‘શું ગાંડા જેવી વાત કરે છે તું?’ રમણીકભાઈ ઉશ્કેરાયા, ‘જો તો ખરા, છોકરો કામ શું કરે છે, તેની આવક શું છે. કંઈ જોયા-વિચાર્યા વિના તું તેનો હાથ પકડીને આવી ગઈ ને હવે મને કહે છે કે મારે આની સાથે મૅરેજ કરવાં છે.
ઇલસ્ટ્રેશન
‘જુઓ શેઠ, આપણી તો ચોખ્ખી વાત છે. રાજાને ગમે તે રાણી...’ રમણીકભાઈ પટેલે વેવાઈ સામે હાથ લંબાવ્યો, ‘રહેવું તેને છે તો પછી આપણે વિરોધ કરીને શું કરી લેવાનું?’
‘એકદમ સાચી વાત... મેં પણ મિતુલને એ જ કીધું...’ વેવાઈ દિનકરભાઈએ હામી પુરાવી, ‘તું રાજી હો, રવિના ઘરનાઓને પ્રૉબ્લેમ ન હોય તો પછી અમારે શું કામ વિરોધ કરવો જોઈએ? ઘર સારું છે, પરિવાર સારો છે તો વાત પૂરી. ભલે આપણે રહ્યા બ્રાહ્મણ. તું પટેલ થતી હો તો હું રાજી જ છું. હવે આપણે પણ તારા નામે ખેતર લેશું.’
ADVERTISEMENT
બન્ને વેવાઈ હસી પડ્યા અને તેમની વાતો સાંભળીને ત્યાં હાજર રહેલા મહેમાનો પણ મન મૂકીને હસ્યા.
‘અમને તો હતું કે આ તમારી જ્ઞાતિમાં કિંજલનો વિવાદ થયા પછી કદાચ તમે ના પાડી દો ને કાં તો કદાચ તમને એ લોકો જ્ઞાતિ બહાર કરે તો...’
‘ભાઈ, સમાજ એટલે શું, હેં? સારા સમયે આવીને થાળી માંડી જાય એ સમાજ. બાકી ખરાબ સમયે તમારા પડખે એ જ ઊભું રહે જેને તમારા માટે પ્રેમ હોય. આ સમાજ-બમાજ તો ભાગતા ફરે.’ દિનકરભાઈએ પેટછૂટી વાત કરી દીધી, ‘આમ તો અમારામાં એવું કશું છે નહીં. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં અમુક ગામોમાં હજી પણ આવું બધું ચાલે છે અને એ લોકો માને પણ છે. પણ તમે જ કહો, દીકરી ડૉક્ટર બની હોય અને પછી સમાજમાં તેને લાયક મુરતિયો ન મળે તો આપણે શું કરવાનું? થોડી કંઈ દીકરીને એમ ગમે તેની સાથે પરણાવી દેવાય છે.’
‘સાવ સાચી વાત શેઠ. આ જુઓ, અમારી વૈશાલી.’ રમણીકભાઈએ દીકરી તરફ હાથ કર્યો, ‘મેં તેને ક્લિયર કહી દીધું, તારા લેવલનો છોકરો હોવો જોઈએ. આપણને એક પણ પ્રકારનો જ્ઞાતિબાધ નથી. તું તારે જેને લઈ આવવો હોય તેને લઈ આવ, અમે જમાઈ તરીકે સ્વીકારી લેશું. બસ, તારે એટલું ધ્યાન રાખવાનું કે પાત્ર તારા સ્ટેટસનું હોવું જોઈએ.’
પપ્પાની વાત ધ્યાનથી સાંભળતી વૈશાલીના ફેસ પરથી સ્માઇલ અલોપ થયું અને તેની આંખ સામે ત્રણ મહિના પહેલાંની ઘટના આવી ગઈ.
lll
‘શું ગાંડા જેવી વાત કરે છે તું?’ રમણીકભાઈ ઉશ્કેરાયા, ‘જો તો ખરા, છોકરો કામ શું કરે છે, તેની આવક શું છે. કંઈ જોયા-વિચાર્યા વિના તું તેનો હાથ પકડીને આવી ગઈ ને હવે મને કહે છે કે મારે આની સાથે મૅરેજ કરવાં છે. કંઈ બુદ્ધિ જેવું છે કે નહીં?’
‘પપ્પા, તમે મારી વાત સાંભળો.’
‘મારે તારી એક પણ વાત સાંભળવી નથી. તને ડૉક્ટર શું કામ બનાવી અમે? તું આવીને કમ્પ્યુટર સાયન્સ ભણેલા બૅચલરને ઉપાડીને અમારી સામે મૂકી દે એ માટે?’ પપ્પાની કમાન બરાબરની છટકી હતી, ‘લાખ વખત, તને લાખ વખત કહ્યું કે સ્ટેટસવાળા લોકો સાથે રહેવાનું. પણ મારું સાંભળે કોણ? હું બસ, કૂતરાની જેમ ભસ્યા કરું ને તમે લોકો તમારી મરજી મુજબ ફર્યા કરો.’
‘તમે જરાક શાંત થાઓ.’ મમ્મી સુધાબહેન આગળ આવ્યાં, ‘શું કામ રાડો પાડો છો? શાંતિથી વાત કરોને. તે બિચારી તમારી વાત સાંભળે તો છે...’
‘સાંભળીને ઉપકાર નથી કરતી. ભણાવી-ગણાવી, આવડી મોટી
હાર્ટ-સ્પેશ્યલિસ્ટ બનાવી છે. આખી જિંદગી તેની પાછળ ખર્ચી નાખી ને હવે, હવે કોની સાથે તેને મૅરેજ કરવાં છે તો કહે છે, પેલા હરામખોર...’
‘પપ્પા...’ વૈશાલીના ઊંચા થયેલા અવાજે પહેલી વાર રમણીકભાઈને બોલતાં અટકાવ્યા, ‘બોલતાં ન આવડે તો ચૂપ રહો. તમે દર વખતે કુતુબને આવું કહીને ઉતારી પાડો છો.’
‘હા તો... તો શું કહું હું?’ રમણીકભાઈનો અવાજ ફરી મોટો થયો, ‘એ જે કોમનો છે એમાં તેને એ જ કહેવાય.’
‘આમ તો બહાર બધાની સામે મૉડર્ન છો એવું દેખાડતા હો છો. હવે ક્યાં ગયું તમારું મૉડર્નપણું?’
‘બેટા, વાત મૉડર્ન કે ઑર્થોડૉક્સની નથી, વાત સ્ટેટસની છે.’ રમણીકભાઈએ અવાજ હળવો કર્યો, ‘જો તારો કુતુબ ડૉક્ટર હોત, તારા કરતાં વધારે ભણેલો કે મોટી પોસ્ટ પર હોત તો મેં તને રોકી ન હોત પણ... શું કરે છે તે... ડેટા ઑપરેટર. અને એ પણ ક્યાં, તો કહે કે તારી જ હૉસ્પિટલમાં.’
વૈશાલી ચૂપ રહી એટલે રમણીકભાઈ ઊભા થઈ તેની પાસે આવ્યા.
‘બેટા, સરસ છોકરો જો. અમારે ક્યાં તેની સાથે રહેવાનું છે, તારે જ રહેવાનું છે. પણ જરાક તારા લાયક હોય એવો છોકરો શોધ એવી અમારી ઇચ્છા છે.’ પપ્પાએ મમ્મીની સામે જોયું, ‘તું પણ આખો દિવસ ઠાકોરજી-ઠાકોરજી કરવાનું બંધ કર અને જરાક દીકરી પર ધ્યાન આપ.’
પપ્પા રૂમમાં ચાલ્યા ગયા અને મા-દીકરી બન્ને એકબીજાની સામે જોતાં રહ્યાં.
lll
‘શેઠ, જુઓ. હવે તો અમારા ઘરમાં બબ્બે ડૉક્ટર છે.’ રમણીકભાઈએ દીકરી સામે જોયું, ‘હું તો ઇચ્છું છું કે અમારી વૈશાલી પણ સરસ ડૉક્ટર શોધી લે એટલે પછી ત્રણ ડૉક્ટર ને એ ત્રણ ડૉક્ટરની હું એક સરસ હૉસ્પિટલ બનાવી કાઢું...’
‘હા, સારો આઇડિયા છે.’
‘હાસ્તો... તે બધા ભેગા મળીને હૉસ્પિટલ ચલાવે ને અમારો રવિ...’ પપ્પાની નજર દીકરા પર ગઈ, ‘તે આખી હૉસ્પિટલનું મૅનેજમેન્ટ કરે. અરે હા, હું તમને કહેતાં ભૂલી ગયો. રવિ તેની IT ફર્મ ચાલુ કરતો હતો ત્યારે જ મને મારા એક ફ્રેન્ડે કહ્યું હતું કે તમે દીકરાને ખોટી લાઇનમાં મોકલો છો. તેને ઍડ્મિનિસ્ટ્રેશન ફીલ્ડમાં મોકલો. ભવિષ્ય બહુ સારું છે.’
‘હું તો મારાં સંતાનોને એક જ વાત કહું...’ વેવાઈ દિનકરભાઈએ જવાબ આપ્યો, ‘જે કરવું હોય એ કરો, તમને બધી છૂટ. બસ, એક વાતનું ધ્યાન રાખજો. એ કામ તમને ગમતું કામ હોય. શું છે, ગમતા કામમાં થાક ન લાગે.’
‘થાક તો મને પણ નથી લાગવાનો. જ્યાં સુધી હું દીકરીને વળાવી ન લઉં.’ રમણીકભાઈએ વેવાઈ સામે જોયું, ‘તમારા ધ્યાનમાં કોઈ સારો છોકરો હોય તો જુઓ, વૈશાલી તમારી પણ દીકરી કહેવાય હં...’
‘મારી દીકરીને તો હું પહેલાં કહું, બેટા તારા ધ્યાનમાં કોઈ હોય તો મને કહે... મિતુલને પણ આ જ પૂછ્યું ને તેણે મને રવિ દેખાડી દીધો. મેં મળી લીધું છોકરાને, છોકરામાં પ્રામાણિકતા છે, લાગણીવાળો છે ને સાચા મનથી મિતુલને પ્રેમ કરે છે. પછી બીજું જોઈએ શું હેં?’ વેવાઈએ વૈશાલી સામે જોયું, ‘બેટા, તારા આ પપ્પા મને તારી જવાબદારી સોંપે એ પહેલાં કહી દે કોઈ શોધી રાખ્યો હોય તો...’
વૈશાલી કંઈ બોલે કે કહે એ પહેલાં જ સુધાબહેને જવાબ આપી દીધો.
‘અરે ના રે, મારી દીકરી તો એક જ વાત કહે છે, મારા માટે મમ્મી-પપ્પા શોધે તેની સાથે જ મારે સંસાર માંડવો છે.’
વૈશાલી મમ્મીને જોઈ રહી.
જો એ સમયે વૈશાલીના મનમાં ચાલતા વિચારો કોઈએ સાંભળ્યા હોત તો તે ઊભા-ઊભા સળગી ગયા હોત.
lll
‘મમ્મી, અમે ફ્રેન્ડ્સ ફરવા જવાનું વિચારીએ છીએ.’
‘વિચારમાં જ ફરી લેજો. બાકી ખબર છેને તારા પપ્પા.’ મમ્મીએ વૈશાલી સામે જોયું, ‘તારું તો જે કરવું હશે એ કરશે પણ મને મૂકી આવશે છેક વસઈ...’
‘મમ્મી, એક વાત પૂછું?’ વૈશાલીએ પૂછી પણ લીધું, ‘તું ને પપ્પા બન્ને કેટલા ડબલ-ફેસ છો. બહાર જુદું બોલો, ઘરમાં જુદું બોલો. બહાર જુદું વર્તો, ઘરમાં વર્તન જુદું કરો. તમને આવું કેમ ફાવે છે?’
‘એ તારે નક્કી કરવાની જરૂર નથી. અમે અમારું ફોડી લેશું.’ મમ્મીએ છણકો કર્યો, ‘અત્યારે મેં તને કહ્યું એ તેં સાંભળી લીધુંને, તારે ફરવા ક્યાંય જવાનું નથી.’
‘કેમ?’
‘એ તું તારા પપ્પાને પૂછી લેજે.’
‘આવે એટલે આજે તો પૂછીશ જ...’
‘મારી મા...’ મમ્મીએ દીકરીને હાથ જોડ્યા, ‘તું ઘરમાં શાંતિ રહેવા દે તો સારું.’
વૈશાલી ત્યાંથી ઊભી થઈને નીકળી ગઈ પણ મમ્મીનો બબડાટ ચાલુ રહ્યો.
‘રામ જાણે, આ છોકરીને કેમ દરેક વાતમાં આડું ચાલવા જોઈએ છે. નથી મારું માનતી, નથી તેના પપ્પાનું માનતી. બસ, બધું પોતાનું ધાર્યું કરવું છે. સમાજમાં ક્યાંય મોઢું દેખાડવા જેવું નહીં રહેવા દે.’
lll
‘કુતુબ, હું સાચે જ હવે મારી ફૅમિલીથી થાકી ગઈ છું.’ હૉસ્પિટલની કૅન્ટીનમાં વૈશાલીએ ટિફિન ખોલ્યું, ‘દરેક વાતમાં એ લોકો જે પ્રકારની પાર્શિયાલિટી કરે છે એ ખરેખર હદ કરે છે.’
‘વૈશી, ચાલે હવે. તું શું કામ દર વખતે એ વાત પકડીને બેસે છે?’ વૈશાલીના ટિફિનમાંથી રોટલીનો ટુકડો તોડતાં કુતુબે કહ્યું, ‘જેવા છે એવા પણ એ લોકો આપણા છે.’
‘આપણા છે એટલે જ અત્યાર સુધી ચૂપ છું. બાકી તો ક્યારનું મેં...’
સીઇઇઇશશશ...
આજુબાજુમાં જોતાં કુતુબે સિસકારો કર્યો અને પછી તરત જ વૈશાલીને ટોકી પણ ખરી: ‘વૈશાલી, કેટલીક વાર તને પોતાને નથી ખબર પડતી કે તું શું બકે છે. પ્લીઝ બોલવામાં ધ્યાન રાખ...’
‘હું શું ધ્યાન રાખું?’
‘એટલું જ કે બોલવું એ કરવું નહીં ને કરવું એ...’ કુતુબે આસપાસમાં નજર ફેરવી ધીમેકથી કહ્યું, ‘બોલવું નહીં.’
lll
રમણીકભાઈ પટેલ અને સુધાબહેન પટેલને બે બાળકો.
વૈશાલી અને રવિ.
વૈશાલી ઉંમરમાં રવિ કરતાં ૮ વર્ષ મોટી. સમજણી થયા પછી મમ્મીના મોઢે વૈશાલીએ સાંભળ્યું હતું કે પપ્પાને દીકરો જોઈતો હતો અને વૈશાલી પેટમાં હતી ત્યારે આઠમા મહિના સુધી એવાં જ લક્ષણો હતાં કે દીકરો આવશે પણ વૈશાલીનો જન્મ થયો. બહાર તો કોઈને પપ્પાએ દેખાડ્યું નહોતું પણ અંદરખાને પપ્પા નારાજ અને નિરાશ થયા હતા. એ પછી મમ્મી ચાર વખત પ્રેગ્નન્ટ થઈ પણ દરેક વખતે પપ્પા પ્રેગ્નન્સી ચેક કરાવતા અને દીકરીની ખબર પડે એટલે પપ્પાના આગ્રહને વશ થઈ મમ્મી અબૉર્શન કરાવી લેતી. છેક સવાસાત વર્ષે પપ્પાને ખબર પડી કે હવે તેની અર્ધાંગિનીના પેટમાં તેના ખાનદાનનો વારસ છે અને પપ્પાએ ત્યારથી જ દર મહિને બધાને પાર્ટી આપવાનું શરૂ કરી દીધું જે છેક રવિ ૧૮ વર્ષનો થયો ત્યાં સુધી ચાલી.
રવિની તમામ ડિમાન્ડ પૂરી થાય. રવિની દરેક ઇચ્છાને માન મળે. જમવામાં શાક કયું બનશે એ પણ રવિને પૂછવામાં આવે અને ફ્લૅટના ઇન્ટીરિયરની ડિઝાઇન પણ રવિને દેખાડવામાં આવે. રવિ નક્કી કરે એ જ કલર ઘરની દીવાલો પર લાગે અને રવિ નક્કી કરે એ જ કલરનું ટૂ-વ્હીલર વૈશાલી માટે લેવામાં આવે.
વૈશાલીને આ દરેક વાતની ચીડ નાનપણથી હતી, પણ દર વખતે તે મન મારીને જતું કરી દેતી. સમય જતાં પપ્પાએ પણ વૈશાલીની વાતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, પણ એ માટે વૈશાલીને એવું લાગતું કે તે સ્કૉલર હતી એટલે પપ્પાએ આ બાંધછોડ કરી છે. વૈશાલી મેડિકલમાં ગઈ ત્યારે પપ્પાએ ઘરે ગ્રૅન્ડ પાર્ટી રાખી અને રવિ એન્જિનિયરિંગમાં ગયો ત્યારે પપ્પાએ ગોરેગામની વેસ્ટ-ઇનમાં પાર્ટી આપી.
lll
‘મમ્મી, ખરેખર આ... આ પાર્શિયાલિટી છે. રવિ મારો ભાઈ છે એટલે હું કંઈ બોલતી નથી પણ ક્યારેક તો મને દુઃખ થાયને?’
‘બેટા, તું ખોટું સમજે છે.’ મમ્મીએ વહાલથી વૈશાલીના માથે હાથ ફેરવ્યો, ‘તને મેડિકલમાં ઍડ્મિશન મળ્યું ત્યારે તારા પપ્પા એક સામાન્ય કૉન્ટ્રૅક્ટર હતા. આજે આપણે મુંબઈના નામાંકિત બિલ્ડર છીએ. સમય પણ સમયનું કામ કરેને!’
‘હું પણ એ જ કહું છું, સમય સમયનું કામ કરશે.’ મમ્મીનો હાથ ઝાટકી વૈશાલી સોફા પરથી ઊભી થઈ ગઈ, ‘તું યાદ રાખજે.’
(વધુ આવતી કાલે)


