Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > થીજેલી ક્ષણ (પ્રકરણ-૩)

થીજેલી ક્ષણ (પ્રકરણ-૩)

03 April, 2024 06:08 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

યામિનીબહેને ઝૂડામાં રહેલી સૌથી નાની ચાવી પકડીને ચોરખાનાની કળમાં નાખી, ઘુમાવી અને ભૂતકાળ ખૂલતો હોય એમ હાંફી જવાયું.

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


‘આવો વહુરાણી!’

આ અતુલ્યનું ગામનું ઘર! ઝાંપાની કમાને ચડેલી બોગનવેલ, આંગણાનો તુલસીક્યારો, પરસાળે હીંચકો, આનંદઅંકલની ઝૂલણખુરસી... અતુલ્યની વાતોમાં અસંખ્ય વાર જેનો ઉલ્લેખ થયો એ ઘરની ફર્શથી છત સુધીનું બધું કેટલું ચિરપરિચિત લાગ્યું! પોતાને આવકારતું, વહાલથી પોંખતું.નીમા દોડીને માને ભેટી પડી. અતુલ્યને લાગ્યું કે આ ક્ષણે સ્વર્ગમાંથી સ્વજનો પણ આશિષ વરસાવી રહ્યા છે!


‘તારી થનારી વહુનું કહેવું પડે યામિની, સર્વગુણસંપન્ન છે!’

અઠવાડિયામાં તો ફળિયામાં, સગામાં નીમાની વાહવાહી થવા લાગી.


‘આજકાલ તો ગામડાની વહુઆરુઓ ફૅશન કરતી થઈ ગઈ છે ત્યારે મુંબઈમાં ઊછરેલી તારી વહુ સાડી પહેરે, સવારે આંગણું વાળીને સાથિયો પૂરે, તેનો રસોઈનો વઘાર તો ફળિયામાં સોડમ પ્રસરાવે છે...’

યામિનીબહેન પોરસાતાં. નીમાની નજર ઉતારતાં.

‘તેં તો મા પર જાદુ કર્યું છે, નીમા’ મુંબઈથી અતુલ્ય કહેતો.

આ સુખ પર કોઈની બૂરી નજર પડી ચૂકી છે એનો ત્યારે ક્યાં અણસાર હતો?

બુધની સવારે નીમા નીચે રસોડામાં હતી, યામિનીબહેન મેડીની રૂમના પટારામાંથી નીમાને દેખાડવા આલબમ કાઢી રહ્યાં હતાં. સત્યજિતને ફોટોગ્રાફીનો શોખ હતો. કંઈકેટલી નેગેટિવ્સ અને આલબમ્સનો ખજાનો યામિનીબહેને જતનથી સાસુજીના અસલના લાકડાના મોટા પટારામાં સાચવ્યો હતો. એના આગળાને ખંભાતી તાળું મારતાં. એની ચાવી પણ પોતે જ રાખતાં. ગામ આવવાનું થાય ત્યારે પટારો અચૂક ખૂલે. અતુલ્ય હોય તો મા-દીકરો રૂમમાં જ ગાલીચો પાથરી આલબમ જોતાં જાય ને વીતેલા સમયને પુનર્જીવિત કરતાં જાય...

આલબમ કાઢતાં યામિનીબહેનનો હાથ પટારાના તળિયે પહોંચ્યો. હળવી ઝણઝણાટી પ્રસરી ગઈ. અહીં પટારાના ચોરખાનાની કળ હતી. અતુલ્ય તો આજેય એવું જ માને છે કે ખાનું ખાલી છે અને એની ચાવી મિસિંગ છે... ખરેખર તો ચોરખાનામાં ભૂતકાળનું એવું પાનું છુપાવ્યું છે જેની અત્તુને ગંધ સુધ્ધાં નથી!

યામિનીબહેને ઝૂડામાં રહેલી સૌથી નાની ચાવી પકડીને ચોરખાનાની કળમાં નાખી, ઘુમાવી અને ભૂતકાળ ખૂલતો હોય એમ હાંફી જવાયું.

ચોરખાનામાંથી સાચવીને મૂકેલાં બે સફેદ પરબીડિયાં ઉપરાંત ન્યુઝપેપરનું નાનકડું કટિંગ નીકળ્યું. યામિનીબહેને પહેલાં ‘સત્યુને’ લખેલું કવર ખોલ્યું. અંદર આનંદે સત્યજિતને લખેલો પત્ર હતો. તેમની છેલ્લી હોળીના બે દિવસ પહેલાં લખાયેલો ચાર પાનાંનો લાંબો પત્ર વારંવાર વાંચ્યો છે, છતાં જાણે પહેલી વાર વાંચતાં હોય એમ યામિનીબહેને લખાણ પર નજર દોડાવીઃ

‘પ્રિય સત્યુ,

તને સંબોધીને આ મારો અંતિમ પત્ર! જવાનું નક્કી કરી લીધું છે, તને પૂછ્યા વિના, તારી જાણ બહાર એથી નારાજ થવાનો, ગુસ્સો કરવાનો તને હક છે દોસ્ત. બધું કરજે, બસ, તારા હૈયેથી ન ઉતારતો.’

આટલું વાંચતાં જ હળવો નિઃશ્વાસ સરી ગયો યામિનીબહેનથી. પછી આગળ વાંચ્યું ઃ

‘આમ જુઓ તો તને કંઈ જ કહેવાની જરૂર નથી. આપણે તો એકબીજાનું વણકહ્યું સમજનારા.

તું સમજી જ ગયો હતોને; મારા જીવનની મારાથી નહીં સચવાયેલી એ એક ક્ષણની વાત.

જીવનમાં કેટલીક ક્ષણ એવી આવે સત્યુ જે બાકીની તમામ પળો પર ભારે પડે. એ ખુશીની હોય, ગમની હોય કે પછી મને સાંપડી એમ પસ્તાવાની...

તું તો જાણે છે કે દેવશંકરકાકાના ફ્યુનરલમાં પહોંચવા હું-યામિની મુંબઈથી નીકળ્યાં. અમદાવાદથી જામનગરની ટૅક્સી પકડી, પણ રસ્તામાં કમોસમી વરસાદ નડતાં અમારે આંગણવાડીમાં રાતવાસો કરવો પડ્યો... ડ્રાઇવર ચા લઈને આવ્યો, મૅગેઝિન્સ આપી ગયો. યામિની નાસ્તો કરી સૂતી, હું ચા પી મૅગેઝિન્સ લઈ સામી તરફના પાથરણા પર ગોઠવાયો.’

આનંદની ચિઠ્ઠી વાંચતાં યામિનીબહેન સમક્ષ દૃશ્ય ઊપસતું ગયું.

મૅગેઝિનનો એક અંક આનંદે માંડ પતાવ્યો. ના, ઊંઘ નહોતી આવતી. કંઈક અજીબસી બેચેની વર્તાતી હતી. રાધા સાથેની અંગત ક્ષણો તરવરી જતી ને અંગમાં વાસનાનો ઉછાળો અનુભવાતો.

બાકી રાધાની વિદાય સાથે આનંદનો કામ પણ વસૂકાઈ ગયેલો. જાણે આજે આ ચળ કેમની જાગી!

મન બીજે વાળવા આનંદે બાજુમાં મૂકેલી મૅગેઝિનની થપ્પીમાંથી બીજો અંક ઉઠાવ્યો કે અંદરથી પૉકેટબુક સાઇઝની પુસ્તિકા સરકી ઃ

‘પ્યાસી જવાની!’

સ્ત્રીનું સાવ ઉઘાડું બદન દાખવતા મુખપૃષ્ઠવાળી બુકની અશ્લીલ સામગ્રીનાં બે પાનાં વાંચતાં જ આનંદનો શ્વાસ બહેકવા લાગ્યો. યામિનીની હાજરીમાં કોઈ અજુગતી હરકત ન થઈ જાય એની સભાનતાએ તે બહાર જવા ઊઠ્યો કે અમસ્તી જ નજર યામિની પર ગઈ.

ગહેરી નિંદમાં સૂતેલી યામિનીનું ઓઢવાનું સરકી ગયેલું. સાડીનો છેડો જગ્યા પર નહોતો.

અને અવશપણે આનંદના પગ યામિની તરફ ફંટાયા. સંસ્કારી પુરુષને અત્યારે જાણે કોઈ વિવેકભાન સ્પર્શતું ન હોય એમ યામિનીની સાવ નિકટ જઈને ઊભો રહ્યો. આંખોમાં લાલસા ટપકી, તે યામિનીના વક્ષ તરફ ઝૂક્યો કે...

વીજળી જેવા ઝબકારાએ આંખ મીંચતો આનંદ હોંશમાં આવ્યો હોય એમ બહાર દોડી ગયો.

‘...પણ મિત્રપત્ની પર બગાડેલી નજરની એ એક ક્ષણ મને પાપી તો ઠેરવી જ ગઈને, દોસ્ત!’

યામિનીબહેને આનંદનો પત્ર વાંચવામાં ઝડપ કરી ઃ

‘મારે તો એ ક્ષણે જ જીભ કચડીને મરી જવાનું હોય, જાણે કેમ જીવતો રહ્યો! મારી ભીતરનો દ્વંદ્વ, રાતે જે થતાં રહી ગયું એ - યામિનીને મેં ગંધ પણ આવવા નહોતી દીધી.

એમ મુંબઈ આવવાને બદલે હું ગામ જ રોકાઈ ગયો. અત્તુના ફોન છતાં હું આવવાનું ટાળતો ગયો એમાં તને કંઈક ગંધાયું હોય એમ તું બે વાર આંટાફેરા કરી ગયો. મારે તને વધુ ટાળવો પણ નહોતો. સંધ્યા ટાણે ઘરમંદિરે દીવો કરી મેં એ ક્ષણનો એકરાર કરી લીધોલ ઃ આઇ હેટ માય સેલ્ફ. હું યામિનીને ખરાબ નજરથી જોઈ જ કેમ શકું? તેને અણછાજતો સ્પર્શ કરવાની પહેલ કરી જ કેમ શકું.’

‘કેમ કે તું પુરુષ છે આનંદ અને યામિની સ્ત્રી.’

મારી વાત સાંભળીને તારા ચહેરાની રેખા બદલાઈ નહોતી દોસ્ત. બલકે મને સધિયારો દેવાની ઢબે તેં કહેલું ઃ

‘ઠીક છે, એક નબળી ક્ષણ આવી અને વીતી ગઈ. બાકી તારા મનમાં વિકાર હોત આનંદ તો મુંબઈમાં તને આવા કેટલાય અવસર મળ્યા હશે - તોય આવું બન્યું નથી. એનો અર્થ એટલો જ કે મિત્રપત્ની પર નજર બગાડવાનું તારું મૂળભૂત લક્ષણ જ નથી. બાકી માનવસહજ નબળાઈઓ આપણા સૌમાં હોવાની અને જ્યારે આપણે કોઈ પણ સંબંધમાં જોડાઈએ છીએ ત્યારે એ નબળાઈઓનો અદૃશ્ય સ્વીકાર થઈ જતો હોય છે.’

કેટલી સચોટ સમજાવટ! યામિનીબહેનને સત્યજિત પર ગર્વ થયો. જોકે એથી આનંદની ગિલ્ટ ઓછી થતી નથી. એ એક ક્ષણ તેમના અંતરમનમાં થીજી ગઈ છે. મુંબઈ જવાનું ટાળતા રહે છે.

યામિનીબહેને પત્રમાં વાંચ્યું ઃ મિત્ર, હવે એ લખું છું, જેની તને જાણ નથી. જાન્યુઆરીની એક બપોરે ગામના ઘરનો આગળો ઠોકાય છે...

યામિનીબહેન સમક્ષ દૃશ્ય

 તાદૃશ્ય થયું.

 ‘અરે, સુખદેવ તું!’

અમદાવાદના ટૅક્સી-ડ્રાઇવરને દ્વારે ભાળી આનંદે થોડું અચરજ જતાવ્યું. પાછો કોઈ સવારી લઈને આવ્યો કે શું?

‘તમને મળવા જ આવ્યો છું સાહેબ.’ ગરમ ચાનો ઘૂંટ ગળી સુખદેવે વાત માંડી, ‘તમારી સવારી બાદ વતનમાં બાપાની તબિયત બગડતાં મારે બિહારના ગામ જવું પડ્યું. એમાં આવતાં મોડું થયું એમ મારી જરૂરિયાત પણ વધી ગઈ. હૉસ્પિટલનો ખર્ચ પણ કાઢવાનોને!’

તારા ખર્ચ સાથે મારે શું નિસબત ભાઈ! આનંદના પ્રશ્ન સામે ખંધું મલકી સુખદેવે ગજવામાંથી કવર કાઢ્યું ઃ ‘તમારી એક ચીજ મારી પાસે છે, એની કિંમત તમે ચૂકવો તો...’

નહીં, સીધોસાદો જણાતો ડ્રાઇવર કાબો લાગે છે. તેના શબ્દોમાં ભેદ છે. આનંદે કવર પર તરાપ મારી.

અંદર એક ફોટો હતો. જે ક્ષણને પોતે લાખ યત્નો છતાં ભૂલી નહોતો શકતો એ આ તસવીરમાં કાયમ માટે સચવાઈ ગઈ હતી!

આનંદને સાવધ કરનારી વીજળી વરસાદી વીજળી નહીં, સુખદેવના કૅમેરાની ફ્લૅશલાઇટ હતી!

યામિનીબહેને પળ પૂરતો વાચનમાં વિરામ રાખીને ફોટો-નેગેટિવવાળું બીજું કવર હાથમાં લીધું.

આંગણવાડીની ફર્શ પર સૂતેલી હું અને મારા પર ઝૂકતા આનંદની કીકીમાં સળવળતી કામના...

હળવો નિઃસાસો સરી ગયો. ડિલીટ કરવા જેવી ક્ષણને પુરાવારૂપે પ્રગટેલી જોઈ આનંદ પર શું વીતી હશે એ તેમને તો બરાબર સમજાય એમ હતું.

‘બદમાશ સુખદેવ...’

તેમણે પત્રમાં ધ્યાન આપ્યું, આનંદને ફોટો આપી સુખદેવ ફોડ પાડે છે ઃ

 ‘અમે ભાડાની ટૅક્સી ફેરવીએ એમાં શું દળદળ ફીટે! એટલે ટૅક્સી-ડ્રાઇવરો વચ્ચે ઉપરની કમાઈના નુસખા ચર્ચાતા જ હોય. કોઈ દારૂની હેરફેર કરી લે, કોઈ દાણચોરીના માલની... મને આ બધામાં બ્લૅકમેઇલની સ્કીમ ગમી.’

આનંદે હોઠ કરડ્યો.

‘આવો જોગ દૂરની મુસાફરીમાં જ ગોઠવાય. સ્ત્રી-પુરુષ બેની જ સવારી હોય તો બાજી ગોઠવતાં વાર ન લાગે. એ માટે મારે ત્રણ ચીજો હાથવગી રાખવી પડે ઃ ઉત્તેજનાવર્ધક દવા, સસ્તી ચોપડીઓ અને આવનારી ક્ષણોને ઝડપવા કૅમેરા!’

યામિનીબહેને રોષ ઘૂંટ્યો. ‘અમારી યાત્રામાં અણધાર્યા વરસાદે રાતવાસાની સવલત ઊભી કરી દીધી એમાં સુખદેવે તેની પાસે સ્ટૉકમાં રહેતી ત્રણે ચીજોને બરાબર વાપરી, ચામાં ઉત્તેજનાવર્ધક દવા ભેળવી, મૅગેઝિનમાં ગંદી સ્ટોરી-બુક છુપાવી ને એની અસર ઝીલવા કૅમેરા સાથે તે બહાર તૈયાર જ હતો!

‘આનંદની જેમ મેં પણ ભેળસેળવાળી ચા પીધી હોત તો... ધ્રૂજી જતાં યામિનીબહેને આગળ વાંચ્યું

‘યામિનીએ ચા ન પીધી એથી હું થોડો નિરાશ થયો, પણ દવાની અસરમાં તું પહેલ કરે તો બચાવનું યામિનીનું શું ગજું! સાચું કહું તો મને ગમેલી આ યોજના અમલમાં મૂકવાનો આ પહેલો અવસર હતો. આંગણવાડીની ઓરડી બહાર પોઝિશન લઈ હું કૅમેરા સાથે તૈયાર હતો. બારી ખુલ્લી હતી, ઍન્ગલ પર્ફેક્ટ હતો - ઉત્સાહમાં ફ્લૅશ બંધ કરવાનું ભુલાઈ ગયું એમાં લાઇટના ઝબકારે તું ઝબકી ગયો. ચોંકી ગયો ને મારો પહેલો દાવ કેવળ એક ફોટોમાં સમેટાઈ ગયો!’

સુખદેવે આંખ મીંચકારી - ‘પણ તારું પતન બરાબર ઝિલાયું. આ એક ફોટો ક્યાંક છપાવી દઉં તો જોનારા એમ જ માનશે કે બીજી પળે આનંદ આખલાની જેમ યામિની પર તૂટી પડ્યો હશે.’

આનંદ આંખ મીંચી ગયો.

‘એવું ન થવા દેવું હોય તો બે વિકલ્પ છે, ક્યાં તો મને માસિક હપ્તો બાંધી દે, ક્યાં નેગેટિવની સિંગલ પ્રીમિયમની ડીલ કરી દે...’

ઊંડો શ્વાસ લઈ યામિનીબહેને પત્રમાં નજર પરોવી. મિત્રને સંબોધીને લખાયેલા અંતિમ પત્રના આખરી ચરણમાં આનંદ લખે છે...

સુખદેવે માગેલી કિંમત ચૂકવીને મેં ફોટો-નેગેટિવ લઈ લીધા. સત્યુ, અને એ મારા આત્માને અજગરની જેમ ભરડો લઈ ભીંસી રહ્યા છે. વીસરવા જેવી ક્ષણનું કોઈ સાક્ષી રહ્યું એ સત્ય મને જંપવા નથી દેતું. મારે એ તસવીર ફાડી નાખવી જોઈએ. નેગેટિવ સળગાવી દેવી જોઈએ, પણ નથી થઈ શકતું. એ જ વિચારે કે એક નેગેટિવ બાળવાથી પતનની એ ક્ષણ ઓછી ભસ્મ થવાની? ધરતી ફાટે તો સમાઈ જવા જેવું વસમું લાગે છે. દોસ્ત, પણ ધરતી તો સીતામૈયાને સમાવે, મારા જેવા પાપીએ તો દરિયામાં ડૂબી મરવું જોઈએ.

યામિનીબહેન પૂતળા જેવાં થયાં.

‘ખરેખર તો આ પત્ર વાંચી અમને જાણ થઈ હતી કે આનંદભાઈ સ્કૂબા-ડાઇવમાં અકસ્માતે નહોતા ડૂબ્યા... એ આપઘાત હતો!’

પાંપણે બાઝેલી ભીનાશ લૂંછી તેમણે વાંચ્યું ઃ

નક્કી કરી લીધું છે દોસ્ત, અત્તુની એક્ઝામ પતે, તમે હોળી પર આવો ત્યારે હું નહીં હોઉં. અત્તુને સ્કૂબા-ડાઇવિંગમાં લઈ જવાનું પ્રૉમિસ કરેલું, એ રસ્તે બીજી દુનિયામાં સરકી જવું છે.

યામિનીને તેં મારી ક્ષણ વિશે કહ્યું નહીં, પણ હવે કહેશે તો આખરે એ તારી અર્ધાંગિની; મારા માનમાં તે શાની ચૂકે! પણ અત્તુને જાણ ન થાય હોં, તેને ખૂબ વહાલ કરજે. મારા જવાનો અફસોસ ન કરશો. ઉપર રાધાનેય કેટલી રાહ જોવડાવવી! આવજે મારા વહાલા મિત્ર... ફરી આપણું અનુસંધાન થાય ત્યાં સુધી!

કેવી મૈત્રી, કેવો આ મિત્ર!

ખરેખર તો આનંદભાઈ સુખદેવની બદમાશીનો શિકાર બન્યા. અધરવાઇઝ એ એક ક્ષણ આવવાની જ નહોતી. આની પૂરી સમજ છતાં પોતાની જવાબદારીમાંથી નહીં છટકવાના પ્રબળ આત્મભાને, અંતરમનમા થીજેલી એ ક્ષણના પરિતાપે એક ઉમદા આદમીનો કેવો અંજામ આપ્યો! આ જ નિયતિ હશે?

ખેર, એ સુખદેવને તો પછી સત્યએ...

-અને ફોનની રિંગે યામિનીબહેનને વિચારવમળમાંથી ઝબકાવ્યાં.

ભૂતકાળે વર્તમાનનું અનુસંધાન મેળવી લીધું છે એનો ત્યારે તેમને અણસાર પણ નહોતો!

 

ક્રમશઃ

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 06:08 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK