‘અસલી માણસ તે જેણે આ આખી રમત ઊભી કરી...’ રાનુએ ફોટોમાં રહેલાં બન્ને બાળકો તરફ આંગળી ચીંધી, ‘તમે પેલા બે છોકરાઓ દેવા અને મીનુને શોધો છોને? તે બન્ને તો વેચાઈ ગયા તેમને જે લોકો રેલવે-સ્ટેશન પરથી બાળકો ઉપાડે છે.’
ઇલસ્ટ્રેશન
રાતે ૧૦ વાગ્યે પણ કાંદિવલી
પોલીસ-સ્ટેશનમાં ધમધમાટ ચાલુ હતો. બહાર વરસી રહેલા ધોધમાર વરસાદના અવાજ વચ્ચે લૉક-અપની જાળીઓ પાછળ રહેલો માણસ ધ્રૂજતો હતો. જેને અત્યાર સુધી પોલીસ રાજુ સમજતી હતી તે હકીકતમાં રાજુનો નાનપણનો ભાઈબંધ રાનુ નીકળ્યો હતો અને એ રાજુનાં વૃદ્ધ માબાપ અને તેની બહેન પાસેથી ખબર પડી હતી.
ADVERTISEMENT
‘બોલ...’
રાનુ કંઈ બોલે એ પહેલાં તેના પગનાં ખુલ્લાં તળિયાં પર લાકડીનો ફટકો પડ્યો.
સટાક...
રાનુએ ચીસ પાડવી હતી, પણ તેના મોઢામાં તેનું જ શર્ટ ડૂચો કરીને નાખી દેવામાં આવ્યું હતું એટલે તે ચીસ પણ પાડી શક્યો નહીં.
ઇન્સ્પેક્ટર સુરેશ સાળુંકેના ચહેરા પર ગુસ્સો હતો. તેણે ફરી લાકડી પર પકડ મજબૂત કરી અને રાડ પાડી...
‘જવાબ દે...’
સાળુંકેએ નવો ફટકો મારવા હાથ ઉગામ્યો અને એ જ વખતે ડિટેક્ટિવ સોમચંદે તેનો હાથ પકડી લીધો.
‘શાંત સાળુંકે શાંત...’ સોમચંદે રાનુ તરફ મર્મભરી નજર કરી, ‘આ જેટલો સીધો દેખાય છે એટલો છે નહીં. તેણે બહુ સમજી-વિચારીને પોતાનાં પાનાં ગોઠવ્યાં છે.’
‘તો શું આપણે બેસી રહેવાનું?’
‘ના...’ નકારમાં મસ્તક ધુણાવતાં સોમચંદે સાળુંકેની સામે જોયું,
‘આ હરામખોરને તેની જાળમાં જ
લેવો પડશે.’
સોમચંદે રાનુની આંખોમાં
આંખો જોયું.
‘રાનુ, તારી પાસે બે ઑપ્શન છે. એક તો આ સાળુંકેના હાથનો માર ખાઈને સાચું બોલ અને બીજો ઑપ્શન...’ સોમચંદે રાનુના ગાલ પર હાથ ફેરવ્યો, ‘સીધેસીધું ફટાફટ બોલવા માંડ કે રાનુએ રાજુ શું કામ બનવું પડ્યું, ચાલ બોલ...’
લૉક-અપના ઝાંખા પીળા બલ્બના પ્રકાશમાં રાનુનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના કપાળ પર પરસેવાનાં ટીપાં વળી ગયાં. તે સમજી ગયો કે સોમચંદ સામે ટકવું અઘરું છે.
‘ઉંઉંઉં...’ મોઢામાં શર્ટ ખોસાડી રાખ્યું હોવાથી રાનુ બોલી નહોતો શકતો, ‘ઉંઉંઉં...’
સોમચંદે ઝાટકો મારીને શર્ટ ખેંચી લીધું અને રાનુના મોઢામાંથી રાડ
નીકળી ગઈ.
‘એય, ઊંહકારા પછી કરજે... ચાલ, પહેલાં બોલવા માંડ.’
‘સાહેબ, હું... હું આરોપી નથી. મેં... મેં કંઈ નથી કર્યું.’
‘તું રાજુ કેમ બન્યો?’
‘એટલે કે સાહેબ, હું બહુ ડરી ગયો હતો.’ રાનુની આંખોમાં આંસુ હતાં, ‘મને ખબર હતી કે રાજુ પકડાશે તો તે મારું નામ આપશે અને પછી પોલીસ મારું કંઈ સાંભળશે નહીં એટલે... મેં મારું નામ રાજુ દઈ દીધું.’
‘માત્ર નામ જ ખોટું આપ્યું હતું કે બધી વાત પણ ખોટી કરી...’
‘ના સાહેબ ના...’ રાનુએ હાથ જોડ્યા, ‘શોભા સાથે મારો સંબંધ હતો એ વાત સાચી છે. રાજુ બહુ દારૂ પીતો એ પણ સાચું છે, પણ... પણ પાંચ દિવસ પહેલાં જે થયું એમાંથી મેં તમને અડધી જ વાત કરી છે.’
‘ચાલ, આખી વાત કરી દે અને સાંભળ...’ સોમચંદે તાકીદ કરી, ‘હવે ખોટું બોલ્યો છે તો જીવવા જેવો નહીં રહે... બોલ ફટાફટ.’
રાનુએ ફરી વાત શરૂ કરી...
‘સાહેબ, પાંચ દિવસ પહેલાં રાતે રાજુ ચાલીની રૂમમાં પાછો આવ્યો જ નહોતો. મેં જે તમને કીધું કે રાજુ બાળકોને લઈને ભાગી ગયો એ ખોટું હતું. અસલમાં... અસલી રાજુ તો છેલ્લા બે મહિનાથી મુંબઈમાં હતો જ નહીં.’
સોમચંદ અને સાળુંકે એકબીજા સામે જોવા લાગ્યા.
‘તો પછી પાંચ દિવસ પહેલાં શોભાને ઝઘડો કોની સાથે થયો?’
‘કહું સાહેબ, હવે બધેબધું કહું...’ રાનુએ જવાબ આપ્યો, ‘બે મહિના પહેલાં રાજુ અને શોભા વચ્ચે પૈસા માટે કજિયો થયો અને રાજુ ઘરમાંથી એવું કહીને નીકળી ગયો કે તે હવે ક્યારેય પાછો નહીં આવે. તેના ગયા પછી શોભા એકલી પડી ગઈ. તેણે મને ફોન કરીને રૂમે આવવા કહ્યું. એ પછી હું ત્યાં રોકાઈ ગયો. પાંચ દિવસ પહેલાં જે રાતે ચાલીના લોકોએ ઝઘડો સાંભળ્યો, એ મારી અને શોભા વચ્ચે થયો હતો.’
‘કારણ શું?’
‘શોભા મારી પાસે પૈસા માગતી હતી. તેને ધરમપુર પાછા જવું હતું, પણ મને શોભાની આદત પડી ગઈ હતી અને સાચું કહું તો મારી પાસે પૈસા પણ નહોતા એટલે મેં તેને ના પાડી અને તેણે ખીજમાં મને ધમકી આપી કે જો હું પૈસા નહીં આપું તો તે મારા પર બળાત્કારનો કેસ કરશે. અમારી વચ્ચે બોલાચાલી વધી ગઈ અને મેં ગુસ્સામાં તેને ખાલી એક ધક્કો માર્યો. ખાલી એક જ ધક્કો, વધારે કંઈ નહીં સાહેબ.’ રાનુનો હાથ અનાયાસ જ ગરદન પર સમ ખાવા માટે પહોંચી ગયો હતો, ‘અચાનક ધક્કો લાગવાથી શોભા પડી ગઈ અને બારી પાસે પડેલી લાકડાની પેટી સાથે ભટકાઈને નીચે પડી ગઈ. તેને માથામાંથી લોહી નીકળવા માંડ્યું, જે જોઈને હું બી ગયો. થોડી વાર માટે તેને તમ્મર ચડી ગઈ હતી એટલે તે બેહોશ થઈ ગઈ. બીકના માર્યા હું રૂમને તાળું મારીને ધરમપુર ભાગી ગયો. મને નહોતી ખબર સાહેબ કે તે મરી જશે અને કોઈ તેને કૂવામાં નાખી દેશે.’
સાળુંકેએ સોમચંદ સામે જોયું.
‘સોમચંદ, જો રાનુએ માત્ર ધક્કો માર્યો હતો અને તે ધરમપુર ભાગી ગયો તો પછી શોભાનું ગળું કોણે દબાવ્યું અને તેની લાશ કૂવામાં કોણે ફેંકી?’
‘હં...’ સોમચંદે અનુમાનને આગળ વધાર્યું, ‘એ બધાની સાથોસાથ બે વાત સૌથી અગત્યની છે સાળુંકે. પહેલી, રાજુ જો ઘરે નથી આવ્યો તો તે ક્યાં ગુમ છે અને ધારો કે તે ઘરે આવ્યો છે તો છોકરાઓને લઈને ક્યાં ગાયબ થયો છે?’
‘રાજુના તારી પાસે કોઈ ખબર...’ સવાલ પૂછતાં પહેલાં સાળુંકેએ રાનુના ગાલ પર ચમકારો આપી દીધો હતો. ‘છેલ્લે તેણે કોઈએ જોયો હોય કે કોઈ તેને મળ્યું હોય...’
‘સાચું-ખોટું મને નથી ખબર સાહેબ, પણ... ધરમપુરમાં મેં એવું સાંભળ્યું કે છેલ્લે તે વસઈમાં કોઈને મળ્યો હતો.’
‘સાળુંકે, વસઈ પોલીસમાં ફોન કર, કહે સવારે આપણે આવીએ છીએ.’
સોમચંદ શાહ લૉક-અપમાંથી બહાર નીકળ્યા. તેમનું દિમાગ કામે લાગી ગયું હતું.
‘વસઈ કેમ?’ સોમચંદની પાછળ આવેલા ઇન્સ્પેક્ટર સાળુંકેએ સવાલ કર્યો, ‘અચાનક વસઈ... વસઈનો તો કોઈએ ઉલ્લેખ પણ નથી કર્યો.’
‘સાળુંકે, હંમેશાં કહું છુંને, ન્યુઝપેપર વાંચો...’ સોમચંદે ઇન્સ્પેક્ટર સામે જોયું, ‘બે દિવસ પહેલાં જ પેપરમાં ન્યુઝ હતા કે ચિંચોટીના જંગલ વિસ્તારમાંથી અંતિમ સંસ્કાર કરેલું બૉડી મળ્યું છે. બને કે એ રાજુનું હોય...’
lll
‘સર, બોન-રિપોર્ટ તો આવવાની તૈયારીમાં જ છે... આપ બેસો.’ વસઈ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર
પાટીલે ખુરસી તરફ હાથ કર્યો, ‘કૉન્સ્ટેબલ લેવા ગયો છે. ત્યાં સુધીમાં ચા કે કંઈ નાસ્તો...’
‘ના પાટીલ, કંઈ નહીં.’ સોમચંદે ઊભા-ઊભા જ જવાબ આપ્યો, ‘રિપોર્ટ આવે ત્યાં સુધીમાં ચાલો, સાઇટ પર જઈ આવીએ....’
lll
ઇન્સ્પેક્ટર પાટીલ બન્નેને લઈને જંગલના એ ભાગમાં પહોંચ્યા જ્યાંથી એક સંપૂર્ણ રીતે બળેલી લાશના અવશેષો મળ્યા હતા.
‘એ લાશમાંથી બચેલાં હાડકાં અહીંથી મળ્યાં હતાં અને સ્પૉટ પરથી આ...’ ઇન્સ્પેક્ટર પાટીલે એક લાલટેન આગળ કર્યું, ‘લાલટેન મળ્યું, જેને અમે કબજામાં લીધું છે.’
જંગલના ભીના કાદવવાળા રસ્તા પર ચાલતાં-ચાલતાં સોમચંદે આસપાસની જમીનનું નિરીક્ષણ પૂરું કર્યું અને પછી પાટીલ તરફ હાથ લંબાવ્યો એટલે પાટીલે પ્લાસ્ટિકની થેલીમાં રાખેલું એ જૂનું લોખંડનું લાલટેન સોમચંદને આપ્યું. સોમચંદે પહેલાં નરી આંખે અને પછી મૅગ્નિફાઇંગ ગ્લાસથી લાલટેન ચેક કર્યું. લાલટેનના નીચેના ભાગમાં અલગ-અલગ કલરનાં નાનાં-નાનાં ડૉટ્સ હતાં અને તળિયે સાવ ઘસાઈ ગયેલો લોગો હતો, જેના પર લખ્યું હતું નવરંગ આર્ટ્સ, ફિલ્મસિટી, મુંબઈ.
સોમચંદે કંપનીનું નામ સાળુંકે તરફ ધર્યું અને સાળુંકેની આંખો મોટી થઈ.
‘સોમચંદ, આ તો રાજુ જે કંપનીમાં કામ કરતો હતો એ રાનુની ઓળખાણવાળી કંપની... મતલબ કે રાનુ અહીં આવ્યો અને તેણે જ રાજુને મારીને...’
‘થિયરી તો આ જ લાગે છે...’ સોમચંદે પાટીલ સામે જોયું, ‘પેલા DNA રિપોર્ટ અને બોન રિપોર્ટ માટે પૂછોને.’
‘જી સર.’
lll
‘સર, રિપોર્ટ તમને વૉટ્સઍપ કર્યો. પ્લીઝ જુઓને...’
૧૫ જ મિનિટમાં રિપોર્ટ આવી ગયો અને પાટીલે તરત રિપોર્ટ સોમચંદને પણ મોકલી આપ્યો અને પછીની સેકન્ડથી બન્નેની નજર મોબાઇલમાં આવેલા એ રિપોર્ટ પર હતી. તિપોર્ટ વાંચતાં બન્નેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા.
‘શું થયું સોમચંદ, પાટીલ... કંઈક તો બોલો.’
તે બન્નેને જોઈને સાળુંકે સહેજ અકળાયા હતા.
‘ગરબડ સર...’
પાટીલના શબ્દોને આગળ વધારવાનું કામ સોમચંદે કર્યુ...
‘સાળુંકે, જે લાશ બાળી નાખવામાં આવી હતી એ કોઈ મહિલાની છે, અંદાજે ૩૫થી ૪૦ વર્ષની મહિલાની...’
‘વૉટ...’
સાળુંકેના પગ નીચેથી જમીન
સરકી ગઈ.
જો વસઈના જંગલમાંથી મળેલી લાશ રાજુની નહીં પણ કોઈ બીજી અજાણી સ્ત્રીની છે તો આ એક ઘટના સાથે અનેક નવા સવાલો ઊભા થતા હતા. રાજુ ક્યાં છે? તે જીવે છે કે તેનું મોત થયું છે? જે લાશ વસઈના જંગલમાંથી મળી તે લેડી કોણ? એ હત્યા પાછળ ક્યાંય રાનુ કે રાજુનો હાથ છે કે નહીં અને સૌથી યક્ષ પ્રશ્ન શું એ લાશને, આ બીજી હત્યાને શોભાની હત્યા સાથે સીધો સંબંધ છે કે નહીં?
lll
‘રાનુને લઈ આવ...’
સોમચંદ અને સાળુંકે કાંદિવલી પાછા આવ્યા અને સોમચંદે રાનુને સ્પેશ્યલ ઇન્ટરોગેશન રૂમમાં લાવવાનો આદેશ આપ્યો. રૂમમાં સોમચંદ એકલા જ હતા અને થોડી જ ક્ષણોમાં ત્યાં રાનુ આવ્યો. હવે રૂમમાં બે જ વ્યક્તિ હતી. રાનુ આવ્યો એટલે સોમચંદે ટેબલ પર વસઈ સ્ટેશનથી મળેલું પેલું લાલટેન મૂક્યું અને પછી શોભાનો ફૅમિલી ફોટો સામે મૂક્યો.
‘રાનુ...’ સોમચંદના અવાજમાં બરફ જેવી ઠંડક હતી, ‘વસઈના જંગલમાંથી જે લાશ મળી એ કોઈ મહિલાની છે. જો સાચું કહીશ તો બચી શકીશ. બાકી આ લાલટેન તને બબ્બે મર્ડરકેસમાં ફસાવી જશે.’
‘પાક્કું કોઈ મહિલાની લાશ છે?’ રાનુના ચહેરા પર સહેજ ગભરાટ આવ્યો, ‘પાક્કુંને સાહેબ...’
સોમચંદે જોયું કે રાનુ એકદમ સ્તબ્ધ હતો. તેનું આખું શરીર ધ્રૂજવા માંડ્યું હતું અને પછી રાનુ દીવાલ તરફ જોઈને પાગલની જેમ હસવા લાગ્યો.
‘હાહાહા... પકડાઈ ગયો. સાહેબ, તમે બહુ હોશિયાર...’ રાનુનો અવાજ બદલાઈ ગયો હતો, ‘તમે બધે પહોંચી ગયા પણ હજીયે અસલી માણસ સુધી નથી પહોંચી શક્યા.’
‘કોણ અસલી માણસ?’
સાળુંકેએ રાનુનું શર્ટ પકડીને તેને ખુરસીમાંથી અધ્ધર કરી દીધો.
‘અસલી માણસ તે જેણે આ આખી રમત ઊભી કરી...’ રાનુએ ફોટોમાં રહેલાં બન્ને બાળકો તરફ આંગળી ચીંધી, ‘તમે પેલા બે છોકરાઓ દેવા અને મીનુને શોધો છોને? તે બન્ને તો વેચાઈ ગયા તેમને જે લોકો રેલવે-સ્ટેશન પરથી બાળકો ઉપાડે છે.’
‘શોભાનું ખૂન કોણે કર્યું રાનુ?’
‘કહું તમને સાહેબ, શોભાનું ખૂન રાજુએ જ કર્યું હતું. રાજુ ધરમપુર ગયો જ નહોતો. તે મુંબઈમાં જ હતો. એ રાત્રે દારૂના નશામાં રૂમ પર આવ્યો. તે શોભાને મારી સાથે જોઈ ગયો. શોભાના શરીર પર એક પણ કપડું નહોતું. મેં હજી કપડાં નહોતાં ઉતાર્યાં અને પછી... પછી મારી અને તેની વચ્ચે મારામારી થઈ. રાજુએ મને લોખંડનો સળિયો માર્યો અને હું બેભાન થઈ ગયો. હું ભાનમાં આવ્યો ત્યારે રાજુ ગાયબ અને શોભાની લાશ કૂવામાં. રાજુ શોભાને મારીને કૂવામાં ફેંકીને ભાગી ગયો અને વસઈના જંગલમાં જે લાશ મળી... એ રાજુની નવી પત્નીની, જેની સાથે તે બે મહિનાથી વસઈમાં રહેતો હતો.’
રૂમમાં એકદમ સન્નાટો પ્રસરી ગયો. કેસ હવે એક મર્ડર-મિસ્ટરીમાંથી સાઇકોલૉજિકલ ક્રાઇમ ગેમ બની ગયો હતો.
‘સોમચંદ... પેલા બે છોકરાઓ... તેમને બચાવવા પડશે.’
બહાર વરસાદ વધુ તેજ થયો હતો. જાણે આવનારા ભયાનક તોફાનની ચેતવણી આપતો હોય.
(ક્રમશ:)
