‘યાર, મને શીખવાડને...’ તમે રીતસર કરગર્યાં હતાં, ‘હું તો કંટાળી ગઈ છું. ડોન્ટ યુ બિલીવ... પિરિયડ્સ પહેલાં મને તો સેક્સ ચેન્જ કરાવવાનો પણ વિચાર આવી જાય...’
પિરિયડ્સ (પ્રકરણ ૨)
‘ગણપત અત્યારે મુંબઈમાં છે...’ શિરોડકરે કહ્યું, ‘સોમચંદ, એ માણસ ખરેખર બહુ ખતરનાક છે. કોઈનો જીવ લે એ પહેલાં તેને રોકવો પડશે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી... પ્લીઝ...’
ડિંગ ડોંગ...
છેલ્લા એક કલાકમાં આ ત્રીજી વાર ડોરબેલ વાગી હતી.
બેલનો અવાજ સાંભળતાની સાથે જ તમને ગુસ્સો આવ્યો અને ગુસ્સા સાથે તમે મેઇન ડોર તરફ એવી રીતે જોયું જાણે દરવાજો બળીને ભષ્મ થઈ જવાનો હોય. તમારો ગુસ્સો બિલકુલ વાજબી નહોતો, પણ અત્યારે થતી આ અકળામણ પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમની જ અસર હતી, એ અસર જેના વિશે પુરુષો ક્યારેય સમજી શકવાના નહોતા.
ઍબ્ડોમિનલ પેઇન હવે એની ચરમસીમાએ હતું. બને કે કદાચ આજે, વધુમાં વધુ આજ રાત સુધીમાં તમારા પિરિયડ્સ શરૂ થઈ જાય અને બીજા ૩૬ કલાકમાં તમને રાહત પણ મળી જાય. પેટ આખું દબાઈ જાય એવી રીતે તમને સૂવાનું મન થયું અને તમે બેડ પર બેઠાં-બેઠાં જ જાતને પાછળની તરફ ઢાળી દીધી. જાત ઢાળીને તમે બન્ને ઘૂંટણ છેક તમારી છાતી સુધી ખેંચી લીધાં.
આહ...
છાતીનો ઉભાર પણ એ સ્તરે બહાર આવ્યો હતો કે એનો પણ ભાર વર્તાતો હતો. આ સામાન્ય હતું. જગતની દરેક મૅચ્યોર્ડ સ્ત્રીના શરીરમાં આ બદલાવ આવતો જ હતો, પણ તમને એવું લાગતું હતું કે બદલાવનો આ ત્રાસ તમારા એક ઉપર જ ભગવાને ઢોળ્યો છે અને ગયા જન્મની કોઈ દુશ્મની તેણે કાઢી છે.
ડિંગ ડોંગ...
ફરી ડોરબેલ વાગી.
નથી થવું ઊભું, જે હશે તે ધારી લેશે કે હું ઘરમાં નથી.
આંખ ખોલ્યા વિના, અવસ્થા બદલ્યા વિના તમે એમ જ પડી રહ્યાં. હા, તમે બાજુમાંથી તકિયો લઈને એ તમારા ડાબા કાન પર દાબી દીધો. તમને શાંતિ જોઈતી હતી. નીરવ શાંતિ, એવી શાંતિ જેમાં પેઇન પણ ન હોય અને શરીરમાં ચાલતા આ દ્વંદ્વથી પણ નિરાંત મળતી હોય.
પેઇનથી છુટકારો મેળવવા, મનમાં ચાલતા વિચારોના યુદ્ધમાં શાંતિ પ્રસરાવવા અને શરીરમાં પ્રસરી ચૂકેલા પેલા સિન્ડ્રૉમને આગળ વધતા અટકાવવા માટે તમે ડીપ-બ્રીધની શરૂઆત કરી. અકાઉન્ટ્સી ફર્મમાં સાથે જૉબ કરતી શિલ્પાએ આ ટેકિનક તમને શીખવી હતી. શિલ્પા કહેતી કે પહેલાં તેની હાલત પણ એવી જ થતી, પણ એ પછી પ્રાણાયામે એમાંથી તેનો છુટકારો કરાવ્યો.
lll
‘યાર, મને શીખવાડને...’ તમે રીતસર કરગર્યાં હતાં, ‘હું તો કંટાળી ગઈ છું. ડોન્ટ યુ બિલીવ... પિરિયડ્સ પહેલાં મને તો સેક્સ ચેન્જ કરાવવાનો પણ વિચાર આવી જાય...’
શિલ્પા ખડખડાટ હસી પડી, પણ તેણે તમને પ્રાણાયામ શીખવવાનું કામ પણ કર્યું તો સાથોસાથ અમુક એવી મુદ્રાઓ પણ શીખવી જેને કારણે શિલ્પાને પીએમએસમાંથી છુટકારો મળ્યો હતો, પણ એ વાત માત્ર શિલ્પાને લાગુ પડતી હતી. તમને કોઈ ફરક નહોતો પડ્યો. હા, બ્રીધિંગ એક્સરસાઇઝથી એક લાભ તમને થયો હતો.
ડીપ બ્રેથ તમે ચાલુ કરો કે પાંચેક મિનિટમાં તમે ડાર્ક સ્લીપમાં પહોંચી જાઓ.
‘ડાર્ક નહીં, ડીપ સ્લીપ...’
શિલ્પાએ સુધારો કર્યો કે તરત જ તમે ચોખવટ કરી.
‘ના, ડાર્ક સ્લીપ. ડાર્ક સ્લીપ જો લંબાય તો એ પછી ડીપ સ્લીપ આવે, જે દસ જ મિનિટની હોય તો પણ તમે બિલકુલ ફ્રેશ થઈ જાઓ.’
‘ડાર્ક સ્લીપનો અર્થ તો આમાં આવતો નથી.’
‘ડાર્ક સ્લીપ મતલબ એવી સ્લીપ કે તમે બિલકુલ સૂઈ ગયા છો અને તમારું બ્રેઇન પણ સૂવાની તૈયારીમાં લાગી ગયું છે. જો એ સમયે કોઈ તમને જગાડે તો આખું બ્રેઇન ગોટે ચડી જાય...’
‘આવું બધું આઇઆઇએમમાં પણ શીખવ્યું.’ શિલ્પાએ સહેજ ટોણો માર્યો, પણ તમારા સ્વભાવથી એ વાકેફ હતી એટલે તરત જ તેણે ટૉપિક ચેન્જ કર્યો, ‘વૉટએવર... પણ તને ફરક કેમ નથી પડતો?’
‘મને શું ખબર?! પૂછ તારા રામદેવબાબાને...’
એ દિવસ પછી શિલ્પાએ ક્યારેય તમારી સાથે બ્રીધિંગ એક્સરસાઇઝ વિશે વાત કરી નહીં અને તમને તો એ બધામાં બહુ ઇન્ટરેસ્ટ પણ હતો નહીં એટલે તમે પણ એ ટૉપિક ક્યારેય કાઢ્યો નહીં, પણ હા, તમે શિલ્પામાં આવેલો ચેન્જ નરી આંખે જોતાં હતાં.
પિરિયડ્સ વચ્ચે પણ તેણે ક્યારેય રજા લીધી હોય એવું તમે જોયું નહોતું. એક વાર તો તમને એવું પણ થયું હતું કે તમારા બન્નેની ડેટ સેમ હશે એટલે કદાચ તમને ખબર નહીં પડતી હોય. મનની આ શંકા દૂર કરવા તમે સહજ રીતે જ શિલ્પા પાસેથી જાણી લીધું, પણ જાણ્યા પછી તમારા મનમાં શિલ્પા માટે ઈર્ષ્યા જાગી ગઈ હતી.
- હું પ્રાણાયામ કરું તો મને એક પર્સન્ટ પણ ફરક નહીં અને આ છોકરીને આટલી બધી રાહત?!
lll
ડિંગ ડોંગ...
ડીપ બ્રેથ શરૂ કર્યાની પાંચેક મિનિટમાં જ તમે ડાર્ક સ્લીપમાં આવી ગયા, પણ ત્રીજી વાર વાગેલી ડોરબેલે તમને સફાળાં જગાડી દીધાં. હવે તમારું બ્રેઇન ગોટે ચડી ગયું હતું, જેની અસર વચ્ચે તમારી આંખો પણ ભારે થઈ ગઈ હતી.
‘કોણ છે?!’ પૂરેપૂરી કર્કશતા તમારા અવાજમાં હતી, ‘પછી આવજો...’
‘એ હું...’ બહારથી અવાજ આવ્યો, ‘બેલા... એક મિનિટ જુઓને.’
આને શું છે અત્યારે?!
તમારી અકળામણમાં ઉમેરો થયો. એક તો, આખી રાત આ બેલાને કારણે તમે સૂઈ શકતાં નહીં અને હવે, જ્યારે દિવસે માંડ થોડી વાર ઊંઘ આવી ત્યાં તે ટપકી પડી.
શું કરું હવે?!
તમે જવાબ શોધવામાં લાગ્યાં કે કેવી રીતે બેલાને ટાળવી, પણ એ જવાબ મળે એ પહેલાં જ તમને યાદ આવી ગયું કે બેલાનો હસબન્ડ હૉસ્પિટલમાં છે.
આઇ હૅવ ટુ ગો. હા, યાર, જવું જોઈએ.
તમે બેડ પરથી ઊભાં થયાં અને મેઇન ડોર તરફ આગળ વધ્યાં.
lll
‘દર વખતે તેની એવી જ લપ હોય છે...’ ડિટેક્ટિવ સોમચંદે સહેજ અકળાઈને કહ્યું, ‘આ કેટલામી વખત તે ભાગ્યો?’
‘સાતમી કે આઠમી વાર... આઇ થિન્ક.’
સોમચંદને ગુસ્સો આવી ગયો.
‘વાત અહીં તારા વિચારોની નથી ચાલતી, આંકડાની ચાલે છે. લખ્યું હશેને પેપર્સમાં...’ ઇન્સ્પેક્ટર શિરોડકરે હા પાડી એટલે સોમચંદે કહ્યું, ‘તો એમાં નજર કર અને કહે કે કેટલી વાર ભાગ્યો છે?’
‘નવ વાર...’ શિરોડકરે ફાઇલમાં જોયા વિના જ જવાબ આપી દીધો, ‘ધાર કે દસમી વાર ગણપત ભાગ્યો હોય તો એનાથી શું ફરક પડવાનો?! આપણી વાત માત્ર એટલી છે કે તેને આપણે પકડવો કેવી રીતે અને કઈ રીતે કાયમી ઉકેલ લાવવો.’
જમણા હાથની પહેલી બે આંગળી આગળ કરી સોમચંદે એની બંદૂક બનાવી અને પછી જાણે કપાળનું નિશાન લેતા હોય એમ નિશાન લઈને તેણે મોઢામાંથી અવાજ કર્યો,
‘ઢિચ્યાંઉ...’ આગળ કરેલી બન્ને આંગળીમાંથી જાણે ધુમાડો નીકળતો હોય એમ સોમચંદે એને ફૂંક મારી, ‘એન્કાઉન્ટર... એ સિવાય આવા હરામીઓથી આપણા કોઈનો છુટકારો નહીં થાય.’
‘ખોટી વાત છે, એવી રીતે કોઈનો જીવ...’
‘ગપ રે...’ સોમચંદને ગુસ્સો આવ્યો, ‘જૈન હું છું, તું શાનો જૈનિઝમના સિદ્ધાંતોને ફૉલો કરે છે?!’
‘ગણપતનું શું કરવાનું છે?’
‘મારે થોડું વિચારવાનું છે?! તું વિચાર, તારું હેડેક છે.’
સોમચંદે મોબાઇલ હાથમાં લઈ વૉટ્સઍપમાં નજર કરી. આજે સવારથી તેનો કોઈ મેસેજ આવ્યો નથી. મતલબ, કાં કામમાં છે અને કાં તો...
‘ગણપતને લાવવાનું કામ તારે કરવાનું છે...’ શિરોડકરે સુધારો કર્યો, ‘એટલે તારે હેલ્પ કરવાની છે.’
‘હન્ડ્રેડ પર્સન્ટ... ફાઇનલી જ્યારે એન્કાઉન્ટર કરવાનું હોય ત્યારે તું મને કહેજે. કારતૂસનો હિસાબ બગડે નહીં એ જોવા હું આવી જઈશ... આમ પણ ફેક એન્કાઉન્ટરની સ્ક્રિપ્ટ રાઇટિંગમાં મને તારા કમિશનર ગોલ્ડ મેડલ આપવાના જ છે.’
‘ગણપત...’ શિરોડકર ફરી ટૉપિક પર આવ્યો, ‘એન્કાઉન્ટર માટે પણ તેને પકડવો તો પડશેને ભાઈ?’
નરેન્દ્ર મોદી જ્યારથી વડા પ્રધાન બન્યા ત્યારથી દેશભરમાં ‘ભાઈ’ કહેવાનો શિરસ્તો શરૂ થઈ ગયો છે. ગુજરાતીઓના તકિયાકલામ જેવો આ શબ્દ એવો તો પૉપ્યુલર થયો છે કે છોકરીઓ પણ તેમની ફ્રેન્ડ્સને ‘ભાઈ’ કહીને બોલાવતી થઈ ગઈ છે.
lll
‘હવે તને મારે શું કહીને બોલાવવાનો?’ એક સમયની ગર્લફ્રેન્ડ એવી જાહ્નવીએ ધીમેકથી સોમચંદને પૂછ્યું હતું, ‘ભાઈ કહું તો ચાલે?’
હજી બે દિવસ પહેલાંની જ વાત છે.
ગુજરાતથી બે વર્ષ પહેલાં શિફ્ટ થયેલી જાહ્નવી સાવ જ અનાયાસ સોમચંદને મળી ગઈ હતી. જાહ્નવીના બૉસે મની-ફિશિંગ કરતા એક સ્કૅમની તપાસ માટે સોમચંદને કામ સોંપ્યું હતું. સોમચંદ ઑફિસ ગયો અને બન્ને વચ્ચે મીટિંગ ચાલતી હતી એ જ વખતે બૉસે કહ્યું હતું, ‘વધારે સારી રીતે તમને સમજાવવાનું કામ જાહ્નવી કરશે.’
‘પ્લીઝ, લેડી, રહેવા દો...’ સોમચંદે નિખાલસતા સાથે કહી દીધું હતું, ‘મારા મોઢામાં સતત સરસ્વતી ચાલતી હોય, જો કોઈ લેડી હોય તો અસભ્યતા લાગે.’
‘અત્યારે તો સમજી લો...’ બૉસે ઇન્ટરકૉમ કરી જાહ્નવીને બોલાવી, ‘આ આખો કેસ તેણે જ પકડ્યો છે, તેના સિવાય તમને કોઈ સરળ ભાષામાં સમજાવી નહીં શકે.’
‘ઠીક છે...’
lll
‘મે આઇ કમ ઇન?’
સોમચંદની પીઠ પાછળથી અવાજ આવ્યો, પણ એ અવાજ પરિચિત લાગ્યો. બહુ સાંભળેલો અને જ્યારે સાંભળ્યો હતો ત્યારે હૃદયના તાર ઝણઝણી ઊઠેલા.
સોમચંદે ઝાટકા સાથે પાછળ ફરીને જોયું.
ઓહ.
સોમચંદની આંખો પહોળી થઈ ગઈ. સામાન્ય રીતે કોઈ વાતનું તાજ્જુબ સોમચંદને થતું નહીં, પણ આજે, અત્યારે તેના ચહેરા પર અચરજનો વરસાદ થયો હતો.
‘તું?!’
સોમચંદથી પ્રોફેશનલિઝમ છૂટી ગયું હતું.
‘પ્રૉબ્લેમ તો નથીને?!’ જાહ્નવીએ ટોણો માર્યો, ‘હોય તો પણ અહીં તો તું મને કશું કહી નહીં શકે... યુ સી, આ ફર્મમાં હું ડિરેક્ટર પણ છું.’
‘બિગ પર્સનાલિટી...’ સોમચંદે સ્માઇલ સાથે કહ્યું, ‘ક્યારે આવી ગુજરાતથી?’
‘આપણો ઢબ્બુ બે વર્ષનો થયો ત્યારે...’
અને બન્ને ખડખડાટ હસી પડ્યાં, બૉસ સોમચંદ અને જાહ્નવીને જોતા રહ્યા.
‘બાય ધ વે, તેં નામ ચેન્જ કર્યું કે હજી પણ અઢારમી સદીનું જ નામ રાખ્યું છે?’
‘શટઅપ...’
‘એક્સક્યુઝ મી...’ બૉસ ઊભા થયા, ‘મને નથી લાગતું કે મારે તમને બન્નેને ઇન્ટ્રો કરાવવાની જરૂર હોય.’
‘અરે જરાય નહીં સર...’ જાહ્નવીએ સોમચંદ સામે જોયું, ‘આ માણસને તો રગ-રગથી ઓળખું છું...’
‘તો હું જાઉં?’
‘પ્લીઝ...’ સોમચંદે બૉસ સામે હાથ જોડ્યા, ‘મારી બેઇજ્જતી વધારે થાય એ પહેલાં જશો તો મને ગમશે...’
lll
‘તો હું શું કહું તને?!’ બૉસની ચૅર પર બેસીને જાહ્નવીએ પહેલો સવાલ કર્યો હતો, ‘ભાઈ કહું તો ચાલે?’
‘મામાવાળો ભાઈ કે પછી નરેન્દ્ર મોદીવાળો ભાઈ?’
‘મોદીવાળો જ રાખીએ...’ જાહ્નવીએ સોમચંદને પહેલી વખત ધ્યાનથી જોયા, ‘ફિટનેસ બરાબર રાખી છે. સ્ટિલ લુક્સ લાઇક થર્ટી પ્લસ ઓન્લી.’
‘સૉરી, હું એવું નહીં કહી શકું...’ સોમચંદે ધ્યાનથી જાહ્નવીના ચહેરા સામે જોયું, ‘ચહેરો ભરાયો છે અને સ્પેક્ટ્સ પણ આવી ગયાં તને.’
‘આમ પણ તને તો ગીક-લુકવાળી છોકરીઓ બહુ ગમતી હતીને...’ જાહ્નવી હજી પણ નૉસ્ટાલ્જિક હતી, ‘આંખો ખેંચી-ખેંચીને નંબર લીધા છે ખબર છે ભાઈ?!’
lll
‘ગણપત અત્યારે મુંબઈમાં છે...’ શિરોડકરે કહ્યું, ‘સોમચંદ, એ માણસ ખરેખર બહુ ખતરનાક છે. કોઈનો જીવ લે એ પહેલાં તેને રોકવો પડશે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી... પ્લીઝ...’
‘હંઅઅઅ...’ સોમચંદે ઊંડો શ્વાસ લીધો, ‘લેટ્સ ડુ વન થિંગ...’
ADVERTISEMENT
વધુ આવતી કાલે


