Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રીજનલ સેન્ટરમાં રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવવાનો ખર્ચ કરવો યોગ્ય છે?

રીજનલ સેન્ટરમાં રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવવાનો ખર્ચ કરવો યોગ્ય છે?

10 March, 2023 05:58 PM IST | Mumbai
Dr. Sudhir Shah | askgmd@mid-day.com

રોકાણ કરતાં તે સ્ત્રીને અને તેની સાથે-સાથે તેની દીકરી અને દીકરો, જેઓ બન્ને અવિવાહિત અને એકવીસ વર્ષની નીચેની વયનાં હતાં તેમને ત્રણેયને ગ્રીનકાર્ડ મળી ગયાં અને તેઓ અમેરિકા રહેવા ચાલી ગયાં

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

વિઝાની વિમાસણ

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


 હમણાં-હમણાંથી અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા ગુજરાતમાંથી અનેક લોકો અમેરિકાની સરકારે માન્ય કરેલા રીજનલ સેન્ટરમાં આઠ લાખ ડૉલરનું રોકાણ કરીને, રીજનલ સેન્ટરને પંચોતેર હજાર ડૉલર ઍડ્મિનિસ્ટ્રેટિવ ફીના આપીને, તેમના ઍટર્નીઓને પચ્ચીસ હજાર ડૉલર તેમની પ્રોફેશનલ ફીના આપીને તેમ જ ઇમિગ્રન્ટ વિઝાના પિટિશનની ફાઇલિંગ ફી ઉપરાંત એક હજાર ડૉલર ‘ઈબી-૫ પ્રોગ્રામ’ની ફી અને અન્ય પરચૂરણ ખર્ચા માટેના પૈસા તેમ જ ભારતીય ઍડ્વોકેટોની સલાહ માટેની ફી આપીને ગ્રીનકાર્ડ મેળવી રહ્યા છે. તો શું આ મુજબ આટલું બધું રોકાણ કરવું, ખર્ચાના આટલા બધા પૈસા આપવા યોગ્ય છે? રોકાણની રકમ ખાતરીપૂર્વક પાછી મળી શકે છે?

 આજથી લગભગ દસ વર્ષ પહેલાં પુણેમાં રહેતી મારી એક ક્લાયન્ટ, જેના હસબન્ડ થોડા સમય પહેલાં જ મૃત્યુ પામ્યા હતા તેણે મારા થકી અમેરિકાના એક રીજનલ સેન્ટરમાં ઉપર મુજબનું રોકાણ કર્યું હતું. એ વખતે રોકાણની રકમ ફક્ત પાંચ લાખ ડૉલર હતી અને રીજનલ સેન્ટરની ઍડ્મિનિસ્ટ્રેટિવ ફી પચાસ હજાર ડૉલર હતી. રોકાણ કરતાં તે સ્ત્રીને અને તેની સાથે-સાથે તેની દીકરી અને દીકરો, જેઓ બન્ને અવિવાહિત અને એકવીસ વર્ષની નીચેની વયનાં હતાં તેમને ત્રણેયને ગ્રીનકાર્ડ મળી ગયાં અને તેઓ અમેરિકા રહેવા ચાલી ગયાં. તેમની દીકરી ત્યાં ભણીને ડૉક્ટર બની ગઈ. દીકરાએ પણ ગ્રૅજ્યુએશન પછી બિઝનેસમાં ઝંપલાવ્યું અને સારોએવો નફો કર્યો. ગ્રીનકાર્ડ મળ્યા પછી પાંચ વર્ષ બાદ એ ત્રણેએ નૅચરલાઇઝેશનની અરજી કરી અને તેમને ત્રણેયને અમેરિકાની સિટિઝનશિપ પ્રાપ્ત થઈ. તેમનું ગીનકાર્ડ કાયમનું થયા પછી રીજનલ સેન્ટરે તેમના રોકાણની પાંચ લાખ ડૉલરની રકમ પાછી આપી. તે સ્ત્રીએ જ્યારે રોકાણ કર્યું હતું ત્યારે ડૉલરનો એક્સચેન્જ-રેટ ૪૮ રૂપિયાનો હતો, જ્યારે તેના રોકાણના પાંચ લાખ ડૉલર તેને પાછા મળ્યા ત્યારે ડૉલરનો એક્સચેન્જ-રેટ લગભગ ૭૫ રૂપિયાનો હતો. આમ તેને એક ડૉલર પર લગભગ ૨૭ રૂપિયાનો એટલે એમ સમજોને કે અડધો ગણો વધુ ફાયદો થયો. આટલો ફાયદો તેણે એ પૈસા વ્યાજે ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂક્યા હોત તો પણ ન થાત. તેની દીકરી પણ ખૂબ જ ઓછી ફી આપીને અમેરિકામાં ડૉક્ટર બની ગઈ અને તેનો દીકરો ગ્રૅજ્યુએટ થઈને બિઝનેસમૅન બની ગયો. ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતાં આવો ફાયદો થાય છે.



આ પણ વાંચો: વિઝા માટે મિત્રનું ડિગ્રી સર્ટિફિકેટ નામ બદલીને વાપરી લઉં તો ચાલે?


અમેરિકન સિટિઝન બનવાના તો અનેકગણા ફાયદા છે, પણ ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતાં તમારી રોકાણની રકમ જ્યારે પાછી મળે છે ત્યારે તમને રીજનલ સેન્ટર ભલે એ રકમ પર એક યા દોઢ ટકો જ વ્યાજ આપતું હોય, પણ એક્સચેન્જ-રેટમાં તમને અઢળક ફાયદો થાય છે. હા, એ વાત સાચી છે કે ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ તમે જ્યારે રોકાણ કરો છો ત્યારે તમારી રોકાણની રકમ ઍટ રિસ્ક એટલે કે જોખમમાં હોય છે, કારણ કે રોકાણ તમે અમેરિકાના નવા બિઝનેસમાં કરો છો અને બિઝનેસમાં નફો થઈ શકે અને એ મુજબ જ નુકસાન પણ થઈ શકે. આથી તમારે રોકાણ કરતાં પહેલાં જે રીજનલ સેન્ટરમાં રોકાણ કરવા ઇચ્છતા હો એ રીજનલ સેન્ટર કેવું છે? એના પ્રમોટરો કેવા છે? એ લોકો કયો બિઝનેસ કરવાના છે? એ બિઝનેસમાં તેમનું કેટલું રોકાણ છે? અમેરિકાની બૅન્કોએ કે ધીરધાર કરનાર સંસ્થાએ એમાં કેટલું રોકાણ કર્યું? આ બધું જાણવું જોઈએ. આ મુજબનું ડ્યુડિલિજયન્સ કર્યા બાદ તમે રોકાણ કરશો તો તમને ફાયદો જ ફાયદો છે.

મારો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર છે. પહેલા ધોરણથી ગ્રૅજ્યુએટ થયો ત્યાં સુધી તે હરહંમેશ પહેલો જ નંબર લાવતો રહ્યો છે. ભણવા ઉપરાંત તેને રમતગમતનો પણ ખૂબ જ શોખ છે. તે ફુટબૉલનો ખૂબ જ સારો ખેલાડી છે તેમ જ સ્વિમિંગ ચૅમ્પિયન પણ છે. આ માટે તેને અનેક ચંદ્રકો અને કપ મળ્યા છે. આ બધાનો તે અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જાય તો કોઈ પ્રકારનો ફાયદો મળી શકે?


જરૂરથી. આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અમેરિકાની યુનિવર્સિટીઓ ટ્યુશન વેવર આપે છે. ફીમાં માફી આપે છે અને ભણી રહ્યા બાદ તમારો દીકરો અમેરિકામાં કાયમ રહેવા માટે અસાધારણ આવડત ધરાવનારાઓ માટેના ‘ઓ-૧’ વિઝાની માગણી પણ કરી શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2023 05:58 PM IST | Mumbai | Dr. Sudhir Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK