Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધ લીડ (પ્રકરણ ૧)

ધ લીડ (પ્રકરણ ૧)

22 May, 2023 10:38 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘હં...’ મનમાં પ્રસરી ગયેલા ખુન્નસ પર કાબૂ કરતાં સોમચંદે કહ્યું, ‘બૅગમાં બીજું કશું છે?’

ધ લીડ (પ્રકરણ ૧) વાર્તા-સપ્તાહ

ધ લીડ (પ્રકરણ ૧)


સોમવાર.
સમય સવારના પ.૪પ વાગ્યાનો.
ટ્રિન... ટ્રિન... 
ટ્રિન... ટ્રિન...
રાતે અઢી વાગ્યા સુધી ‘મિસિસ એસ્કોબાર : માય લાઇફ વિથ પાબ્લો’ વાંચીને સૂતેલા ડિટેક્ટિવ સોમચંદ શાહે ઝટકા સાથે આંખો ખોલીને મોબાઇલ હાથમાં લીધો.
જયદેવ ગાંવકર.

સ્ક્રીન પર નામ ઝળકતું હતું.
જયદેવ હજી હમણાં જ બાંદરામાં ડ્યુટી પર મુકાયો હતો. પહેલાં તે પુણે હતો. પુણેમાં એકધારાં ચાર વર્ષ રહ્યા પછી તેને જ્યારે મુંબઈ આપવામાં આવ્યું ત્યારે થોડો સમય તો જયદેવનો મૂડ ઓસરી ગયો હતો.
‘અરે, મુંબઈ સાવ એવું વાહિયાત શહેર નથી...’ સોમચંદે તેને ફોન પર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ‘ધીમે-ધીમે સિટી સુધરતું જાય છે.’‘ધૂળ સુધરે છે તારું મુંબઈ યાર...’ જયદેવે ગુસ્સો વ્યક્ત કરી દીધો, ‘ખબર નહીં કેમ પણ એ લોકો વારંવાર રસ્તા તોડ્યા જ કરે છે. અરે, સારામાં સારો રસ્તો હોય તો પણ એને નવો કરવાના નામે તોડી નાખે. સાવ ફાલતુ સિટી છે.’
‘સિટી નહીં, બ્યુરોક્રેટ્સ... ઍનીવે, લીવ ઇટ. આવવું હોય તો આવી જજે. કામમાં ક્યાંય પણ હેલ્પ જોઈતી હશે તો મળી જશે. બાકી તારી મરજી.’
ગર્લફ્રેન્ડને મનાવવાની હોય તો એમાં પણ સોમચંદને કંટાળો આવતો, જ્યારે આ તો ફ્રેન્ડ હતો. શું કામ મનાવવામાં વધારે સમય ઇન્વેસ્ટ કરવો?
એ પછી એક વીક પછી જયદેવનો ફરી ફોન આવ્યો.


‘કાલે આવું છું...’
‘કેમ, રજા પર ઊતરી જવાની ધમકી બહુ ચાલી નહીં?’
‘એ ચાલે એમ હતી, પણ ઘરમાં સાલ્લી કીડીઓ ચડતી હતી... એક તો વાઇફની કચકચ, તને તો ખબર છે...’ અચાનક જયદેવને યાદ આવ્યું એટલે તેણે વાત સુધારી, ‘તને ક્યાંથી ખબર હોવાની? તેં મૅરેજ જ ક્યાં કર્યાં છે.’

‘બધા લકી ન હોયને દોસ્ત.’ સોમચંદે જયદેવને ઇન્વાઇટ કરી દીધો, ‘આવી જા સીધો ઘરે. બે-ચાર દિવસ અહીં સાથે રહીશું.’
‘નેકી ઔર પૂછ-પૂછ... બાંદરા ઊતરીને સીધો અંધેરી આવી જઈશ.’
‘મોસ્ટ વેલકમ...’
એકાંત પસંદ છે એવું કહેવા માટે પણ કોઈ હોવું જોઈએ અને અત્યારે સોમચંદને એવા જ કોઈની જરૂર હતી. પોતાનો ત્રણ દિવસનો બધો પ્રોગ્રામ કૅન્સલ કરીને સોમચંદે જયદેવ માટે ફાળવી દીધા.
lll


‘એ ચાલે એમ હતી, પણ ઘરમાં સાલ્લી કીડીઓ ચડતી હતી... એક તો વાઇફની કચકચ, તને તો ખબર છે...’ અચાનક જયદેવને યાદ આવ્યું એટલે તેણે વાત સુધારી, ‘તને ક્યાંથી ખબર હોવાની? તેં મૅરેજ જ ક્યાં કર્યાં છે.’

મુંબઈ આવ્યાને દોઢ મહિનો થઈ ગયો અને એ પછી પણ જયદેવ સોમચંદને છોડતો નહોતો. ક્વૉર્ટર મળી ગયું હતું અને તે હવે રહેવા ત્યાં શિફ્ટ પણ થઈ ગયો હતો, પણ કોઈ ઇન્ટરેસ્ટિંગ કેસ આવે એટલે તરત તે સોમચંદને યાદ કરે.
અત્યારે પણ એવું જ થયું હશે એવું ધારીને સોમચંદે મોબાઇલ કાન પર મૂક્યો.
‘બોલ...’ સોમચંદના ભારે અવાજમાં રીતસર ઊંઘ બોલતી હતી, ‘શું થયું?’
‘આવ જલદી, ઇન્ટરેસ્ટિંગ કેસ છે.’

‘અત્યારે રહેવા દે...’
‘અરે, સાંભળ તો ખરો...’ સોમચંદના સ્વભાવથી વાકેફ એવા જયદેવે તરત જ કહ્યું, ‘ફોન નહીં કાપતો...’
‘અત્યારે રહેવા દે...’ સોમચંદે કહ્યું, ‘સવારે આવી જઈશ...’
‘સવાર સુધીમાં બધું વીખરાઈ જશે... ઘટના ટ્રેનમાં બની છે. રેલવે ઑથોરિટી લાંબો સમય ટ્રેન રોકી નહીં રાખે...’ 
સોમચંદે વૉલ-ક્લૉકમાં જોયું.

‘અરે, પહોંચવામાં જ અડધો કલાક થઈ જશે.’
‘નહીં થાય, જરા પણ ટ્રાફિક નહીં નડે.’ જયદેવે વાત પૂરી કરતાં કહ્યું, ‘આવ, હું બધું અકબંધ રહેવા દઉં છું અને સોમચંદ...’
જયદેવનો અવાજ ભારે થઈ ગયો હતો.
‘બહુ વિકૃત રીતે નાના બાળકને...’
સોમચંદ બેડમાંથી ઝાટકા સાથે ઊભા થઈ ગયા.
lll

‘અમદાવાદથી...’ જયદેવે ચોખવટ પણ કરી, ‘આ કમ્પાર્ટમેન્ટ બરોડાથી જૉઇન થાય છે... આમ જોઈએ તો આ કેસ સાથે આપણને સીધો કોઈ સંબંધ નથી, પણ રેલવે પોલીસે જાણકારી આપી એટલે મને થયું કે આપણે હેલ્પફુલ થઈએ.’

‘બાળક સાથે કંઈ પણ કરનારાને તો ખરેખર ફાંસી આપવી જોઈએ.’ સોમચંદની હંમેશાં દલીલ રહેતી, ‘સાલ્લું, તમને પહોંચી શકે એવાની સામે લડોને, મારો તેને; પણ બાળકને? તમારો જીવ કેવી રીતે ચાલી શકે નાના બાળકને હાથ પણ લગાડતાં...’
એ સમયે મુંબઈની એક પ્રાઇવેટ સ્કૂલમાં ટીચરે માત્ર જુનિયર કિન્ડર ગાર્ડનમાં ભણતા બાળકને થપ્પડ મારી હતી અને પેરન્ટ્સ ફરિયાદ કરવા માટે પ્લેહાઉસ ગયા ત્યારે સ્કૂલ ઑથોરિટીએ બાળકનું ઍડ્મિશન કૅન્સલ કરી નાખ્યું હતું. પેરન્ટ્સે કમ્પ્લેઇન સોમચંદને કરી અને સોમચંદે આખી સ્કૂલ ધુણાવી નાખી.

તેની એક જ ડિમાન્ડ હતી કે જેણે પણ બાળકને થપ્પડ મારી છે તેને એક થપ્પડ મારવા દે. થોડી વાર સુધી તો પ્રિન્સિપાલે ટીચરને બચાવવાની કોશિશ કરી, પણ સોમચંદનો રોફ અને દબદબો જોઈને એ કોશિશ લાંબી ચાલી નહીં એટલે નાછૂટકે તેણે ટીચરને હાજર કરવી પડી અને ટીચરને જોઈને સોમચંદનો ગુસ્સો ઊતરી ગયો.
જો આને થપ્પડ મારું તો આ છોકરી આ જ સેકન્ડે મરી જાય.
ટીચરને જોઈને સોમચંદના મનમાં આ વિચાર ઝળકી ગયો એટલે તેણે થપ્પડ મારવાની ઇચ્છા તો મનમાં જ મારી નાખી, પણ શાબ્દિક થપ્પડો મારવાનું છોડ્યું નહોતું.
lll

દોઢેક કલાક પહેલાં બાંદરા સ્ટેશન પર આવીને ખાલી થઈ ગયેલી મુંબઈ-અમદાવાદ-મુંબઈ પૅસેન્જર ટ્રેનના સેકન્ડ ક્લાસના રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાંથી એક નાની બાળકીનો મૃતદેહ રેલવે પોલીસને મળ્યો હતો.
બાળકીની લાશ એક સાધારણ કહેવાય એવી બૅગમાં છુપાવવામાં આવી હતી. બૅગમાં રહેલી ડેડ-બૉડીની વાસ બહાર ફેલાય નહીં એ માટે મર્ડરરે ડેડ-બૉડીની ફરતે કાંદા પાથરી દીધા હતા. 
‘કાંદા કેટલા છે?’
બૅગ અને બૉડીને ઑબ્ઝર્વ કરતાં સોમચંદે પૂછ્યું એટલે જયદેવે જવાબ આપ્યો...
‘આઠ... બન્ને સાઇડ પર ચાર-ચાર.’
‘હં...’ મનમાં પ્રસરી ગયેલા ખુન્નસ પર કાબૂ કરતાં સોમચંદે કહ્યું, ‘બૅગમાં બીજું કશું છે?’
‘જોયું નથી, કહેતો હોઉં તો ચેક કરું...’

આ પણ વાંચો: 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૪૨)

માત્ર મસ્તક નમાવીને સોમચંદે હા પાડી એટલે જયદેવ જાણે કે તેનો અસિસ્ટન્ટ હોય એ રીતે કામે લાગ્યો અને સાવચેતી સાથે તેણે ગ્લવ્ઝ પહેરી બાળકીની ડેડ-બૉડી હાથમાં ઉપાડી બાજુમાં રાખેલી પીપીઈ કિટ પર મૂકી અને બૅગનો સામાન ચેક કરવાનું શરૂ કર્યું. બહારથી નાની દેખાતી બૅગમાં ઘણો સામાન હતો.
અંદર એક નાની ઢીંગલી હતી, જે જોઈને કોઈ પણ કહી શકે કે ઢીંગલી નાના ગામમાંથી ખરીદી હોય એવું બની શકે છે. ઢીંગલી ઉપરાંત બૅગમાં રાતના ભોજન માટે પૂરી અને સૂકી ભાજી પણ હતાં તો સાથે એક નાનકડો સ્ટીલનો ડબ્બો હતો, જેમાં બેસનના લાડુ ભર્યા હતા. આ બધા સામાનની સાથે બૅગમાં એક ચાદર પણ હતી અને નાની છોકરી પહેરે એવાં એક જોડી કપડાં પણ હતાં, જે જોઈને કોઈ પણ કહી શકે કે એ કપડાં પેલી છોકરીનાં જ હશે. 
‘ડબ્બા પર કોઈ નામ છે?’

‘ડબ્બા પર નામ કેવી રીતે હોવાનું સોમચંદ...’
‘જો તો ખરો...’ કહ્યું પોતે અને એ પછી સોમચંદે પોતે જ ડબ્બો જયદેવના હાથમાંથી ખેંચી લીધો.
શ્રીમતી પાર્વતી નારાયણ જેતાપુરકર.
ડબ્બા પર નામ લખ્યું હતું. નામ પરથી એટલું સ્પષ્ટ હતું કે મરનાર છોકરી મરાઠીની દીકરી હોઈ શકે છે.
‘ટ્રેન ક્યાંથી આવે છે?’

‘અમદાવાદથી...’ જયદેવે ચોખવટ પણ કરી, ‘આ કમ્પાર્ટમેન્ટ બરોડાથી જૉઇન થાય છે... આમ જોઈએ તો આ કેસ સાથે આપણને સીધો કોઈ સંબંધ નથી, પણ રેલવે પોલીસે જાણકારી આપી એટલે મને થયું કે આપણે હેલ્પફુલ થઈએ.’
સોમચંદે જયદેવ સામે ધારદાર નજરે જોયું એટલે જયદેવે સ્પષ્ટતા કરી...
‘ગુજરાતની ટ્રેન છે તો નૅચરલી તું વધારે હેલ્પફુલ...’
સોમચંદ ચાલતો થયો એટલે જયદેવે વાત અધૂરી રાખી દીધી.
તેને ખબર હતી કે ખામોશ થઈ ગયેલા સોમચંદના મનમાં હવે શું ચાલતું હશે?
જયદેવનું તારણ ખોટું પણ નહોતું.

સોમચંદનું શાંત દિમાગ મનોમન મુદ્દાઓ ટપકાવતું થઈ ગયું હતું.
બાળકીનું ખૂન ગળું દબાવીને કરવામાં આવ્યું છે. શ્રીમતી પાર્વતી જેતાપુરકર નામની સ્ત્રી સાથે મરનાર દીકરીનો સંબંધ હતો. કદાચ તે સ્ત્રીની જ આ છોકરીની મા હતી. સાથે લીધેલાં પૂરી-શાક પુરવાર કરતાં હતાં કે રાતના ડિનર માટે એ ફૂડ સાથે લેવામાં આવ્યું અને જો એવું હોય તો એનો અર્થ એવો પણ થાય છે કે ખૂનીએ બપોરના સમયે મુસાફરી શરૂ કરી હશે. લાશને બૅગમાં છુપાવીને તે વડોદરાથી જ એ કમ્પાર્ટમેન્ટમાં બેઠો હશે. ટ્રેન ચાલુ હશે એ દરમ્યાન અધવચ્ચે બૅગ સહિત બીજાં સ્ટેશનો પર ઊતરવાનું કે બૅગ છોડી દેવાનું કામ સરળ નહોતું એટલે છેક છેલ્લા સ્ટેશન સુધી આવવાની તસ્દી ખૂનીએ લેવી પડી હોઈ શકે છે. રિઝર્વેશન કોચમાંથી લાશ મળી, જેનો સીધો અર્થ એ પણ થાય છે કે ખૂનીએ અગાઉથી જ ટિકિટ બુક કરાવી છે. 
હવે સવાલ એ હતો કે ખૂની વડોદરા સ્ટેશન પર કમ્પાર્ટમેન્ટમાં બૅગ છુપાવીને ફરી ટ્રેનમાંથી ઊતરીને ભાગી ગયો કે પછી તે પોતે આ બૅગ સાથે બાંદરા સુધી સફર કરીને અહીં સુધી આવ્યો? 
lll

‘જયદેવ, કોચ-કન્ડક્ટર કોણ છે?’
સોમચંદના સવાલ સાથે જ જયદેવે ખૂણામાં ઊભેલા બ્લૅક બ્લેઝર પહેરેલા ટિકિટચેકરને હાથના ઇશારે પાસે બોલાવ્યો.
‘આ છે...’
‘ચાર્ટ ક્યાં?’
‘આખો કમ્પાર્ટમેન્ટ ફુલ હતો...’ ટિકિટચેકરે ચાર્ટ સોમચંદના હાથમાં મૂક્યો અને સાથોસાથ કહેવાનું પણ શરૂ કર્યું, ‘એક સીટ ખાલી નહોતી, કૅન્સલ નહોતી થઈ જેને કારણે તમે બીજા કોઈને ટિકિટ ફાળવી શકો...’
‘હં...’ સોમચંદે પૂછ્યું, ‘બૅગ કમ્પાર્ટમેન્ટમાં કઈ સીટ પાસેથી મળી છે?’
‘છ, સાત અને આઠની વચ્ચેથી...’

સોમચંદે ચાર્ટમાં નજર કરવાની શરૂ કરી.
છ નંબર કોઈ ગોરધન જોષીની સીટ હતી તો સાત નંબરની સામે નામ લખ્યું હતું – નારાયણ જેતાપુરકર...! 
લાડુના ડબ્બા પરનું નામ શ્રીમતી પાર્વતી જેતાપુરકર હતું. 
- નક્કી આ બન્ને હસબન્ડ-વાઇફ છે. જો હસબન્ડનો આ નંબર છે તો વાઇફ...

સોમચંદે ચાર્ટના બીજા નંબરો સામે નજર કરી. એક કમ્પાર્ટમેન્ટમાં આવતી આઠ સીટમાંથી આ ત્રણ સીટને બાદ કરતાં બાકીની તમામ સીટ કોઈ ને કોઈ અજાણ્યા નામ સાથે બુક થઈ હતી અને એ વ્યક્તિઓમાંથી કોઈ ને કોઈ અત્યારે હાજર હતું તો અમુક એવા પણ હતા જેઓ વાપી-વલસાડ કે સુરત ઊતરી ગયા હતા. એનો સીધો અર્થ એવો થયો કે નારાયણ જેતાપુરકર નામનો માણસ વડોદરાથી ટ્રેનમાં બેઠો અને છેક મુંબઈના બાંદરા સ્ટેશન સુધી પહોંચ્યો.
‘સોમચંદ, વડોદરામાં ઘણા મરાઠીને...’
‘હા... અને એમાંથી જ કોઈનું આ કામ છે.’ 
સોમચંદે રિસ્ટવૉચમાં જોયું. 

સવારના સવા સાત વાગી ગયા હતા.
‘જયદેવ, એક વાર આપણે ફરીથી અંદરની જગ્યા જોઈ આવીએ...’
કહ્યા પછી સોમચંદ તરત જ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગયા અને ફરીથી એ જ જગ્યાએ આવ્યા જ્યાંથી બાળકીની ડેડ-બૉડી સાથેની બૅગ મળી હતી. હવે બૅગ ત્યાં નહોતી. સોમચંદ ઘૂંટણભેર કમ્પાર્ટમેન્ટમાં બેઠો અને તેણે નીચે નજર ફેરવી.
સાત નંબરની જે સીટ હતી એ સીટ નીચે અઢળક બીડી પડી હતી અને એ બીડી વચ્ચે એક મૅચબૉક્સ પણ પડ્યું હતું.
સોમચંદે ઝૂકીને એ મૅચબૉક્સ ઉપાડી લીધું.
કપાસ માચીસ.
‘જયદેવ, લીડ મળી ગઈ...’ સોમંચદ ઊભા થયા, ‘વડોદરા નીકળવું પડશે...’

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2023 10:38 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK