કથા-સપ્તાહ : શહીદ (એ મેરે વતન કે લોગોં... - 2)
શહીદ
એ મેરે વતન કે લોગોં...
આર્જવ શાહ.
ADVERTISEMENT
રાત્રે બધું કામ આટોપી કિચનની ફર્શ પર ચટાઈ પાથરી લંબાવતી માસૂમાના ચિત્તમાંથી પિયુ હટતો નથી.
બે વરસ અગાઉ ઝેલમનું પૂર અબ્બુને તાણી ગયું ને એણે જ આર્જવનો મેળાપ ગોઠવ્યો... આર્જવના સંયમે હૈયું હારવું સ્વાભાવિક હતું અને સામે એનેય પ્રીત જાગે એવી પ્રાર્થના જ થઈ શકે.
દ૨મ્યાન શ્રીનગરના રેફ્યુજી કૅમ્પમાં પંદર દહાડા રહેવાનું બન્યું એમાં બધાનાં દુ:ખદર્દ જાણી, આર્મી-સરકાર માટેની કૃતજ્ઞતા પારખી માસૂમાને થયેલું પૂરનો વિનાશ વાદીમાં અમનની બહાર આણવામાં નિમિત્ત બનવાનો...
પણ ના, પૂરના છ જ મહિનામાં અલગતાવાદીઓએ પોત પ્રકાશ્યું. પૂંછની ચોકી પર આડેધડ ગોળીબાર કરતાં સાત જવાનોએ પ્રાણ ગુમાવ્યા. માંડ સ્થપાયેલી શાંતિ ફરી ખળભળી ઊઠી.
દેશભરમાં આના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા. કાશ્મીરમાં ત્યારે ગઠબંધન સરકાર હતી. ઘટનાના સૌથી મહkવના રિઍક્શનરૂપે સરકારનું જોડાણ તૂટ્યું. ત્રાસવાદીઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતી લોકલ પાર્ટી સાથે રાજતંત્રની સૌથી વધુ બહુમત ધરાવતી મુખ્ય પાર્ટીએ છેડો ફાડ્યો અને રાજ્યપાલનું શાસન લાગુ થયું. સમાંતરે સર્જિકલ સ્ટ્રાઇક થઈ, ત્યારથી ઘા ખાઈ ગયેલું પાકિસ્તાન, એની ISI અને કાશ્મીરની કહેવાતી આઝાદીના નામે આતંકી બની ગયેલાં સંગઠનો સમસમીને મૂંગામંતર થઈ ગયાં. પાછલા દોઢ વરસમાં આટલી મોટી કોઈ વારદાત નથી.
‘આવી સ્થિતિ પાંચ વર્ષ રહી તો ઇન્શાઅલ્લાહ, કશ્મીર ફરી જન્નત બની જશે.’
લોકતંત્રના પ્રખર હિમાયતી જનાબ યુસુફઅલી કહેતા. હાઈ કોર્ટના વકીલ રહી ચૂકેલા યુસુફઅલી આતંકીઓની ઝાટકણી કાઢતાં અને કશ્મીર ભારતનો જ હિસ્સો હોવાનું ગળું ખંખેરી કહેતા. તેમની વિદ્વત્તાના પ્રભાવ છતાં, અલગતાવાદીઓને તેઓ ખટકતા હોય એમ બે વાર તેમના પર જાહેરમાં ગોળીબાર પણ થયેલો, પરંતુ એ આબાદ બચી ગયેલા. એથી જોકે તેમનો હોંસલો મંદ નહોતો પડ્યો.
ત્યાં સુધી કે વિદેશ ભણેલી એકની એક દીકરી પણ વરસ અગાઉ પરત થઈ કાશ્મીર યુનિવર્સિટીમાં જૉબ મેળવી અહીં જ સેટલ થઈ. શ્રીનગરમાં તેમની વિશાળ કોઠી છે. ગર્ભશ્રીમંત પરિવારમાં જોકે પિતા-પુત્રી બે જ રહ્યાં છે. પંચાવનની વયે પ્રૅક્ટિસમાંથી રિટાયરમેન્ટ લઈ વકીલસાહેબ કોઠી આસપાસના તેમના બાગબગીચામાં વધુ સમય વિતાવે છે. પૉલિટિકલી ઍક્ટિવ નથી, પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક જેવા મુદ્દે સરકારની તરફેણમાં બોલતા ખચકાતા નથી.
અને બાપ તેવી બેટી. તેજોમય જણાતી બરખાનો આત્મવિશ્વાસ નિરાળો. સુંદર એવી કે રૂપની નવી વ્યાખ્યા કરી શકાય. કૉલેજમાં કેમિસ્ટ્રી ભણાવતી બરખા સ્કૉલર હતી, મીઠાબોલી એવી જ દયાળું. માતાની પુણ્યતિથિ નિમિત્તે અનાથ-કન્યા આશ્રમોમાં દાનધરમ કરે. બેસહારાં સ્ત્રીઓ માટે NGO ચલાવે. યુનિવર્સિટીનાં લેક્ચર્સમાં તક મળ્યે ભારત સરકારની તરફેણ કરવાનું ચૂકતી નથી.
‘મારી દીકરી સો દીકરાની ગરજ સારે એવી છે.’ સ્વાભાવિકપણે પિતાને પુત્રીનો ગર્વ રહેતો. દીકરીનેય બા૫ એટલો જ વહાલો.
‘મને તમારે ત્યાં કામ મળશે?’
છ મહિના અગાઉ, પિતા-પુત્રી સોશ્યલ ફન્ક્શનમાં ભેગાં થયાં ત્યારે માસૂમાએ પૂછી લીધેલું.
રેફ્યુજી કૅમ્પમાંથી નીકળ્યા બાદ જિંદગી કેવી બદલાઈ ગઈ હતી. સરકાર ફરી ઘર બનાવવાના રૂપિયા દેતી હતી, પરંતુ અબ્બુ પણ ન રહ્યા પછી ગામ જઈ શું કરવું? ઊલટું ત્યાંના ડાઘિયા કૂતરા જેવા જુવાનિયાઓ મને ફાડી ખાશે... એને બદલે શ્રીનગરના ઉમરાવને ત્યાં નોકરાણી તરીકે રહી ગઈ એમાં આર્જવને મળવાની આશા પણ હતી - તેમનું પોસ્ટિંગ શ્રીનગરમાં છે. આવતાં-જતાં તેમના દિદાર થતા રહે તોય ઘણું!
એવું જોકે બન્યું નહોતું. આર્જવે આપેલા નંબર પર વાત કરવા લલચાઈ જતા જીવને તે વશમાં રાખતી - આર્જવને મારા માટે લાગણી હોત તો મને ગમે ત્યાંથી ખોળી ન કાઢત! એ વિના મારો તેમને સંપર્ક સાધવો તેમના કામમાં વિક્ષેપ નાખ્યા બરાબર ગણાય. એવું તો કેમ થવા દેવાય? અને આર્જવ મને ચાહે કે ન ચાહે, હું તો તેમની થઈ એ થઈ. મારી દરેક દુવા તેમના ક્ષેમકુશળ માટેની હોવાની.
શ્રીનગરના શેઠને ત્યાં બીજી અગવડ નહોતી, બસ તેમનું ભારતવિરોધી વલણ માસૂમાને પજવી જતું. અબ્દુલમિયાં ખુલ્લેઆમ આતંકીઓ કે આઝાદ કાશ્મીરની માગણીનું સમર્થન કરતા એવું નહીં, પણ કુટુંબીજનો વચ્ચેની વાતચીતમાં ઘરના સભ્યોનો ઝોક છતો થઈ જતો. પૂંછમાં થયેલા ટૅરર અટૅકના દહાડે તેમણે બિરયાની રાંધી હતી અને સર્જિકલ સ્ટ્રાઇકનો શોક મનાવ્યો એ માસૂમા માટે અસહ્ય હતું. તેને માટે આ પણ ગદ્દારી હતી. આવાનું નમક કેમ ખવાય?
તે નવા આશરાની તલાશમાં હતી, ત્યાં યુસુફમિયાં-બરખાને મળવાનું બન્યું. તેમની દેશદાઝ વિશે પહેલી વાર એ ફન્ક્શનમાં જ જાણ્યું. કેવું લાગશે, શું માનશે એવું વિચારવાને બદલે તેણે લાગ મળતાં બરખાને આંતરી કામ માગી લીધું.
હાલ તે અબ્દુલમિયાંને ત્યાં તેમના પૌત્રની સાચવણીનું કામ કરે છે જાણી બરખા મલકેલી.
‘અમારે ત્યાં કોઈ નાનું બચ્ચું નથી તું શું કરીશ?’
‘ઝાડું-પોતું, ક્પડાં-વાસણ, રસોઈ - બધું કરી લઈશ, મેડમ. બસ, દેશને ભાંડનારાઓને ત્યાં મારાથી કામ નહીં થાય.’
કામ માગવાનું કારણ જાણી બરખાની કીકી ચમકી ઉઠેલી.
‘તારો દૃષ્ટિકોણ આનંદ આપનારો છે માસૂમા. એ જ આપણા કાશ્મીરને નંદનવન બનાવી શકશે... તને ઇનકાર કેમ હોય? જા, તારા શેઠની રજા લઈ આપણી કારમાં ગોઠવાઈ જા!’
ધન્યતા અનુભવાઈ. વકીલની વિલામાં થાળે પડતાં વાર ન લાગી. ત્રણ માળની વિલામાં શિસ્તબદ્ધ વાતાવરણ પ્રવર્તતું. બાપ પહેલા માળે રહે, દીકરી બીજો માળ વાપરે. બીજા નોકરચાકર ખરા, એ સૌ પછવાડેના સર્વન્ટ ક્વૉર્ટરમાં રહે, દરેકનું કામ નિર્ધારિત. ડ્રાઇવર અમજદ વકીલસાહેબનો વિશ્વાસુ. વકીલસાહેબને હવે બહાર જવાનું ઓછું બને, પણ એથી જૂના શોફરને રૂખસત નહોતી આપી. પાંત્રિસેક વરસના અમજદની કાબેલિયત તો સેલ્ફ ડ્રાઇવ કરતી બરખા પણ સરાહે. માસૂમાએ કિચનનો હવાલો સંભાળવાનો, સૂવાનું પણ રસોઈઘરમાં જ. મોડી રાત્રે બરખાને ક્યારેક કૉફીની તલબ જાગે તો ઇન્ટરકૉમ કરી દે, એને માટે આ સવલત રાખેલી. માસૂમાને એ અનુકૂળ લાગતું. એકાંતમાં આર્જવની યાદો નિરાંતવા જીવે મમળાવી શકાતી.
બાકી દિવસે ઝાઝી ફુરસદ ન હોય. બાપ-દીકરી વહેલા ઊઠી બગીચામાં રાઉન્ડ લે ત્યાં સુધીમાં ચા-નાસ્તો તૈયાર કરી દેવો પડે. ત્યાર બાદ રસોઈની તૈયારી. દસથી બેની જૉબ માટે બરખા ટિફિન લઈને નીકળે. યુસુફમિયાં બાર વાગ્યે લંચ લઈ વામકુક્ષિ માણવા તેમની રૂમમાં જતા રહે, પછી નોકરવગોર્એ ખાવાપીવાનું પતાવવાનું. એમાંથી પરવાર્યે ત્યાં સુધીમાં બરખા આવી જાય. તેણે કંઈક ગરમ ખાવું હોય તો બનાવી આપવાનું. સાંજે કોઈ ને કોઈ મહેમાનો હોય. વરંડામાં પિતા-પુત્રી સાથે તેમની બેઠક જામે. એક તરફ તેમની આગતા-સ્વાગતા, બીજી બાજુ રાતના ખાણાની તૈયારી. પરવારતા સહેજે દસ વાગી જાય. એ અર્થમાં પિતા-પુત્રીની ઝાઝી ખટકટ યા ચંચુપાત ન મળે. કામમાં ૧૯-૨૦ થાય એ ચલાવી લે, પણ તેમની પ્રાઇવસી જળવાઈ રહે એવો તેમનો આગ્રહ ખરો.
રૂટિનમાં ગોઠવાઈ ચૂકેલી માસૂમાને નોકરીમાં જોડાયાને ત્રીજા મહિને અણધારી સરપ્રાઇઝ મળી.
‘માસૂમા, ફૉર એ ચેન્જ આજે રાતના ખાણામાં ઓન્લી વેજનું મેનુ રાખજે.’
ત્રણેક માસ અગાઉની શનિની એ સાંજે કૉલેજથી પરત થયેલી બરખાએ બહુ ઉમળકાભેર કહ્યું હતું.
‘આજે મારા સ્પેશ્યલ ગેસ્ટ આવવાના છે.’
મહેમાન ખરેખર ખાસ હોય એમ બરખાએ હૉલની સફાઈ કરાવી, તાજાં ફૂલો સજાવડાવ્યાં. વકીલસાહેબ પણ ખુશમિજાજ લાગ્યા. સિલ્કના રેડ ગાઉનમાં મહેમાનને આવકારવા થનગનતી બરખા પરી જેવી ખૂબસૂરત લાગી. કેમ જાણે શમણાનો રાજકુમાર આગણે આવવાનો હોય!
ઓહો. માસૂમાને સૂઝ્યું. મારાથી બેએક વર્ષ મોટી બરખા માટે વકીલસાહેબે કોઈ મૂરતિયો શોધ્યો લાગે છે, જે બરખાને પણ પસંદ હોવો જોઈએ!
માસૂમાને ઉત્સુકતાભરી ખુશી
થઈ - તો તો જરૂર એ જુવાન બરખા જેવી દેશદાઝ ધરાવતો હોવો જોઈએ!
ત્યાં પોર્ચમાં વાહનનો અણસાર વર્તાયો. આગતાસ્વાગતાના ઉમળકાભર્યા ઉદ્ગારો સંભળાતાં માસૂમાએ રસોઈઘરના દરવાજામાંથી કુતૂહલવશ ડોકિંયું કર્યું એવી જ આર્જવની સૂરત આંખે ચડતાં ધબકારો ચૂકતાં હૈયે હાથ દાબી દેવો પડ્યો તેણે - યા ખુદા! મારો મહેબૂબ અહીં!
એ જ સોહામણું મુખડું, એ જ મારકણું સ્મિત, વર્દીમાં ઝળકતી એ જ ખુમારી.... ઓહ ક્યાંક તેમને મારી જ નજર ન લાગે!
ભીની થતી આંખો લૂછી તેણે ચહેરો ફેરવી લેવો પડ્યો. ચા-નાસ્તાની ટ્રે તૈયાર કરતાં હાથ ધþૂજતા હતા. તેમની સામે થવામાં લાગણી ઉઘાડી પડી જવાની દહેશત હતી. તેણે બીજી દાસી જોડે ટ્રે રવાના કરી. જાતને વ્યસ્ત કરવાનું બહાનું શોધ્યું - આર્જવ આવવાના છે એવું જાણતી હોત તો તેમને ભાવતી પૂરણપોળી ન બનાવત?
હજી મોડું ક્યાં થયું છે? તેણે ફટાફટ કૂકર મૂક્યું. આજે રસોઈની ઝડપ જુદી હતી, ઉમંગ અલગ હતો.
‘આર્મીનો મેજર છે. માલ્કિનની કૉલેજમાં લેક્ચર આપવા ગયો હશે એમાંથી જાનપહેચાન ઘણી આગળ વધી ગઈ લાગે છે....’
નોકરવર્ગમાં થતી કાનાફૂસીએ માસૂમાને પળ પૂરતી સ્થિર કરી દીધી. આર્જવની મહોબત બરખા છે?
બીજી પળે તે પૂર્વવત્ થઈ - આર્જવની ખુશીમાં મારી ખુશી. હું તો મામૂલી નોકરાણી. મારા મહેબૂબની જોડે બરખારાણી જ શોભે, ખુદા તેમના પર રહેમ રાખવામાં કસર ન કરતો.
હવે તેણે સ્વસ્થતાપૂર્વક બહાર જઈ જમવાનું ટેબલ સજાવ્યું. પ્લેટ્સ ગોઠવી દીવાનખંડની બેઠકે પહોંચી. બરખા-વકીલસાહેબ સામસામે બેઠાં હતાં, આર્જવની ખુરશી પાછળ ઊભી રહી તેણે અદબથી કહ્યું, ‘મેજ તૈયાર છે માલ્કિન.’
એવો જ આર્જવ ઊલટો ફયોર્, ‘મા...સૂ...મા... તું!’
હાય અલ્લાહ. તેમણે મને અવાજ પરથી પહેંચાની!
‘મેજર સા’બ આપ!’ માસૂમાએ અચરજ દાખવ્યું.
સામે બેઠેલી બરખા ટટ્ટાર થઈ - ‘તમે જાણો છો એકબીજાને?’
‘જી માલ્કિન’ માસૂમાએ સામાન્ય રહેવા મથવું પડ્યું. ‘ઝેલમના પૂરમાંથી મને ઉગારનાર ઑફિસર આ જ સાહેબ.’
‘ઓહ.’ એ ગાથા બરખાને માલૂમ હતી.
‘મને તો હતું કે તું તારા ગામ જતી રહી હોઈશ... ખેર, તને સુખરૂપ જોઈ આનંદ થયો.’
એ ભાવના, એ ખુશી આર્જવના સાદમાં અનુભવી શકાતી હતી.
‘બરખા, આઇ મસ્ટ ટેલ યુ, કાશ્મીર માટે માસૂમાના વિચારો બિલકુલ તારા જેવા જ છે.’
‘આઇ નો’ બરખાએ સ્મિત વેર્યું. ‘એટલે જ તો તેણે અહીં નોકરી લીધી છે.’
પોતે દેશવિરુદ્ધની ટિપ્પણીઓથી અકળાઈ કામ છોડ્યાની વાતે આર્જવ પ્રભાવિત બનેલા. કાશ્મીરની આજ આવી હોય તો આવતી કાલ જરૂર સ્વર્ગમયી હોવાની!
‘બસ, બસ, મારી તારીફમાં વખત બેડફવાને બદલે ભોજન માટે પધારો.’
‘માશા અલ્લાહ, છોકરી તહેઝીબવાળી છે.’ વકીલસાહેબે તારીફ કરી મહેમાનને દોર્યા, ‘આઈએ જનાબ’
માસૂમાએ સફાઈથી થાળી પીરસી.
‘આજે તમારા માટે સ્પેશ્યલ વેજ ડિશીઝ બનાવડાવી છે.’ બરખાએ ટહુકો કયોર્.
‘થૅન્ક્સ.’ પૂરણપોળી પીરસાતાં આર્જવ ખીલી ઉઠ્યો, ‘મારી પસંદનું પણ તેં ધ્યાન રાખ્યું!’
બરખા-માસૂમાની નજરો મળી, છૂટી થઈ.
‘આની ક્રેડિટ માસૂમાને આપજો. તમારા વિશે મારા કરતાં એ વધારે જાણતી લાગે છે.’
તેના બોલવામાં વ્યંગ કે તોછડાઈ નહોતી છતાં અણખટ તો લાગી. માસૂમાએ સલૂકાઈથી કહી દીધું, ‘એમાં એવુંને માલ્કિન, જેને રસોઈનો શોખ તે કોને શું ભાવે એ પહેલાં પૂછી લે.’
‘અફકોર્સ! અને જવાબ પાછો દોઢ વરસ સુધી યાદ પણ રાખે!’ બરખાએ પછી હસી નાખ્યું. ‘ઍની વે, આર્જવને અહીં જોયા બાદ તે તેમને ભાવતી ડિશ બનાવી કાઢી એ આપણને ગમ્યું. આજ ફરી તેમની ખાતીરદારીમાં ચૂકીશ નહીં.’
મતલબ આર્જવ અહીં આવતા રહેવાના. હાશ!
આ પણ વાંચો : કથા-સપ્તાહ : શહીદ (એ મેરે વતન કે લોગોં... - 1)
એ રાત્રે ક્યાંય સુધી માસૂમાને નિંદર નહોતી આવી. આર્જવની છબી આંખો આગળથી હટતી નહોતી. પછી તો લગભગ દર વીકેન્ડ તેઓ અહીં આવે, ક્યારેક બરખા તેમના કૅમ્પમાં જાય... હવે તો ઘરમાં તેમના રિશ્તાની વાત પણ થવા લાગી છે. વકીલસાહેબે આર્જવના પેરન્ટ્સને કાશ્મીર તેડ્યા છે. તેમને જોકે દીકરાના પ્રણયસંબંધનો વાંધો લાગતો નથી. આવતા મહિને તેઓ આવે એવી વકી છે. એ સમયે એન્ગેજમેન્ટની વિધિ કરવા સુધીનું આયોજન છે.. હું તો રબને એટલી જ દુવા કરીશ કે આર્જવની ઝોળી હંમેશાં ખુશીઓથી હરીભરી રહે! એ જ મારું જીવન સાફલ્ય.
પિયુના સુખની કામના કરી નિંદમાં પોઢતી માસૂમાને શું બનવાનું હતું એની ક્યાં ખબર હતી?
***
ત્યારે કરાચીમાં-
નાઉ ઇટ્સ ટાઇમ. સર્જિકલ સ્ટ્રાઇફ પછી મોટા ભાઈ થઈ ગયેલા ભારતનને વળદાર ચીંટીયો મારવાની ઘડી આવી પહોંચી છે...
મધરાતે તેણે સિક્રેટ નંબર જોડ્યો. એની રિંગ શ્રીનગરના વકીલ યુસુફમિયાંના ઘરે ગઈ. (ક્રમશ:)


