Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૪૨)

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૪૨)

21 May, 2023 07:58 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘તો કોણે કીધું’તું દોઢ ડાહ્યું થવાનું...’ માધવના વર્તનથી કુંદનને હસવું પણ આવતું હતું અને પસ્તાવો પણ થતો હતો કે તેણે પહેલેથી કેમ આખી વાત ન કરી, ‘અંદર જતાં પહેલાં કહેવું તો જોઈએને તમારે...’

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા

નવલકથા

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા


‘ધીરે બાપલા ધીરે...’

પાકિસ્તાની સેનાને લઈને આગળ વધતા રણછોડ પગીને ખબર હતી કે પાકિસ્તાની સેનાને ધીમી પાડવી જરૂરી છે. હિન્દુસ્તાની સેના તરફથી હજી સુધી એક પણ એવો સંદેશો નહોતો મળ્યો જેના આધારે તે એવું ધારી શકે સેનાને બૅક-અપ મળી ગયું છે. એવામાં જો પોતે હિન્દુસ્તાની સીમામાં દાખલ થઈ જાય તો સેના પર જોખમ ઊભું થઈ જાય અને એ જોખમ ઊભું ન થાય એ માટે પાકિસ્તાની સેનાને ધીમી કરવી જરૂરી હતી.‘આ બાજુએ રેતી લપસણી છે ને છીછરી છે...’ રણછોડ પગી બધા સામે ફર્યા, ‘જો ટાંટિયો અંદર ઊતરી ગ્યો તો એવી હાલત થશે કે આખેઆખી સેનાને રણ ગરકી જાશે ને કોઈનો પત્તોય નઈ મળે... એટલે પગ મૂકતાં પેલાં એક કામ કરો...’


રણછોડે ઍક્શન કરીને સેનાની આગળના હરોળના લોકોને દેખાડ્યું.

‘પેલાં આમ એક પગ મેલવાનો ને પછી એ પગ જમીન ઉપર દબાવીને જોવાનું કે એ અંદર ગરકે છે કે નઈ... જો જમીન સરકે તો તરત વાંહે જાતા રે’વાનું ને પગ અકબંધ રયે, જમીનને કાંય થાય નઈ તો પછી બીજો પગ ઉપાડવાનો...’ રણછોડે ધીમેકથી દેખાતા હતા એ સૌની સામે જોયું, ‘ટૂંકમાં, બીજો પગ તો જ ઉપાડવાનો જો પેલા પગને બરાબર મૂકવાની જગ્યા મળે... સમજાણું?’


પ્રથમ હરોળના જવાનો અને ઑફિસર્સે હા પાડી એટલે રણછોડે નવેસરથી સમય મેળવી લેવા માટે બીજો રસ્તો કાઢ્યો.

‘હવે બધાય પોતપોતાની પાછળવાળાને કયી દયે... એટલે એવું નો થાય કે મારે સામેવાળા પાસે તમને સો જણને લઈ જાવા નો પડે ને આખી સેના ભેળી આવે...’ રણછોડ રણ પર બેસી ગયો, ‘હાલો ત્યારે, કઈ દયો બધાયને...’

રણની રેતી ખાઈ જતી હોય છે એવું જાણતી પાકિસ્તાની સેના રણછોડ પગીના આદેશને ફૉલો કરતી કામે લાગી અને રણછોડ મૂછમાં હસવા માંડ્યો. અલબત્ત, એ હાસ્યમાં પણ ટેન્શન તો અકબંધ જ હતું અને એ ટેન્શન વચ્ચે એ સમજણ પણ હયાત હતી કે હિન્દુસ્તાનથી મોટું કોઈ છે નહીં.

બનાસકાંઠાથી ચારસો કિલોમીટર દૂર આવેલા કચ્છમાં પણ એ જ માહોલ હતો.

સૌકોઈના મનમાં ટેન્શન અકબંધ હતું અને એ ટેન્શન વચ્ચે સમજણ પણ હયાત હતી કે જે કંઈ કરવાનું છે એ ભારત મા માટે કરવાનું છે.

lll

બનાસકાંઠા બૉર્ડર પર હજી સુધી કોઈ બૅક-અપ પહોંચ્યું નહોતું એટલે બ્રિગેડિયર સુબ્રમણ્યમ સ્વામીએ કચ્છ ઍરફોર્સ પાસે બૅક-અપની ગુહાર લગાવી હતી, પણ કચ્છ ઍરબેઝ પરથી જે જવાબ મળ્યો એ જાણીને સ્વામીનું બ્લડ-પ્રેશર ૧૨૦માંથી સીધું ૨૪૦ થઈ ગયું હતું. જોકે એનાથી વાસ્તવિકતા બદલવાની નહોતી અને વાસ્તવિકતા ચેન્જ નહોતી થવાની એટલે પરિસ્થિતિને માનસપટ પર હાવી થવા દેવાનો કોઈ અર્થ સરતો નહોતો. તો અહીં પણ એ જ સિચુએશન હતી.

જે મનોદશા સુબ્રમણ્યમ સ્વામીની હતી એ જ અવસ્થા વિજય કર્ણિકની હતી.

સૌકોઈની વિરુદ્ધ જઈને રનવે બનાવવા માટે તેમણે તૈયારી કરી હતી પણ એ રનવેની પ્રવર્તમાન પરિસ્થિતિ જોઈને તેને ફરીથી આ કામ અશક્ય અને અસંભવ લાગવા માંડ્યું હતું.

કુંદનની પણ હાલત એ જ હતી. ફરક માત્ર એટલો હતો કે કુંદનના મનમાં રહેલી હકારાત્મકતા હજી ઘટી નહોતી.

lll

રનવે પર પડેલા દસ-દસ ફુટના ખાડામાંથી માટી કાઢવાની હતી, જે કાઢવા માટે અંદર માધવ ઊતરેલો હતો. કુંદન અને સંતોકબહેને પતરાનો ડબ્બો એ ખાડામાં ઉતાર્યો.

‘માધવ, આમાં માટી ભરી દે...’

‘અબઘડી ભરી દવ...’

માટી ભરવા માટે એક પણ જાતના વાસણની માગ કર્યા વિના માધવે બે હાથથી માટી ભરવાની શરૂ કરી. વર્ષોથી ખાડામાં ધરબાયેલી માટી ઊખડતી નહોતી તો માધવે પોતાનાં આંગળાંઓ ખોસી-ખોસીને એમાંથી માટી કાઢવાનું ચાલુ કર્યું.

‘માધવ, પથરો લઈને ખોદ...’

‘હાયલા...’ માધવે ઉપર ઊભેલી કુંદન સામે જોયું, ‘ઈ તો વિચાર જ નો આયવો...’

‘વાતું પછી, પે’લા કામ...’

કુંદનના આ શબ્દો સાથે જ માધવ ફરીથી કામે લાગ્યો અને આ વખતે તેના હાથમાં તાકાત પણ ઉમેરાઈ ગઈ.

‘ખેંચો...’ ડબ્બો ભરાયો એટલે માધવ ડબ્બો માથા પર રાખી ઊભો થયો અને કુંદનને કહ્યું, ‘ધીમે-ધીમે ખેંચજો, વજન વધી ગ્યું છે...’

કુંદન અને સંતોકબહેને ડબ્બો ઉપરની દિશામાં ખેંચ્યો. માધવની વાત સાચી હતી. ડબ્બાનું વજન વધી ગયું હતું. બન્ને પર પડતા જોરને જોઈ વિજય કર્ણિક ઉતાવળે પગલે ત્યાં આવ્યા.

‘સાઇડમાં આવો...’

‘થઈ ગ્યું સાયબ...’ સંતોકબહેને હાથને જોર દીધું, ‘ઘડીક થોભરો...’

lll

‘પાણીથી લબથબ છે માસી, જુઓ તો ખરાં તમે...’

કુંદને માટીનો પિંડો હાથમાં લઈ એમાંથી નાનો ટુકડો સામે રહેલા પતરાના ડબ્બા તરફ ફેંક્યો. પિંડો જેવો પતરા ભેગો અથડાયો કે તરત ચોંટી ગયો.

‘સારું છે માસી, સાબિત થાય છે કે કુદરત આપણી ભેગી છે... જો આમ જ હોય તો...’

અચાનક કુંદનને વિચાર આવ્યો અને તે દોડતી ફરી રનવે પાસે પહોંચી અને રનવેમાં પડેલા ખાડામાં નજર કરી. ખાડો ખાલી હતો. માધવ અંદર નહોતો.

કુંદને પહેલાં ડાબી બાજુએ અને પછી તરત જ જમણી બાજુએ જોયું.

જમણી બાજુએ માધવને બાજુમાં જ ઊભેલો જોઈને કુંદન ક્ષણવાર માટે થડકી ગઈ.

‘તું બા’ર કાં આવ્યો?’

‘નો’તું આવવાનું?’

કુંદને મસ્તક હલાવીને જેવી ના પાડી કે બીજી જ ક્ષણે માધવે ખાડામાં છલાંગ લગાવી અને કુંદન કંઈ સમજે એ પહેલાં અંદર પહોંચી ગયો.

‘લ્યો, આવી ગ્યો...’ અંદરથી જ માધવે રાડ પાડી, ‘બોલો શું હતું?’

‘અરે મારા બાપ, અંદર જતાં પહેલાં કહે તો ખરા...’ કુંદને કામ પણ કહી દીધું, ‘મને ઉપરથી માટી જોઈએ છે... આ જે રસ્તો છે એની એક ફુટ ઉપરથી...’

‘એની માટે તો પાછા ઉપર આવવું પડશે...’

‘તો કોણે કીધું’તું દોઢ ડાહ્યું થવાનું...’ માધવના વર્તનથી કુંદનને હસવું પણ આવતું હતું અને પસ્તાવો પણ થતો હતો કે તેણે પહેલેથી કેમ આખી વાત ન કરી, ‘અંદર જતાં પહેલાં કહેવું તો જોઈએને તમારે...’

‘બેન, ચિંતા નહીં કરવાની...’ માધવે ખાડામાં પગ જમાવ્યો, ‘જગતમાં સૌથી નવરો જો કોઈ હોય તો એ આ માધ્યો...’

જમીન પર પગ ભરાવીને માધવે બે હાથથી સપોર્ટ લીધો અને જાણે કે પોતે પર્વતારોહક હોય એમ ચડવા માંડ્યો.

‘માધ્યો બધુંય કરવા નવરો જ છે... તમતમારે બોલો શું કરવાનું છે.’

‘માધવ લાગે નહીં તને...’ જે રીતે માધવ ચડતો હતો એ જોતાં કુંદનનો જીવ અધ્ધર થઈ ગયો હતો, ‘આપણે માટી જોઈએ છે ને એ ન નીકળે તો વાંધો નહીં...’

‘નીકળે તો એનો બાપ પણ...’

માધવ હવે જમીનથી એક ફુટ નીચે અને ખાડાની ઉપરની સપાટી પર આવી ગયો હતો. તે જે રીતે પથ્થર પકડીને ઊભો હતો એ જોઈને કોઈના પણ ક્ષણવાર માટે હાંજા ગગડી જાય. જો આ સમયે તેનો હાથ છૂટે તો તે સીધો નવથી દસ ફુટ ઊંડો ખાડામાં ફસડાય અને તેને માથામાં લાગે.

‘મને ઉપરથી થોડી માટી જોઈએ છે...’ માધવને સલાહ દેવાનો કોઈ અર્થ સરતો નહોતો એટલે કુંદન સીધી કામે લાગી ખાડા તરફ ઝૂકી અને હાથ લંબાવીને કહ્યું, ‘મને ઉપરથી માટી દેતો જા...’

માધવ પણ તરત જ કામે લાગ્યો અને તેણે હાથથી ઊખડે એટલી માટી આપવાની શરૂ કરી. શરૂઆત ધીમી ચાલી, પણ પછી માધવની આંગળીઓ બરાબર લાગમાં ગોઠવાઈ ગઈ એટલે તેણે ફટાફટ માટી આપવાનું ચાલુ કર્યું.

કુંદનના હાથમાં જેમ-જેમ માટી આવતી ગઈ એમ-એમ તેના ચહેરા પર ખુશી પણ પ્રસરવા માંડી. એ ખુશી વાજબી પણ હતી.

lll

‘માસી, ભેજ ઉપર સુધી છે...’

માટીના મોટા બે પિંડા સાથે કુંદન સંતોકબહેન પાસે આવી. સંતોકબહેન પાસે શ્યામ પણ ઊભો હતો. અહીં શું ચાલે છે એની તેને કોઈ ગતાગમ પડતી નહોતી તો એવું જ કુસુમનું પણ હતું. તેને સમજાતું નહોતું કે આ બધા સાથે મળીને શું કરી રહ્યા છે.

‘ભલું થાજો મા આશાપુરાનું...’ સંતોકબહેને પહેલાં માટીને હાથ લગાડ્યો અને પછી તેનો હાથ આપોઆપ જ આંખ પર ગયો, ‘કામમાં વાંધો ઓછો આવશે...’

‘હા, પણ માસી, રસ્તો બેસી જાશે એ પણ જોવાનુંને?’

અને સંતોકબહેનના ચહેરાના હાવભાવ બદલી ગયા.

કુંદનની વાત સાચી હતી.

આજ સુધી ભેજવાળી જગ્યા પર માત્ર રસ્તા બનાવ્યા હતા અને એ પણ કાચી કેડી સમાન. હવે તેમણે રનવે બનાવવાનો હતો, જેના પરથી પ્લેને ટેક-ઑફ કરવાનું હતું.

જો રનવે બેસી જાય તો?

આ ‘તો’નો જવાબ તેમની પાસે નહોતો.

lll

‘ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ...’

વિજય કર્ણિક લગભગ અકળાઈ ઊઠ્યા. જોકે એ અકળામણ સાથે તેમને તરત જ યાદ આવ્યું કે કોઈ અંગ્રેજી સમજી નહીં શકે એટલે તે તરત જ ગુજરાતી ભાષા પર પાછા આવ્યા અને તેમણે કુંદનની સામે જોયું...

‘કુંદન, અશક્ય છે આ. આવી રીતે કેમ બની શકે... રનવે માટે જે મટિરિયલ વાપરવાનું હોય એની ગુણવતા અને તમે જે કહો છો એ વસ્તુથી રનવે... આર યુ મૅડ?!’ ફરીથી અંગ્રેજી પ્રયોગ થઈ ગયો, પણ આ વખતે કર્ણિકને ચિંતા નહોતી, ‘ઇટ્સ નૉટ પૉસિબલ...’

ઇટ્સ નૉટ પૉસિબલ!

આ એક વાક્ય કુંદન એટલી વાર સાંભળી ચૂકી હતી કે હવે તેને એનો અર્થ સમજાઈ ગયો હતો.

‘અરે, બધું કામ થાય... કામ કરવાની દાનત જોઈએ સાહેબ...’

‘તમે સમજો...’ કર્ણિક ગોપાલસ્વામી તરફ ફર્યા, ‘તમે આને સમજાવો, કેવી રીતે આ પ્રકારના રનવે પર પ્લેન ટેક-ઑફ થઈ શકવાનું?’

‘બધું થાશે સાહેબ...’ કુંદનને પૂરતો વિશ્વાસ હતો, ‘બસ, ખાલી અમને છૂટ આપો... છૂટ મળશે તો...’

‘તમને છૂટ મળે તો અમારાં ફાઇટર પ્લેન અને એના પાઇલટની લાઇફનું શું?’ કર્ણિકે શંકા વ્યક્ત કરી અને તેની શંકા સાચી હતી, ‘હું એવું રિસ્ક ન લઈ શકું.’

‘રિસ્ક તો જ લેવાના, જો તમને રનવે બરાબર લાગવા...’ કલેક્ટર ગોપાલસ્વામીએ ધીમેકથી કહ્યું, ‘બાકી, કોણ આપને એવું કહેવા કે ફાઇટર પ્લેન ટ્રાય કરો...’

કર્ણિકે ગોપાલસ્વામી સામે જોયું.

તેમની નજરમાં રહેલું સાંત્વન કર્ણિકના આત્મવિશ્વાસને વધારવાનું કામ કરી ગયું.

‘કામ તો આગળ વધવા દો...’ ગોપાલસ્વામીએ કાંડા પર બાંધેલી એચએમટીની ઘડિયાળમાં સમય જોયો, ‘અહીં આવ્યાને બે કલાક જેટલો સમય તો પસાર થઈ ગયો છે.’

‘હા, પણ કેવી રીતે રૉ મટીરિયલની વ્યવસ્થા કરું હું?’ કર્ણિક રીતસર

ભડકી ગયા હતા, ‘અત્યારે અહીં કંઈ નથી...’

‘તમે હા પાડો, એ પછીનો રસ્તો અમે કાઢીશું...’ ગોપાલસ્વામીએ સહજ રીતે જ કહ્યું, ‘તમે તમારું કામ કરો, બાકીનું મારા પર છોડી દો...’

ગોપાલસ્વામીની વાત ખોટી નહોતી.

થોડી વાર પહેલાં જ તેણે વાઇફ ઉમા માટે રસ્તો કાઢ્યો હતો.

lll

‘અરે બાપ રે...’ ઍરબેઝ પર આવીને ઉમાની આંખો ફાટી ગઈ હતી, ‘આટલા લોકો છે અહીં?’

ગોપાલસ્વામીના ચહેરા પર સ્માઇલ માત્ર હતું.

બોલે પણ શું અને કહે પણ શું?

ઘરેથી જ્યારે દોઢ કિલો કોબી અને બે કિલો બટાટા સાથે લઈને વાઇફ નીકળતી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આટલા શાકથી કશું થવાનું નથી, પણ વાઇફ માની નહીં. એક વખત તો વાતચીત દરમ્યાન તેમણે કહી પણ દીધું હતું કે ત્રણસો મહિલા કામ કરવા માટે ત્યાં એકઠી થઈ છે.

હા, ગોપાલસ્વામીની ભૂલ એ હતી કે તે કહેતા ભૂલી ગયા કે એ ત્રણસો મહિલા શું કામ કરે છે અને કેવી રીતે પોતાનો કક્કો સાચો પુરવાર કરે છે એ જોવા માટે પચાસ જેટલા પુરુષો પણ આવ્યા છે અને એટલા જ ઍરફોર્સ ઑફિસર પણ ઍરબેઝ પર તહેનાત છે.

‘આપકો કુછ કરના પડેગા...’ ઉમાએ કલેક્ટર હસબન્ડ સામે જોયું, ‘ઇન સબકે ખાને કે લિએ...’

‘તુમ્હે ક્યા ચાહિએ...’

‘જો આપ દે સકો...’ ઉમાએ ચોખવટ પણ કરી લીધી, ‘ઔર જીતના આપ દે સકો... બસ, રાશન ચાહિએ...’

‘ગિવ મી ફાઇવ મિનિટ, આઇ’લ અરેન્જ...’ ગોપાલસ્વામી ગયા અને પાંચ મિનિટમાં તે પાછા આવ્યા, ‘આ ગોપાલ ખત્રી છે, પીએ ટુ કલેક્ટર. તું તેની સાથે જા. તે તને રાશનની વ્યવસ્થા કરાવી દે છે....’

‘સાથે જઈશ તો અહીં કામ કોણ કરશે?’ ઉમાએ કલેક્ટર પર રોફ જમાવ્યો, ‘બહેતર છે કે હું તેને લિસ્ટ બનાવી દઉં, તમે જ તેને મોકલીને બધું મગાવો.’

‘લિસ્ટની જરૂર નથી...’ વાઇફને જવાબ આપીને તરત જ ગોપાલસ્વામી ગોપાલ સામે ફર્યા, ‘જ્યાંથી જે કંઈ મળે એ...’

‘યસ સર...’

ગોપાલને આગળ કશું કહેવાની જરૂર નહોતી. તે તરત જ રવાના થયો અને અડધો જ કલાકમાં એક ટ્રક ભરીને રાશન લઈને ફરીથી ઍરબેઝ પર પહોંચ્યો.

lll

‘સાહેબ, આ ચોરી કહેવાય હોં...’ ટ્રકમાં રાશન ભરાતું હતું ત્યારે ઍરફોર્સના ડ્રાઇવરે ગોપાલ ખત્રીને કહ્યું, ‘કાલ સવારે ફરિયાદ થઈ તો મારું નામ આવવું ન જોઈએ.’

‘આશાપુરા માની સોગન...’ કચ્છી ખત્રીએ માતાના મઢને તરત જ યાદ કર્યો, ‘તારું નામ ક્યાંય નહીં આવે અને ધારો કે આવે તો પણ તારે મારું નામ આપી દેવાનું...’

‘પણ...’

‘તું ચૂપચાપ હાથ ચલાવ. અત્યારે વાતો કરવાનો સમય નથી.’

રૅશનિંગની ત્રીજી દુકાનમાંથી માલ ભરતી વખતે બન્ને વચ્ચે આ વાર્તાલાપ થયો હતો અને ડ્રાઇવરે માલ ભરવાનું ફરી શરૂ કરી દીધું હતું.

માત્ર રૅશનિંગની દુકાન જ નહીં, કલેક્ટરના સેક્રેટરી ગોપાલે કરિયાણાંની બે દુકાનમાંથી પણ માલસામાન ભરી લીધો હતો અને માર્કેટિંગ યાર્ડમાં જઈને બટાટાની બોરીઓ પણ ઉપડાવી લીધી હતી.

‘થઈ ગયું...’

‘હા સાહેબ...’ ક્યારેય આવું કામ કર્યું નહોતું એટલે ઍરફોર્સના ડ્રાઇવરે દાઝમાં કહ્યું, ‘ચોરી થઈ ગઈ.’

‘ચોરી ક્યાં તું તારી દુકાનમાંથી કરે છે...’ ઍરફોર્સના ટેમ્પોમાં બેસતાં ગોપાલ ખત્રીએ કહ્યું, ‘આવી જા, ત્યાં ભાભી રાહ જુએ છે...’

અને ખરેખર એવું જ હતું.

ઉમા ગોપાલસ્વામી અય્યપ્પાએ બધી તૈયારી કરી લીધી હતી. હવે તેમને ફૂડ બનાવવાનું શરૂ કરવાનું હતું. જીવનમાં તેમણે ક્યારેય કલ્પના સુધ્ધાં નહોતી કરી કે તે ચોરીના રાશનથી રસોઈ બનાવશે અને એ રસોઈ જમીને એક મોટું જૂથ દેશની રક્ષા કરવા માટે તાકાત એકત્રિત કરશે.

માત્ર આ જ ચોરીની ક્યાં વાત હતી?

ચોરીના સામાનથી રનવે બનવાની પ્રક્રિયા પણ હવે શરૂ થવાની હતી અને એમાં શંકર ઉપયોગી બનવાનો હતો.

 

વધુ આવતા રવિવારે

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 07:58 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK