‘તને નિરાલી ગમી છેને?’ અમરનાથે યામિનીની તસવીરને પૂછેલું. જવાબમાં પડઘો પડેલો : કરો કંકુના!

જીત-હાર (પ્રકરણ ૩)
‘ગુડ મૉર્નિંગ અંકલ!’
વરંડામાં બેસીને વહેલી સવારનો કુમળો તડકો માણી રહેલા અમરનાથ મીઠા રણકાએ ચોંક્યા નહીં. પાછલા ત્રણેક મહિનાથી - આકુને ઘરે લાવ્યા પછી - નર્સ નિરાલી વિલાનો એક ભાગ બની ગઈ છે.
ના, વિલાનો જ નહીં, અમારા જીવનનો પણ!
આખરે હૉસ્પિટલમાં નિરાલીની હિંમતે જ પોતે આકુના ઑપરેશનના લાંબા કલાકો દરમ્યાન ખોળિયામાં પ્રાણ ટકાવી શકેલા.
‘ડોન્ટ લુઝ હોપ સર...’ ડૉક્ટરના નિદાને પોતે ફસડાઈ પડ્યા ત્યારે તેણે જ સધિયારો પાઠવેલો, ‘અમારી દિનદયાળ સુપરસ્પેશ્યલિટી હૉસ્પિટલના ન્યુરોસર્જ્યને એમ પણ તો કહ્યું કે ધેર ઇઝ ચાન્સ ઑફ સર્વાઇવલ... દીવાની એક જ્યોત ટમટમતી હોય ત્યાં સુધી અંધકારનો વિચાર પણ શું કામ કરવો?’
કહીને દાખલો પણ આપેલો : હમણાં ગુજરાતના મુખ્ય નેતાના જુવાન પુત્રને પણ બ્રેઇન સ્ટ્રોકનો અટૅક થયો તે સર્વાઇવ થયો જને! પછી તમારો સન કેમ નહીં થાય?
તેના શબ્દોએ મરતાને પ્રાણવાયુ આપ્યો હતો.
‘તું મારી સાથે રહેજે દીકરી!’ પોતે તેનો હાથ પકડી રાખેલો. અને ખરેખર, તેણે મને એકલો છોડ્યો નહોતો... મારું નામ નિરાલી. ચર્ની રોડની ચાલમાં રહું છું. માતા-પિતાના દેહાંત બાદ સંસારમાં એકલી છું... મને વાતોમાં મશગૂલ રાખવા તે કહેતી રહેલી અને તેના ગુણોનો પરચો હૉસ્પિટલના રોકાણ દરમ્યાન મળતો રહેલો.
પેશન્ટ્સની સંભાળ રાખવી તેને ગમતી. પોતાના કાર્યમાં નિપુણ. ડીન સર જેવા સિનિયર પણ તેને વખાણે એ ઉછેરનું શ્રેય બાવીસ વરસની નિરાલી તેના માવતરને આપતી : તેમનું આયુષ્ય ભલે ઝાઝું ન રહ્યું, પણ મને હેતથી છલોછલ ભીંજવીને ગયાં. મા-પિતાજીના આશીર્વાદે જ ચાર વરસનો નર્સ તરીકેનો મારો અનુભવ સારો જ રહ્યો છે... આકુને ઑપરેશન થિયેટરમાં લઈ જવાયો ત્યારે નિરાલી મારા પડખેથી હટી નહોતી. માત્ર મને જ નહીં, મારી જેમ જ ભાંગી પડેલી માર્ગરેટને પણ તે સાંત્વન આપતી. સમયાંતરે અમને ચા-કૉફી આપતી રહેલી. ખબર મળતાં કંપનીના અધિકારીઓ, સગાં-સ્નેહીઓ દોડી આવેલાં. તેમને નિરાલીએ જ સમજાવીને રવાના કરેલાં : અહીં ભીડ કરવાને બદલે સૌ ઘરે જઈને ઈશ્વરને પ્રાર્થના કરો..
આઠ કલાક ઑપરેશન ચાલ્યું. બહાર આવીને ડૉક્ટરે ‘ઑલ સેફ’ની જાહેરાત કરી ત્યારે આંખો હરખથી વરસી પડેલી.
‘ડૉક્ટર અંદર દીકરાનો જીવ બચાવવા મથતા હતા, તેં બહાર બાપનો જીવ ટકાવી રાખ્યો.’ કહીને તેના માથે હાથ મૂક્યો : જીવતી રહે દીકરી!
બસ, એ આશીર્વચનમાં આત્મીયતાની ગાંઠ બંધાઈ ગઈ... અમરનાથે વાગોળ્યું.
જોકે ઑપરેશન પછી પણ આકારને નૉર્મલ થવામાં સમય લાગવાનો હતો. પંદર દિવસ તે આઇસીયુમાં રહ્યો. મોટા ભાગે તે દવાના ઘેનમાં રહેતો. હૉસ્પિટલમાં અન્ય દરદીનું ઇન્ફેક્શન લાગવાનું જોખમ રહેતું જ હોય છે એ સમજતા અમરનાથ વિલાની ખાલી રૂમમાં હૉસ્પિટલના વીવીઆઇપી રૂમ જેવી સવલતો ઊભી કરીને દીકરાને ઘરે લઈ આવ્યા. હજીયે બે-ત્રણ મહિનાનો બેડરેસ્ટ હતો, ફિઝિયોથેરપીની કસરત કરાવવાની હતી એ બધું જાણીને અમરનાથે નિરાલીને વિનંતી કરી : આપણે આકુ માટે મેલ નર્સ, થેરપિસ્ટ રાખીશું જ; પણ ઓવરઑલ સુપરવિઝન માટે મને તું જોઈએ નિરાલી. નર્સ નહીં તો મારી દીકરી બનીને મારો આકુ પહેલાંની જેમ ચાલતો-દોડતો થાય ત્યાં સુધી ઘરે રહેવા આવી જા!
‘સર, એમ કોઈ જુવાન છોકરી અજાણ્યા ઘરે રહેવા આવતી હશે!’ ત્યાં મોજૂદ માર્ગરેટે ટકોર ન લાગે એ ઢબે કહેલું, ‘વળી આના જેવી કેળવાયેલી નર્સ ત્રણ-ચાર મહિનાની રજા પર ઊતરે એ હૉસ્પિટલને પણ કેમ પરવડે! હા, આકુને જોવા તે નોકરીના કલાકો પછી આવતી રહે, જોઈએ તો વીક-એન્ડમાં રાત રહી જાય...’
માર્ગરેટના કથનમાં તથ્ય હતું. આમ પણ પેશન્ટ સાથે અંગત ન થવાનો નિયમ નિરાલી પાળતી આવેલી, પણ અમરનાથ પ્રત્યે પિતૃભાવ અનુભવ્યો હતો. માર્ગરેટના બોલે તેમને ઝંખવાતા જોઈને ઇનકાર ન થયો. હાજરી ખાતામાં ઘણી રજા ચડી હતી. હૉસ્પિટલના મૅનેજમેન્ટમાં અમરનાથનું વજન પડ્યું અને ચાર-છ જોડી કપડાંની બૅગ ભરીને નિરાલી કોલાબાના બંગલે શિફ્ટ થઈ ગઈ... માર્ગરેટ તેને વખાણતી હોય છે, આકુને તેની સાથે ફાવી ગયું છે.
અને અમરનાથના હોઠ મલક્યા : માત્ર ફાવી નથી ગયું, બન્નેને જુઓ તો હૃદયના તાર મળ્યા હોય એવું લાગે! નિરાલી નજરથી ઝાઝો વખત દૂર રહે એ આકુથી ખમાતું નથી. નિરાલી ઘણી વાર મારી સાથે આવીને બેસે, યામિનીના કિસ્સા ઉખેળાવે... કદી માર્ગરેટને કિચનમાં મદદ કરતી હોય ત્યારે પણ તેનું ચિત્ત આકુમાં ભટકતું મને તો દેખાય છે!
‘તને નિરાલી ગમી છેને?’ અમરનાથે યામિનીની તસવીરને પૂછેલું. જવાબમાં પડઘો પડેલો : કરો કંકુના!
પણ ના, એ પહેલાં એક જરૂરી મુદ્દાનું નિરાકરણ આવશ્યક છે... એનાં મૂળ આકુના બ્રેઇનસ્ટૉર્મિંગ અટૅક પહેલાંની પળોમાં રહેલાં છે...
અમરનાથ! તારી હિંમત કેમ થઈ મારી મા પર શંકા કરવાની!
ત્રાડ નાખતા દીકરાનું એ રૌદ્ર રૂપ, ડૅડીને બદલે નામથી સંબોધવાની ધૃષ્ટતા... અને એથીયે વસમો હતો યામિની પર શંકા કરવાનો આરોપ!
આખરે આકુના મનમાં ચાલી શું રહ્યું છે? તેની નાજુક હાલતમાં ચર્ચા છેડવી નહોતી, પણ નિરાલીને તેનું મન ટટોળવાનું કહી શકાય ખરું? કદાચ આમાં જ આકુની મારા પ્રત્યેની ઉષ્માહીનતાનું કારણ પણ મળી આવે!
‘મને હતું જ કે તમે નિરાલીને આ વિશે કહ્યું હશે કે કહેવાના...’ પોતાનું મન સમજતી હોય એમ માર્ગરેટે અઠવાડિયા અગાઉ સામેથી મુદ્દો ઉખેળીને સમજ આપી હતી : તેમનો હૈયામેળ તમને ન દેખાયો હોય એવું હું માનતી નથી.. નિરાલી સૂઝવાળી છે, પિતા-પુત્ર વચ્ચેની હિમશિલાથી તે અજાણ હોય એવું હું માનતી નથી. સંભવ છે કે તેણે આ અંગે સમજવા જેવું સમજી પણ લીધું હોય! અને ધારો કે આકુએ કશું કહ્યું ન હોય ને તમે વાત છેડશો તો નિરાલીને થશે કે આકુ મારાથી તેનો પાસ્ટ છુપાવે છે! મારું માનો તો નિરાલીને કશું કહેશો નહીં...
માર્ગરેટના તર્કમાં તથ્ય તો ખરું.
અત્યારે પણ એ તર્ક સાંભરીને અમરનાથ નિરાલીને વિશ્વાસમાં લેવાનું ટાળી ગયા!
lll
‘જોયું આકુ? નિરાલી કેવું સર સાથે ગપાટી રહી છે!’
ગાર્ડનમાં પડતી ગ્લાસ વૉલનો કર્ટન સહેજ ઉઠાવીને માર્ગરેટે બાંકડાની બેઠકે ગોઠવાયેલાં અમરનાથ-નિરાલીનું દૃશ્ય દેખાડીને પડદો પાડ્યો, ‘બિચારી તારા ફાધરના દોષ જાણતી નથી. તેં કહ્યું નથીને?’
ખરેખર તો માર્ગરેટને એની જ કન્સર્ન હતી...
યામિનીના પચાસમા જન્મદિને તેના માટે સ્મૃતિ મંદિર બનાવવાનું કહીને અમરનાથે તેને ખળભળાવી મૂકેલી. માર્ગરેટની ખાસિયત હતી. આકુને પિતા જોડે ભળે નહીં એ માટેની ચાલ રમવા હુકમનાં પત્તાં તૈયાર રાખતી. આકુના લંડનથી આવ્યા બાદની તારીખનો બનાવટી રિપોર્ટ સ્ટૉકમાં રાખેલો એના ઉપયોગથી આકુને એવો ભડકાવ્યો કે થયું, આજે બાપ-દીકરા વચ્ચે તડાફડી થવાની! બેશક, આકુનાં કારણો જાણીને અમરનાથ આઘાત પામત, પણ તેમના ખુલાસા આકુને ગળે ઊતર્યા ન હોત ને આમાં મારું નામ ખૂલ્યું તો પણ અમરનાથ આકુને મારો સ્વાર્થ સમજાવી ન શકત. ઊલટું અમારી રાતનું રાઝ ખુલ્લું કરીને હું બાપ-દીકરાના સંબંધ પર જનોઈવઢ ઘા કરત!
- પણ આ શું? ધસમસતો જતો આકાર ગબડ્યો, બ્રેઇન સ્ટ્રોકનું નિદાન થયુ ત્યારે મગરનાં આંસુ સારતી વેળા એવી પ્રેયર પણ કરેલી કે માનો જન્મદિન દીકરાનો મૃત્યુદિન બને તો કેવું રૂડું!
નૅચરલી, આકુ મારું પ્યાદું હતો. મરતી વેળા યામિનીએ આપેલા પડકારમાં અમરનાથના મોરચે નાકામ ઠર્યા બાદ બાપ-દીકરાને રમાડતા રહેવાનું જ મારું જીવનધ્યેય હતું, મારી જીદ હતી, જીત હતી. આકાર-અમરનાથનું મારે મન એટલું જ મહત્ત્વ.
જોકે આકુ બચી ગયો ને નર્સ પેધી પડી...
અમરનાથ તેને ઘરે તેડવા માગતા હતા એનો ઇનકાર દર્શાવી જોયો, પણ નિરાલી જ તૈયાર થઈ પછી શું થઈ શકે? સતતના સહેવાસમાં જુવાન હૈયાં નિકટ આવતાં ગયાં! છોકરી આમ પાછી ચતુર છે. મને ડાહી થઈને એક વાર પૂછતી’તી : આન્ટી, આકાર તેના પિતાથી નારાજ હોય એવું કેમ લાગે છે?
હું શું કામ પેટ આપું? વાત જ ઉડાવી દીધેલી. છતાં તે આકુને પૂછ-પૂછ કરીને જાણી લે તો શું થઈ શકે એ વિશે કેટલું કંઈ વિચારી જોયું માર્ગરેટે : નિરાલી ચૂપ તો નહીં રહે, અમરનાથ સાથે ચોખવટ કર્યા વિના નહીં રહે. પિતા-પુત્ર વચ્ચે તડાફડી થાય અને નિરાલી સજ્જ થઈને આકુને સત્ય સમજાવે એ બે અવસ્થામાં ફેર છે. આકુ ઊંડો ઊતરશે તો હું ઉઘાડી પડતી જઈશ. પછી મને ગેટ આઉટ કહી દેવાય ને યામિની જીતી જાય! અહં, એ તો બને જ કેમ? આ ઘરની વ્યક્તિઓનું રિમોટ મારા હાથમાંથી કોઈ હિસાબે જવું ન જોઈએ!
- આનો બીજો અર્થ એ કે આકુની જિંદગીમાં કોઈ કન્યા ક્યારેય આવવી ન જોઈએ. આ વંશનો વેલો આગળ વધવા જ શું કામ દેવો!
- એ હિસાબે આ નિરાલીને કોઈ પણ હિસાબે આકુના જીવનમાંથી, આ ઘરમાંથી હાંકી કાઢવી રહી! પણ એ પછી, પહેલાં એ તો જાણું કે આકુએ અમરનાથની કેટલી ફરિયાદો નિરાલીને કરી છે!
‘નિરાલીએ બે-ચાર વાર વાત ઉખાળેલી, પણ હું ટાળી જાઉં છું. જોકે ક્યાં સુધી છુપાવી શકીશ એ કહી નથી શકતો...’
વાંધો નહીં, એ પહેલાં નિરાલીનું પત્તું કાપવાનો જોગ હું સર્જી રાખીશ!
lll
આકાર!
અઠવાડિયા પછીની રાત્રે જમી-પરવારી આકુની રૂમમાં આવી નિરાલી તેના માથામાં હાથ પસવારતી સહેજ ભાવુક બની. જીવનનો આટલો ખૂબસૂરત વળાંક ક્યાં કલ્પ્યો હતો?
આકારના ટ્યુમરના ઑપરેશન વખતે પોતે સહજભાવે અમરનાથના પડખે રહી.... અંકલ જોડે ગાઉનમાં પિસ્તાલીસ-પચાસની જણાતી જાજરમાન મહિલા હતી. ગળામાં ક્રૉસને કારણે તે ક્રિશ્ચિયન હોવાનું પરખાયું. તે સ્ત્રી આમની પત્ની તો નથી જ... પછી જાણ્યું કે તે હાઉસકપીર માર્ગરેટ છે. તે પણ કેટલાં ભાંગી ગયેલાં.
ઘરમાં પણ તેમનું ચલણ છે અને આકુને આન્ટી પિતા કરતાં વહાલાં છે એ તો આવ્યાના બે-ચાર દહાડામાં જ વર્તાઈ આવેલું. આકાર માટે તેમની કન્સર્ન દેખીતી છે.
નેડો તો મને પણ ક્યાં નથી લાગ્યો! નિરાલી રતુંબડી થઈ: આકાર હવે પહેલાંની જેમ ચાલતા થયા. બાકી બેડરેસ્ટ દરમ્યાન તે આકુની ટેકણરૂપ બની ગયેલી. તેની ચાથી જ આકુની સવાર પડે. રાતે નિરાલી ‘ગુડ નાઇટ’ કહે કે તે ઉદાસ બને : બસ, જવાના?
આમાં લાગણી ઘૂંટાતી. અને છતાં આ બહુ ગમી જાય એવા છોકરામાં કશુંક હતું જે તારવી ન શકાતું. પથારીમાં પડ્યે પણ ખુશમિજાજ રહેતો આકાર અમરનાથના આગમને જાણે જાતને સંકોરી લેતો. શું કામ? નિરાલી સમજવા મથતી.
‘એક વાત પૂછું આકુ?’ નિરાલીને ટૂંકું સંબોધન મોંએ ચડી ગયું હતું, ‘તમે બ્રેઇન સ્ટ્રોકના વિક્ટિમ બન્યા ત્યારથી અંકલે તેમની દુનિયા તમારા પૂરતી સીમિત કરી નાખી છે. દર કલાકે તમારી રૂમમાં ડોકિયું કર્યા વગર તેમનો જીવ નથી ચાલતો અને તમે તેમના આગમને પથ્થર જેવા થઈ જાવ છો. આકુ, શું કામ?’
આકારના હોઠ ભિડાતા : તું તેમની વકીલાત કરવાની હોય તો તને કંઈ પણ કહેવાનો અર્થ નથી.. લો, આ તો રિસાઈ ગયા! નિરાલીએ
આકુ સમક્ષ એ વિષય છેડવો બંધ કર્યો. માર્ગરેટને પૂછ્યું તો તે ટાળી ગયાં... અંકલને કેમ પૂછવું?
અને આકુ સ્વસ્થ થયા પછી મારે હવે અહીં રહેવાનું પણ કેટલા દિવસ? આ વિચાર પ્રેરતો હોય એમ અત્યારે નિરાલીએ આકુને વહાલભેર પૂછ્યું, ‘હું જાણું છું કે તમારા અંતરનો એક ખૂણો મારા માટે અભેદ્ય રહ્યો છે. આજે પણ એ વિશે નહીં કહો?’
બેઉની નજરો મળી. બહાર દૂધ આપવા આવેલાં માર્ગરેટ નિરાલીના સવાલે દરવાજે અટકી ગયાં.
અને આકારના હોઠ ઊઘડ્યા, ભીતરનો ભેદ પણ : જાણે છે મારી માના મૃત્યુનું કારણ મારા પિતા હતા! તેમને મારી માના ચરિત્ર પર શંકા હતી...
હેં!
નિરાલી ખળભળી ગઈ. દરવાજે કાન માંડીને તેમની વાતો સાંભળતાં માર્ગરેટે એટલી જ ટાઢકથી ટ્રે બાજુ પર મૂકીને ગાઉનના પૉકેટમાંથી મોબાઇલ કાઢ્યો અને સ્ટોર કરેલી વિડિયો ક્લિપ જોતાં ખંધુ સ્મિત ફરકી ગયું:
હજી બે દિવસ અગાઉ નિરાલીના બાથરૂમમાં છૂપો કૅમેરા ગોઠવીને શાવર લેતી નિરાલીના એક્ઝૉટિક ગણાય એવા વિડિયો તૈયાર કર્યા છે... એને ફરતા કરવાની ધમકી આપું પછી નિરાલીથી કંઈ જ થઈ શકવાનું નહીં. રાધર, હું કહું એ કર્યા સિવાય તેનો છૂટકો નથી!
અને માર્ગરેટે યામિનીની તસવીર તરફ નજર નાખી : નિરાલી-ફિરાલી તો આવ્યા-ગયા. એમ મારી જીતની બાજી હારમાં તો નહીં જ પલટાવા દઉં!
નેવર!
આવતી કાલે સમાપ્ત