Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પિરિયડ્સ (પ્રકરણ ૩)

પિરિયડ્સ (પ્રકરણ ૩)

Published : 05 July, 2023 10:23 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘હંઅઅઅ... એક મિનિટ.’ શિરોડકરે ફાઇલ ખોલી એમાં નજર કરી, ‘જો... બે મર્ડર તો તેણે માહિમમાં જ કર્યાં છે અને બન્નેની કમ્યુનિટી... ગુજરાતી.’

પિરિયડ્સ (પ્રકરણ ૩)

વાર્તા-સપ્તાહ

પિરિયડ્સ (પ્રકરણ ૩)


‘ગણપત, અત્યારે મુંબઈમાં છે...’ ઇન્સ્પેક્ટર શિરોડકરે સોમચંદ સામે જોયું, ‘તું સમજ સોમચંદ, એ માણસ ખરેખર બહુ ખતરનાક છે. કોઈનો જીવ લે એ પહેલાં તેને રોકવો પડશે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી... પ્લીઝ...’
‘હંઅઅઅ...’ સોમચંદે ઊંડો શ્વાસ લીધો, ‘લેટ્સ ડુ વન થિંગ... આ માણસની નબળાઈ કઈ છે એના પર ફોકસ કરીએ અને એની સાથોસાથ આપણે એ વાત પર પણ ધ્યાન આપીએ કે ગણપતને કોને મળ્યા વિના ચાલે નહીં.’
‘તારા બીજા સવાલનો જવાબ પહેલાં આપી દઉં...’ શિરોડકરે ગણપત પર બધો સ્ટડી કરી લીધો હતો, ‘તેની કોઈ નબળાઈ રહી નથી. હરામખોર છે અને સાથોસાથ એ ભારોભાર સેલ્ફિશ પણ છે, જેને લીધે કોઈની સાથે તેને લાંબો સમય બનતું નથી, પણ હા, ગણપતની એક વિકનેસ છે. તે જાગે ત્યારથી ડ્રિન્ક્સ ચાલુ કરી દે છે. પૈસાનું તો એવું હોય કે આજે છે અને કાલે નથી એટલે કોઈ ચોક્કસ બ્રૅન્ડનો દારૂ જ તેને જોઈએ એવું નથી. આજે વિદેશી લિકર પીતો હોય તો કાલે એ દેશી ઠર્રો પણ પીતો હોય.’
‘હંઅઅઅ... પણ તેને દારૂ જોઈએ એ નક્કી. રાઇટ?’ શિરોડકરે હા પાડી એટલે સોમચંદે કહ્યું, ‘એક કામ કરીએ, સવારથી ખૂલી જતાં પબ અને બાર પર નજર રાખવાનું કહી દે અને સાથોસાથ ત્યાં ગણપતનો ફોટો મોકલી દે.’
‘છેલ્લે ગણપતનો લુક કેવો હતો એની કેમ ખબર પડે?’
‘અનુમાન...’ સોમચંદે રસ્તો કાઢ્યો, ‘સાયકો છે, પણ ટપોરી છે એટલે એ લુક ચેન્જ કરવામાં બે જ અખતરા કરી શકે. કાં તો હેરસ્ટાઇલમાં અને કાં તો એની બિઅર્ડ અને મૂછમાં. કમ્પ્યુટર આર્ટિસ્ટને કહીને જુદી-જુદી હેરસ્ટાઇલ અને બિઅર્ડ સાથેના તેના એ બધા ફોટોની પ્રિન્ટ કઢાવી લે અને એ બધાને એક જ ફ્રેમમાં રખાવી દે... કોઈ એક કે પછી સિમિલર કહેવાય એવા લુક સાથે ઓળખવો સહેલો થઈ જશે...’
‘ઓકે...’
‘બીજું એક કામ એ કર...’ સોમચંદે અનુમાન લગાવ્યું, ‘જે માણસને જાગતાની સાથે જ દારૂ જોઈતો હોય એ દિવસમાં આસાનીથી એકાદ લિટર દારૂ પી જતો હશે. મતલબ કે તેણે દરરોજ દારૂ ખરીદવો પડતો હશે. બહેતર છે કે દારૂ વેચતી શૉપ પર, નાનામાં નાની શૉપ પર પણ તેની આ જ ફ્રેમ લગાવી દઈએ. ગણપતના વેરઅબાઉટ્સ મળવાં આસાન થઈ જશે.’
‘ઓકે...’
‘ગણપત ક્યાં રહેતો હતો?’
‘માહિમ...’ શિરોડકરે કહ્યું, ‘આઇના અંતિમ સંસ્કાર પછી તે ઘરે ગયો જ નથી.’
‘આપણે કંઈ કામ નથી, પણ... પૉઇન્ટ એ છે કે ગણપત હવે માહિમ તો નહીં  જાય. હોશિયાર છે. તેને ખબર જ હશે કે પોલીસે ત્યાં વૉચ રાખી હશે એટલે માહિમને સૌથી છેલ્લે રાખીશ તો ચાલશે, પણ સૌથી પહેલાં તું...’
અચાનક સોમચંદના મગજમાં ટ્યુબલાઇટ થઈ.
‘શિરોડકર, આ ગણપતે જેનાં મર્ડર કર્યાં એ બધાં કોણ હતાં?’ સોમચંદે શબ્દોમાં વધારે સ્પષ્ટતા ભરી, ‘આઇ મીન, કઈ કમ્યુનિટીના અને કયા એરિયામાં?’ 
‘હંઅઅઅ... એક મિનિટ.’ શિરોડકરે ફાઇલ ખોલી એમાં નજર કરી, ‘જો... બે મર્ડર તો તેણે માહિમમાં જ કર્યાં છે અને બન્નેની કમ્યુનિટી... ગુજરાતી.’
‘ઓકે... બીજા બધા...’
‘જો બોરીવલીમાં, કાંદિવલીમાં અને ઘાટકોપરમાં...’ શિરોડકરની નજર હજી પણ ફાઇલમાં હતી, ‘બાકીનાં બધાં મર્ડર તેણે આ એરિયામાં કર્યાં છે અને કમ્યુનિટીમાં... દેસાઈ, ગાલા અને ચરલા...’
‘યસ, ત્રણેત્રણ ગુજરાતી અને કચ્છી.’ સોમચંદ ચાર્જ થઈ ગયા હતા, ‘તું એક કામ કર, જે એરિયામાં ગુજરાતી વધારે છે ત્યાં પોસ્ટર લગાડવાનું કામ સૌથી પહેલાં કર અને બીજું એ કે આ એરિયાની સોસાયટીમાં પણ પોસ્ટર પહેલાં લગાવડાવી દે. બહુ જરૂરી છે. જો પૂરતો સ્ટાફ હોય તો બેસ્ટ છે કે તું એવી ટ્રાય કર કે એ સોસાયટીના એવા ફ્લૅટમાં પણ જાણ કરાવવાની કોશિશ કર જ્યાં દિવસ દરમ્યાન મહિલા એકલી હોય. બહુ જરૂરી છે.’
સોમચંદનું શાતિર દિમાગ હવે બરાબર કામ પર લાગી ગયું હતું.
‘ગણપતે જે મર્ડર કર્યાં એની જેન્ડર કઈ હતી?’
‘એક પુરુષ અને...’ શિરોડકરે ફાઇલમાં જોયું, ‘બાકી બધી લેડી.’
‘ગ્રેટ...’ ઉત્સાહમાં બોલાયેલા શબ્દોને સુધારતાં સોમચંદે કહ્યું, ‘આઇ મીન, ગ્રેટ આપણને દિશા મળી રહી છે. કહ્યું એ કામ પર તાત્કાલિક લાગી જા. દરેક સોસાયટી, જેમાં ગુજરાતી વધારે હોય. દરેક એવા ફ્લૅટમાં જાણકારી, જ્યાં દિવસ દરમ્યાન લેડી એકલી હોય અને એ દરેક સોસાયટીની સિક્યૉરિટી ચેમ્બર પણ... ચેમ્બરમાં ફોટો એવી રીતે લગાડ જેથી એકેએક વ્યક્તિ જોઈ શકે અને સિક્યૉરિટીને કામ પણ સોંપી દો કે બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને એ ફોટો દેખાડે.’
‘સિક્યૉરિટી માનશે?’
‘અરે, એનો બાપ પણ માને...’ સોમચંદે મોબાઇલ તરફ જોયું, ‘તું જલદી કામે લાગી જા... જરૂર પડે તો હું પણ આવી જઈશ.’
મોબાઇલ સતત વાઇબ્રેટ થતો હતો. સ્ક્રીન પર જે નામ ઝબકતું હતું એ નામ જોઈને સોમચંદની સ્ટ્રેસ હળવી થઈ ગઈ હતી. જોકે અત્યારે કૉલ કરતાં પણ મહત્ત્વનું કામ હતું એટલે તેણે ફોનને અવળો કર્યો. જેવો ફોન અવળો થયો કે તરત જ એનું વાઇબ્રેશન બંધ થઈ ગયું.
‘આપણે આ કામ કરવું પડશે. મારી ગટ-ફીલ કહે છે કે ગણપતને જો અહીંથી નીકળી જવું હશે તો તે કોઈ એવું રિસ્ક નહીં લે જેને લીધે તેણે અહીં જ સંતાવા માટે ભાગવું પડે.’ સોમચંદે રિસ્ટ વૉચમાં જોયું, ‘મારું માનવું છે કે ગણપત પોતાના કાંડ માટે આવો જ કોઈ સમય પસંદ કરતો હશે. જલદી જો ફાઇલમાં, તેણે મર્ડર કયા ટાઇમે કર્યાં છે.’
સોમચંદનો ઉત્સાહ અને તેની હકારાત્મકને કારણે શિરોડકર પણ હવે ચાર્જ થઈ ગયો હતો. તેણે તરત જ ફાઇલ સાથે તૈયાર કરેલી સમરી પર નજર કરી.
એક મર્ડરને બાદ કરતાં બાકીનાં તમામ મર્ડર બપોરે ૧૧થી ૧૨ વાગ્યાની આસપાસ થયાં હતાં.
‘અને એની જાણ ક્યારે થઈ?’ સોમચંદે ચોખવટ કરી, ‘પોલીસમાં એ ફરિયાદ ક્યારે આવી? ઘટના અને પોલીસ ફરિયાદ વચ્ચે કેટલો ગાળો...’
તૈયાર કરેલી સમરીમાં એનો કોઈ ઉલ્લેખ નહોતો એટલે શિરોડકરે દરેક ફરિયાદ જોવી પડે એમ હતી. તેણે એ જોવાનું ચાલુ કર્યું અને કહેવાનું પણ.
‘જો પહેલી ઘટનાની જાણ, પોલીસમાં... રાતે ૮ વાગીને ૩પ મિનિટ.’
‘ઓકે, નેક્સ્ટ...’ સોમચંદના અવાજમાં ઉતાવળ આવી ગઈ, ‘ઍન્ડ ફાસ્ટ પ્લીઝ...’
‘સેકન્ડમાં... ઘટના બપોરે એ જ સમયની અને પોલીસ ફરિયાદ, સાંજે ૭ વાગીને ૪૦ મિનિટે... ઘરમાં દીકરી આવી એટલે ખબર પડી.’
‘લાસ્ટ કહી દે... સોલ્યુશન આવી જશે. ફાસ્ટ.’
શિરોડકરે ત્રીજી ફરિયાદ પર નજર કરી.
‘યાર, એ જ ગૅપ... ઘટના બપોરે અંદાજે સાડાઅગિયાર વાગ્યાની અને જાણ થઈ રાતે ૯ વાગ્યે હસબન્ડ આવ્યો ત્યારે...’
સોમચંદ ઊભા થઈ ગયા.
‘જલદી કામે લાગ શિરોડકર... ગણપત હંમેશાં એ જ ઘરને ટાર્ગેટ કરે છે જે ઘરમાં હસબન્ડ-વાઇફ એકલાં હોય. હસબન્ડ નીકળી ગયા પછી તે એ ઘર પર ત્રાટકે છે, જેની જાણ છેક હસબન્ડ કે પછી ફૅમિલીનું અન્ય કોઈ આવે ત્યારે થાય છે અને આ સમય દરમ્યાન ગણપત સેફલી દૂર નીકળી જાય છે.’ સોમચંદે ફરી વાઇબ્રેટ થતા મોબાઇલ સામે જોયું, ‘આ વખતે પણ ગણપત એ જ રસ્તો વાપરશે અને એવા જ ઘરને ટાર્ગેટ કરશે જેની જાણ સાત-આઠ કલાક પછી પોલીસને થવાની હોય.’
સોમચંદનું અનુમાન જરા પણ ખોટું નહોતું.
ગણપત અત્યારે એ જ પ્લાન સાથે આગળ વધતો હતો. તેના મનમાં સ્પષ્ટ હતું કે સોપાન હાઇટ્સમાં પોતાનું કામ પૂરું કરીને તે કોઈ પણ ગાડીમાં ચડી જશે અને પછી ફરી અલાહાબાદ પહોંચી જશે. જોકે તેને ક્યાં ખબર હતી કે આવનારા કલાકોના ગર્ભમાં કોઈ જુદી જ ઘટના આકાર લઈ રહી છે.
lll
ડિંગ ડોંગ...
હવે કોણ છે?
તમારી કમાન થોડી છટકેલી હતી, પણ હવે તમારા પર જવાબદારી હતી એટલે તમે નાછૂટકે એ છટકેલી કમાન પર કાબૂ રાખતાં હતાં. તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું હતું કે હવે તમે મોટા અવાજે રાડ ન પાડો, જેથી કોઈને ડિસ્ટર્બ ન થાય.
ફરી બેલ વાગે એ પહેલાં તમે ડોરબેલનું વવૉલ્યુમ ધીમું કર્યું. વૉલ્યુમ-બેઝ્‍ડ ડોરબેલ લેવાનો ફાયદો તમને અત્યાર સુધી માત્ર રવિવારે જ સમજાતો હતો. રજાનો દિવસ હોય એટલે મોડે સુધી ઘોરી રહેવા મળે એવા હેતુથી તમે ડોરબેલ અંદરથી ઝીરો વૉલ્યુમ પર કરી દેતાં અને મોડે સુધી ઊંઘ ખેંચી લેતાં. તમે પણ અને તમારી સાથે તમારો પાર્ટનર પણ.
પાર્ટનર કે લાઇફ પાર્ટનર?
- સારું છે લિવ-ઇન-રિલેશનશિપની આપણે ત્યાં પરમિશન મળી ગઈ અને એ પરમિશન સાથે બાળકની છૂટ પણ આપી દીધી.
તમારા વિચારોને આજે બ્રેક લાગતી નહોતી, પણ એને બ્રેક મારવી જરૂરી હતી.
દરવાજે કોઈ આવ્યું હતું અને એ બીજી વાર બેલ વગાડે એ પહેલાં તેને રવાના પણ કરવાનો હતો.
તમે ઊભાં થઈને દરવાજા તરફ આગળ વધ્યાં.
બહાર મુશ્કેલી ઊભી હતી, જે હજી આ જ ક્ષણે આવીને ઊભી રહી હતી એનાથી અજાણ એવાં તમે ઊંડા શ્વાસ સાથે શરીરમાં એનર્જી ભરવાનું કામ પણ કરતાં હતાં.
lll
ગણપતે ફરી એક વાર કમરે હાથ મૂકીને જોઈ લીધું. 
કમરે રાખેલો છરો સલામત હતો. આમ તો પોતે જે ઘરમાં જાય છે એ ઘરમાં મહિલા એક જ છે. જો કસીને એક તમાચો પણ ગણપત મારે તો કોઈ પણ ઔરતને હૅમરેજ થઈ જાય એવી તાકાત ગણપતના બાવડામાં હતી, પણ ગરદન વેતરવાની, છાતી પર ઊભા કાપા પાડવાની અને જાણે કે લીંબુ હોય એમ સાથળ પરથી માંસના લોચા કાઢવાની ગણપતને જે મજા આવતી હતી એ ખુદ ગણપત પણ વર્ણવી શકતો નહોતો.
ઘરમાં કોઈ જાતનો સળવળાટ થયો નહીં એટલે ગણપતના મનમાં આશંકા જાગી કે ક્યાંક પેલી છોકરી ઘરમાં ન હોય અને પોતાનો ફેરો ફોગટ ન જાય.
મનમાં જન્મી ગયેલી આશંકાના નિવારણ માટે એકાદ મિનિટ રાહ જોઈ ગણપતે ફરી ડોરબેલ વગાડી. જોકે આ વખતે એ બેલ તેને બહાર સુધી સંભળાઈ નહીં. મતલબ, ઘરમાં કોઈ છે, જેણે ડોરબેલ કાં તો બંધ કરી અને કાં તો ધીમી કરી દીધી છે.
હાશ...
ગણપતના ચહેરા પર હાશકારો આવ્યો અને હાશકારાની સાથોસાથ એ ચહેરા પર વિકૃત આનંદ પણ પ્રસરી ગયો.
કથાએ અંત તરફ પ્રયાણ શરૂ કરી દીધું હતું.
lll
‘તું નથી આવતો સાથે?’ શિરોડકરે સોમચંદને કહ્યું, ‘સાથે હશે તો ફરક પડશે.’
‘આવું છું, પણ થોડી વારમાં...’ સોમચંદને અત્યારે સાથે નીકળી જવામાં કોઈ વાંધો નહોતો, પણ તે આવી રહેલા ફોન અટેન્ડ કરવા માગતો હતો, ‘તું નીકળ, હું પાંચ મિનિટમાં જૉઇન થાઉં છું...’
સોમચંદની નજર મોબાઇલ સ્ક્રીન પર હતી.
‘અગત્યનો ફોન છે?’
‘ઍક્ચ્યુઅલી...’ 
સોમચંદે સહેજ માયુષી સાથે શિરોડકર સામે જોયું એટલે શિરોડકરે તેને રાહત કરી આપી.
‘એક કામ કરીએ... હું નીચે છું. વાયરલેસ પર સૂચના આપું છું. તું ફોન પૂરો કરીને જૉઇન થઈ જા.’
‘બેસ્ટ...’
lll
શિરોડકર જેવો ગયો કે તરત જ સોમચંદે મિસ્ડ કૉલ થયેલા નંબર પર ફોન કર્યો.
એક, બે, આઠ, બાર, સોળ...
બધી રિંગ પૂરી થઈ ગઈ, પણ સામેથી ફોન ઊંચકાયો નહીં.
હદ કરે છે જાહ્‍નવી પણ. હજીયે તેની આદત સુધરી નથી.
સોમચંદે ફરીથી નંબર ડાયલ કર્યો, પણ એ જ રિઝલ્ટ.
ફોન રિસીવ થયો નહીં.
સોમચંદે વૉટ્સઍપ ઓપન કરી, જાહ્‍નવીની વિન્ડો ખોલી.
ચાર મિનિટ પહેલાં જાહ્‍‍નવી વૉટ્સઍપ પર આવી હતી તો અત્યારે અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ?
હવે બહાનું કાઢશે પિરિયડ્સનું.
સોમચંદે શૂઝ પહેરવાનું શરૂ કર્યું અને સાથોસાથ મેસેજ પણ મૂકી દીધો,
‘વર્ક સ્ટાર્ટ્સ. વિલ નૉટ એબલ ટુ અટેન્ડ કૉલ. બાય.’

વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2023 10:23 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK