અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનું જોખમ અને આટલા બધા પૈસા આપવાની તૈયારી એવા લોકો જ દાખવે જે લોકોનું સ્વદેશમાં કંઈ જ ન હોય અને જો તેમને જેલમાં પણ જવું પડે તો એની તેમની તૈયારી હોય.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દિવસે-દિવસે અમેરિકામાં પ્રવેશવું મુશ્કેલ થતું જાય છે. એમાં પણ અમારા જેવા ગુજરાતમાં રહેતા ‘પટેલ’ અટક ધરાવતા, ખેતીવાડી કરતા, અઢળક કમાતા પણ ખેતીવાડીની આવક ટૅક્સ-ફ્રી હોવાના કારણે ઇન્કમ-ટૅક્સ રિટર્ન્સ ફાઇલ ન કરતા અને અંગ્રેજી ભાષા ન બોલતા લોકોને તો અમેરિકા ફરવા જવા માટેના બી-૧/બી-૨ વિઝા મેળવવા માટે પણ મુશ્કેલી નડે છે. હું આણંદનો એક ખેડૂત છું. વર્ષે દહાડે ચાલીસપચાસ લાખ રૂપિયા મારી ખેતીવાડીની ઊપજમાંથી કમાઉં છું. મારું પોતાનું ઘર છે. પાંચ બંગડીવાળી કાર પણ છે. મારે અમેરિકા ફક્ત ફરવા જ જવું છે. સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી જોવા જવું છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ઊંચાઈ જોવી છે. લૉસ ઍન્જલસમાં આવેલા હૉલીવુડ સ્ટુડિયો અને ડિઝની વર્લ્ડ જોવાં છે. લાસ વેગસના કસીનોમાં નસીબ અજમાવવું છે. ગ્રૅન્ડ કેન્યન જોવું છે. કંઈકેટલુંયે કોલંબસે ખોજેલા એ દેશમાં મારે જોવું છે. વૉશિંગ્ટન ડીસીમાં આવેલા કૅપિટલ હિલ અને વાઇટ હાઉસ જોવાં છે. પણ મારી બી-૧/બી-૨ વિઝાની અરજી વારંવાર, આજ સુધીમાં પાંચ વાર, નકારાઈ છે. મારો એજન્ટ મને કહે છે કે જો હું તેને પંચોતેર લાખ રૂપિયા આપું તો એ મને મેક્સિકોની સરહદ ઉપરથી અમેરિકામાં ઘુસાડી શકશે. એ કહે છે કે તેણે આવી રીતે અનેક લોકોને અમેરિકામાં ઘુસાડ્યા છે એટલું જ નહીં, એ તો એમ પણ કહે છે કે મારે તેને હમણાં દસ લાખ રૂપિયા જ આપવા. બાકીના પૈસા તે મને અમેરિકામાં પ્રવેશ કરાવે ત્યાર બાદ મારે આપવાના. મારે અમેરિકામાં કાયમ તો રહેવું નથી, આથી મારે ત્યાં જે જે જોવું છે એ જોઈને પાછા આવી જવું. એ કરતાં મને કોઈ પણ જાતની અડચણ નહીં પડે. શું મારે આવું કરવું જોઈએ? દસ લાખ રૂપિયાનું રિસ્ક લેવું જોઈએ? મને મારા પૈસા જાય એની બહુ ફિકર નથી, પણ મને અમેરિકાની સરહદ ઉપર કે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા માટે કે ફરવા માટે પકડે અને જેલમાં નાખે એની બીક છે. મને તમારો સાચો અભિપ્રાય જોઈએ છે.
આ પણ વાંચો: રીજનલ સેન્ટરમાં રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવવાનો ખર્ચ કરવો યોગ્ય છે?
જો તમને મારો સાચો અભિપ્રાય જોઈતો હોય તો મારી તમને આવું કરવાની ચોખ્ખેચોખ્ખી ના છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનું જોખમ અને આટલા બધા પૈસા આપવાની તૈયારી એવા લોકો જ દાખવે જે લોકોનું સ્વદેશમાં કંઈ જ ન હોય અને જો તેમને જેલમાં પણ જવું પડે તો એની તેમની તૈયારી હોય. તમે જણાવો છો એ મુજબ આણંદમાં તમારું પોતાનું ઘર છે, ગાડી છે, સારીએવી આવક છે. તો આવું જોખમ, એ પણ ખોટું કરીને, તમારે બિલકુલ લેવું ન જોઈએ. તમારી બી-૧/બી-૨ વિઝાની અરજીઓ ભલે પાંચ વાર નકારવામાં આવી હોય. સરખી કાયદાકીય સલાહ મેળવો. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના નિષ્ણાત ઍડ્વોકેટનું માર્ગદર્શન મેળવો અને ફરી પાછી બી-૧/બી-૨ વિઝાની અરજી પૂરતી તૈયારી સાથે કરો. અનેકોને તેમની બી-૧/બી-૨ વિઝાની અરજી પાંચ શું, છ યા સાત વાર નકારી હોય ત્યાર બાદ ફરી પાછી કરતાં વિઝા મળ્યા છે. તમે ભલે આઇટી રિટર્ન્સ ફાઇલ કરતા ન હો, પણ તમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસેથી એ બાબતનું સર્ટિફિકેટ મેળવો કે તમારી વાર્ષિક આવક ચાલીસ-પચાસ લાખ કે જે પણ કંઈ પણ હોય એ છે અને ભારતના કાયદા મુજબ ખેતીવાડીની આવક પર ટૅક્સ ભરવાનો નથી હોતો એટલે તમે આઇટી રિટર્ન્સ ફાઇલ નથી કરતા. આ ઉપરાંત તમારી ખેતીવાડીની જે ઊપજ હોય એ તમે સહકારી મંડળીને વેચતા હશો તો એમનાં પણ સર્ટિફિકેટો મેળવો. તમારી પોતાની ખેતીવાડીની પુષ્કળ જમીન છે એ દેખાડતાં સાતબારાના ડૉક્યુમેન્ટ્સ સાથે લઈ જાઓ. તમારા ઘરની માલિકીના દસ્તાવેજો તેમ જ કારની માલિકીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે લઈ જાઓ. અમેરિકા જવા-આવવા, ત્યાં રહેવા-ખાવાના અને પરચૂરણ ખર્ચા માટેના પૂરતા પૈસા તમારી પાસે છે એ દેખાડો. આણંદમાં તમારું ઘર છે, ખેતીવાડી છે એટલે તમારા સ્વદેશમાં કૌટુંબિક અને નાણાકીય સંબંધો ખૂબ ગાઢ છે એ છતાં કરો. આમ કરતાં તમને અમેરિકા ફરવા જવા માટેના બી-૧/બી-૨ વિઝા નક્કી મળશે. બાકી એજન્ટે જણાવેલો રસ્તો બિલકુલ અપનાવવા જેવો નથી.