કૃપા કે તેમણે વ્યસન છોડાવી દીધું. પછી તો જીવન ૩૬૦ ડિગ્રી બદલાઈ ગયું એમ કહું તો ચાલે. 
નવરાત્રિમાં લીડ સિંગરનું પોતાનાં ડિઝાઇનર કપડાંનું એક અલાયદું બજેટ હોય છે. આપને તો આમાં બહુ નિરાંત નહીં? (ખડખડાટ હસી પડે છે) અત્યારે ચાર અઠવાડિયાંની અમેરિકાની ટૂરમાં કુલ છ જોડી કપડાં છે મારી સાથે. એ પણ એક સરખા એટલે પસંદગી કરવાની પણ ચિંતા નથી હોતી. સફેદ હાફ બાંયની ગંજી, શાલ અને સફેદ લેંઘો. છેલ્લાં બાવીસ વર્ષથી આ જ ડ્રેસ કોડ છે. હા ઘણા કહે છે કે મોરારીબાપુની કૉપી કરું છું. ભલે લાગે એવું કારણ કે તેમનાથી પ્રભાવિત છું અને તેમના પ્રત્યે આદર પણ ઘણો છે. આખા વર્ષનું મારું કપડાંનું બજેટ પાંચ હજારની અંદર હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 12:48 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK