કથા-સપ્તાહ : શહીદ (એ મેરે વતન કે લોગોં... - 3)
શહીદ
એ મેરે વતન કે લોગોં..
શ્રીનગરના મિલિટરી કૅમ્પની છાવણીની બહાર ઊભા રહીને કૉફીની ચુસકી માણતો આર્જવ દૂર-દૂર સુધી ફેલાયેલા બરફના ઢગમાં ઢળતી સંધ્યાનો નજારો નિહાળી ૨હ્યો.
ADVERTISEMENT
સર્વિસના ત્રીજા વરસે કાશ્મીરમાં મળતા પોસ્ટિંગ માટે પોતે કેટલો ઉત્સાહી હતો. મોસાળમાં ડ્યુટી નિભાવવાની હોંશ કોને ન હોય?
‘જોકે કાશ્મીર મામાનું ઘર કહેવાય એવું રહ્યું નથી...’ મા નીલાંબરી અફસોસ જતાવતી. રાતોરાત માલમિલકત ત્યજીને ભાગવું પડેલું એનો રોષ, એની નિ:સહાયતા, એની વેદના કદાચ કોઈ કાશ્મીરી પંડિત નહીં ભૂલ્યો હોય. તોય દીકરાને કાશ્મીરમાં ટ્રાન્સફર મળ્યાનું જાણીને ખુશી દર્શાવી હતી : તું તારું યોગદાન આપવામાં ઊણો ન ઊતરીશ!
ઝેલમના પૂર દરમ્યાન આર્મીએ દાખવેલી કામગીરીની સરાહના થઈ. અશાંતિવાંછુ તત્વોએ ૫છી પૂંછમાં અટકચાળો કરતાં પ્રત્યાઘાતરૂપે સ્ટેટમાં રાજ્યપાલનું શાસન આવ્યું અને સર્જિકલ સ્ટ્રાઇક થઈ પછી કેટલી શાંતિ છે! પોતાને એ સ્ટ્રાઇકમાં જવાનો મોકો ન મળ્યો, પણ આજેય એની ગૌરવગાથા સીનો ટટ્ટાર કરી જાય છે.
‘વી ડોન્ટ પ્રિફર સર્જિકલ સ્ટ્રાઇક્સ. વી ડોન્ટ પ્રિફર વૉર. આર્મીની સ્થાપનાનો ઉદ્દેશ તો શાંતિ સ્થાપવાનો જ હોય છે.’
છ મહિના અગાઉ કૉલેજના પહેલા લેક્ચરમાં પોતે કહેલા શબ્દો સાંભરીને અત્યારે પણ આર્જવના હોઠ મલકી ગયા.
કારણ હતી બરખા!
શ્રીનગરની કૉલેજમાં કેમિસ્ટ્રી ભણાવતી બરખા સિલેબસ સિવાયની પ્રવૃત્તિઓમાં પણ રસ લેતી. સ્ટુડન્ટ્સમાં દેશદાઝ કેળવાય એ માટે આર્મી ઑફિસરનું અઠવાડિયે એક લેક્ચર રાખવાનો તેનો આઇડિયા મૅનેજમેન્ટે વધાવ્યા બાદ તે છાવણીમાં આવેલી. કાશ્મીરના જુવાનિયાઓ અને આર્મી વચ્ચેનું બૉન્ડિંગ મજબૂત કરી શકે એવો તેનો પ્રસ્તાવ આર્મીએ પણ આવકાર્યો અને એ નિમિત્તે દર શનિવારે કૉલેજ જવાની ડ્યુટી આર્જવને ફાળે ગઈ.
કૉલેજની ઑફિસમાં થયેલો પહેલો મેળાપ આજેય નજર સમક્ષ તરવરે છે. ઑફ વાઇટ ડ્રેસમાં ચાંદની જેવી ઊજળી દેખાતી બરખાએ કાળા કેશમાં રાતું ગુલાબ સજાવ્યું હતું. કંઠના રણકામાં ઔરત શબ્દને શોભે એવી નજાકત. કૉલેજના રાઉન્ડ દરમ્યાન તે વિવિધ પ્રવૃત્તિઓ વિશે જણાવતી રહી, પણ આર્જવ તો તેના બદનની મહેકને જ માણી રહેલો. કુંવારા હૈયે પહેલી વાર જાણે દસ્તક પડી. ‘જનાબ, લેક્ચર તમારે દેવાનું છે, મારે નહીં.’
છેવટે ક્લાસમાં જતી વખતે બરખાએ ટકોરવાની ઢબે કહેતાં આર્જવે સચેત થઈ જવું પડ્યું. પ્રથમ લેક્ચરમાં જોકે શાંતિનો સંદેશ પાઠવીને તેણે રેપો કેળવી લીધો. પછી તો સ્ટુડન્ટ્સને પણ તેની વિઝિટનો ઇન્તેજાર રહેવા લાગ્યો.
‘આર્મીમૅનને બીજાનું દિલ જીતતાં સારું આવડે.’ બરખાએ એક વાર મર્માળું હસતાં કરેલી કમેન્ટે આર્જવ લુચ્ચું છતાં મીઠું લાગે એવું હસેલો : જેનું દિલ જીતવા માગું છું એ જીતી શકું તો ઘણું!
‘તમે જેનું દિલ જીતવા માગો છો તે તો ક્યારનીયે હૈયું હારી બેઠી હોય એવું ન બને?’
સાંભળીને આર્જવ સહેજ ઝંખવાયેલો. બરખા વિદેશ ભણી છે. ત્યાં કોઈ સાથી શોધી કાઢ્યો હશે?
‘મને વિદેશ વસવાનો મોહ હોત તો વતનમાં શું કામ આવત?’ ઠપકાભેર કહીને બરખા હળવું લજાયેલી, ‘મને તો વખત આવ્યે વતન પર કુરબાન થઈ જનારો જવાંમર્દ જ ગમે અને એ કોણ હોય એ હજીયે સમજાવવાની જરૂર છે ખરી?’
તેની લજ્જામાં પ્રસરેલી રતાશે આર્જવ એવો તો ઊછળેલો.
‘મારા પિતાજીને મેં બ્રીફ કરી રાખ્યા છે. તેમને તો હું સૈનિકને વરવાની એની ખુશી જ છે.’
વાંધો તો મારા પેરન્ટ્સ પણ લે એમ નથી. આર્જવે મા-પપ્પા સાથે વાત કરી. જોકે કન્યા મુસ્લિમ હોવાનું જાણીને તેઓ થોડાં નિરાશ બનેલાં : તેમની કટ્ટર વિધારધારાનો કડવો અનુભવ છે આર્જવ. તને બરખાની દેશનિષ્ઠા પર તો ખાતરી છેને?’
ત્યારે તેમને કહેવું પડ્યું કે તેના વાલિદ યુસુફમિયાં કટ્ટર ભારતતરફી છે અને દૂરના ભૂતકાળમાં એ માટે આતંકવાદીઓનો ગોળીબાર પણ ખમી ચૂક્યા છે! આર્મી સાથે તેમના સારા સંબંધ રહ્યા છે. તેમની એકની એક દીકરી પણ પિતાના નકશેકદમ પર ચાલનારી છે...
જાણ્યા પછી તેઓ નચિંત બન્યાં. એની ખુશી સેલિબ્રેટ કરવા બરખાએ ઘરે પધારવાનું નિમંત્રણ પાઠવ્યું : એ બહાને તમે મારા વાલિદને પણ મળી લો...
બરખાના ઘરની પહેલી મુલાકાતમાં માસૂમા ભટકાઈ એય કેવું! સાફદિલ છોકરીમાં કદી બનાવટ નથી લાગી. સાવ ગરીબ ઘરની કન્યામાં દેશદાઝની ભાવના એટલી જ પ્રબળ હતી. ઝેલમના અવાવરું કાંઠે અમે ગાળેલા અઢી-ત્રણ દિવસ જીવનના અમૂલ્ય સંભારણા જેવા છે. એની જ અસરમાં બરખાને ત્યાં જાઉં ત્યારે માસૂમાને યાદ રાખીને મળવાનું ચૂકતો નથી. તે પણ એટલા જ ભાવથી મને ભાવતી વાનગીઓ બનાવતી હોય છે.
‘સાચું કહેજો, માસૂમા પ્રત્યે તમને કોઈ લાગણી નથી?’ બરખાએ ઘણી વાર જુદા-જુદા શબ્દોમાં તરાસવાની કોશિશ કરેલી કે મારા અને માસૂમા વચ્ચે કોઈ જુદો જ, ગાઢ સંબંધ નથીને! પ્રેયસીસહજ તેની અસલામતી મીઠડી લાગતી.
‘મારા પ્રશ્નનું કારણ છે આર્જવ. તમારા આગમને માસૂમામાં જુદી જ રોનક હું ભાળું છું.’
બરખાના નિરીક્ષણમાં તથ્ય વર્તાતાં થોડું અસ્વસ્થ થઈ જવાયેલું. માસૂમાને સમજવાની ઇચ્છા જાગતી, પણ તેનું કોમળ હૈયું ભાંગતાં જીવ ન ચાલતો. તે મારું-બરખાનું સગપણ ક્યાં નથી જાણતી. કદાચ તેને સમય જોઈતો હશે - અમારા નિકાહ સુધીમાં તે પોતે જ જાતને સમજાવી કાઢશે. પોતાની લાગણીનો ઇઝહાર ક્યાં કર્યો છે તેણે! માસૂમા સૂઝવાળી કન્યા છે... આટલું આશ્વાસન પૂરતું હતું.
બરખાને જોકે કહેલું, ‘માસૂમાના દિલનું જાણે, મારા હૈયે તો તું જ છે અને તું જ રહેવાની છે.’
પોતાના વિધાનનો સંકલ્પ અત્યારે પણ આર્જવના મુખ પર ઝળહળી ઊઠ્યો.
***
ફોનના રણકારે માસૂમાની નીંદર તૂટી. રાતના સાડાઅગિયારના સુમારે કોણે ઘંટડી રણકાવી! વકીલસાહેબના સર્કલમાં સૌ જાણે છે કે રાતે દસ વાગ્યા પછી કૉલ રિસીવ કરવા તેમને પસંદ નથી. બહુ જ અર્જન્ટ હોય તો મોબાઇલ પર મેસેજ કરી શકાય, પિતા-પુત્રીને ખરેખર અગત્ય લાગે તો સામેથી ફોન કરે. હૉલના લૅન્ડલાઇનની પૅરૅલલ લાઇન વકીલસાહેબના કમરામાં છે. તે અત્યારે સૂતા હશે. તેમની ઊંઘ ડિસ્ટર્બ થાય એ પહેલાં રિસીવર ઊંચકી લેવા દે. માસૂમાએ દોડીને ફોન લીધો, ‘હલો.’
‘કોણ, માસૂમા! હું આર્જવ...’
તમારે ઓળખ આપવાની ન હોય... આવું જોકે બોલાયું નહીં. ‘બોલો મેજરસાબ.’
‘ઘરે બધું બરાબર છે? અડધો કલાકથી બરખાનો સેલફોન ટ્રાય કરું છું. આઇ નો તે દસ વાગ્યે સૂઈ જતી હોય છે, પણ હું તેને કહેવાનું ચૂકી ગયો કે કાલે મારી મૉમનો બર્થ-ડે છે તો સવારે ફોન જોડીને વિશ કરી લે એટલું કહેવું હતું.’
‘હું સવારે યાદ કરાવી દઈશ.’
‘ધૅટ્સ ફાઇન, પણ એક વાર તું ચેક કરી લે. તેનો ફોન સ્વિચ્ડ-ઑફ નથી, રિંગ જાય છે પણ કૉલ લેતી નથી. સો જસ્ટ જોઈ લે...’
માસૂમાથી ઇનકાર ન થયો, પણ ૫છી ખચકાઈ. પિતા-પુત્રી પ્રાઇવસીમાં માનનારાં. પૂછ્યા વિના ઉપર નહીં આવવાની તેમની તાકીદ. ત્યાં જવું તેમની ખફગી વહોરવા જેવું ન થાય? ઉપર જવાને બદલે હું ઇન્ટરકૉમ જોડીને પૂછી લઉં. મોબાઇલ વાઇબ્રેશન પર હશે, પણ ઇન્ટરકૉમ પલંગની બાજુમાં જ છે એટલે એની રિંગ મૅડમને જગાડ્યા વિના નહીં રહે.
કિચનમાં જઈને માસૂમાએ ઇન્ટરકૉમનાં બટન દબાવ્યાં, પણ આર્ય. માલકિન ફોન કેમ નથી લેતાં? ચિંતા થઈ. મૅડમના નારાજ થવાનું જોખમ લઈને પણ તેમની રૂમમાં ડોકિયું કરવું તો જોઈએ! માસૂમા હળવેથી સીડીનાં પગથિયાં ચડી.
***
અને તેની આંખો માની ન શકવાની ઢબે ચમકી ઊઠી : હું આ શું જોઉં છું!
પાંચ મિનિટ અગાઉ ઉપર આવીને પોતે દરવાજો ઠોકતાં પણ જવાબ ન મળ્યો. એ તો બારી પરનો કર્ટન બરાબર ઢંકાયો નથી એટલે બાકોરા જેવડી જગ્યામાંથી ભીતર ડોકિયું કરતાં જોયું તો મૅડમ બેડ પર નથી. તેમનો મોબાઇલ બિસ્તર પર પડ્યો છે... ત્યારે તો વૉશરૂમ ગયાં હોવાં જોઈએ!
વિચારતી માસૂમા ચમકી. સામે બુકશેલ્ફવાળી દીવાલ ગોળ ઘૂમતી જણાઈ. અડધો ચકરાવો લઈને એ અટકી એવી જ પાછલી બાજુથી બરખા પ્રગટી. રૂમમાં આવીને તેણે સેલ્ફની એક કળ દબાવતાં દીવાલ ફરી પૂર્વવત્ થઈ ગઈ. જાણે એની પાછળ કશું છે જ નહીં!
આજ સુધીમાં પોતે ત્રણ-ચાર વાર બરખાની રૂમમાં ગઈ છે, કદી સ્વપ્નેય ખ્યાલ નહોતો કે બુકશેલ્ફની દીવાલ પાછળ કોઈ ખંડ પણ હોઈ શકે! આવો છૂપો ખંડ રાખવાનો મતલબ શું?
માસૂમાએ જાતને ટપારી. બરખા બાબત આડુંતેડું વિચારવાનું ન હોય. રૂમમાં જરૂર તિજોરી હોવી જોઈએ. વકીલસાહેબ પાસે જરઝવેરાત ઓછું નથી. એની સંભાળ માટે સુરક્ષિત વ્યવસ્થા કરવી ઘટે. અમને સૌને વિના પરવાનગી ઉપર આવવાની મનાઈ છે એનું કારણ હવે સમજાયું. હું પણ શેલ્ફનું રહસ્ય જાણી ગઈ છું એવું શું કામ દર્શાવવું?
માસૂમા દબાયેલા પગલે સીડી ઊતરી. રસોડામાંથી ફરી ઇન્ટરકૉમ જોડીને માસૂમાએ આર્જવનો સંદેશો પાઠવી દીધો.
માસૂમા માટે મામલો અહીં પતી ગયો. તેણે આર્જવને હિન્ટ આપી હોત તો તે બરખાનું કરાચીમાં બેઠેલા કુખ્યાત આતંકવાદી સાથેનું કનેક્શન ઝડપી પાડત... કદાચ!
***
કાફિર!
આર્જવ સાથે ટૂંકમાં વાત પતાવી, મૉમને હું પહેલો બર્થ-ડે વિશ કરીશના મલાવા આદરી કૉલ કટ કરીને બરખાએ ફોન પછાડીને ઘૃણા ઠાલવી. એક નૉન-કાશ્મીરી, એય હિન્દુ પુરુષને ચાહવાનો ડોળ કરવો પણ કેટલું ભયંકર છે!
પણ આ બધાનો હવે અંત આવી જવાનો. તેણે કૅલેન્ડર પર નજર ટેકવી - ૫૨મ દિવસે ૧૪ ફેબ્રુઆરીનો વૅલેન્ટાઇન્સ ડે છે. એ દહાડે કશ્મીરીઓ તરફથી ભારતને એવી ગિફ્ટ મળવાની છે જેની કલ્પના નહીં કરી હોય!
‘બરખા, તું અતિસુંદર છે એવું તો તને ઘણાએ કહ્યું હશે, પણ તારામાં વતન ખાતર ફિદા થવાનું પોટેન્શ્યલ છે એવું કહેનારો હું ગલત નથીને?’ મન્સૂર અલીએ બહુ નજાકતથી પૂછેલું.
ગજબનો આદમી હતો-છે મન્સૂર અલી. પાંત્રીસેકની વય, એકવડિયો બાંધો, દાઢીધારી સામાન્ય ચહેરો. બાજુમાંથી પસાર થઈ જાય તો કોઈ તેને નોટિસ પણ ન કરે; પણ જો તમે તેની આંખોમાં જુઓ, તેની વાણી સાંભળો તો અલ્લાહ કસમ, તેના ગુલામ થઈ જાઓ એવી મારકતા છે એમાં!
અત્યારે પણ તેને સાંભરતી બરખા હળવું હાંફી ગઈ.
શ્રીનગરમાં વકીલાત કરતા યુસુફમિયાંના ભારતતરફી વલણે તેમના પર બે-એક વાર ફાયરિંગના બનાવ બન્યા એથી તેઓ તો ડગ્યા નહીં, પણ સુરક્ષા ખાતર દીકરીને દસમા ધોરણથી લંડન ભણવા મોકલી દીધી.
વેકેશનમાં અબ્બુ લંડન આવતા. હૉસ્ટેલમાંથી દીકરીને તેમના મિત્રોને ત્યાં લઈ જતા. બધા ભેગા થઈને જાણે શાની ગુફ્તેગૂ કરતા હોય. એક રાત્રે ખાસ જાગીને તેણે કાન માંડતા ચોંકી જવાયું.
અબ્બુ કાફિરોને, ભારત સરકારને ભાંડતા હતા, આતંકવાદીઓની ખુલ્લેઆમ તરફેણ કરતા હતા, પાકિસ્તાનનો અહેસાન ગણાવતા હતા! યા ખુદા! અબ્બુનું કયું રૂપ સાચું?
‘આ જ રૂપ સાચું.’
દીકરી જોઈ-જાણી ગયાનું સમજી ચૂકેલા વકીલસાહેબે મુખવટો ફગાવી દીધો.
તેમને કાશ્મીરની આઝાદી ખપતી હતી. ભારત તેમનું દુશ્મન હતું. પાકિસ્તાનનો ગણ એટલે માનતા કેમ કે સ્વતંત્રતાની લડાઈ માટે હથિયાર-વ્યૂહરચના ત્યાંથી જ સાંપડતાં. પાકની આતંકવાદી છાવણીમાં હીરલા તૈયાર થતા.
‘ભારતતરફી કહેવું એ પણ ગણતરીપૂર્વકની વ્યૂહરચના જ છે મારી બચ્ચી... એનાથી હું મિલિટરીના વતુર્ળમાં પ્રવેશી શક્યો, સરકારની અંદરની વાત જાણી શકું જે આપણા સંગઠનને લાભદાયી જ નીવડે.’
પોતાની ભારતતરફી છાપ દૃઢ કરવા તેમણે ખુદ પર ગોળીબાર કરાવેલા એ જાણી-સમજીને બરખાની બુદ્ધિ બહેર મારી ગયેલી...
‘વતન પર જાન કુરબાન કરનારા નરબંકા છે આપણી ધરતી પર, તેમની તોલે તો નકલી હુમલો ખમવો કંઈ નથી... આ લડત છે બરખા, સ્વાતંત્ર્યસંગ્રામ છે. કાફિરો જેને આતંકવાદી ચીતરે છે તેઓ ખરેખર તો ક્રાન્તિવીરો છે.’
તેમની વાણીનો કેફ ઘૂંટાતો ગયો. વતનનો ઇતિહાસ-વર્તમાન જુદા જ દૃષ્ટિકોણથી જોવાનો નજરિયો ખૂલી ગયો. પછી ભીતર હિન્દુસ્તાનને ભસ્મીભૂત કરવાની આગ લબકારા લેવા લાગી. લંડનમાં અભ્યાસ સાથે બરખાએ વતનની આઝાદીની ખુફિયા પ્રવૃત્તિઓમાં રસ લેવા માંડેલો. તેનું બુદ્ધિચાતુર્ય એમાં ખીલી ઊઠતું. ગુપ્ત મંત્રણામાં તેનું તેજાબી વ્યક્તિત્વ દાદ મેળવી જતું. આગ ઓકતી છોકરી પછીથી લંડનની સ્ટ્રીટ પર સખીઓ જોડે મસ્તી કરતી જોવા મળે, ભારતનાં ગુણગાન ગાતી હોય. તેની અધર સાઇડની કોઈને કલ્પના પણ ન થાય.
આ પણ વાંચો : કથા-સપ્તાહ : શહીદ (એ મેરે વતન કે લોગોં... - 2)
હવે કૉલેજમાં ભણતી બરખા અબ્બુ સાથે વેકેશનમાં પ્રવાસે જતી એ ખરેખર તો ચળવળ માટે ફન્ડ-રેઇઝર ટ્રિપ રહેતી. બરખાનો આવેશ દુનિયાભરમાં પથરાયેલા જાતભાઈઓ પાસેથી ધનનો ધોધ વહાવી આપતો.
સંગઠનના ભાતીગળ વર્તુળ સુધી તેની ચર્ચા પહોંચી અને નન અધર ધેન મન્સૂર અલીને મળવાનું સૌભાગ્ય સાંપડ્યું!
બરખા વાગોળી રહી. (ક્રમશ:)

