Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નામ-બદનામ (પ્રકરણ ૪)

નામ-બદનામ (પ્રકરણ ૪)

30 March, 2023 03:11 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘દમુ તું! જો, હું તો.. હું તો..’ ત્રિલોકને બહાનું ન સૂઝ્યું. વાસના વળ મૂકતી નહોતી એટલે પત્ની પર ગુસ્સો કાઢ્યો : અત્તુને એકલો મૂકીને આવી! જતી રહે.. હું હમણાં કામ પતાવીને આવ્યો!

નામ-બદનામ (પ્રકરણ ૪)

વાર્તા-સપ્તાહ

નામ-બદનામ (પ્રકરણ ૪)


‘માજી, હું અનાથ બાળાઓ માટેનું એનજીઓ ચલાવું છું.’
તારિકાએ ધરેલો પાણીનો ગ્લાસ લઈને કાવેરીએ વાત મૂકી, ‘અતુલ્ય, અમારા એક પ્રોજેક્ટ માટે વૉલન્ટિયર્સની જરૂર છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ ગોઇંગ આઉટ વિથ મી...’ કાવેરીએ તારિકા પર અછડતી નજર ફેરવી લીધી, ‘હું તમને બેટર વેમાં એક્સપ્લેન કરી શકીશ.’

ઘરે, અમારી સામે કહેવામાં શું વાંધો છે! તારિકા-દમયંતીમાના મનમાં સરખો પડઘો ઊઠ્યો. કાવેરીએ ગલ નાખી, ‘બની શકે આમાં તમને હમણાં ફરતા થયેલા ન્યુઝ અંગે પણ કોઈ ક્લુ મળી જાય.’
હં! અતુલ્યે બાઇકની ચાવી લીધી, ‘બોલો, ક્યાં જવું છે?’
તેમને નીકળતાં જોઈને તારિકાએ હોઠ કરડ્યો, માજી વિચારમાં પડ્યાં : અતુલ્યના પિતાનું ચરિત્ર જાણનારી સાથે અત્તુને એકલો મોકલીને મેં કોઈ ભૂલ નથી કરીને!
પણ હવે શું? 
lll



‘યસ અતુલ્ય, તમારા નામની બનાવટ મેં અને મારા સાથીએ કરી; પણ તમે આ દિશામાં ​બિલકુલ આગળ નહીં વધો, તમારાં શેઠ-શેઠાણી પૂછે તોય મભમ રાખશો..’
અતુલ્યની નજર ઝીણી થઈ. ગજબ છે આ ઔરત. ઘરેથી નીકળીને કહ્યું : દમણ લઈ લો, ત્યાં જ શાંતિથી વાતો થઈ શકશે... મને વાંધો નહોતો, સો ફાર તે દેવલાલીના ફ્લૅટની ક્લુ આપતી હોય! પણ દમણની હોટેલના દરિયાકિનારાની બેઠકે ગોઠવાઈને રેડ વાઇનની ચૂસકી માણતી તે તો મારી બૉસ હોય એમ મને ઑર્ડર કરવા લાગી! 
‘વાહ, મારે તમારી વાત શા માટે માનવી? મને બદનામ કરનારાને શા માટે બક્ષવા?’


‘આનો જવાબ એટલો જ અતુલ્ય કે...’ વાઇનનો ગ્લાસ બાજુએ મૂકીને તે અતુલ્ય તરફ ઝૂકી, ‘તમારા પિતાને બદનામ થવા ન દેવા હોય તો તમારી બદનામી સહી લો.’
પિતાની બદનામી! અતુલ્ય સમસમી ગયો. 
‘ઇટ્સ અ લૉન્ગ સ્ટોરી..’ કાવેરીએ ગ્લાસ બે હાથમાં રમાડ્યો, ‘તારાં મધર સુરેન્દ્રનગરના અનાથાશ્રમનાં સંચાલિકા હતાં એ તું કદાચ નહીં જાણતો હોય. તારા જન્મ પહેલાંની આ વાત.’ 
‘જાણું છું.’ પોતાનાથી કશું જ છૂપું નથી એવા ભાવથી તે બોલી ગયો, ‘મારા નાનાજી આશ્રમના કારભારી હતા. તેમના દેહાંત બાદ માએ ચાર્જ સંભાળેલો. લગ્ન બાદ મા નોકરી છોડે એના કરતાં પોતે મા સાથે આવીને રહેવામાં પિતાજીને નાનમ નહોતી લાગી.’

અતુલ્યની પિતૃભક્તિ ઝળકી ઊઠી. કાવેરી સમજી ગઈ કે બાપનાં કુલક્ષણોથી દીકરો સાવ અંધારામાં છે!
‘પત્નીની વહારે આવવામાં પતિનો ગુણ નહીં પણ વિકૃતિ કારણભૂત હતી - કાચી કળી જેવી બાળાઓના શોષણની વિકૃતિ!’
‘કા-વે-રી!’ અતુલ્ય ઊભો થઈ ગયો. 
‘બેસી જા અતુલ્ય, સત્ય આ વાઇન કરતાં કડવું હોય છે એની ખાતરી આજે કરી લે..’ 
 અતુલ્ય ધબ દઈને બેસી પડ્યો. 
lll


‘મા! મા!’
દીકરાને આંગણામાંથી સાદ પાડતો જોઈને દમયંતીમા આંખો મીંચી ગયાં. અંદરથી તારિકા દોડી આવી : તમે આવી ગયા! 
તેને હડસેલો મારીને અતુલ્ય બેઠકની ખુરશી પર ગોઠવાયેલી મા સામે ઘૂંટણિયે બેઠો. તેની આંખમાં રાતા દોરા ઊપસી આવ્યા હતા. અત્તુનો આક્રોશ જ ગવાહી દે છે કે તે કાવેરી પાસેથી પિતાની બીજી બાજુ જાણી ચૂક્યો!  
‘મા, સુરેન્દ્રનગરના અનાથાશ્રમમાં કાવેરી સાથે શું થયેલું?’ 

કાવેરીનો છેડો માના ભૂતકાળને સ્પર્શે છે એ સમજે તારિકા ડઘાઈ. દમયંતીમાએ પળમાં સ્વસ્થતા મેળવી લીધી, ‘અત્તુ, તું હવે મોટો થયો દીકરા... ’ દીકરાનું માથું ખોળામાં લઈને માએ તેની ધગધગતી પીઠ પર હાથ પસવાર્યો, ‘જીવનનાં સત્યો પચાવવાની ક્ષમતા પણ તારે દાખવવાની.’
સાંભળીને અતુલ્યની પીઠ થથરી.
‘કાવેરીએ જો તને કહ્યું હોય કે તે અને તેના જેવી બાળાઓ તારા પિતાના વહેશીપણાનો ભોગ બનેલી તો એ સર્વથા સત્ય.’

‘મા!’ ચીખી ઊઠ્યો અતુલ્ય. તારિકા હેબતાઈ. નજર દીવાલે લટકતી છબિ તરફ ગઈ : આવો પ્રભાવી પુરુષ અને આવી એબ!
‘કાવેરીની કરતૂતે ખુલ્લા પડેલા ત્રિલોકને હું ખૂબ વઢી, લડી, પણ પછી એકલા પડતાં ત્રિલોકે વાત ફેરવી કાઢી : મેં તો છોકરીને કમરે બામ ઘસવા કહ્યું’તું, જે તેણે કરવું નહીં હોય એટલે ગમે ત્યાં બચકું ભરી બેઠી. બાળકીને શું ભાન કે ક્યાં અડાય અને ક્યાં ન અડાય! બાકી હુ સંસ્કૃતનો પંડિત, આવી ઓછી હરકત કરું! મારી વિદ્યા ન રૂઠે? તારા સોગંદ દમુ, જો આ બામની શીશી!’

દમયંતીબહેન ફિક્કું હસ્યાં, ‘અને હું મૂરખ તેમની વાતોમાં આવી ગઈ! જોકે આશ્રમ પરથી મન ઊઠી ગયું. જ્યાં મારા પતિની બદનામી થઈ ત્યાં કેમ રહેવું! અને અમે ભાવનગર આવી ગયાં... તારો જન્મ થયો. સંસાર સુખના હિંડોળે ઝૂલવા માંડ્યો. ગામના ગોર તરીકે તેમની શાખ જામી. સાધુ-સંતોના તે પ્રિય થઈ પડ્યા. આશ્રમની ઘટના નેપથ્યમાં જતી રહી...’
‘પણ મા, પિતાજીએ કહ્યું એ જ સાચું કેમ ન હોય?’ અતુલ્યની આશા સળવળી. 
‘નહીં બેટા...’ દમયંતીમાએ ડોક ધુણાવી, ‘જૂઠને લાખ પડદામાં છુપાવો એ ઊઘડ્યા વિના નથી રહેતું... અને એ ઊઘડ્યું આપણી સોમનાથની જાત્રામાં...’ 
દમયંતી આંખો મીચી ગયાં.
lll

દરિયા તરફ પડતી રૂમની બારી ખૂલતાં જોશભેર પવન ધસી આવ્યો. દમયંતીની આંખો ખૂલી ગઈ. અત્તુનું ઓઢવાનું સરખું કરતાં પતિને સાદ નાખ્યો : ત્રિલોક, જરા બારી બંધ કરો તો! 
સામેથી હોંકાર ન મળતાં ડોક લંબાવીને જોયું તો પથારી ખાલી! નજર ટિપોય પર મૂકેલી અલાર્મ ઘડી પર ગઈ : રાતના સાડાત્રણે ઊઠીને ત્રિલોક ક્યાં ગયા? રાત્રે બાથરૂમ માટે ઊઠવાની તેમને ટેવ નથી... બારીમાંથી નજર નાખી. ધરમશાળાનો આ પાછલો ભાગ હતો. નીચે વરંડો હતો. જમણી કોર અહીંના ચાકરનું ઝૂંપડું હતું. ત્યાંથી દરિયાના કાંઠે ઊતરતાં પગથિયાં અત્યારે અડધોઅડધ ભરતીના પાણીમાં ડૂબ્યાં હતાં. 

ના રે, ત્રિલોક અટાણે દરિયે ન જાય... અને નજર વાળતાં ચમકવા જેવું થયું : ચાકરના ઝૂંપડેથી દબાયેલા પગે દોડીને વરંડામાં છુપાવા જતો આદમી તો... ત્રિલોક જ! તેમણે છાતીસરસું આ શું વળગાડ્યું છે?
- તે તો ચાકરની ચાર વરસની બાળકી છે! એવો અણસાર સાંપડતાં જ દમયંતીનું દિમાગ ધમધમી ઊઠ્યું. આવ્યા ત્યારના ત્રિલોક અત્તુને સાથે રાખીને બાળકીને રમાડતા અને હવે રાતના અંધારામાં તેના માવતરથી છાનું દીકરીને ઉપાડીને તીર્થધામમાં આ શું અધમ કૃત્ય કરવા બેઠા! કોઈ જોઈ જશે એની ચિંતા નહીં, બાળકીને ચૂંથાયેલી જોઈને માબાપ ચૂપ નહીં રહે એનો ભય નહીં. અરે, તમારું પાપ જાણીને પંડનો દીકરો શું વિચારશે એની પણ તમા નહીં? 

આ પણ વાંચો: નામ-બદનામ (પ્રકરણ ૩)

નહીં, વાસનાવશ તમે ભલે ભાન ભૂલ્યા ત્રિલોક, મારો આતમ હજી સાબૂત છે! દમયંતીનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો. ધીરેથી વરંડામાં પ્રગટ થઈને કાળું કામ કરવા જતા પતિને રંગેહાથ ઝડપ્યો એમાં તેનાં ભૂતકાળનાં કરતૂતોનો પણ પર્દાફાશ થઈ ગયો! 
‘દમુ તું! જો, હું તો.. હું તો..’ ત્રિલોકને બહાનું ન સૂઝ્યું. વાસના વળ મૂકતી નહોતી એટલે પત્ની પર ગુસ્સો કાઢ્યો : અત્તુને એકલો મૂકીને આવી! જતી રહે.. હું હમણાં કામ પતાવીને આવ્યો! 
‘બોલતા લજાતા નથી! અરે, એક માસૂમ ઢીંગલી જોડે કાળું કામ થવા દઉં તો મારો સ્ત્રીનો અવતાર લાજે!’ દમયંતીમાં રણચંડીનું ઝનૂન ઊભરાયું, ‘છોકરી મારા હવાલે કરો, નહીં તો શોર મચાવીને આખી ધરમશાળા ભેગી કરી દઈશ... ‘

‘જા... જા...’ ત્રિલોક દરિયા તરફ ભાગ્યો. પગથિયાના મથાળે પતિ-પત્ની વચ્ચે બાળકીની ખેંચતાણમાં અચાનક બાળકીએ જાગીને રુદન આરંભતાં ભડકેલા ત્રિલોકનું બૅલૅન્સ હચમચ્યું. લાગ જોઈને દમયંતીએ બાળકીને ખૂંચવી અને એ ઝાટકાએ ત્રિલોક પગથિયાં પરથી ગબડતો દરિયામાં ખાબક્યો. 
lll

‘બાળકીને શાંત પાડી, ચાકરના ઝૂંપડે મૂકી હું ફરી પગથિયે આવી ત્યારે હતું કે ઊભા થઈને ત્રિલોક ઉપર આવી ગયા હશે... એમ પાણીમાં પડતાં કોઈ ઓછું તણાઈ જાય! પણ ના, તે તણાયા. તેમના પાપના ભારે તણાયા...’
ખંડમાં સ્તબ્ધતા હતી. 

‘ત્રિલોક બ્રહ્મમુરતમાં દરિયે સ્નાન કરવા જતા તણાયાની થિયરી સહજપણે સ્વીકારાઈ. પતિના પાપ પર મેં પડદો રાખ્યો, કેમ કે એક પિતા તરીકે એ ઊજળા હતા. મારે તારો એ સહારો નહોતો છીનવવો, તારી પિતા પ્રત્યેની સ્મૃતિમાં કડવાશ નહોતી ઘોળવી..’ 
થાક્યાં હોય એમ દમયંતીમા વિરમ્યાં. માના શબ્દોને પુરાવાની આવશ્યકતા નથી હોતી. માના સંદર્ભો હવે સ્પષ્ટ હતા. જીવનભર જેમને આદર્શરૂપ માન્યા, જેમના તર્પણ માટે ભટકતો રહ્યો તે પિતા આશ્રમની કેટલીયે કન્યાઓના જીવતરનો ડાઘ બન્યા એ હકીકતની પ્રતિક્રિયા શું હોય? 

અતુલ્યએ દીવાલ પર લટકતી પિતાની તસવીર ઉતારીને પછાડી. 
‘મા, હવેથી હું અતુલ્ય ત્રિલોક દવે નહીં, અતુલ્ય દમયંતી દવે.’
દમયંતીમાં ટટાર થયાં. તારિકા અતુલ્યને વળગી પડી. પૂછવાનું સૂઝ્યું, ‘કાવેરીનું શું? તેણે કહ્યું એટલે આપણે અત્તુના નામનો દુરુપયોગ ભૂલી જવાનો?’ 

આનો જવાબ દમયંતીમાએ જુદી રીતે વાળ્યો : તેના કહેવામાં એટલી ખાતરી તો થઈ કે આપણો અત્તુ આમાં ક્યાંય નથી. હશે, કાવેરી જેવી કન્યાઓની કૅરટેકર તરીકે હું ચૂકી. માની લઈએ કે અત્તુની બદનામીમાં એ ઋણ ચૂકવાઈ ગયું... તારા નામનો ઉપયોગ થવા પાછળ વિધિનું આ જ લિખિત હોય! 
અતુલ્ય-તારિકાએ ડોક ધુણાવી. 

‘અને અળગા થાવ, હજી તમારી સગાઈ બાકી છે!’ 
બેઉ ભડકીને જુદાં થયાં ને પછી માના હાસ્ય ભેગી બન્નેની શરમની મધુરતા ઘરમાં પ્રસરી ગઈ. એ હવે નજરાવાની નહીં! 
lll

 ‘હી હૅઝ ટુ ઓબે!’ દમણની હોટેલમાં રોકાયેલી કાવેરીએ અતુલ્ય સાથે નીકળેલી ‘ઓળખાણ’ને વિસ્તારથી કહી પોતે પિતાને બદનામ કરવાની ધમકી દઈને ચૂપ રહેવાનું જણાવ્યાનો પોરસ જતાવ્યો. આ ટ‍્વિસ્ટ તો અનુરાગે પણ કેમ ધાર્યો હોય! હાશ. હવે કાયમની શાંતિ. 
કાવેરીને તો દમણ રહે ખ્યાલ ન જ આવે, પણ મુંબઈમાં અનુરાગના પણ ધ્યાન બહાર રહ્યું કે કાવેરીના કૉલે પોતે ખાલી રૂમ ભાળીને ગેસ્ટરૂમમાં સરકી આવ્યો, પણ નંદિની ઑલરેડી અહીંના બાથરૂમમાં છે! સૂતા પહેલાં બધું ચેક કરવાની નંદિનીની વરસોની ટેવ છે. એણે આજે પતિનો સૌથી ગહેરો ભેદ ખોલી નાખ્યો! 
બેવફાઈનો ભેદ.

અનુરાગ અતુલ્યના નામનો યુઝ કરીને સવાબે વરસથી કાવેરી નામની એસ્કોર્ટ જોડે... અને મને આની ભનક સુધ્ધાં નહીં! પતિની સોડમાં મને કેમ ક્યારેય બીજી સ્ત્રી ગંધાઈ નહીં? 
અને જ્યારે એ પાસું ઊઘડી ચૂક્યું છે ત્યારે મારી પ્રતિક્રિયા શું હોવી ઘટે? 
બહુ શાંતિચિત્તે આનો જવાબ શોધવો પડશે... 
lll

પ્રિય અનુરાગ,
હું મા બની શકું એમ નથી એના રિપોર્ટ્સ આ સાથે બીડ્યા છે. જાણું છું કે તમે મારી ઊણપ સ્વીકારી લો એવા છો, પણ હું નથી ઇચ્છતી કે આ વંશ વારસ વિનાનો રહે... માટે ડિવૉર્સ પેપર પર સહી કરીને તમારી દુનિયામાંથી હંમેશ માટે જઈ રહી છું. મને શોધવાની કોશિશ ન કરશો. આ જનમની આટલી જ લેણદેણ. 
- હવે તમારી કોઈ નહીં એવી નંદિની! 
સૂતેલા અનુરાગ પર નજર નાખીને નંદિનીએ પગ ઉંબર બહાર મૂક્યો. 
lll

કથાના ઉપસહારમાં એટલું કે...
નંદિનીના અચાનક અંતર્ધ્યાન થવાનું સત્ય અનુરાગ જીરવી શક્યો નહીં. વાત આટલી ન હોય. ક્યાંક તે મારું સ્ખલન જાણીને તો દૂર નથી થઈને? આ સંભાવના તેનું કાળજું ચીરતી. કાવેરી સાથે રંગરેલી માણવામાં પણ મન નથી લાગતું. થોડો સમય કાવેરીએ તેની આળપંપાળ કરી, પણ પછી પથારીમાં પણ નકામા બનેલા પુરુષ પાછળ ખુવાર થવાનું તેનું લક્ષણ નહોતું. તેણે બીજો આશિક શોધી લીધો. અનુરાગ માટે ભટકવું જ મંઝિલ બની ગઈ. 

ડાંગના જંગલમાં આદિવાસીઓના ઉત્કર્ષનાં કાર્યો કરતી નંદિની ભૂતકાળથી મુક્ત છે. તેને પૂછો કે અનુરાગ સાથે ઝઘડવું જોઈએ, તેનું લફરું ઉજાગર કરીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ... એને બદલે તું સાવ જૂઠો રિપોર્ટ મૂકીનો અજાણવાટે નીકળી આવી એ કેવું?
જવાબમાં તે મ્લાનમાં મલકશે : હું જાણું છું કે અનુરાગ મને ચાહે છે, મારી પાછળ ઝૂરશે. તેની દુનિયામાં રહી હોત તો તેના ઝુરાપાએ પીગળી ગઈ હોત... અને મારે પીગળવું નહોતું. વફાદારી લગ્નજીવનનું અત્તર છે, પણ એક વાર બેવફાઈની બદબૂ પેઠા પછી દુનિયાભરનું અત્તર ઠાલવીને પણ લગ્નજીવનમાં ખુશ્બૂ ન મેળવી શકો... ઘણા વિકલ્પો વિચાર્યા પછી મેં લીધેલા નિર્ણયનો મને રંજ નથી. અનુરાગનું શું થયું એ વિચારતી પણ નથી. આઇ ઍમ ઍટ પીસ, ઍન્ડ ધૅટ્સ ઓનલી મૅટર્સ ફૉર મી. 

અતુલ્ય-તારિકાનાં ધામધૂમથી લગ્ન થયાં. શેઠ-શેઠાણી છૂટાં પડ્યાં એના મૂળમાં કાવેરી છે કે પછી અતુલ્યનું નામ વાપરનાર શેઠ જ હતા એવું તો તેઓ જાણી ન શક્યા, પણ જૉબ છોડીને અત્તુએ પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે એમાં પારકી પંચાતને અવકાશ નથી. દમયંતીમાના તેમને આશિષ છે. તેમનાં સુખ-સફળતાને કોઈ રોકી નહીં શકવાનું!

સમાપ્ત

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2023 03:11 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK