આ તે લોકો છે જેઓ રોજેરોજ સોશ્યલ મીડિયા પર પોતાના ફોટો, સ્ટોરીઝ, ક્વોટ્સ, ઇવેન્ટ, સિદ્ધિઓ, ઉધાર જ્ઞાનનાં ગાણાં, મોટિવેશનલ વાતો, સ્વગુણગાન વગેરેના ઢગલા ઠાલવતા જ જાય છે.
પ્રતીકાત્મક તસવીર
વર્ષોથી આપણે રસ્તાઓ પર ટ્રૅફિક-સિગ્નલ પાસે, ટ્રેનમાં, ફુટપાથ પર કે હોટેલોની બહાર તેમ જ ખાઉ-ગલીઓમાં ભીખ માગતાં બાળકોથી માંડી વૃદ્ધો અને અપંગોને જોતા રહ્યા છીએ. આ જોઈ ક્યારેક દયા, ક્યારેક ક્રોધ તો ક્વચિત કરુણા પણ જાગતી હોય છે. આમાં કેટલાંક લુચ્ચાઓ હોય છે તો કેટલાંક ખરાં જરૂરતમંદો પણ હોય છે. જોકે આપણને તો એ બધાં ભિખારી જ લાગે એ સ્વાભાવિક છે, પરંતુ જો આપણને આ લોકો ભિખારી લાગતા હોય તો આ જમાનાના ટેક યુગના નવા પ્રકારની માગણી કરતા લોકોને શું કહેવાય? આ લોકોને આપણે માનવાચક શબ્દમાં ભિક્ષુક કહીશું? આધુનિક શબ્દોમાં બેગર્સ પણ કહી શકાય અથવા કોઈ નવું નામ કૉઇન કરવું પડે.
આ નવા પ્રકારના બેગર્સ કોણ છે? આ તે લોકો છે જેઓ રોજેરોજ સોશ્યલ મીડિયા પર પોતાના ફોટો, સ્ટોરીઝ, ક્વોટ્સ, ઇવેન્ટ, સિદ્ધિઓ, ઉધાર જ્ઞાનનાં ગાણાં, મોટિવેશનલ વાતો, સ્વગુણગાન વગેરેના ઢગલા ઠાલવતા જ જાય છે. કોઈ રિસ્પૉન્સની અપેક્ષા વિના રોજેરોજ આવું કોઈ કરે ખરું? શું ફેસબુક/યુટ્યુબ પર લાઇક, શૅર અને સબ્સક્રાઇબ માટે માગણી કરતા આવા લોકો ભિક્ષુક લાગતા નથી? સિગ્નલ પરના ભિખારીઓની જેમ આવા લોકો પણ રોજ સવાર-સાંજ અને મોડી રાત સુધી પોતાને જ પ્રોજેક્ટ કરતા રહી, કેટલી લાઇક્સ મળી, કેટલી કમેન્ટ્સ થઈ, કેવી સરાહના થઈ, કેટલી સહાનુભૂતિ મળી? વગેરે જેવી અપેક્ષા રાખી સોશ્યલ મીડિયાના વિવિધ મંચ પર વિહરતા રહે છે.
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ પર તો મોટી-મોટી સેલિબ્રિટી ભિક્ષુક હોય છે, જેમાં મનોરંજન-જગતના અદાકારોથી માંડી સંપન્ન-સમૃદ્ધ પરિવારો પણ હોય છે. કહેવાય છે કે આમાં એવા લોકો પણ હોય છે જેઓ પોતાને જ નહીં, બીજાઓને કેટલી લાઇક મળી એ પણ જોતા હોય છે. યુટ્યુબ તો એક પ્રકારે આવકનું સાધન પણ બન્યું હોવાથી નિષ્ણાતો, હોશિયારો, કથિત જ્ઞાનીઓ વગેરેની અહીં લાંબી લાઇન થતી જાય છે. વળી હવે તો રીલ બનાવી-બનાવી પોસ્ટ કરીને પૉપ્યુલર થવા માગતા ભિક્ષુકો પણ એકધારા વધતા જાય છે.
આ ઉપરાંત મંદિરો, મસ્જિદો, ચર્ચમાં જઈ પ્રાર્થનાના નામે ભગવાન પાસે પોતાની ઇચ્છાઓ અને માગણીઓ વ્યક્ત કરતા લોકો પણ ભિક્ષુક ન ગણાય? પણ આ બધું તો ધર્મ અને ભકિત કે શ્રદ્ધામાં ખપાવી દેવાય છે, બાકી ઈશ્વર તો જાણે જ છે કે આમાં ભકત કેટલા અને ભિક્ષુક કેટલા? જાહેર કે ખાનગી કાર્યક્રમોમાં સ્ટેજ પર જઈ, માઇક હાથમાં લઈ લોકો પાસેથી તાળીઓ, વાહ-વાહ ચાહતા લોકોને પણ બેગર્સ ન ગણાય? જ્ઞાતિની કે સાર્વજનિક સભાઓમાં માન-સન્માન માગતા, દાન કર્યા બાદ પોતાના નામની પ્રસિદ્ધિ-તખતી માગતા લોકો પણ પરોક્ષ રીતે તો ભિક્ષુક જ ન કહેવાય.
આવી માનસિક ગરીબીની રેખા નીચે જીવતા લોકોની પણ ગણતરી થવી જોઈએ એવું લાગતું નથી?
વાસ્તવમાં માન અને પ્રતિભાવ માગવા કરતાં આપોઆપ આવે એમાં સાર્થકતા ગણાય.


