યસ, આવતી કાલથી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાનારા નવા નિયમ મુજબ વીક-એન્ડમાં મૅરેજ-રજિસ્ટ્રેશન અને એક જ દિવસમાં મૅરેજ-સર્ટિફિકેટ મળી જાય એવી વ્યવસ્થા ઊભી થઈ છે. જોકે નિષ્ણાતોના મતે અત્યારના સિનારિયોને જોતાં આ નવા નિયમોનું અમલીકરણ પ્રભાવશાળી રીત
ચટ શાદી, પટ સર્ટિફિકેટ વાત દેખાય છે એટલી સરળ નથી
યસ, આવતી કાલથી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાનારા નવા નિયમ મુજબ વીક-એન્ડમાં મૅરેજ-રજિસ્ટ્રેશન અને એક જ દિવસમાં મૅરેજ-સર્ટિફિકેટ મળી જાય એવી વ્યવસ્થા ઊભી થઈ છે. જોકે નિષ્ણાતોના મતે અત્યારના સિનારિયોને જોતાં આ નવા નિયમોનું અમલીકરણ પ્રભાવશાળી રીતે થાય એવું દેખાતું નથી. મુંબઈમાં લગ્ન કરનારા કપલે આ એક લીગલ ડૉક્યુમેન્ટ મેળવવા માટે કરવી પડતી જદ્દોજહદનું વાસ્તવિક ચિત્ર જાણીએ અને સાથે જ એમાં ચાલતી પોલમપોલ પર પણ નજર કરીએ
આવતી કાલથી મુંબઈ મહાનગરપાલિકાનો નવા મૅરેજ-રજિસ્ટ્રેશનનો કાયદો લાગુ થઈ જશે જેમાં કપલ શનિ-રવિવારમાં સવારે નવથી એક વાગ્યા સુધીમાં કેટલીક અલાયદી વૉર્ડ ઑફિસમાં મૅરેજ-રજિસ્ટ્રેશન કરી શકશે. તેમ જ અઠવાડિયાના બધા જ દિવસોમાં થોડીક એક્સ્ટ્રા ફી ભરીને સેમ ડે મૅરેજ-સર્ટિફિકેટ પણ મેળવી શકશે. મુંબઈમાં મૅરેજ-રજિસ્ટ્રેશનનું કામ પેચીદું છે એવું બહુ મોડું-મોડું મુંબઈ મહાનગરપાલિકાને સમજાયું અને હવે વર્કિંગ કપલ્સને ધ્યાનમાં રાખીને વીક-એન્ડ ફૅસિલિટી ઊભી કરવામાં આવી છે. લગ્નજીવનના મંડાણ સાથે વિવિધ લીગલ ડૉક્યુમેન્ટમાં નામ ઉમેરવા માટે મૅરેજ-સર્ટિફિકેટ મહત્ત્વનો ડૉક્યુમેન્ટ મનાય છે. ચાહે બૅન્કમાં સ્પાઉસનું નામ ઉમેરવાનું હોય કે પાસપોર્ટમાં જીવનસાથીનું નામ લખવાનું હોય, મૅરેજ-સર્ટિફિકેટ પ્રૂફ તરીકે ફરજિયાતપણે રજૂ કરવાનું હોય ત્યારે આ નવા નિયમો ઘણાં નવપરિણીત કપલ્સ માટે રાહતનો શ્વાસ આપનારા બનશે. જોકે મુંબઈમાં મૅરેજ-રજિસ્ટ્રેશન અને મૅરેજ-સર્ટિફિકેટની આખી પ્રોસીજર કેવી છે અને એની કમજોર કડીઓનો લાભ લઈને ફેક મૅરેજ-સર્ટિફિકેટ બનાવનારાઓના અચંબિત કરતા કિસ્સાઓ વિશે પણ વાતો કરીએ.
ADVERTISEMENT
સબકુછ ઑનલાઇન
લોકો પાસે હવે સમય નથી એટલે મુંબઈ મહાનગરપાલિકાએ મૅરેજ-રજિસ્ટ્રેશનની આખી પ્રોસેસ ઑનલાઇન કરી નાખી છે. આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાના પબ્લિક હેલ્થ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શરદ ઉઘાડે કહે છે, ‘અત્યારે ઑફલાઇન રજિસ્ટ્રેશનની ફૅસિલિટી ટોટલી બંધ છે જેથી કાર્યમાં ટ્રાન્સપરન્સી આવે. પ્લસ મૅરેજ-રજિસ્ટ્રેશનમાં ફાસ્ટ ટ્રૅક સર્વિસનો પર્પઝ છે કે લોકોની હાલાકી ઘટે, પરંતુ ફાસ્ટ ટ્રૅકમાં પણ ડૉક્યુમેન્ટ્સના વેરિફિકેશનની પ્રોસેસ અમે કડક રાખી છે એટલે એમાં કોઈ છૂટછાટ નહીં ચાલે. ઝડપી કામ માટે કપલે પોતાના તમામ જરૂરી ડૉક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરાવવું અનિવાર્ય હશે. આ આખી પ્રોસીજરને ઝડપી બનાવવા માટે અમે અલગથી વ્યવસ્થા ઊભી કરી છે. વીક-એન્ડ માટે ડેડિકેટેડ સ્ટાફ અલૉટ કર્યો છે અને વૉર્ડ-વાઇઝ વર્ગીકરણ કર્યું છે એટલે શક્ય હોય એટલું સ્મૂધ કામ થાય.’
સહેલું શું થશે?
સામાન્ય રીતે લગ્નના રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલાં MYBMC નામના ઑનલાઇન પોર્ટલ પર જઈને ફૉર્મ ભરીને પેમેન્ટ કરવાનું હોય છે અને પછી BMC દ્વારા આપવામાં આવતી તારીખે ડૉક્યુમેન્ટ્સના વેરિફિકેશન માટે વૉર્ડ-ઑફિસમાં હાજર થવું પડે. એ પછી સર્ટિફિકેટ આવી જાય એ માટે રાહ જોવાની. આ નવા નિયમના ફાયદા વિશે વાત કરતાં હાઈ કોર્ટ, ફૅમિલી કોર્ટ અને કન્ઝ્યુમર કોર્ટમાં પ્રૅક્ટિસ કરતાં બાવીસ વર્ષનાં અનુભવી ઍડ્વોકેટ વિભૂતિ અગ્રવાલ કહે છે, ‘હિન્દુ મૅરેજ ઍક્ટ અને સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ બન્નેના મૅરેજ-રજિસ્ટ્રેશનની પ્રોસીજર જુદી છે. સ્પેશ્યલ મૅરેજ ઍક્ટના નિયમમાં ખાસ બદલાવ નથી, પરંતુ પહેલી વાર હિન્દુ વ્યક્તિ સાથે હિન્દુ વ્યક્તિનાં લગ્ન થતાં હોય તેમના માટે આ નવો બદલાવ ઉપયોગી નીવડશે, કારણ કે અહીં તમને તમારી અનુકૂળતા મુજબની તારીખ પસંદગી કરવાની મોકળાશ મળશે. થોડીક વધારાની ફી સાથે સેમ ડે સર્ટિફિકેટ મળવું કે વીક-એન્ડમાં પણ તમે મૅરેજ-રજિસ્ટ્રેશન કરાવી શકો એ બહુ જ પૉઝિટિવ બદલાવ છે. વર્કિંગ કપલ્સ માટે તો આ આશીર્વાદ સમાન છે, કારણ કે તેમને મૅરેજ-સર્ટિફિકેટ માટે આમથી તેમ ધક્કા ખાતાં અમે જોયાં છે. અફકોર્સ, આ નિયમનું એક્ઝિક્યુશન કેટલું ઇફેક્ટિવલી થાય છે એ જોવું રહ્યું, કારણ કે અત્યારની સ્થિતિની પણ વાત કરું તો વૉર્ડ-ઑફિસમાં એક અધિકારી દસ ઍપ્લિકેશન પર ડેઇલી કામ કરે છે. નવા નિયમ મુજબ આ વર્કલોડ હજી વધશે.’
મિડ-ડે ઇન્વેસ્ટિગેશન
થોડાક સમય પહેલાં લોખંડવાલાની એક હાઉસિંગ સોસાયટીમાં એક કપલ દ્વારા આપવામાં આવેલું ફેક મૅરેજ-સર્ટિફિકેટ પકડાયું હતું. પ્રૉપર્ટી માટે કે પોતાના પર્સનલ ગેઇન માટે ફેક મૅરેજ-સર્ટિફિકેટ બનાવવાનું એક જુદું સ્કૅમ ચાલે છે. કોર્ટનું પ્રોટેક્શન મેળવવા માટે પરિવારના વિરોધને કારણે ભાગીને લગ્ન કરતાં ઘણાં કપલ્સ ફેક મૅરેજ-સર્ટિફિકેટ બનાવતાં હોય છે. આ સ્કૅમની નોંધ હાઈ કોર્ટે પણ લીધી છે. આજકાલ ઑનલાઇન ડેટિંગમાં પણ ફેક મૅરેજ-સર્ટિફિકેટનો પૈસાની ઉચાપત કરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક કેસમાં નાબાલિગ ઉંમરની યુવતીને મોટી દેખાડવા માટે ખોટા ડૉક્યુમેન્ટ્સ પ્રોવાઇડ કરીને તેને બાલિગ દેખાડીને ખોટું મૅરેજ-સર્ટિફિકેટ બનાવવામાં આવે છે. આવા કેસની તપાસમાં મોટા ભાગે એજન્ટ જ લોકોને આ પ્રકારના ખોટા કામમાં મદદ કરીને ફેક ડૉક્યુમેન્ટ્સના આધારે ફેક મૅરેજ માટે મદદ કરતા હોય છે. નૉર્મલ સાચા ડૉક્યુમેન્ટ્સ હોય ત્યારે પણ મૅરેજ-રજિસ્ટ્રેશનની પળોજણમાં કપલ પોતે પડવાને બદલે કોઈ એકાદ એજન્ટ અથવા વકીલને આખું કામ સોંપી દેવાનું વધુ પ્રિફર કરે છે. ઑનલાઇન ઍપ્લિકેશન ફૉર્મ ભરવાથી લઈને વેરિફિકેશનના મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સની જરૂરિયાત વગેરેને એજન્ટ જ મૅનેજ કરતા હોય છે.

વિભૂતિ અગ્રવાલ, ઍડ્વોકેટ
આ દિશામાં ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા સમજવા માટે અજાણી વ્યક્તિ બનીને અમે બાંદરા કોર્ટની સામે ઑફિસ ધરાવતા આવા જ એક વકીલ-કમ-એજન્ટ સાથે વાત કરી. પાંડેસાહેબ નામના એ વકીલે જો હિન્દુ મૅરેજ વિધિથી લગ્ન થઈ ગયાં હોય તો કોર્ટમાં દસ દિવસમાં મૅરેજ-સર્ટિફિકેટ મળી જશે એની ખાતરી આપી જેમાં કપલનાં આધાર કાર્ડ અને પાસપોર્ટની કૉપી, બન્ને બાજુના બે-બે વિટનેસનાં આધાર કાર્ડ, મૅરેજનું કાર્ડ, લગ્નના ફોટો વગેરે ડૉક્યુમેન્ટ્સનું લિસ્ટ તેમણે આપ્યું. જો ડાયરેક્ટ જાઓ તો વધુમાં વધુ ૨૦૦ રૂપિયાની ફીમાં કામ પતી જાય, પરંતુ વકીલસાહેબની ફી હતી છ હજાર રૂપિયા. ધારો કે હિન્દુ વિધિથી લગ્ન નથી થયાં અને સીધું જ કોર્ટમાં રજિસ્ટ્રેશન કરવાનું છે તો એક મહિના બાદની તારીખ લઈને ત્રણ વિટનેસ અને ઍડ્રેસ-પ્રૂફ તથા આઇડેન્ટિટી-પ્રૂફ સાથે હાજર રહેવાનું અને સેમ ડે જ સર્ટિફિકેટ પણ મળી જાય. જોકે એની ફી તેમણે કહી આઠ હજાર રૂપિયા. આમાં અમે પૂછ્યું કે ધારો કે આધાર કાર્ડ ન હોય તો? તો તેમનો જવાબ હતો, ‘એક બાર આઓ ઔર ડૉક્યુમેન્ટ્સ દિખાઓ. દેખતે હૈં ક્યા કર સકતે હૈં.’

શરદ ઉઘાડે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
બિટ્વીન ધ લાઇન્સ આપણે સમજી જવાનું.
વકીલસાહેબ સાથેની આ વાતચીત પછી મૅરેજ-રજિસ્ટ્રેશનનું કામ કરતા એક ગુજરાતી એજન્ટ મિલન શાહ (તેમણે કહેલું નામ, બાકી તેમનો નંબર આપનારા તેમના જૂના ક્લાયન્ટે તેમનું નામ ચિરાગ હોવાનું અમને કહ્યું હતું) સાથે અમે વાત કરી. પહેલી વાર ‘મિડ-ડે’ની સાચી ઓળખ સાથે વાત કરી ત્યારે તો મિલનભાઈએ વાતોને ગોળ-ગોળ ફેરવીને કોઈ ખાસ માહિતી આપી નહીં. એટલે બીજા દિવસે જુદા નંબર સાથે ક્લાયન્ટ બનીને તેમને ફોન કર્યો જેમાં પ્રોસીજર આગળ કહી એ મુજબ તેમણે પણ સમજાવી દીધું, પરંતુ જ્યારે ફીની વાત આવી ત્યારે તેમણે કહ્યું કાગળો જોઈને નક્કી કરીશું. અમે કહ્યું, તમે જે ડૉક્યુમેન્ટ્સ કહ્યા છે એ બધા જ સાચા છે છતાં તેમણે ફીનો ફોડ ન પાડ્યો અને જ્યારે અમે ચોખવટ કરી કે ‘મિડ-ડે’ના લેખ માટે તમને ફોન કર્યો છે ત્યારે તેમનો પારો આસમાને હતો. અપશબ્દો બોલતાં પણ તેઓ અચકાયા નહીં, જાણે કે તેમની કોઈ દુખતી નસ પર અમે હાથ મૂકી દીધો હોય.
ટૂંકમાં એજન્ટ કે વકીલના થ્રૂ થતા મૅરેજ-રજિસ્ટ્રેશનના કામમાં ઘાલમેલની સંભાવનાઓ છે. તેમના થકી મનફાવે એવા પૈસા પડાવવામાં આવે છે અને ખૂટતી કડીઓમાં રસ્તો કાઢવામાં પણ તેઓ પાવરધા છે. આ સંદર્ભે ઍડ્વોકેટ વિભૂતિ કહે છે, ‘જ્યારે તમે મૅરેજ-સર્ટિફિકેટ માટે એજન્ટની મદદ લો છો તો અમુક બાબતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. જો એજન્ટ તમારા પાસેથી ડૉક્યુમેન્ટ્સ લઈ લે અને પછી એમ કહે કે હું બારોબાર જ વેરિફિકેશન કરાવી નાખું છું, તમારે હેરાન થઈને પાલિકાના કાર્યાલયમાં આવવાની જરૂર નથી તો સમજી જવું કે એ એજન્ટ ફ્રૉડ છે. એજન્ટની મદદ લો તોય તમારે વેરિફિકેશનની પ્રોસેસ માટે વૉર્ડ-ઑફિસમાં જવું તો પડે જ. તમને સર્ટિફિકેટ જોઈએ છે તો હસબન્ડ-વાઇફની સાઇન તેમના ચોપડામાં હોવી જરૂરી છે. ઑફિસરને તમારો ચહેરો દેખાડવો પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.’
કોના માટે નિયમ લાગુ નહીં પડે?
સર્ટિફિકેટ માટે અપ્લાય કરવું હોય તો ઑનલાઇન ફૉર્મ ભરવું ફરજિયાત છે. પાલિકાએ વેરિફિકેશન પ્રોસેસ ઝડપી કરી છે પણ ફૉર્મ ભરવાની પ્રક્રિયા અને ફૉર્મના લેઆઉટને પણ જો સુધારે તો સારું થશે. સાઇટમાં ઘણા સુધારાની જરૂર છે.
BMCની ફાસ્ટ ટ્રૅક સુવિધાનો લાભ કોણ ન લઈ શકે એ વિશે જણાવતાં ઍડ્વોકેટ વિભૂતિ કહે છે, ‘જે લોકોનાં ઇન્ટરફેથ મૅરેજ થાય, ડિવૉર્સ પછી કોઈ બીજાં લગ્ન કરે, વિધવાનાં બીજાં લગ્ન થાય કે કોઈ ફૉરેનર સાથે લગ્ન કરે તો એ કૅટેગરીના લોકો આ સુવિધાનો લાભ લઈ શકે કે નહીં એ ૨૧ સપ્ટેમ્બર પછી ખબર પડશે. જો તમે રહો છો મુંબઈમાં પણ લગ્ન ગુજરાત, રાજસ્થાન કે બીજા રાજ્યમાં કર્યાં હોય તો તમારાં લગ્ન સ્પેશ્યલ મૅરેજ ઍક્ટની કૅટેગરીમાં આવી જાય. અત્યારે ઘણા લોકો ડેસ્ટિનેશન વેડિંગ બીજા સ્થળે રાખતા હોય છે. એ લોકોને આ ઍક્ટ હેઠળ મૅરેજ-સર્ટિફિકેટ મેળવવું પડે છે. આવાં લગ્નો BMC હેઠળ આવતાં જ નથી. જો મુંબઈમાં જ કર્યાં હોય તો જ એ આવે. એ લોકો ફાસ્ટ ટ્રૅક સુવિધાનો લાભ લઈ શકે નહીં. મુંબઈના રહેવાસી હોય તો અહીંથી સર્ટિફિકેટ મળી જાય, પણ અપ્લાય કરવાની પ્રક્રિયા થોડી જુદી હોય છે. એ કોર્ટ-મૅરેજની જેમ હોય છે. તમે અપ્લાય કરો તો તમારી ઍપ્લિકેશન મૅરેજ-રજિસ્ટ્રાર ઑફિસમાં જશે, પછી વેરિફિકેશન પ્રોસેસ થાય અને પછી સર્ટિફિકેટ મળે.’
આ ખાસ જાણી લો
નવા નિયમ મુજબ વીક-એન્ડમાં સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી મુંબઈની ૧૩ વૉર્ડ-ઑફિસમાં મૅરેજ-રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
A, C, E, F સાઉથ, G સાઉથ, H ઈસ્ટ, K ઈસ્ટ, P સાઉથ, P નૉર્થ, R સેન્ટ્રલ, L, M વેસ્ટ અને S – શનિવારે આટલા વૉર્ડમાં જ મૅરેજ-રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
રવિવારે B, D, F નૉર્થ, G નૉર્થ, H West, K વેસ્ટ, P ઈસ્ટ, R સાઉથ, R નૉર્થ, N, M ઈસ્ટ અને T – કુલ ૧૨ વૉર્ડ-ઑફિસમાં આ સેવા મળશે.
દરેક વૉર્ડ-ઑફિસમાં દરરોજનાં ૩૦ મૅરેજ રજિસ્ટર થાય છે જેમાંથી ૨૦ ટકા એટલે કે ૬ રજિસ્ટ્રેશન ફાસ્ટ ટ્રૅક કૅટેગરી હેઠળ થશે.
ફાસ્ટ ટ્રૅક રજિસ્ટ્રેશનનો લાભ લેવા ૨૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે અને વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થાય પછી એ જ દિવસે મૅરેજ-સર્ટિફિકેટ પણ મળી જશે.
ઑનલાઇન મૅરેજ-રજિસ્ટ્રેશનની પ્રોસીજર કેવા રાતા પાણીએ રડાવે છે એ આમને પૂછો
પાંચ મહિના થઈ ગયા પણ હજી સર્ટિફિકેટ હાથમાં નથી આવ્યું

ડૉ. હિરલ મહેતા શાહ પતિ વત્સલ શાહ સાથે.
મૅરેજ-રજિસ્ટ્રેશન કરીને સર્ટિફિકેટ મેળવવાની કરન્ટ પ્રોસેસમાં ગૂંચવાઈ ગયેલાં માટુંગામાં રહેતાં અને વ્યવસાયે ડેન્ટિસ્ટ ડૉ. હિરલ મહેતા શાહ આપવીતી જણાવતાં કહે છે, ‘મારાં લગ્ન ડિસેમ્બરમાં કાંદિવલીમાં થયાં હતાં અને હું મૂળ કાંદિવલીની છું. મારું સાસરું માટુંગા છે. લગ્નના ત્રણ મહિના બાદ અમે મૅરેજ-સર્ટિફિકેટ મેળવવા માટે જાતે ફૉર્મ ભર્યું. BMCએ ઑનલાઇન સુવિધા આપી છે એ વિચારીને અમે એજન્ટની મદદ લીધી નહીં અને જાતે ફૉર્મ ભરવા બેઠાં ત્યારે માથાનો દુખાવો થઈ ગયો. ફૉર્મ ભરવામાં અમારા કલાકો નીકળી ગયા. એમાં ફોટો માટે ફૉર્મેટ અલગ માગે છે, ફોટોની ક્વૉલિટી ઓછી કરીને તેમણે નિર્ધારિત કરેલી ફાઇલની સાઇઝમાં ફિટ બેસવી જોઈએ એ બધી નાની-નાની ઘણી ચીજો હતી જેનું ધ્યાન રાખવું પડે એમ છે. ફૉર્મ ભરીને પહેલી એપ્રિલની અપૉઇન્ટમેન્ટ લઈને અમે માટુંગાની વૉર્ડ-ઑફિસમાં વેરિફિકેશન પ્રોસેસ માટે પહોંચ્યાં. ત્યાં અમને કહેવામાં આવ્યું કે તમારા ફોટો બહુ જૂના છે, નવા અને લેટેસ્ટ પડાવી આવો. હકીકતમાં અમારા ફોટો વધુ જૂના નહોતા પણ કોઈ પણ જાતની મગજમારી કર્યા વિના અમે તેમનું કહ્યું માનીને ફોટો પડાવી આવ્યાં. તેમણે આપેલી બધી ઇન્સ્ટ્રક્શન ફૉલો કર્યા પછી તેમણે કહ્યું કે બેથી ત્રણ દિવસમાં મેઇલ આવી જશે અને સર્ટિફિકેટ ઑનલાઇન દેખાશે તો એનું પ્રિન્ટઆઉટ કાઢીને ઍટેસ્ટેશન કરાવવું પડશે જેથી એ ઓરિજનલ લાગે. પણ ફી ઑનલાઇન ભરવી પડે એ તો ખબર જ નહોતી. જ્યારે પેમેન્ટ કર્યું ત્યારે ૧૦૦ રૂપિયાની પેનલ્ટી લગાવી હતી, એ શેની લગાવી હતી એ પણ ખબર ન પડી. કોઈએ અમને કો-ઑપરેટ જ ન કર્યું. આ બધું પત્યા બાદ ૨૦ દિવસ પણ થઈ ગયા તો પણ કોઈ અપડેટ નહીં. તપાસ કરતાં જાણવા મળ્યું કે સર્વરમાં ઇશ્યુ છે. આ તો નસીબજોગે અમારી એક ઓળખાણ નીકળી અને તેમણે તપાસીને અમને જણાવ્યું કે મૅરેજ-સર્ટિફિકેટ બની ગયું છે, પણ અમને સર્ટિફિકેટ મળ્યું હોવાની મેઇલની અમે હજી રાહ જોઈ રહ્યાં છીએ.’
વેરિફિકેશનની પ્રોસેસ માટે હૈદરાબાદથી મુંબઈનો ધક્કો માથે પડ્યો

વૈભવ સંગોઈ પત્ની શિવાની ભુતા સાથે.
માટુંગામાં રહેતા વૈભવ સંગોઈનાં લગ્ન વિલે પાર્લેમાં થયાં હતાં અને તેમણે માટુંગામાં મૅરેજ-સર્ટિફિકેટ માટે અપ્લાય કર્યું હતું. તેમને થયેલી હાલાકી વિશે તે જણાવે છે, ‘મારાં લગ્ન ફેબ્રુઆરીમાં થયાં હતાં અને અમે થોડા સમય પહેલાં મૅરેજ-સર્ટિફિકેટ માટે અપ્લાય કર્યું હતું. ફૉર્મ ભરવામાં એટલી તકલીફ થઈ કે ન પૂછો વાત. વારંવાર થતી ટેક્નિકલ ખામીઓ અને એરર્સ અમારા સંયમની પરીક્ષા લેતાં હતાં. ફૉર્મ ભર્યું ત્યારે એક નાની ભૂલને લીધે એ સબમિટ થઈ શક્યું નહીં. મારી વાઇફ શિવાની ભુતા રજા લઈને હૈદરાબાદથી અહીં ફક્ત વેરિફિકેશનની પ્રોસેસ માટે આવી હતી તેને પણ ધક્કો થયો અને હવે ફરીથી આખી પ્રોસેસ કરવી પડશે એ અલગ.’


