કફ પરેડના આલીશાન ફ્લૅટમાં કૅન્સર પીડિત મીરા સંઘવીનું મોત થતાં તેને કુદરતી મોત માનવામાં આવ્યું, પરંતુ ડિટેક્ટિવ સોમચંદને શંકા ગઈ. તપાસમાં મૉર્ફિન ઓવરડોઝ અને ઇન્શ્યૉરન્સ માટે હત્યાનું કાવતરું સામે આવ્યું.
ઇલસ્ટ્રેશન
દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં અરબી સમુદ્ર તરફ ખૂલતી અઢારમા માળની આલીશાન બાલ્કની પર ઊભા રહો તો શહેરનો ઘોંઘાટ પણ ગજબનાક મૌન ગૂંગળામણમાં ફેરવાઈ જતો લાગે. સાગર તરંગ અપાર્ટમેન્ટના ફ્લૅટ-નંબર ૧૮૦૨માં એ સવારે એવી જ એક સૂનકારભરી સ્તબ્ધતા છવાયેલી હતી. બહાર સમુદ્રી પવનની ખારી મહેક હતી, પણ આલીશાન ડ્રૉઇંગરૂમની અંદર મોંઘા અત્તર અને ફિનાઇલ વચ્ચે મોતની ગંધ પ્રસરેલી હતી.
માસ્ટર બેડરૂમના વિશાળ બેડ પર મીરા સંઘવીનો પાર્થિવ દેહ પડ્યો હતો. શરીર હાડપિંજર જેવું સુકાઈ ગયેલું, ચહેરો પીળો અને હોઠ સહેજ ભૂરા. છેલ્લાં બે વર્ષથી કૅન્સર સામે ઝઝૂમતી મીરાની આ સ્થિતિ કોઈના માટે આશ્ચર્યજનક નહોતી. રૂમમાં રાખેલી દવાઓની હારમાળા, ઑક્સિજન સિલિન્ડર અને સલાઇનની બૉટલનું પાઇપિંગ જોઈને પોલીસ-ઇન્સ્પેક્ટર ભોસલેએ પહેલી નજરે જ પોતાનો ચુકાદો મનમાં બાંધી લીધો હતો.
કૅન્સરની દરદી, લાંબી બીમારી, મલ્ટિપલ ઑર્ગન ફૅલ્યર, કુદરતી મોત.
રૂમના ખૂણામાં આરામખુરસી પર મુંબઈની સેશન્સ કોર્ટના જાણીતા અને બાહોશ સિનિયર ઍડ્વોકેટ દેવેન સંઘવી બેઠા હતા. તેમની આંખો લાલચોળ હતી, ચહેરા પર અસહ્ય થાક અને પત્નીને ગુમાવ્યાનો ઊંડો આઘાત સ્પષ્ટ વર્તાતો હતો. લિનનના સફેદ કુરતામાં દેવેનની નજર ક્યારેક છતને તાકતી તો ક્યારેક નિર્જીવ પત્નીના ઠંડા શરીર પર ગોઠવાતી.
બરાબર સવારે ૧૦.૩૦ વાગ્યે બે વ્યક્તિ ઘરમાં આવી.
એક હતા પબ્લિક પ્રૉસિક્યુટર સુહાસ પાટીલ. દેવેનના કોર્ટના જૂના જોગી, પણ વર્ષો જૂના અદાલતી પ્રતિસ્પર્ધી પણ. સુહાસ સાથે ચાલીસેક વર્ષના ડિટેક્ટિવ સોમચંદ. સોમચંદે જીન્સ અને વાઇટ શર્ટ પહેર્યાં હતાં. છેલ્લા ઑલમોસ્ટ એક દશકનો નિયમ બની ગયો હતો કે મુંબઈ પોલીસ જે ઉકેલી ન શકે એવા કેસમાં સુહાસ પાટીલ તેને પોતાની સાથે લઈ લેતા. આજે પણ એવું જ થયું હતું.
lll
‘સોમચંદ, ઍડ્વોકેટ દેવેન સંઘવીની વાઇફનું ડેથ થયું છે...’
‘પત્નીઓ તો ઘણાની મરે છે...’
‘આ દેવેનની વાઇફ છે...’ સુહાસે ચોખવટ કરી, ‘દેવેન જેટલો શાતિર ઍડ્વોકેટ કોઈ નથી. તારું ત્યાં આવવું જરૂરી છે.’
‘ઠીક છે, લોકેશન મોકલો. હું સીધો ત્યાં જ પહોંચું છું.’
lll
‘દેવેન, આઘાતજનક સમાચાર મળ્યા એટલે હું સીધો અહીં આવ્યો.’
સુહાસ પાટીલે ઔપચારિક દિલાસો વ્યક્ત કર્યો.
‘લાંબા સમયથી બહુ પીડામાં હતી. કદાચ ઈશ્વરે જ તેને મુક્ત કરી દીધી...’ દેવેનની આંખમાં પાણી આવી ગયાં, ‘પણ... પણ તો બધું લૂંટાઈ ગયું દોસ્ત...’
જ્યારે ડ્રૉઇંગરૂમમાં આ વાતો ચાલતી હતી ત્યારે સોમચંદની નજર રૂમમાં ફરતી હતી. દીવાલો, પડદા, દવાઓનાં બૉક્સ અને સ્ટ્રિપ્સનો ઢગલો અને એ બધા પરથી નજર ધીમે રહીને પલંગની બાજુમાં પડેલા સાઇડ-ટેબલ પર અટકી. ટેબલ પર અડધો ભરેલો પાણીનો ગ્લાસ હતો જેમાં તળિયે સાવ આછો, સફેદ પદાર્થ જામી ગયેલો દેખાતો હતો. બાજુમાં ડસ્ટબિન પડ્યું હતું. ખિસ્સામાંથી મોજાં કાઢીને સોમચંદ ડસ્ટબિનમાં પડેલાં કાગળિયાં અને દવાની ખાલી પટ્ટીઓ સાવધાનીથી ફેંદવા લાગ્યો.
સોમચંદે નોંધી લીધું હતું કે મૉર્નિંગની નર્સ હજી આવી નહોતી, પણ રસોડામાંથી વાસણોનો ધીમો ખડખડાટ ચાલુ હતો. ઘરની જૂની કામવાળી કાંતાબહેન રસોડાના દરવાજે બેસીને સાડીના છેડાથી આંસુ લૂછતાં હતાં.
ઇન્સ્પેક્ટર ભોસલેએ ફાઇલ બંધ કરી.
‘પાટીલસાહેબ, પંચનામું પૂરું થયું. ડૉક્ટર પણ કહે છે કે કૅન્સર લાસ્ટ સ્ટેજમાં હતું. અમે લાશને સીધી અંતિમ સંસ્કાર માટે...’
‘ઇન્સ્પેક્ટર, એક મિનિટ...’
સોમચંદનો ધીમો પણ વજનદાર અવાજ રૂમમાં પ્રસરી ગયો. તેણે ડસ્ટબિનમાંથી એક વસ્તુ ઉપાડી હતી. સફેદ રંગના એ પાઉચનો ખૂણો કાતરથી સફાઈપૂર્વક કાપેલો હતો.
દેવેન સંઘવીએ સહેજ ચમકીને સોમચંદ તરફ જોયું.
‘શું છે આ સોમચંદ?’ સુહાસના પ્રશ્નમાં ઉત્સુકતા હતી, ‘કંઈ ખાસ...’
‘સુહાસ, જો આ નૅચરલ ડૅથ હોત તો આ મેડિકલ વેસ્ટમાં ઍનેસ્થેસિયા અને પેઇન મૅનેજમેન્ટમાં વપરાતી પ્રોહિબિટેડ ડ્રગનું કવર ન હોત.’ સોમચંદે પાઉચને પ્રકાશ સામે ધરતાં કહ્યું, ‘આ પાણીનો ગ્લાસ જો. એના તળિયે સફેદ પાઉડર દેખાય છે એ પાણીના ક્ષાર નથી. આ બધું ફૉરેન્સિકમાં જશે અને બૉડી પોસ્ટમૉર્ટમ માટે જે. જે. હૉસ્પિટલમાં જશે.’
દેવેન સંઘવીનો ચહેરો તગતગી ગયો.
‘મિસ્ટર... મારી પત્ની વર્ષોથી કૅન્સર પેશન્ટ હતી, રિબાતી હતી. તમે તેની બૉડીની ચીરફાડ કરીને શું સાબિત કરવા માગો છો? જરાક તો માણસાઈ રાખો...’
‘કોર્ટ માણસાઈમાં નહીં, પુરાવામાં માને છે મિસ્ટર દેવેન...’
સોમચંદે ઇન્સ્પેક્ટર ભોસલે સામે ઇશારો કર્યો અને ભોસલેએ શબવાહિની માટે જે. જે. હૉસ્પિટલમાં ફોન જોડી દીધો.
સાંજ પડતાં સુધીમાં સામાન્ય બીમારીના મોતનો કેસ રહસ્યમય કાવતરાના ધુમ્મસમાં લપેટાઈ ગયો હતો.
lll
‘મિસ્ટર પાટીલ, સોમચંદની શંકા સાચી છે.’ ડૉ. કામતે ટેબલ પર ઍક્સ-રે અને બ્લડ ટૉક્સિકોલૉજીનો રિપોર્ટ મૂક્યા, ‘મીરા સંઘવીને થર્ડ સ્ટેજ કૅન્સર હતું અને તેની પાસે કદાચ બે-ત્રણ મહિનાનો સમય હતો, પણ મીરાનું મોત કૅન્સર કે શ્વાસ રૂંધાવાથી નથી થયું. તેના લોહીમાં મૉર્ફિન અને હાઇડ્રોકોડોન નામના અત્યંત ઘાતક સેડેટિવ પાઉડરની એટલી માત્રા મળી છે જે હાથીને પણ ઊંઘમાં જ હાર્ટ-અટૅક લાવી દેવા પૂરતી છે.’
સુહાસ પાટીલની આંખો પહોળી થઈ ગઈ.
‘મતલબ... ઇટ વૉઝ નૉટ અ
નૅચરલ ડેથ?’
‘બિલકુલ નહીં...’ ડૉક્ટરે ભારપૂર્વક કહ્યું, ‘આ મૉર્ફિન ઓવરડોઝની અસર છે અને સૌથી મોટી વાત કે આટલો મોટો ડોઝ કૅન્સરના કોઈ પેશન્ટને ક્યારેય આપવામાં ન આવે. આ દવાને લીધે મીરાનું હાર્ટ ધીમે-ધીમે બંધ થયું. ઇટ ઇઝ અ ક્લિયર કેસ ઑફ પૉઇઝનિંગ...’
ઍડ્વોકેટ સુહાસે તરત જ સોમચંદ સામે જોયું. બન્નેની આંખો કહેતી હતી કે કફ પરેડના એ ફ્લૅટમાં કોઈ સામાન્ય દરદીનું મોત નહોતું થયું, પણ અત્યંત ઠંડા કલેજે રચાયેલું એક મર્ડર હતું.
‘હવે આપણે એ ઘરમાં પાછા જવું પડશે...’ સોમચંદે સુહાસના ખભા પર હાથ મૂક્યો, ‘દવા કોણે આપી એનો જવાબ એ બંધ રૂમમાં જ છુપાયેલો છે સુહાસ.’
lll
સોમચંદ અને પ્રૉસિક્યુટર પાટીલ ફરી કફ પરેડના ફ્લૅટ પર પહોંચ્યા ત્યારે રાતના ૮ વાગ્યા હતા. દેવેન પોતાના સ્ટડીરૂમમાં બેઠો હતો. સોમચંદ સીધો કિચનમાં ગયો, જ્યાં કાંતાબહેન ચા બનાવતાં હતાં. અંદર જઈને સોમચંદે સીધો દરવાજો અંદરથી બંધ કર્યો અને એક ખુરસી ખેંચીને કાંતાબહેનની સામે ગોઠવાયા.
‘કાંતાબેન...’ સોમચંદના અવાજમાં ગંભીરતા હતી, ‘તમે આ ફૅમિલી સાથે છેલ્લાં ૧૫ વર્ષથી કામ કરો છો, મીરા તમને પોતાની મા સમાન ગણતી...’
કાંતાબહેનની આંખો ભરાઈ આવી.
‘હા ભાઈ... મીરા મારી દીકરી જેવી હતી. બિચારી બહુ રિબાતી હતી.’
‘તો પછી કાલે રાત્રે તમે જે જોયું એ પોલીસને કેમ કહ્યું નહીં?’ સોમચંદનો અવાજ અચાનક ધારદાર બન્યો, ‘રાતે ૧૨ વાગ્યાની આસપાસ તમે કિચનમાં પાણી પીવા આવ્યાં, બરાબર? તમારા રૂમનો દરવાજો કિચનની બરાબર સામે જ છે.’
કાંતાબહેનનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના હાથમાંથી ચાની ગળણી છટકી ગઈ.
‘ના... સાહેબ, મેં, મેં... કંઈ
નહોતું જોયું.’
‘કાંતાબહેન, મીરાને ઝેર આપવામાં આવ્યું છે.’ સોમચંદે સીધો પ્રહાર કર્યો, ‘જો તમે સાચું નહીં બોલો તો પોલીસ માનશે કે તમે પણ આમાં સામેલ છો. નક્કી તમારે કરવાનું છે. ગુનેગાર સાથે જેલમાં જવું કે પછી સત્યનો સાથ આપીને મીરાને ન્યાય અપાવવો છે?’
બે હાથ જોડીને કાંતાબહેન ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં.
‘ના સાહેબ, મેં કંઈ નથી કર્યું. હું તો રાતે ૧૨ વાગ્યે પાણીની બૉટલ ભરવા નીકળી ત્યારે મેં... મેં મોટા સાહેબને જોયા.’
‘દેવેન?’
‘હા, દેવેનસાહેબ...’ કાંતાબહેને ડરતાં-ડરતાં ફોડ પાડ્યો, ‘સાહેબ રસોડાના પ્લૅટફૉર્મ પાસે ઊભા હતા. તેમણે કાચના ગ્લાસમાં પાણી ભર્યું અને પોતાના ખિસ્સામાંથી એક નાની પડીકી કાઢી. એ સફેદ પાઉડર તેમણે ચમચીથી ગ્લાસમાં હલાવીને ઓગાળ્યો. મેં પૂછ્યું કે સાહેબ, હું મદદ કરું? તો તેમણે ગુસ્સે થઈને કહ્યું તમે સૂઈ જાઓ, મીરાને દુખાવો ઊપડ્યો છે, હું દવા આપું છું.’
‘પછી શું થયું?’
‘સાહેબ એ ગ્લાસ લઈને બેનના રૂમમાં ગયા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. સવારે... સવારે મીરાબેન ઊઠ્યાં જ નહીં...’
સોમચંદના ચહેરા પર વિજય અને આઘાતના મિશ્ર ભાવ તરી આવ્યા. ક્રાઇમ સીન પર આરોપીની હાજરી, હાથમાં ઝેરનો ગ્લાસ અને મરનાર સાથે બંધ બારણા પાછળ વિતાવેલી છેલ્લી પળો. કાંતાબહેનની આ જુબાની દેવેન સંઘવીને ફાંસીના માંચડા સુધી લઈ જવા માટે પૂરતી હતી, પણ સોમચંદ હજી સંતુષ્ટ નહોતા. તેને ખબર હતી કે દેવેન સંઘવી મુંબઈના ટોચના વકીલ છે. કોઈ બાહોશ વકીલ પોતાની પત્નીને મારવા માટે આટલી બેદરકારી દાખવે? આટલા ખુલ્લા પુરાવા છોડે? આ હત્યા પાછળનો મોટિવ શું હોઈ શકે? માત્ર બીમારીથી છુટકારો? ના, આટલો મોટો વકીલ માત્ર છુટકારા માટે હત્યા જેવું જોખમ ન ઉઠાવે.
lll
કિચનમાંથી સોમચંદ સીધા દેવેનના આલીશાન સ્ટડીરૂમમાં ગયા. દેવેન સામે જોયા વિના જ સોમચંદે રૂમમાં પડેલી તિજોરી, લૅપટૉપ અને ટેબલનાં ડ્રૉઅર્સ તપાસવા માંડ્યા.
‘મિસ્ટર સોમચંદ, તમારી પાસે સર્ચ વૉરન્ટ છે?’
ચૅર પર બેસીને બુક વાંચવાનો પ્રયાસ કરતા દેવેનનો પીઠ પાછળથી અવાજ આવ્યો.
‘વૉરન્ટ રસ્તામાં છે સંઘવીસાહેબ...’
જવાબ સુહાસ પાટીલે આપ્યો અને સોમચંદે પોતાની શોધવાની પ્રક્રિયા
ચાલુ રાખી.
ટેબલના નીચેના ડ્રૉઅરમાંથી કેટલીક બૅન્ક-નોટિસો, શૅરબજારના ડિફૉલ્ટ લેટર્સ અને લાલ રંગની એક ફાઇલ બહાર નીકળી. એ ફાઇલના પેપર્સ જેમ-જેમ સોમચંદ ઉથલાવતો ગયો એમ-એમ તેના ચહેરા પરનો સંશય સંતોષમાં પલટાતો ગયો.
‘અદ્ભુત મિસ્ટર સંઘવી...’ સોમચંદે ફાઇલ ટેબલ પર પછાડી. ‘દુનિયા તમને સૌથી ધનિક અને સફળ વકીલ માને છે, પણ આ કાગળો તો કંઈક જુદું જ કહે છે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની પ્રૉપર્ટી ડીલમાં તમારા ૪૦ કરોડ રૂપિયા ડૂબ્યા. શૅરબજારના ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં તમે ગળાડૂબ દેવાંમાં છો. વ્યાજે પૈસા લીધા છે એ લોકોને વ્યાજ પણ પહોંચાડ્યું નથી. રોજ એની ધમકીઓ આવે છે. તમારી સંપત્તિ, આ ફ્લૅટ પણ બૅન્કમાં ગિરવી છે.’
દેવેન સંઘવીના હોઠ સુકાઈ ગયા. તેનો આત્મવિશ્વાસ પહેલી વાર તૂટતો દેખાયો.
‘સુહાસ, આ જો...’ સોમચંદે ફાઇલમાંથી પૉલિસી ડૉક્યુમેન્ટ બહાર કાઢીને હવામાં લહેરાવ્યો. ‘એક્ઝૅક્ટ ૬ મહિના પહેલાં મીરાનો ઇન્શ્યૉરન્સ લેવામાં આવ્યો.’
‘કૅન્સર પછી પણ ઇન્શ્યૉરન્સ...’
‘હા... હવે ઇન્શ્યૉરન્સ કંપનીને પણ કમાણી કરી લેવી છે.’ સોમચંદે વાત આગળ વધારી, ‘દેવેન સંઘવીએ મીરાની જે પૉલિસી લીધી એમાં એક જ પૉઇન્ટ કવર થતો હતો અને એ હતો નૅચરલ ડેથ અને કાં તો મર્ડર. જો નૅચરલ ડેથ થાય તો કંપની દેવેનને અઢી કરોડ રૂપિયા આપે અને જો ઍક્સિડેન્ટલ ડેથ થાય તો મળે પૂરા પચીસ કરોડ...’
સુહાસ પાટીલની આંખો ફાટી ગઈ.
સોમચંદે દેવેનના ખભા પર હાથ મૂકીને સુહાસની સામે જોયું.
‘દેવેન સંઘવીને ખબર હતી કે કૅન્સરથી મીરા મરશે તો મામૂલી ક્લેમ મળશે અને જો મીરા સુસાઇડ કરી લે તો ક્લેમ નહીં મળે એટલે તેણે પોતે જ મીરાનું મર્ડર કરવાનો પ્લાન કર્યો... ફરક એટલો પડ્યો કે તે ખુલ્લો પડી ગયો.’
‘તમે જે વાત કરો છો એનું પ્રૂફ...’
‘પ્રૂફ વિના તો આ સોમચંદ પ્રાર્થના પણ કરતો નથી મિસ્ટર દેવેન...’ ડિટેક્ટિવ સોમચંદે આગળ વધીને દેવેન સંઘવીના બન્ને હાથ પકડી લીધા, ‘કાંતાબેને તમને રાત્રે ઝેરનો ગ્લાસ લઈને જતા જોયા છે. મોટિવ સ્પષ્ટ છે, પુરાવા હાજર છે.’
સુહાસ પાટીલે બહાર ઊભેલા ઇન્સ્પેક્ટર ભોસલે તરફ જોઈને આદેશ આપ્યો.
‘ઇન્સ્પેક્ટર, અરેસ્ટ હિમ. ઍડ્વોકેટ દેવેન સંઘવીની પોતાની પત્ની મીરા સંઘવીની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવે છે.’
હાથકડીનો અવાજ શાંત રૂમમાં ગુંજી ઊઠ્યો. કફ પરેડના આલીશાન ફ્લૅટનો મેઇન ડોર કાયદાના સકંજા સાથે બંધ થયો. દેવેન સંઘવીના ચહેરા પર અકળ, રહસ્યમય મૌન છવાઈ ગયું. જાણે આ ધરપકડ તેમની હાર નહીં પણ રમતની માત્ર પહેલી ચાલ હતી.
(ક્રમશ:)
