Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અઘોર નગારાં વાગે (પ્રકરણ ૪)

અઘોર નગારાં વાગે (પ્રકરણ ૪)

23 March, 2023 12:32 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

લોકો પાસેથી મને સારા રૂપિયા મળતા અને ઊંચા-ઊંચા લોકો સાથે સંબંધો પણ બંધાતા હતા. મારા માટે તો લૉટરી જેવી જિંદગી થઈ ગઈ. હું કહું તો લોકો ઊભા થાય અને હું કહું તો લોકો બેસી જાય...

અઘોર નગારાં વાગે (પ્રકરણ ૪) વાર્તા-સપ્તાહ

અઘોર નગારાં વાગે (પ્રકરણ ૪)


‘વિશ્વાસુ એટલે એવો કે આપણે કહીએ તો અહીં બેસીને મારું શિવામ્બુ પણ પી લે અને કહું તો તે મારું...’
ચિરાગ આડકતરી રીતે સ્વામી અને સંગીતા રૉયની વાત કરતો, પણ રમેશ વાતને આમતેમ ઉડાવી દેતો. પરિણામે ચિરાગને એવી કોઈ પ્રાથમિક માહિતી મળતી નહીં જેને લીધે ચંદ્રાસ્વામીને સાણસામાં લઈ શકાય. નાછૂટકે કંટાળીને ડિટેક્ટિવ સોમચંદ અને ચિરાગે ભેગા મળીને એક પ્લાન બનાવ્યો. 

ચિરાગે રમેશ આદિવાસીને પોતાના ઘરે બોલાવ્યો. ત્યાં તેને એટલો દારૂ પીવડાવ્યો જેથી તે ભાનમાં જ ન રહે. મગજ કન્ટ્રોલમાં ન રહે એવું કર્યા પછી લગભગ અડધા ઘેનમાં સરી ગયેલા રમેશના ગાલ થપથપાવીને તેને ચંદ્રાસ્વામી વિશે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું. રમેશની હાલત એવી હતી કે તે એક પણ જવાબ સારી કે સરખી રીતે આપી શકતો નહોતો એટલે સોમચંદે બાજી હાથમાં લીધી.
‘તું તો કહેતો હતોને કે તારી દરેક વાત પેલો અઘોરી ચંદ્રાસ્વામી માને છે...’ સોમચંદનું મોઢું રમેશના કાન પાસે હતું, ‘તે તો તને પૈસા દેવાની પણ ના પાડે છે.’



‘તેની માને...’ ગાળ બોલીને રમેશે જવાબ આપ્યો, ‘શું ન આપે પૈસા? તેનો બાપ પણ આપે... નક્કી થયું છે અમારે.’
‘શું નક્કી થયું છે?’
‘પૈસા આપવાનું... હરામખોર...’


‘હા, પણ શેના પૈસા આપવાનું...’ સોમચંદે વાતને વળ ચડાવ્યો, ‘તે તો ચોખ્ખી ના પાડે છે કે રમેશનું આખું ખાનદાન આવી જાય તો પણ...’
‘... ...’ માસમાણી ગંદી ગાળ આપ્યા પછી રમેશે કહ્યું, ‘તો... તો... પોલીસને કહી દઈશ બધી વાત... મહિને લાખ રૂપિયામાં સોદો થ્યો છે મારો તેની સાથે...’
રમેશનો જવાબ સાંભળીને સોમચંદના ચહેરા પર સ્માઇલ આવી ગયું. બસ, હવે રમેશને કોઈ પણ રીતે રિમાન્ડ પર લેવાનો હતો. સોમચંદે એનો પણ રસ્તો કાઢી લીધો. દારૂ પીને ચિરાગ સાથે મારામારી કરવાના આરોપસર રમેશને પોલીસ-કસ્ટડીમાં લેવામાં આવ્યો અને સોમચંદે અનઑફિશ્યલી જ તેને થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ આપવાની ચાલુ કર્યું. 
બસ, વાત પૂરી. 

સ્માર્ટ ડૉગીની જેમ રમેશ બધું જ ભસી મર્યો. 
રમેશે આપેલા સ્ટેટમેન્ટના આધારે સર્ચવૉરન્ટ લઈને વડોદરા પોલીસે ચંદ્રાસ્વામીના ઘરે રેઇડ પાડી. રમેશે કહ્યા મુજબ બેઠક ખંડનાં કલાત્મક અને એસ્થજેટિક લુક ધરાવતાં પગથિયાં નીચે ખોદકામ કરવામાં આવ્યું. એમાંથી કૉફિન બૉક્સ નીકળ્યું જેને ખોલતાં એમાંથી રેશમી વસ્ત્રો પહેરેલી એક સ્ત્રીનું હાડપિંજર નીકળ્યું. સંગીતાના પરિવારજનોએ એ હાડપિંજરના ગળામાં રહેલા હાર અને આંગળીમાં પહેરેલી વીંટીના આધારે એ બૉડી સંગીતા રૉયની છે એવી રજૂઆત કરી, પણ વધુ ખાતરી માટે ફૉરેન્સિક રિપોર્ટ માટે એ હાડપિંજરને મોકલવામાં આવ્યું. 
હવે કોર્ટ પાસે પણ રિમાન્ડ ન આપવા માટે કોઈ કારણ નહોતું એટલે ચંદ્રાસ્વામીને રિમાન્ડ પર લેવામાં આવ્યો અને તેને રિમાન્ડ પર લીધો સોમચંદે.
lll


ચૅર પર બેઠેલો ચંદ્રાસ્વામી રીતસર બીકથી ધ્રૂજતો હતો. તેની સામે સોમચંદ બેઠો હતો. સોમચંદના ચહેરા પર વિજયી સ્મિત હતું. 
‘અમે તારા ઘરે આવ્યા ત્યારે મેં તને કહ્યું હતું કે મોઢું ખોલાવવાના બીજા રસ્તા પણ અમારી પાસે છે અને તેં શું જવાબ આપ્યો હતો...’ સવાલ પૂછ્યા પછી સોમચંદે જ જવાબ આપ્યો, ‘તારો વકીલ પણ બીજા રસ્તાઓ જાણે છે અને તે પણ બીજા રસ્તાઓ અજમાવશે. તમે તમારી નોકરી સાચવજો... તો જા, કહી દે તારા વકીલને કે હું પોલીસ નથી, પ્રાઇવેટ ડિટેક્ટિવ છું... તારો એ વકીલ પણ મારો વાળ વાંક નહીં કરી શકે...’
સોમચંદની વાત સાંભળીને ચંદ્રાસ્વામી ધ્રૂજી ઊઠ્યો. 
સોમચંદે વાત આગળ વધારી. 

‘સૉરી મિસ્ટર ઠગસ્વામી... યૉર ગેમ ઇઝ ઓવર.’
ચંદ્રાસ્વામી બીકથી રડી પડ્યો. અત્યાર સુધી એકદમ બિન્દાસ લાગતો આ માણસ આટલો જલદી રડી પડશે એવી સોમચંદને કલ્પના નહોતી, પણ સોમચંદ ગુનેગારોને કેવા ટૉર્ચર કરતો એ વાતો ચંદ્રાસ્વામીએ સાંભળી લીધી હતી. 
ચંદ્રાસ્વામીની હાલત ખરાબ હતી, જેમાં ઉમેરો કરવાનું કામ સોમચંદે કર્યું.
સોમચંદે ધીમેકથી બેલ્ટ કાઢ્યો, જે જોઈને ચંદ્રાસ્વામીને ચક્કર આવી ગયાં. હકીકત એ હતી કે સોમચંદે માત્ર રિલૅક્સ થવાના હેતુથી બેલ્ટ કાઢ્યો હતો, પણ આ બેલ્ટની એક અલગ જ સ્ટોરી હતી.

ચંદ્રાસ્વામીના પપ્પા સ્કૂલમાં ટીચર હતા. ચંદ્રાસ્વામી ભણવામાં હલકટાઈ કરતો ત્યારે તેના પપ્પા આ જ રીતે બેલ્ટ કાઢીને તેને પીટતા અને આજે પણ ચંદ્રાસ્વામી એ મારની બીકથી ધ્રૂજતો.
‘બેલ્ટ નહીં, પ્લીઝ બેલ્ટ નહીં...’
‘તો પછી જલદી વાત પર આવ...’ સોમચંદે તરત જ નવું કૅરૅક્ટર અપનાવી લીધું, ‘બધેબધી વાત અને પહેલેથી વાત... જો સાચું નહીં બોલે તો...’

‘સાચું કહું, બધેબધું સાચું કહું...’ ચંદ્રાસ્વામી પોપટ બની ગયો, ‘નાનો હતો ત્યારે મને ભણવામાં સહેજ પણ રસ નહીં એટલે ઘર છોડીને ભાગી ગયો. એ પછી મેં આમતેમ છૂટક કામ કર્યું, પણ એ કામમાં મેં એક વાત જોઈ કે લોકો જ્યોતિષી પાસે સાવ સીધા થઈ જતા. એટલે મેં તાંત્રિકનો વેશ ધારણ કરી લીધો અને લોકોનાં કામ કરવા લાગ્યો. કેટલાકનાં કામ કિસ્મતથી સફળ થયાં એટલે એ લોકોની મારા પરની શ્રદ્ધા વધી અને મારું નામ, સ્વામી ચંદ્રાસ્વામી... મારા એ નામથી બહુ આગળ વધવા માંડ્યો. ધીમે-ધીમે લોકો અંધશ્રદ્ધા તરફ ખેંચાતા ગયા અને એમાં પૉલિટિક્સમાં હોય એવા લોકો પણ આવવા માંડ્યા. એ લોકો પાસેથી મને સારા રૂપિયા મળતા અને ઊંચા-ઊંચા લોકો સાથે સંબંધો પણ બંધાતા હતા. મારા માટે તો લૉટરી જેવી જિંદગી થઈ ગઈ. હું કહું તો લોકો ઊભા થાય અને હું કહું તો લોકો બેસી જાય... બસ, મેં મારી લાઇફ આગળ વધારવાની ચાલુ કરી દીધી અને હું...’

‘સંગીતા રૉયની વાત કર...’ સોમચંદે ફરી બેલ્ટ હાથમાં લીધો, ‘ફટાફટ, નહીં તો આ તારો સગો...’
‘કહું... અત્યારે જ કહું... પણ પ્લીઝ એ મારાથી દૂર...’
‘તો ફાટ જલદી મોઢામાંથી...’
‘સંગીતાનાં બે મૅરેજ હતાં...’ 
ચંદ્રાસ્વામીએ વાત ચાલુ કરી કે તરત જ સોમચંદે તેને અટકાવ્યો.
‘પહેલાં રૉયસાહેબ સાથે અને બીજાં તારી સાથે...’

આ પણ વાંચો: અઘોર નગારાં વાગે (પ્રકરણ ૩)

‘ના, રૉય પહેલાં પણ તેણે મૅરેજ કર્યાં હતાં જેની રૉયને પણ ખબર નહોતી.’ સોમચંદની આંખો પહોળી થઈ, પણ તેણે ફોકસ ચંદ્રાસ્વામી પર રાખ્યું, ‘સંગીતાનો પહેલો હસબન્ડ જે હતો તેનું નામ જાવેદ હતું. બન્નેએ કૉલેજમાં જ મૅરેજ કરી લીધાં હતાં, પણ પછી તેમણે તલાક લઈ લીધા. આ જાવેદ મને મળ્યો ત્યારે હું સંગીતાના ઘરે જવાની તૈયારી કરતો હતો. મારી પાસેથી વાત સાંભળીને તેણે જ મને કહ્યું કે રૉયની બૈરી બહુ સરસ... મસ્ત ફ...’
બોલવું હતું ‘ફટકો’, પણ સામે સોમચંદ શાહ બેઠા હતા એટલે ચંદ્રાસ્વામીની જીભ સહેજ થથરી.
‘આગળ બોલ...’ સોમચંદે બેલ્ટ હવામાં જોરથી ફેરવ્યો, ‘મનમાં જે હોય એ બધેબધું કહી દે...’

‘ફટકો... જાવેદે કહ્યું કે સંગીતા રૉય મસ્ત ફટકો છે અને તેને દીકરાની લાલચ છે. મને તો એ બધી ખબર નહોતી. હું તો એ લોકોની જમીનના કામ માટે તેમને મળવાનો હતો, પણ સંગીતાની વાત અને એ પછી તેને જોયા પછી મને લાગ્યું કે ખરેખર તે ફટકો છે. ચાલીસની પણ ઉંમર ન હોય એવું તેનું રૂપ...’ ચંદ્રાસ્વામીએ હોઠ પર જીભ ફેરવ્યા, ‘તેમને જે કામ કરાવવાનું હતું એ મેં કરાવી આપ્યું એટલે ત્યાં પણ રૉયની સાથે સંગીતાના પણ મારી સાથે ઊઠવા-બેસવાના સંબંધો શરૂ થયા. સંગીતાને મારા પ્રત્યે થોડું આકર્ષણ હોય એવું મને લાગ્યું. મને પણ તે ગમતી હતી ને સાહેબ, જોબનવાન સાથીની જરૂર કોને ન હોય? જાવેદે કહ્યું હતું એટલે મેં ટ્રાય મારી અને મેં તેની દુખતી રગ દબાવી. સંગીતાને કહ્યું કે મારી પાસે એવી તાંત્રિક શક્તિ છે કે હું તેને દીકરો અપાવી શકું, પણ એના માટે મારી સાથે સંબંધ બાંધવો પડે. તે તૈયાર થઈ ગઈ. પછી તો અમે વારંવાર મળતાં રહ્યાં. તે ધીમે-ધીમે મારા સંપૂર્ણ વશમાં આવી ગઈ. તેના પતિને ખબર પડી એટલે તે બન્ને વચ્ચે ઝઘડા ચાલુ થયા, પણ હવે સંગીતા મારા તરફ હતી. તેણે છૂટાછેડા લઈ લીધા અને તેની પાસે જે પ્રૉપર્ટી હતી એ હાંસલ કરવા મેં તેની સાથે મૅરેજ કરી લીધાં.’
‘મારી શું કામ તેં તેને?’

‘પૈસો સાહેબ...’ ચંદ્રાસ્વામીએ કબૂલ કર્યું, ‘શરૂઆતમાં તો અમારી વચ્ચે કોઈ પ્રૉબ્લેમ નહોતો, પણ જ્યારે તેને તેની દીકરી મળી, પેલી સંજના... ત્યારથી પ્રૉબ્લેમ શરૂ થયા. મને એમ હતું કે ત્રીજા મૅરેજ પછી હવે સંગીતા પણ જૂના કોઈના કૉન્ટૅક્ટમાં નહીં રહે, પણ તેની દીકરીએ કૉન્ટૅક્ટ ચાલુ કર્યો અને બધી બબાલ શરૂ થઈ. પહેલાં બન્ને વચ્ચે ફોન પર વાત થઈ અને પછી બન્ને મળવા લાગ્યાં. એ પછી સંગીતા મારી સાથે કડક થઈને વર્તવા માંડી. ફૉરેનમાં ભણતી તેની બીજી દીકરીના ભણવાનો ખર્ચ પણ તેણે પોતાના પર લઈ લીધો એટલે મને થયું કે જો હું તેને રોકીશ નહીં તો મારી બાદશાહીવાળી જિંદગી હાથમાંથી જતી રહેશે અને હું રોડ પર આવી જઈશ.’
‘મર્ડર કેમ કર્યું તેં તેનું...?’ 
પહેલાં ગંદી ગાળ અને પછી બેલ્ટનો સટાકો.

સોમચંદનું રૌદ્ર રૂપ જોઈને ચંદ્રાસ્વામીથી પીપી થઈ ગઈ.
‘કહું... કહું એ પણ...’ ચંદ્રાસ્વામીએ હાથ જોડ્યા, ‘અલકાપુરીમાં આવેલી એચડીએફસીની બ્રાન્ચમાં અમારું જૉઇન્ટ અકાઉન્ટ હતું. સંગીતાએ પહેલાં મારું નામ ત્યાંથી કઢાવ્યું અને પછી તેણે મારી સહીવાળા ચેક પાસ નહીં કરવાની બૅન્કમાં સૂચના આપી. મેં આ વાત ચલાવી લીધી તો તેણે બીજું પગલું ભર્યું અને વાશીની જમીનની પાવર ઑફ ઍટર્ની કૅન્સલ કરીને તેણે પોતાની બન્ને દીકરીના નામે એ જમીન કરી નાખી. મને બીક લાગી કે જો સંગીતા પાછી પોતાની જૂની ફૅમિલી પાસે જતી રહેશે તો મને ફદિયું પણ નહીં મળે. એટલે મેં નક્કી કર્યું કે હવે મારે તેને રસ્તામાંથી દૂર કરવી પડશે.’
સટાક...
આ વખતે સોમચંદે ખરેખર ચંદ્રાસ્વામીને બેલ્ટ ફટકારી દીધો.
‘વાત ફટાફટ કર....’

‘મેં છેને, મેં છેને...’ પોતાને થતી પીડા મનમાં દબાવીને ચંદ્રાસ્વામીએ વાત આગળ ધપાવી, ‘મેં તેના, સંગીતાના માપનું કૉફિન બનાવ્યું અને પછી શરબતમાં ઘેનની દવા આપી દીધી. ઘેનને લીધે તે સૂઈ ગઈ એટલે મેં છેને, તેને શાલમાં લપેટીને કૉફિનમાં મૂકી દીધી અને અમારા બંગલાની હવેલીનાં પગથિયાં નીચે જીવતી દાટી દીધી. આમાં મને અમારા ચાર નોકર અને રમેશે મદદ કરી. એ પછી રમેશ મને બ્લૅકમેઇલ કરતો એટલે દર મહિને મારે તેને લાખ રૂપિયા આપવાની વાત થઈ... જો રમેશનું ચક્કર વધારે ચાલ્યું હોત તો મેં વિચાર્યું હતું કે હું તેને પણ રસ્તામાંથી હટાવી દઈશ, જેથી આખી જિંદગી મારે તેનું ટેન્શન રાખવું નહીં...’
ચંદ્રાસ્વામીએ ફરી હાથ જોડ્યા.
‘આથી વધારે મેં કંઈ...’
સટાક...

‘સાલ્લા, એક જીવતી બાઈને તેં કૉફિનમાં દાટી ત્યારે તને એટલો પણ વિચાર આવ્યો નહીં કે તે ભાનમાં આવશે ત્યારે કેવી ટળવળશે...’ સોમચંદ ચંદ્રાસ્વામીની નજીક આવ્યો અને જોશભેર થૂંક્યો, ‘ખબર નથી પડતી કે તારા પર થૂંકવું કે પછી તારા જેવા ઢોંગી બાવાના રવાડે ચડે તેના પર થૂંકવું... તને જીવતો રાખીને કોર્ટને હવાલે કરવો કે પછી...’
lll

મર્ડરના આરોપમાં પકડાયેલા તાંત્રિક ચંદ્રાસ્વામીએ કસ્ટડીમાં કર્યું સુસાઇડ.
બીજા દિવસે ન્યુઝપેપરમાં હેડલાઇન હતી, જે વાંચીને સોમચંદે તરત જ ઇન્સ્પેક્ટર પાટીલને ફોન કર્યો...
‘અરે યાર, મારો બેલ્ટ તેના ગળામાં છે...’
‘નવો લઈ આપીશ...’ પાટીલે આજુબાજુમાં જોયું, ‘આવા પાખંડીને મારવાનો આટલો સરળ રસ્તો શોધવા બદલ મારા તરફથી તને એ ગિફ્ટ...’

સંપૂર્ણ

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2023 12:32 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK