મેં નિશા સાથે વાત કરી. નિશા, નિશા ઉપાધ્યાય. મારી એકમાત્ર સ્ત્રી-મિત્ર. નિશાએ જ મને આ ઘટના પર વાર્તા લખવાનું કહ્યું અને મને તેની વાત યોગ્ય લાગી.

લવ-સ્ટોરી (પ્રકરણ ૪)
લોકોની લાગણીઓ મારી સાથે, મારી બચ્ચીઓ સાથે હતી. હું પણ બચ્ચીઓને તેડી-તેડીને ફરતો. સરકારના સૌકોઈ દિલાસો આપતા અને હું દેશ માટે ફના થવા તૈયાર હોઉં એવી વાતો કરતો. એક ઇન્ટરવ્યુમાં મેં કહ્યું હતું કે ‘વાઇફ ગુમાવ્યાનો મને ગમ છે, પણ એ મારી અંગત મૅટર છે. મને ખુશી એ વાતની છે કે આતંકવાદીઓને મારો મેસેજ બરાબર પહોંચ્યો છે. આતંકવાદીઓને હું મુંબઈ સામે જોવા નહીં દઉં.’
મેં મોનાની દફનવિધિ નહીં, પણ અગ્નિસંસ્કાર કર્યા અને અગ્નિસંસ્કાર મોનાના ભાઈના હાથે કરાવ્યા. અગ્નિસંસ્કારના બૅકગ્રાઉન્ડમાં મેં ટીવી-ચૅનલ પર કહ્યું કે ‘ધર્મ અને રાષ્ટ્રીયતા બે અલગ મુદ્દા છે. મોનાની ઇચ્છા હતી કે તે હિન્દુ નીતિરીતિ સાથે રહે. મેં ઘરમાં પણ તેની ઇચ્છાને માન આપ્યું હતું અને આજે અંતિમ ક્ષણોમાં પણ હું તેના હિન્દુ ધર્મને સ્વીકારીને ચાલું છું.’
અરે હા, ખાસ વાત. મોનાની સ્મશાનયાત્રામાં મેં દરેક ચૅનલના પત્રકારો જોયા, પણ કરણ નહોતો દેખાયો. મારે લાલ આંખવાળા ગમગીન કરણને જોવો હતો, પણ કરણ ન આવ્યો. કાં તો તે તકવાદી હતો અને કાં તો તેની મારાથી ફાટી હતી. જોકે એ આશિક બચ્ચો નવી જ દિશામાં આગળ વધતો હતો, જેની મને મહિના પછી ખબર પડી.
lll
‘સા’બ, એક ચૅનલવાલા જબરદસ્તી મુઝે કૅમેરા કે સામને ખડા કરના
ચાહતા થા.’
ડ્રાઇવરે મને કહ્યું ત્યારે મને કરણનો અંદાજ આવી ગયો હતો. તે મોનાની મોતનું સાચું કારણ જાણવા મથતો હતો. ખબર નહીં કેમ, પણ તેને શંકા હતી કે મોનાનું મોત ખરેખર ટેરરિસ્ટને કારણે નહીં, પણ પ્રીપ્લાન્ડ હુમલાથી થયું છે. જો કરણને ડ્રાઇવરનો ઇન્ટરવ્યુ મળી જાય તો તે આ કેસને એક નવા મોડ પર લવીને મૂકી દે.
ડ્રાઇવરે ઇન્ટરવ્યુ નહોતો આપ્યો, પણ નાના લોકોનો બહુ ભરોસો ન કરવાનો હોય.
મેં નક્કી કર્યું કે હવે કરણનો પણ રસ્તો કરવો પડશે.
કરણને પકડવો બહુ સહેલો હતો, પણ પછી દેશભરના જર્નલિસ્ટ રસ્તા પર આવે એ શક્યતાને નકારી ન શકાય. બહેતર એ જ હતું કે કરણને પણ કબરમાં ધકેલવો.
પ્લાન મુજબ મારા ચાર માણસો કરણની પાછળ લાગી ગયા. એ ચારની પાસેથી પણ ખબર પડી કે કરણ એ રાતના હુમલાની ઘટના તપાસી રહ્યો છે. પ્લાનને આખરી અંજામ આપવાનું નક્કી કરવું જ પડે એમ હતું અને મોકો મળી પણ ગયો.
એક રાતે મને મેસેજ મળ્યો કે
કરણ વસઈથી બાઇક પર પાછો આવે છે. તેને વચ્ચે જ રોકવાનો આદેશ મેં આપી દીધો.
lll
‘ક્યા હાલ હૈ આશિકમિયાં?’ કરણને અઢળક માર મારવામાં
આવ્યો હતો, ‘બબલી કી યાદ બહોત આતી હૈ?’
કરણ હેબતાઈ ગયો.
‘ચલ, અબ ઉસે મિલને તૈયાર
હો જા...’
મેં કરણ સામે રિવૉલ્વર ધરી. મનમાં હતું કે કરણ દેકારો કરશે, પણ કરણે એવું કંઈ કર્યું નહીં. તે આંખ બંધ કરીને બેસી રહ્યો.
બે ફાયર અને કરણ ઉપર...
ચૅનલને અમે જાણ કરી કે તમારો પત્રકાર જર્નલિઝમ અને ચૅનલના નામે શકીલ ગૅન્ગ સાથે કામ કરતો હતો. જરૂર લાગશે તો તમારી વિરુદ્ધ પણ કાર્યવાહી થશે.
આ માત્ર ધમકી હતી, સ્વબચવાની, અને ધમકીની ઘેરી અસર થઈ. ચૅનલ-હેડ ખંડેલવાલનો ફોન આવી ગયો કે અમે તેને ચાર મહિના પહેલાં છૂટો થયેલો બતાવવા તૈયાર છીએ, જો ચૅનલની ઇમેજને નુકસાન ન થતું હોય તો.
હું તો તૈયાર જ હતો.
મને એમ કે હવે લવ-સ્ટોરીનો અંત આવી ગયો, પણ ના, હું હજીયે ભ્રમમાં હતો.
lll
એક દિવસ મને મોનાના સેક્રેટરી બચકાનીવાલાએ કહ્યું કે સોહમ નામનો રાઇટર બન્ટી-બબલી એટલે કે મોના અને કરણ પર સ્ટોરી લખે છે.
‘વો ખુદ મેરે પાસ આયા થા...’ મનોજે કહ્યું, ‘ખુદ કરણને ઉસે સબ
કુછ બતાયા હૈ, કરણ ઉસકે સાથ હી રહતા થા. મૅ’મ ભી ઉસે દો-તીન બાર મિલી થી...’
કરણ અને મોનાના મોત પછી સોહમ નામના રાઇટર સાથે મારો પનારો પડશે એવી મારી ધારણા નહોતી. સોહમ શું કામ કરતો હતો એ મારે માટે નવાઈની વાત હતી પણ જો સોહમને મળી, તેના મનની વાત જાણી હોત તો મને કદાચ એ સમજાયું હોત.
lll
શરૂઆતમાં મેં કરણને આ સંબંધો માટે ના પાડી હતી, પણ પછી મને લાગ્યું કે કરણ અને મોનાની રિલેશનશિપમાં ફીલિંગ્સ સિવાયની કોઈ વાત નથી અને એક ક્રીએટિવ પર્સન તરીકે મને એમાં કશું અજુગતું લાગ્યું નહીં. મને ઝાટકો એ દિવસે લાગ્યો જ્યારે ખબર પડી કે મોનાની હત્યા થઈ. એ પછી મેં કરણને સમજાવ્યો હતો કે હવે આ બધામાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે.
‘તને વાતો આવડે છે, દોસ્ત. ફીલિંગ્સ ભૂલવા માટે નથી હોતી.’
મારી પાસે કરણને સમજાવવા માટે શબ્દો નહોતા. કરણ બચ્ચું નહોતો કે સમજાવવા બેસવું પડે. કરણ મૅચ્યોર્ડ હતો. અનેક પ્રસંગોને, ઘટનાને તેણે જવાબદારી સાથે હૅન્ડલ કર્યા હતા, પણ પ્રેમ જવાબદારોને બેજવાબદાર બનાવી દેતો હોય છે.
lll
કરણ ઘરે આવવામાં આમ પણ અનિયમિત હતો. મોનાના મોત પછી એમાં ઉમેરો થયો. ઘણી વાર તો વહેલી સવારે તે ઘરે આવતો. એક સવારે કરણને બદલે પોલીસ આવી. તેનો સામાન તપાસીને પોલીસ મને સાથે લઈ ગઈ. મને વાત સમજાઈ ગઈ હતી.
પોલીસ-સ્ટેશને મને બેસાડી રાખવામાં આવ્યો. બીજી સવારે શરીફ આવ્યો ત્યારે ખબર પડી કે એન્કાઉન્ટરમાં કરણનું મોત થયું છે. કરણ અન્ડરવર્લ્ડ ઍક્ટિવિટી સાથે જોડાયેલો હોવાના તેની પાસે પુરાવા હતા. ચૅનલે તેને ચાર મહિના પહેલાં છૂટો કરી દીધો હતો. જો કોઈને ચાર મહિનાથી પાણીચું પકડાવી દીધું હોય તો સૅલરી આપવાનું કારણ શું હોય?
‘તુમ ઇસ મામલે મેં નિર્દોષ હો.’ શરીફે સલૂકાઈથી વાત કરી,
‘તુમ ઘર જાઓ.’
એ દિવસ પછી મારું સ્ટેટમેન્ટ લેવા માટે ક્યારેય પોલીસ આવી નહીં.
મારું મન કહેતું હતું કે મારે આ બધી વાતો ભૂલીને મારા કામે લાગી જવું જોઈએ. પુષ્કળ કામ હાથમાં હતું અને છતાં મન કામમાં લાગતું નહોતું, કઈ રીતે લાગે? જ્યારે તમે એવો ભાઈબંધ ગુમાવ્યો હોય, જે ભાઈથી પણ વિશેષ બની ગયો હોય.
મેં નિશા સાથે વાત કરી. નિશા, નિશા ઉપાધ્યાય. મારી એકમાત્ર સ્ત્રી-મિત્ર. નિશાએ જ મને આ ઘટના પર વાર્તા લખવાનું કહ્યું અને મને તેની વાત યોગ્ય લાગી.
‘માણસે પોતાની કૅપેસિટી મુજબ જવાબદારી નિભાવવાની હોય. હું તને નથી કહેતી કે તું જઈને શરીફને ગોળી મારી આવ. બંદૂક ચલાવવી એ તારું કામ નથી, પણ એનો અર્થ એવો પણ નથી કે તું તારી જવાબદારીઓમાંથી છૂટી જા. તારાથી જે શક્ય હોય એ કામ કર. બને કે તારા થકી મોના અને કરણની લવ-સ્ટોરીને તર્પણ મળવાનું હોય.’
મોના અને કરણની વાત લખવાનું મેં શરૂ કર્યું. આ કામ મારે માટે અઘરું નહોતું. કરણ સાથે વાતો થઈ હતી, તો મોનાને પણ હું બેત્રણ વાર મળ્યો હતો. આ ઉપરાંત મારી પાસે મોનાને લગતા લેખો અને ન્યુઝથી ભરેલા મુંબઈનાં ન્યુઝપેપર્સ હતાં. કરણે તૈયાર કરેલી પેલી લેડી બ્યુરોક્રેટવાળી મોનાની આખી સ્ટોરી હતી.
હું કામે લાગી ગયો. મને ચારેક મહિના લાગ્યા. આ સ્ટોરી તૈયાર કરવા માટે હું કેટલાક એવા લોકોને મળ્યો જેને કારણે મોના અને કરણનાં પર્ફેક્ટ કૅરૅક્ટર તૈયાર થઈ શકે. જોકે મારો આ પ્રયાસ મને મોતની નજીક લાવશે એની મને ખબર નહોતી.
lll
લવ-સ્ટોરી. એક લોહિયાળ પ્રેમકથા.
મોના અને કરણના નિ:સ્વાર્થ પ્રેમ પર આધારિત તૈયાર થયેલી એ બુકનું નામ નિશાએ આપ્યું હતું. બુક પ્રિન્ટિંગમાં ગઈ અને ઇનોગ્રેશનની ડેટ નક્કી થઈ કે તરત મને ધમકીના ફોન આવવા માંડ્યા. વિમોચન શુક્રવારે સવારે નક્કી કર્યું હતું અને ગુરુવારની રાતે મને ફરી પાછો ફોન આવ્યો.
‘દેખ ભાઈ, અભી ભી તુઝે કહ રહે કિ તુ કુછ નહીં કરેગા, કુછ ભી નહીં. મૈં ભી તેરા ફૅન હૂં ઔર ઇસી લિયે તુમ્હે કહતા હૂં કિ તુમ્હે મારને મેં મુઝે બડી તકલીફ હોગી.’
મેં તરત નિશાને ફોન કર્યો અને નિશાએ ઘર છોડીને હોટેલમાં જવાનું સૂચન કર્યું.
ઘરેથી નીકળવામાં મને ડર લાગતો હતો, પણ હવે એનો કોઈ અર્થ નહોતો. મારે પરિણામ માટે તૈયાર રહેવાનું હતું. એવી તૈયારી, જેવી તૈયારી કરણ-મોનાએ રાખી હતી.
હું હોટેલ પર પહોંચી ગયો અને મેં ફોન કરીને નિશાને બુક્સ લઈ લેવાનું કહ્યું. મારી આ બુકનો કોઈ પબ્લિશર નહોતો. ચાર વાગ્યે નિશાનો મેસેજ આવી ગયો કે બુક્સ આપણા કબજામાં છે.
lll
‘તું ક્રૉસવર્ડ પહોંચ ગયા તો માન લે કિ ડેથ ક્રૉસ હો ગઈ તુમ્હારી.’
સવારે પુસ્તકના વિમોચન માટે રવાના થતો હતો ત્યારે મને મને ફરી ફોન આવ્યો.
જવાબ આપ્યા વિના હું નીકળી ગયો. હું જુહુ હતો અને મારે ક્રૉસરોડ જવાનું હતું.
પૂરતો સમય હોવા છતાં મેં મારી કારની સ્પીડ વધારે રાખી હતી. મિરરમાંથી હું સતત જોતો હતો કે કોઈ સ્પેસિફિક વાહન મારી પાછળ છે કે નહીં.
અડધા કલાક પછી હું નિશ્ચિંત થયો. જોકે મારે એવી ભૂલ કરવાની જરૂર નહોતી. આમ તો એ ભૂલ નહીં, ભાવનાઓનો બહાવ હતો.
મનમાં સતત વિચારોનો વંટોળ ચાલતો હતો,
શું કામ મોના જેવી હોનહારના પ્રેમમાં પડવાની ભૂલ કરી. પોલીસ કમિશનરની વાઇફ હોવા છતાં, પોતે કલેક્ટર હોવા છતાં શું કામ તેણે પ્રેમમાં પડવાની ભૂલ કરી. શું ઔરત ગમે તે સ્ટેજ પર પહોંચે, પ્રેમ માટે તેની ભૂખ બરકરાર રહેતી હશે?
‘લવ-સ્ટોરી’ની પ્રસ્તાવનામાં આ જ મુદ્દો પ્રશ્ન તરીકે મેં મૂક્યો હતો અને લખ્યું હતું, મોના માત્ર એક ઉદાહરણ હોઈ શકે, કરણ પણ એક ઉદાહરણ છે. જો કોઈ અધિકાર માટે અધિકારીપણું ભૂલી શકતું હોય તો તેમને અધિકાર છે કે તે પોતાના પ્રેમને પામે. આ કથાનો હીરો કરણ અને હિરોઇન મોના છે એવું કહીને હું રિલેશનશિપને અપમાનિત કરવા નથી માગતો. મારી આ કથાનો કોઈ નાયક નથી કે કોઈ નાયિકા નથી. આ કથાનું કેન્દ્રબિંદુ પ્રેમ છે અને એના પરિઘ પર એ સૌ છે જેઓ પ્રેમમાં વિશ્વાસ ધરાવે છે. મારી આ કથાના નાયક એ સૌ છે જેમણે ક્યારેક પ્રેમ કર્યો છે. મારી આ લવ-સ્ટોરીની નાયિકા એ સૌ છે જેમણે ક્ષણ પૂરતી પણ કોઈને માટે દિલની લાગણી દર્શાવી છે. મોના એટલે કે કરણની બબલી...
સનનન....
મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો અને એ અંધકાર વચ્ચે કરણ દેખાયો. કરણના ચહેરા પર સ્માઇલ હતું. કરણની પાછળ કોઈક હતું. કોણ છે એ?
અરે, આ તો મોના છે.
‘સૉરી, ફ્રેન્ડ્સ...’ નિશાના ચહેરા પર છવાયેલી અકળામણ સ્પષ્ટ દેખાતી હતી, ‘સોહમને આવતાં વાર લાગશે, પણ આપણે ‘લવ-સ્ટોરી’ને હવે રોકવી ન જોઈએ...’
નિશાની ધડકન વધી ગઈ હતી.
છેલ્લી સાત મિનિટમાં તેણે ૨૦મી વાર સોહમને ફોન કર્યો હતો, પણ ફોન સતત નો-રિપ્લાય થયો.
સોહમ સાથે પણ...
‘નિશા, એક રિક્વેસ્ટ છે.’ હોટેલ પર પહોંચ્યા પછી સોહમે નિશાને મેસેજ કર્યો હતો, ‘કાલે મને કંઈ પણ થાય, ‘લવ-સ્ટોરી’ ખુલ્લી મૂકવાની જવાબદારી તારી.’
‘ફ્રેન્ડ્સ, આ સત્યઘટના છે. મુંબઈનાં ઍડિશનલ કલેક્ટર મોના ગુર્જર અને જર્નલિસ્ટ કરણ મહેતાની લાઇફ છે.’ નિશાએ બુક પરથી રૅપર હટાવ્યું, ‘બુકમાં કેટલાક તથ્યો સાથે કહેવામાં આવ્યું છે કે મોના અને કરણનાં મોત તેમની રિલેશનશિપને કારણે જ થયાં છે. બન્નેમાંથી કોઈનું મોત ઍક્સિડન્ટ નથી અને ઇમ્પોર્ટન્ટ, બન્ને ઘટના સમયે જૉઇન્ટ પોલીસ કમિશનર શરીફ પઠાણ ત્યાં હાજર હતા...’
એક કલાક પછી ન્યુઝ આવ્યા કે મુંબઈના ઍડિશનલ પોલીસ કમિશનર શરીફ પઠાણે ઑફિસમાં જ સર્વિસ રિવૉલ્વરથી સુસાઇડ કર્યું.
lll
‘સત્તા કે અધિકાર જિંદગી માટે પૂર્ણ નથી. વહાલ નીતરતી નજર જીવન જીવવા માટે ભરપૂર કારણ આપી જતી હોય છે. આ કારણ પામવાનો અધિકાર સૌકોઈનો છે. પછી તે અધિકારી હોય તો તેનો પણ અને આમ-ઇન્શાન હોય તો પણ. મારી જિંદગીમાં અધુરપ હતી, એક ખાલીપો હતો. આ અધુરપ અને આ ખાલીપો...’
‘મૅડમ...’
‘લવ-સ્ટોરી’ની છઠ્ઠી એડિશનમાં આવેલાં મોના ગુર્જરની ડાયરીનાં પાનાંઓ પરથી નજર હટાવીને નિશાએ ઑફિસ-અસિસ્ટન્ટ સંતોષ સામે જોયું.
‘ધર્મા પ્રોડક્શન્સ સે ફોન હૈ, ‘લવ-સ્ટોરી’ કે વેબ-શો કે રાઇટ્સ કે લિયે...
સંપૂર્ણ