અમદાવાદથી બાય રોડ આવેલા આનંદ અને અમૃતલાલ ભટ્ટની ગાડી એન. એમ. કૉલેજના ગેટ પર ઊભી રહી અને બાપ-બેટો ગાડીમાંથી બહાર આવ્યા.
ઇલસ્ટ્રેશન
‘હવે તમે નીકળો...’ આનંદ ભટ્ટે પપ્પાની સામે જોયું, ‘પ્રોસીજર તો બધી પૂરી થઈ ગઈ છે એટલે વાંધો નહીં આવે.’
‘અરે, એમ કંઈ હોય... અંદર આવવું પડે.’ પપ્પા અમૃતલાલ ભટ્ટે ડ્રાઇવરને કહ્યું, ‘એય રાખી દે ગાડી અહીં...’
ADVERTISEMENT
અમદાવાદથી બાય રોડ આવેલા આનંદ અને અમૃતલાલ ભટ્ટની ગાડી એન. એમ. કૉલેજના ગેટ પર ઊભી રહી અને બાપ-બેટો ગાડીમાંથી બહાર આવ્યા.
‘શું છે આનંદ, તને હજી વધારે ગતાગમ નથી.’ કૉલેજ તરફ જોતાં પપ્પાએ કહ્યું, ‘કાલથી કૉલેજ ચાલુ થવાની છે તો આજે હૉસ્ટેલમાં તારી રૂમ પણ અલૉટ થઈ જશે. એ પણ જોઈ લઉં અને બપોરે તારી સાથે જમીને ચેક કરી લઉં કે ફૂડ કેવું છે.’
‘એની જરૂર નથી...’ આનંદે સહેજ કંટાળા સાથે કહ્યું, ‘હું મૅનેજ કરી લઈશ.’
‘મૅનેજ તું કરીશ, પણ હું ન કરુંને?’ કૉલર સરખા કરતા હોય એમ ટાઇટ કરતાં પપ્પા બોલ્યા, ‘અમૃતલાલ ભટ્ટનો દીકરો છો, કંઈ હાલી-મવાલી થોડો છો? સારી સગવડ ન હોય તો અત્યારે ને અત્યારે આપણે ચેન્જ કરીને નીકળી જઈએ. આમ તો તારા માટે ફ્લૅટની વાત થઈ ગઈ છે. કદાચ એકાદ મહિનામાં ચાવી હાથમાં આવી જાય એટલે તારે ત્યાં જ શિફ્ટ થઈ જવાનું છે. શું છે મારે અને તારી મમ્મીને આવવું હોય તો વાંધો નહીંને?’
‘ના, પણ મારે આ એક્સ્પીરિયન્સ લેવો છે પપ્પા...’ આનંદે સહેજ અણગમા સાથે કહ્યું, ‘હું કહું નહીં ત્યાં સુધી હવે મારી જગ્યા ચેન્જ નહીં કરતા.’
‘જોઈએ...’
હૉસ્ટેલનું બિલ્ડિંગ શરૂ થઈ ગયું હતું અને અમૃતલાલનું ધ્યાન હવે એ દિશામાં હતું. તેમનો હાથ ખિસ્સામાં પહોંચી ગયો હતો અને આંગળીઓ ખિસ્સામાં રહેલી પાંચસોની કડક નોટની થપ્પીને સ્પર્શતી હતી.
‘સલામ સા’બ...’
વૉચમૅને જેવું મસ્તક નમાવ્યું કે અમૃતલાલના ખિસ્સામાંથી પાંચસોની પત્તી બહાર આવી ગઈ. આવું છેક ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી અમૃતલાલને લાગ્યું કે પૈસા આપવા જોઈએ. પપ્પા તો રિસેપ્શન કાઉન્ટર પર પણ પૈસા આપવાના મૂડમાં હતા, પણ કૉલેજના ટ્રસ્ટીને જોઈને તેમનો હાથ સહેજ અટકી ગયો. જોકે ટ્રસ્ટી ગયા પછી તે રિસેપ્શન પર બેઠેલા ભાઈને બક્ષિસ આપવાનું ચૂક્યા નહીં અને ટકોર પણ કરી લીધી...
‘આ મારો દીકરો... આનંદ ભટ્ટ. અહીં જ રહેવાનો છે. તમારી રીતે ધ્યાન રાખજો. આવીશ ત્યારે હું તમારું ધ્યાન રાખતો રહીશ...’
ક્લર્કે સહેજ સ્માઇલ કરીને હાથમાં આવેલી પાંચસોની નોટોની નાની થપ્પી ખિસ્સામાં મૂકી.
‘સર, હવે રૂમના ત્રણ જ ઑપ્શન છે.’
હૉસ્ટેલમાં કોઈ ઑપ્શન મળે નહીં એ આનંદ પણ સમજી ગયો હતો અને અમૃતલાલ પણ સમજી ગયા હતા. આ પેલી પાંચસોની પત્તીની કમાલ હતી.
‘જો હાઇટ પર જવું હોય તો પાંચમા માળા પર એક રૂમ છે, પણ એ રૂમનું AC ખરાબ છે... ચેન્જ થવામાં બે-ચાર મહિના નીકળી જશે તો આનંદબાબા હેરાન થશે.’
આનંદબાબા!
ક્લર્કે બરાબરની ચાપલૂસી શરૂ કરી દીધી હતી.
‘હું કહીશ કે સેકન્ડ ફ્લોર પરની જે રૂમ છે એ બેસ્ટ છે. રૂમ મોટી પણ છે અને એમાં બેડ પણ હમણાં જ નવો બનાવડાવ્યો...’
‘દીકરો તમારા હાથમાં મૂકું છું ત્યારે એમ જ સમજો બધું તમારા હાથમાં મૂકું છું.’ પપ્પાએ ગળામાં રહેલી ચેઇન પર હાથ ફેરવ્યો, ‘તમને સારામાં સારી લાગતી હોય એ રૂમ આપી દો. દીકરો માને તો-તો આવતા મહિને તેને પ્રાઇવેટ ફ્લૅટમાં જ શિફ્ટ કરવો છે.’
‘એવું નહીં કરતા સર...’
હાથમાં રૂમની ચાવી લઈને ઊભા થતા ક્લર્કને લાગ્યું કે તેની સાઇડ ઇન્કમ બંધ થઈ જશે.
‘એકાદ વર્ષ તો બાબાને અહીં જ રાખજો. શું છે, દેશભરમાંથી છોકરાઓ આવે છે તો સારું એક્સપોઝર મળશે અને તેને શીખવા પણ ઘણું મળશે.’
‘હં...’ મનમાં રહેલો વિચાર પપ્પાએ ક્લર્ક સામે મૂકી દીધો, ‘ભાઈ, આનો
રૂમ-પાર્ટનર કોણ છે?’
‘એ તો આપણે નીકળી ગયા એટલે જોવાનું રહી ગયું, પણ એમાં ટેન્શન ન કરો.’ ક્લર્કના હોઠના ખૂણેથી ટપકતી લાળ આનંદ સ્પષ્ટ જોઈ શકતો હતો, ‘હું છુંને, બાબાને રૂમ સારી લાગશે અને પાર્ટનરમાં નહીં મજા આવે તો પાર્ટનર ચેન્જ કરી આપીશ ને રૂમમાં મજા નહીં આવે તો રૂમનું કંઈક કરી આપીશ...’
આગળ ચાલતા ક્લર્કને જોઈને હૉસ્ટેલમાં રહેતા છોકરાઓ આઘાપાછા થવા માંડ્યા હતા. આ જોઈને પપ્પા મનોમન પોરસાતા હતા.
lll
ખટાક...
દરવાજો ખૂલી ગયો અને લગેજ સાથે આનંદ અને અમૃતલાલ ભટ્ટ રૂમમાં દાખલ થયા. રૂમ ખાસ્સી એવી મોટી હતી. ઑનલાઇન બુક થતી હોટેલની રૂમમાં રૂમની સાઇઝ લખી હોય છે. જો એ રીતે સાઇઝમાં જોઈએ તો પોણા બસો ફુટની એ રૂમ હતી. આ રૂમ કેમ આટલી મોટી એ વિચાર આનંદના મનમાં ઝબકી ગયો અને પપ્પાના મનમાં પણ.
‘આ રૂમ કેમ મોટી છે?’
‘ટ્રસ્ટીનું રેકમેન્ડેશન આવે તે સ્ટુડન્ટને આ રૂમ આપવાની હોય છે.’
‘ત્યાંથી કાલે બીજા કોઈનું નામ આવ્યું તો?’
‘એ ટેન્શન તમે નહીં કરો સર... બાબા હેરાન નહીં થાય.’ ક્લર્કે આનંદની સામે જોયું, ‘ડોનેશન સીટમાં આ રૂમ આપવાની જવાબદારી મારી છે. આપે બાબાનું ઍડ્મિશન ડોનેશન સીટ પર લીધું છેને?’
ડોનેશનની વાત આવતાં જ આનંદની નજર નીચી થઈ ગઈ. જોકે પપ્પાને એની કોઈ અસર નહોતી.
ટ્વેલ્થમાં માંડ પ૧ પર્સન્ટાઇલ સાથે પાસ થયેલા આનંદ ભટ્ટને તો મુંબઈની એન. એમ. કૉલેજમાં ઍડ્મિશન મળે એ કોઈ હિસાબે શક્ય નહોતું. ડોનેશનમાં પણ ઊંચા પર્સન્ટાઇલવાળાઓને જ ઍડ્મિશન મળતું, પણ પપ્પાએ પૈસાનો એવો તે જૅક લગાવ્યો કે આનંદને દેશની પૉપ્યુલર એવી કૉલેજમાં ઍડ્મિશન મળી ગયું.
મુંબઈ ભણવા આવવાની આનંદની કોઈ ગણતરી નહોતી; પણ હા, એટલું ક્લિયર હતું કે તે અમદાવાદમાં રહેવા નહોતો માગતો.
lll
‘પપ્પા, તમે વારંવાર પૈસા-પૈસા શું કરતા હો છો? દરેક વાતને પૈસાથી ન જોવાની હોય... કંઈક તો તમે સમજો.’
‘સમજવાનું મારે નહીં તારે છે... પૈસાની તાકાત કેવી હોય એ તને નથી ખબર ને શું કામ નથી ખબર, કહું?’ પપ્પાએ ગળામાં પહેરેલી ચેઇન પર હાથ ફેરવતાં જવાબ આપ્યો, ‘તું સોનાની ચમચી સાથે જન્મ્યો છો એટલે... તારે મહેનત કરવાની નથી આવી એટલે... બધું તને વગર માગ્યે મળે છે એટલે... જે દિવસે માગવું પડશે એ દિવસે સમજાશે કે તારો બાપ કહેતો એ સાચું હતું.’
આનંદ વધારે કંઈ કહે એ પહેલાં જ પપ્પાએ ફરમાન કરી દીધું...
‘તારે પેલી છોકરી સાથે નથી રખડવાનું... તે છોકરી તારા સ્ટેટસની નથી.’
‘તે છોકરી નહીં, તમે તેના સ્ટેટસના નથી...’
જવાબ આંનદની જીભ પર હતો, પણ તે બોલી નહોતો શક્યો.
lll
‘જો ભાઈ, તું એક વાતનું ધ્યાન રાખ એટલે તારી બધેબધી ચિંતા મારી...’ પપ્પાએ ક્લર્કના ખભા પર હાથ મૂક્યો, ‘મારો આનંદ અહીં હેરાન ન થવો જોઈએ. પહેલી વાર ઘરથી દૂર મોકલ્યો છે... તેને અમારી યાદ આવવી ન જોઈએ.’
પપ્પાએ ફરી ખિસ્સામાં હાથ નાખ્યો. આ વખતે તેમણે ખિસ્સામાં આંગળીથી નોટની ગણતરી નહોતી કરી એ આનંદે નોટિસ કર્યું હતું. ખિસ્સામાં હાથ નાખીને પપ્પાએ એકઝાટકે હાથ ખેંચી લીધો. હવે તેમના હાથમાં પંદરેક જેટલી પાંચસોની નોટ હતી.
‘આ રાખ... ને આને પણ....’ પપ્પા બેડ પર ગોઠવાયા, ‘તે માગે એ વ્યવસ્થા થઈ જવી જોઈએ ને જતી વખતે મારો ડાયરેક્ટ મોબાઇલ દેતો જઉં છું... ખર્ચો મને કહી દેવાનો, તરત મળી જશે...’
પપ્પા હવે જાય તો સારું...
lll
‘સર મળો... આ છે રાજ ત્રિપાઠી.’ ક્લર્કે રાજ સાથે ઓળખાણ કરાવતાં પપ્પાને કહ્યું, ‘વારાણસીથી આવ્યો છે. આ આનંદબાબા સાથે રૂમ શૅર કરશે.’
‘હં... વારાણસી ને પાછો ત્રિપાઠી... સારું છે.’ પપ્પાએ આનંદ સામે જોયું, ‘શીખતો રહેજે આની પાસેથી વેદ-બેદ...’
‘જી...’
‘અલ્યા રાજ, તુમ લોગ પૂરે દિન પઢાઈ મેં ખર્ચ મત કરના...’ પપ્પાએ બારીની બહાર નજર કરી, ‘મુંબઈ આવ્યા છો તો મોજમસ્તી પણ કરજો. અમારો બાપો તો અમને આવું નહોતો કહેતો, પણ હું તમને કહું છું. આનંદને લઈ જજે, ડાન્સબારમાં.’
‘સર, એ તો બંધ થઈ ગયાને?’
રાજે જવાબ આપ્યો કે તરત પપ્પા બોલ્યા, ‘શું બંધ થઈ ગયા, દહિસર ચેકનાકા પર ચાલુ જ છે... જજો ત્યાં...’
બોલી લીધા પછી તરત જ પપ્પા પોતે ઝાંખા પડી ગયા. તેમને સમજાઈ ગયું હતું કે પોતે બફાટ કરી નાખ્યો છે.
‘ચાલો, હું નીકળું... મારે હજી સિટીમાં એક-બે મીટિંગ પતાવવાની છે.’
પપ્પાએ આનંદ સામે જોયું, પણ આ વખતે તે નજર નહોતા મિલાવી શક્યા.
‘કાલે બપોર સુધીમાં હું અમદાવાદ પહોંચી જઈશ...’
lll
‘આનંદ, તને વાંધો ન હોય તો હું મારી રૂમ ચેન્જ કરું?’ પહેલા દિવસની સાંજે જ રાજ આનંદ પાસે આવ્યો, ‘ઍક્ચ્યુઅલી, મને તારી સાથે રહેવામાં પ્રૉબ્લેમ નથી, પણ બીજો પ્રૉબ્લેમ છે. હું સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં છું અને મેં અત્યાર સુધી હિન્દી મીડિયમમાં સ્ટડી કરી છે. જો મારી સાથે મારી જ ફૅકલ્ટીની કોઈ વ્યક્તિ હશે તો મને ફરક પડશે. હું અત્યારથી પ્રિપરેશન કરી શકીશ.’
‘અરે, વાંધો નહીં...’ આનંદે સહજતા સાથે કહ્યું, ‘તું તારે જઈ શકે છે. તારી મરજી. આપણે ફ્રેન્ડ્સ તો રહેવાના જને!’
‘યસ બ્રો...’ રાજ આનંદને ભેટ્યો, ‘તને કંટાળો આવે તો તું મારી રૂમમાં આવી જજે. મારો રૂમ-પાર્ટનર પુણેનો છે. મસ્ત જૉલી છે.’
lll
એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ.
આનંદને હજી સુધી કોઈ રૂમ-પાર્ટનર મળ્યું નહોતું.
એકાદ વાર તો ક્લર્કે સામેથી આવીને કહી પણ દીધું હતું કે ‘તમે એમ જ માનો કે આ વર્ષે તમારા એક માટે જ આ રૂમ છે. કદાચ અહીં બીજું કોઈ નહીં આવે.’
‘કન્ફર્મ છે?’
‘નવાણું પોઇન્ટ નવાણું ટકા પાકું જ છે.’ ક્લર્કે કહ્યું, ‘એક છોકરો છે જેનું ઍડ્મિશન થઈ ગયું છે, પણ તેણે હજી સુધી ફી નથી ભરી એટલે કદાચ હવે ઍડ્મિશન કૅન્સલ થઈ જશે.’
‘એ સીટ પર બીજા કોઈને ઍડ્મિશન નહીં મળે?’
‘મળે, પણ તેને તમારી રૂમ ન મળે...’ ક્લર્કે સમજાવ્યું, ‘હવે જેને ઍડ્મિશન મળશે તે મુંબઈનો સ્ટુડન્ટ જ હશે એટલે સ્વાભાવિક રીતે તેણે તો ઘરે જ જવાનું હોય.’ પપ્પાના પૈસા પર નજર માંડીને બેઠેલા ક્લર્કે સ્માઇલ સાથે કહ્યું, ‘બસ, હવે તમે આ રૂમના એકલા રાજા... મજા કરો.’
lll
‘સૉરી હોં... તમને અત્યારે જગાડ્યા...’
રાતે અઢી વાગ્યે આનંદે રૂમનો દરવાજો ખોલ્યો કે તરત તેનો હમઉમ્ર રૂમમાં ઘૂસ્યો. તેની પાસે બે થેલા હતા. બાવા આદમના જમાનામાં વપરાતા એવા. એ થેલા પર લખવામાં આવેલું કો-ઑપરેટિવ બૅન્કનું નામ કહેતું હતું કે બન્ને થેલા ફ્રીમાં આવ્યા છે.
‘આપણે પછી વાત કરી... પહેલાં મને છેને બરાબરની લાગી છે...’ ટચલી આંગળી દેખાડતાં તે છોકરાએ કહ્યું, ‘કિડની ખાલી કરીને આવું...’
આનંદ કંઈ કહે કે પૂછે એ પહેલાં તે છોકરો બાથરૂમમાં ઘૂસી ગયો. તેણે બાથરૂમનો ડોર બંધ કરવાની પણ પરવા નહોતી કરી.
હાશ...
ખાલી થતી કિડનીને કારણે છોકરાના મોઢામાંથી નીકળી ગયેલો હાશકારો આનંદને સ્પષ્ટ સંભળાયો અને આનંદના ફેસ પર સ્માઇલ આવી ગયું.
(ક્રમશ:)


