‘ચોક્કસ...’ સોમચંદે અઘોરીની આંખમાં આંખ મેળવી, ‘તેની દીકરી સંજના રૉયની ફરિયાદ છે કે તેની મમ્મી મળતી નથી અને સંજનાનું કહેવું છે કે તે અહીં રહેતી હતી.’
વાર્તા-સપ્તાહ
અઘોર નગારાં વાગે (પ્રકરણ ૩)
સર્ચવૉરન્ટ લઈને આવેલા ઑફિસરને જોઈને ચંદ્રાસ્વામી અંદરથી સહેજ ધ્રૂજી ગયા. અલબત્ત, તેમણે તરત જ સ્વસ્થતા પણ ધારણ કરી લીધી અને ઑફિસર તથા તેમની સાથે આવેલા બન્ને પોલીસ કર્મચારીઓને આવકાર્યા. અલબત્ત, તેમના આવકારની સોમચંદ શાહ પર કોઈ અસર થઈ નહોતી. ભાગ્યે જ જેના ચહેરા પર સ્માઇલ આવતું હોય એ સોમચંદ માટે નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બનવું જરા પણ અઘરું નહોતું. આજે આ લુક ડેવલપ કરતાં પહેલાં તે બરોડા પોલીસને મળી પણ આવ્યા હતા.
બરોડામાં પોલીસ કમિશનર તરીકે અનુરાગ સિંહા હતા.
lll
‘તું કહે છે એટલે વાંધો નહીં, પણ બાકી તે છે બહુ પહોંચેલી માયા...’ કમિશનરે સોમચંદને કહ્યું હતું, ‘અગાઉ પણ એકાદ વખત કમ્પ્લેઇન આવી હતી કે તે મોડી રાત સુધી ઘરમાં કોઈ ને કોઈ વિધિ કરતો હોય છે, જેમાં બકરી અને સસલાંનો ભોગ આપે છે. જોકે તપાસ થાય એ પહેલાં જ તેણે સેન્ટ્રલમાંથી મિનિસ્ટરનો ફોન કરાવી દીધો એટલે ઇન્કવાયરી પડતી મૂકવી પડી.’
‘મોબાઇલ ચાલુ હોય તો કોઈનો ફોન આવેને...’ સોમચંદે ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને એ સ્વિચ્ડ-ઑફ કર્યો, ‘તારે માત્ર એક સપોર્ટ કરવાનો છે. તને ફોન આવે તો તારે એવી વ્યક્તિને મોકલવાની છે જે આવીને કનડગત ઊભી ન કરે અને અમને કામ પૂરું કરી લેવા દે.’
‘આજે ઉપાડી લેવાનો છે તારે તેને?’ કમિશનરે સહજ રીતે પૂછ્યું, ‘અરેસ્ટ ફાઇનલ કરી લીધી છે?’
‘ના... ના... લાગતું નથી કે એ માણસ એમ હાથમાં આવે. બધું શોધતાં મિનિમમ ચારથી છ મહિના નીકળી જશે.’
lll
ADVERTISEMENT
‘બોલો, આપની શું સેવા કરું?’
‘પગ બહુ દુખે છે, દબાવી આપશો તો ગમશે...’
ચંદ્રાસ્વામી સળગી જાય એવો જવાબ આપ્યો એ સમયે પણ સોમચંદની નજર તો બંગલામાં જ ફરતી હતી. બંગલો ખાસ્સો મોટો હતો. હકીકતમાં આને બંગલો કહેવાય જ નહીં. એને કોઠી કહેવી પડે એવો નાનકડો મહેલ હતો. નીચેના ભાગમાં ખાસ્સો મોટો બેઠકખંડ હતો અને એ બેઠકખંડની ડાબી-જમણી બન્ને બાજુએ સીસમના લાકડાની સીડી હતી, જે ઉપરના ભાગમાં સમાંતરે ખૂલતી હતી. ઉપર વર્તુળાકાર પૉર્ચમાંથી એક પણ દરવાજો દેખાતો નહોતો, જે દર્શાવતું હતું કે એ પૉર્ચ પણ કેવો વિશાળ હશે.
‘સંગીતા રૉય... ક્યાં છે?’
‘ખ્યાલ છેને આપને, તે મારી પત્ની છે.’ ચંદ્રાસ્વામી જાત પર આવી ગયો, ‘તમે તેની પૃચ્છા કયા અધિકારથી કરો છો એ જણાવશો.’
‘ચોક્કસ...’ સોમચંદે અઘોરીની આંખમાં આંખ મેળવી, ‘તેની દીકરી સંજના રૉયની ફરિયાદ છે કે તેની મમ્મી મળતી નથી અને સંજનાનું કહેવું છે કે તે અહીં રહેતી હતી.’
‘તમે ખુશીથી જોઈ શકો છો. આ ઘર અને નાચીઝ બન્ને તમને પૂરતો સાથ આપશે...’ અઘોરીએ ઘડિયાળમાં જોયું, ‘મારી વિધિનો સમય થયો છે. મારે થોડી વાર એમાં બેસવું પડશે.’
બે હાથ જોડીને ચંદ્રાસ્વામીએ નિષ્ઠુરતા સાથે ત્યાંથી વિદાય લીધી. અલબત્ત, વિદાયના નામે તે એવી વિધિ કરવા બેસી ગયો જે તેને નિર્દોષ છોડાવે.
lll
સોમચંદ અને તેની સાથે આવેલા બન્ને પોલીસે આખું ઘર ફેંદી નાખ્યું, પણ તેમને સંગીતા રૉય ક્યાંય દેખાઈ નહીં.
ચાલીસેક મિનિટ પછી ત્રણેય પાછા બેઠકખંડમાં એકઠા થયા ત્યારે પણ ચંદ્રાસ્વામીની વિધિ ચાલુ હતી. ચંદ્રાસ્વામી ફ્રી થાય એ માટે સોમચંદે અડધો કલાક રાહ જોવી પડી.
‘ક્યાં છે સંગીતા રૉય?’
‘હું નથી જાણતો...’
‘એ તમારાં પત્ની છે તો પણ...’
‘હા... હું સ્પષ્ટ નીતિમાં માનું છું.’
ચંદ્રાસ્વામીએ તિલક કરવા માટે સોમચંદ સામે હાથ લંબાવ્યો, પણ સોમચંદે હાથના ઇશારે જ તેમને રોકી દીધા.
‘ધર્મનું આ અપમાન છે.’
‘પોલીસનો એક જ ધર્મ છે, ખાખી...’ સોમચંદના ચહેરા પરની કડપ અકબંધ રહી, ‘તમારી નીતિ વિશે તમે વાત કરતા હતા...’
‘હં...’ ચંદ્રાસ્વામી કંકુ-ચોખાની થાળી હાથમાં રાખીને જ બેસી ગયા, ‘જે આવે તેને અટકાવવા નહીં અને જાય તેને રોકવા નહીં.’
‘તે જાતે ગયાં છે?’
‘હા...’
‘કેટલા સમયથી?’
‘ઘણો વખત થયો.’
‘તો પોલીસ-ફરિયાદ કેમ ન કરી?’
‘મને તેના જતા રહેવાથી કોઈ ફરક પડતો નથી. જે કોઈને જવું હોય તે જતા રહે, હું કોણ છું કોઈને રોકવાવાળો.’
‘તમે પોલીસ-ફરિયાદ કેમ ન કરી?’
ફરી એ જ સવાલ સોમચંદે દોહરાવ્યો. આ વખતે તેના અવાજમાં દૃઢતા હતી.
‘કારણ કે હું તેને શોધવા માગતો જ નથી. પછી શું ફરક છે એ વાતથી કે તે ક્યાં ગઈ...’ ચંદ્રાસ્વામીના ચહેરા પર સહેજ સ્માઇલ હતું, ‘સાહેબ, એક વાત યાદ રાખજો... શોધવાના તેને હોય જે ખોવાયા હોય, તેને નહીં જે ચાલ્યા ગયા હોય... આના માટે તો ચેતવણીની જાહેરાત જ દેવાની હોય.’
ચંદ્રાસ્વામીની હલકટાઈ જોઈને સોમચંદ પણ અંદરથી ધ્રૂજી ગયા. તેની વાત ક્યાંય ખોટી નહોતી. જોકે વાત સાચી હતી, માણસ નહીં.
‘તે ઘરથી ગયાં કેવી રીતે એ વિશે જરા વાત કરશો?’
‘ઘરેથી ગયાં પગે ચાલીને...’ ચંદ્રાસ્વામી ખડખડાટ હસ્યા, પણ સોમચંદના ચહેરા પર કોઈ એક્સપ્રેશન ન જોઈને તેમણે પોતાનું અટ્ટહાસ્ય દબાવ્યું, ‘જસ્ટ જોક...’
‘જોક માટે અમારી પાસે સાંઈરામ દવે છે... તમારી કોઈ આવશ્યકતા નથી.’ સોમચંદે સપાટ હાવભાવ સાથે સવાલ રિપીટ કર્યો, ‘તે ઘરેથી ગયાં કેવી રીતે એનો જવાબ આપવાનો છે તમારે... પ્રેમથી અને સાચેસાચું કહી દો...’
‘પ્રેમથી અને સાચેસાચું કહું તો મારી પત્ની એમ કહીને ઘરેથી નીકળી કે તે લંડન જાય છે. બસ, ત્યાર પછી મેં તેને આજ સુધી જોઈ નથી...’ ચંદ્રાસ્વામીએ નફટાઈથી કહી પણ દીધું, ‘મારો જવાબ સાચો ન લાગતો હોય તો મને વાંધો નથી, તમે તમારા બીજા રસ્તા અજમાવી જુઓ. મારા વકીલ જે રસ્તાઓ જાણે છે એ તે અજમાવી જોશે. મારે તો કંઈ ખાસ ગુમાવવાનું નથી; પણ એક નિર્દોષ, જવાબદાર અને પ્રતિષ્ઠિત નાગરિકને હેરાન કરવાના આરોપસર અને માનવઅધિકારના ભંગ બદલ તમારી નોકરી ન જાય એનું ધ્યાન રાખવું તમારી ફરજ છે...’
ચંદ્રાસ્વામી ઊભા થયા અને બે હાથ જોડ્યા...
‘ઓમ તત્સત...’
lll
સોમચંદ પણ સદાનંદ પાસેથી સંગીતા રૉયનો પત્તો મેળવવાની કોશિશ કરતા રહ્યા તો સંજના પણ પોતાનાં કનેક્શન વાપરીને આ કેસમાં કશું બહાર આવે એ માટે લડતી રહી. હવે સંજનાને તેની ફૅમિલીનો સપોર્ટ પણ મળ્યો હતો. હવે સંજનાના પપ્પાએ પણ પોતાનાં કનેક્શન્સ વાપરવાનું શરૂ કર્યું હતું, પણ ચંદ્રાસ્વામી કોઈને ગાંઠતો નહોતો. તે બધાને વ્યવસ્થિત ઉલ્લુ બનાવીને રવાના કરી દેતો.
સંગીતા રૉયના બંગલામાં ચંદ્રાસ્વામી પૂરા ઠાઠમાઠથી જીવતો હતો. સોમચંદે એ બંગલાની વિગતો પણ કઢાવી લીધી હતી. આ બંગલાની પાવર ઑફ ઍટર્ની ચંદ્રાસ્વામીના નામે હતી અને એ પણ સંગીતા રૉય ઘર છોડીને ગઈ એના પણ બે વર્ષ પહેલાંની એટલે એમાં કશું એવું પુરવાર નહોતું થતું કે ચંદ્રાસ્વામીએ એ નકલી બનાવી હોય. લીગલ ડૉક્યુમેન્ટ્સમાં સામાન્ય રીતે બે જામીન જોઈએ, પણ બંગલાની પાવર ઑફ ઍટર્નીમાં તો છ જામીન હતા અને એ છએ છ લોકો વડોદરાના જાણીતા લોકો હતા એટલે એમાં પણ કોઈ જાતની શંકા થઈ શકતી નહોતી. સંગીતા રૉયનાં બધાં જ બૅન્ક-અકાઉન્ટ્સમાં ચંદ્રાસ્વામી ઑફિશ્યલ જૉઇન્ટ હોલ્ડર હતો અને એ પ્રક્રિયાઓ પણ વર્ષો પહેલાં થઈ ગઈ હતી એટલે એમાં પણ કોઈ જાતની કુશંકા મનમાં લાવી શકાતી નહોતી.
ચંદ્રાસ્વામી બૅન્ક-બૅલૅન્સ અને બંગલામાં રહેલી કીમતી ઍન્ટિક વસ્તુઓ ઊંચા ભાવે વેચીને મોજથી જીવતો હતો અને રૉય ફૅમિલી અફસોસ સાથે એ બધું જોતી લાચારથી બેસી રહી હતી.
lll આ પણ વાંચો: અઘોર નગારાં વાગે (પ્રકરણ ૨)
‘સર, હવે શું કરવાનું? આ માણસ તો હાથમાં જ નથી આવતો...’ સંજના સોમચંદને મળવા ગઈ ત્યારે તેણે બળાપો કાઢ્યો હતો, ‘મને થાય છે કે આટલું થયું તો પણ મમ્મી બહાર નથી આવી. બને કે કદાચ મૉમ અત્યારે...’
‘લિસન સંજના, તમારી વાત સાચી હોઈ શકે છે...’ સોમચંદે કોઈ જાતની સહાનુભૂતિ દેખાડ્યા વિના કહી દીધું, ‘અધરવાઇઝ તો અત્યાર સુધીમાં તે સામે આવી ગયાં હોત, પણ તે સામે નથી આવ્યાં અને જે રીતે ટાઇમ પસાર થતો જાય છે એ જોતાં મને લાગે છે કે હવે તે હયાત હોય એવા ચાન્સ ઓછા છે. અઘોરી પણ એ જ કારણે વધારે પડતો કૉન્ફિડન્સમાં છે.’
‘તો શું આપણે પડતું મૂકી દેવાનું બધું?’
‘ના, આપણે ફોકસ ચેન્જ કરવાનું...’ સોમચંદે કહ્યું, ‘મને લાગે છે કે આપણે તપાસનું ફોકસ અઘોરી પરથી હટાવવું જોઈએ. બાજી તેના હાથમાં છે એટલે આપણે બીજી કોઈ રીતે તપાસને આગળ ધપાવવી જોઈએ અને એ માટે આપણે સૌથી પહેલું કામ તો એ કરવું પડશે કે આપણે મળવાનું છોડીને એવું પુરવાર કરવું પડશે કે આપણે આ કેસ પડતો મૂક્યો છે. જો કેસ પડતો મુકાશે તો જ ચંદ્રાસ્વામી થોડો બેફિકર થશે અને તે બેદરકાર થશે તો જ ફરીથી રાબેતા મુજબ જીવવાનું શરૂ કરશે.’
lll
એ દિવસ પછી સોમચંદે ચંદ્રાસ્વામીના નોકર, વૉચમૅન, માળી અને બંગલામાં કામ કરતા તમામ નોકરો પર નજર રાખવાનું શરૂ કર્યું. લગભગ ત્રણ મહિના વૉચ રાખ્યા પછી એક વાત તેના ધ્યાનમાં આવી કે એ ઘરમાં કામ કરતા બધા નોકરો કરતા ચાર નોકર પ્રમાણમાં માલદાર લોકો જેવું જીવન જીવતા હતા. મતલબ કે એ લોકોને ચંદ્રાસ્વામી બીજા લોકો કરતાં પ્રમાણમાં ઘણો વધારે પગાર આપતો હતો.
બીજી એક વાત સોમચંદના ધ્યાનમાં એ આવી કે રમેશ આદિવાસી નામનો એક માણસ મહિનામાં એક જ વાર બંગલામાં આવતો. બંગલામાં આવીને તે સીધો ચંદ્રાસ્વમીને મળતો અને પંદર-વીસ મિનિટ રોકાઈને નીકળી જતો. આ આદિવાસીને કોઈ કામધંધો નહોતો અને છતાં તે કુટુંબ સાથે મજાની જિંદગી જીવતો હતો.
આ રમેશ આદિવાસીમાં કોઈ વાત તો છે.
સોમચંદના મનમાં વિચાર આવ્યો અને તેણે તેના વિશે વધારે તપાસ કરાવી તો ખબર પડી કે રમેશ આદિવાસી પહેલાં ચંદ્રાસ્વામીને ત્યાં જ નોકર હતો, પણ તેણે બે વર્ષ પહેલાં નોકરી છોડી દીધી હતી. રમેશ પાસે કોઈ બાપીકી મિલકત હતી નહીં અને એમ છતાં તે કામધંધા વિના સહજ અને સરળતા સાથે રહેતો હતો.
સોમચંદે પેલા ચાર નોકરની સાથોસાથ રમેશ પર પણ વૉચ ગોઠવી.
વડોદરામાં રહેતા સોમચંદના જૂના સાથીદાર ચિરાગે રમેશ સાથે દોસ્તી જમાવી. રમેશ દારૂ પીવાનો શોખીન એટલે ચિરાગે રમેશની એ આદતને કબજામાં લીધી તો ચંદ્રાસ્વામીના ઘરે ચાર નોકરો પર ધ્યાન રાખવાનું પણ શરૂ કર્યું, પણ એ ચાર નોકરોમાં કંઈ ખાસ એવું નહોતું.
તેઓ સીધા નોકરીએ જતા અને સીધા પાછા આવતા, પણ રમેશ પાસે કોઈ કામ નહોતું એટલે ટોળટપ્પા મારવાનું કામ તે આખો દિવસ કરતો અને રાત પડ્યે દારૂ પીવા માટે કંપની પણ શોધતો.
સોમચંદે ચિરાગના નામની પરમિટ કઢાવી લીધી એટલે ચિરાગ રમેશ આદિવાસી માટે દરરોજ મોંઘોદાટ દારૂ લઈને જવા માંડ્યો અને દારૂએ બન્ને વચ્ચે પાકી દોસ્તી કરાવી દીધી. જોકે એ બધામાં પણ પંદર દિવસ તો નીકળી જ ગયા.
શરૂઆતમાં ચિરાગે દારૂ પીતાં-પીતાં એવી વાતો શરૂ કરી કે જેથી રમેશની હિંમત ખૂલે અને રમેશની હિંમત ખૂલવા પણ માંડી, આ હિંમત ખાસ તો ત્યારે ખૂલી જ્યારે ચિરાગે કોઈ અઘોરીની હેલ્પ લેવાની વાત કરી.
‘અરે, છેને આપણી પાસે એક ઘરનો અઘોરી...’
‘પણ આ બધું કરવામાં ધ્યાન રાખવું પડે. વિશ્વાસુ હોય તો જ...’
‘વિશ્વાસુ એટલે એવો કે આપણે કહીએ તો અહીં બેસીને મારું શિવામ્બુ પણ પી લે અને કહું તો તે મારું...’
આગળનું ઇમેજિન કરતાં ચિરાગને ઊબકા આવી ગયા, પણ અત્યારે તેને ખુશી એ વાતની હતી કે તીર નિશાન પર લાગ્યું છે.
વધુ આવતી કાલે