સર્કસના તંબુ સાથે લફરું કરતાં મને કોઈ જોઈ જશે તો મારી તો આબરૂના કાંકરા થશે
વાર્તા-સપ્તાહ
પ્રતીકાત્મક તસવીર
પી.સી. ચોકસીના રોમૅન્ટિક પોઝવાળા ફોટો પેલી બ્લૅકમેઇલર મંજુએ ભલે પડાવ્યા, પણ પી.સી. પાસે એનો કાઉન્ટર પ્લાન હતો. તે એક ઠેકાણે પહોંચી ગયો જેનું નામ હતું ઃ
સ્ટુડિયો વિઝન
ADVERTISEMENT
(કમ્પ્યુટર વડે ઇફેક્ટ કરીને ફોટોગ્રાફી કરી આપવામાં આવશે)
પી.સી.એ ચારપાંચ ફિલ્મી મૅગેઝિન પણ ભેગાં કરી રાખ્યાં હતાં. સ્ટુડિયો વિઝનમાં જઈને તેણે કહ્યું, ‘બૉસ, આપણે ઐશ્વર્યા રાય સાથે પોઝ આપતા હોઈએ એવી ઇફેક્ટ થાય?’
ફોટોગ્રાફર તેની સામે જોઈ જ
રહ્યો, પણ પી.સી.એ હસતાં-હસતાં કહ્યું, ‘આ તો બે ઘડી ગમ્મત ખાતર! કેટલા પૈસા થાય?’
ટૂંકમાં ૬૦૦-૭૦૦ રૂપિયામાં પી.સી. ૬ હિરોઇનો સાથે રોમૅન્ટિક પોઝમાં ગોઠવાયા - ઐશ્વર્યા, કરિશ્મા, રવીના, શિલ્પા, તબુ અને માધુરી! (બધી મોટી ઉંમરની જ સૂટ થાયને!) ફોટોગ્રાફરે અર્જન્ટનો ચાર્જ લગાડેલો એટલે બીજા દિવસે ફોટો મળી પણ ગયા. બસ, હવે પેલી મંજુ દેસાઈ તેના ફોટો વડે ક્યારે આક્રમણ કરે એની જ રાહ જોવાની હતી.
lll
પી.સી.એ બહુ રાહ જોવી ન પડી.
બુધવારે જ આક્રમણ થયું. પી.સી. ઑફિસથી ઘરે આવ્યો ત્યારે મિસિસનો ફૂલેલો થોબડો અને સૂજેલી આંખો જોઈને તે સમજી ગયો કે ફોટો ઘરમાં આવી ગયા છે. છતાં તે કંઈ બોલ્યો નહીં. ચૂપચાપ ખાધું. ‘કરોડપતિ’ જોયું, ‘અનુપમા’ જોયું, રોજ નહોતો જોતો છતાં ‘નાગિન કા બદલા’ પણ જોયું. મિસિસ પણ કશું બોલ્યા વિના સોફા પર પૂતળાની જેમ બેસી રહી.
છેવટે સૂતાં પહેલાં પી.સી.ના પગે ઘી ઘસતાં-ઘસતાં મિસિસની આંખોમાંથી આંસુની ધાર ચાલી રહી.
પી.સી.એ કહ્યું, ‘આ ટપકાં ક્યાંથી પડે છે? સાલું, આપણું ધાબું લીક થવા માંડ્યું કે શું?’
એટલે મિસિસથી ના રહેવાયું,
‘આ મંજુડી કુણ સે? વીહ-વીહ વરહ લગી અમીં તમારી સેવા કરી ઈનું કોંય નંઈ? શોકને ઘરમોં ઘાલીવી’તી તો અમોંન પે’લાં કે’વું તું, ઝેર પી ન મરી ના જ્યા હોત?’
પી.સી.એ દલીલ કરવાનો દેખાવ કર્યો, પણ મિસિસ ચંડિકા બની ગયાં હતાં. તેણે ધડાધડ પેલા ફોટો ફેંક્યા, ‘આ જુવો! કુણ છ આ? કભારજાએ તો તમોંને કાગળેય લખ્યો છ! આ તો મું સાત ચોપડી પાસ છું એટલે વોંચ્યો!’
જવાબમાં પી.સી.એ હુકમનાં પત્તાં કાઢ્યાં; ઐશ્વર્યા, કરિશ્મા, રવીના, શિલ્પા, તબુ અને માધુરી સાથેના પોતાના રોમૅન્ટિક પોઝ બતાડીને પી.સી.એ કહ્યું, ‘હવે આવા ફોટો તો કમ્પ્યુટરમાં કરાવવા હોય એટલા થાય! બાકી ઐશ્વર્યા સાથે આવો ફોટો જોઈને સલમાન મને જીવતો છોડે? એટલે તું રડવાનું રહેવા દે અને ઘી ઘસ!’
પણ મિસિસ માને જ નહીં. કહે, ‘એ મંજુડી સલમાન જોડે કમ્પ્યુટર ઇફેક ચમ નથ કરાવતી? તમારામાં એ હું ભાળી ગઈ સે? અરેરેરે, મારાં તો બારે વા’ણ ડૂબી ગ્યા... કોઈ મને ઝેર લાઈ આલો...’
મિસિસે જે રીતે ઠૂંઠવો મૂક્યો એ જોઈને તો પી.સી.ની છાતી બેસી ગઈ. તેને થયું કે હવે તો આખી બાજી હાથમાંથી ગઈ!
lll
પણ બાજી સાવ પલટાઈ ગઈ.
મંજુ દેસાઈને તો કલ્પના પણ નહોતી કે બાજી આટલી હદે પલટાઈ જશે. જ્યારે તે પી.સી.ની મિસિસને મળવા આવી ત્યારે તેના મનમાં એમ હતું કે હું લટકામટકા કરીને પેલા ફોટો પાછા માગીશ અને પી.સી. સાથેના સંબંધની હળવી છતાં સ્પષ્ટ હિન્ટ્સ આપીશ એને લીધે પી.સી.ના સંસારમાં આગ લાગી જશે.
પણ અહીં તો પી.સી.ની મિસિસ પોતે જ હોલિકાનું સ્વરૂપ ધારણ કરીને ધસી આવી, ‘અરે જાજા મંજુડી! તારા જેવી તો હજાર આઈ જઈ! મારો ધણી તો તારા જેવીને હુંઘેય નંઈ! મારા ધણીને હાલીમવાલી હમજેસ? આ જો, આ ઐસ્વર્યા, આ માધુરી, આ કરિસ્મા,
આ બધી મારા ધણી પાછળ ઘેલી સે! તન તો ગુજરાતી પિક્ચરમોંય કોઈ હિરોઇન ના બનાવ!’
મંજુ દેસાઈનું તો મગજ જ કામ
કરતું બંધ થઈ ગયું! ‘પી.સી.ની મિસિસ તેના પતિને કોઈ મહાન પ્લેબૉય સમજતી હતી કે શું? મંજુએ આવું અપમાન ક્યારેય નહોતું જોયું. તે સડસડાટ દાદરા ઊતરી ગઈ.
કારનો દરવાજો ખોલીને તે સીટ પર ફસડાઈ પડી ત્યારે તેનું માથું ફાટફાટ થઈ રહ્યું હતું. તેણે તરત જ મોબાઇલ ઉપાડીને એ નંબર જોડ્યો,
‘હલો જગ્ગુ, અબ કોઈ નયા ઇલાજ કરના પડેગા!’
‘આપ હુકમ કરો મૅડમ!’ સામેથી અવાજ આવ્યો.
મંજુની આંખોમાં લાલાશ ઊતરી આવી હતી. તેણે કઠોર અવાજે કહ્યું, ‘જગ્ગુ, તુમ એક કામ કરો...’
‘હો જાએગા!’ જગ્ગુએ તરત જ કહ્યું, ‘પી.સી. કો કિડનૅપ કરને કા હૈ ના?’
‘ના...’ મંજુએ કહ્યું.
‘તો ફિર પી.સી. કી વો પીપ
જૈસી બીવી કો ઉઠા લાઉં? બેચારા રોતા હુઆ આએગા!’
‘ના જગ્ગુ...’ મંજુનું મગજ એક ખતરનાક યોજના ઘડી રહ્યું હતું, ‘હવે આ ગેમ જરા જુદી રીતે રમવી પડશે. પી.સી.ની બૈરીને બરાબરનો પાઠ ભણાવવો પડશે. તું એક કામ કર જગ્ગુ, ગમે તેમ કરીને પી.સી.ની મિસિસને કોઈ લફરામાં ફસાવ!’
જગ્ગુને હસવું આવી ગયું, ‘ક્યા આઇડિયા સોચેલા હૈ મૅડમ! પી.સી.ને જ્યારે આ લફરાની ખબર પડશે ત્યારે બિચારાની હાલત ધોબીના કૂતરા જેવી થશે! ન ઘરનો, ન ઘાટનો!’
lll
જગ્ગુ ચપટી વગાડવા લાગ્યો. જ્યારે તે મૂડમાં આવીને કોઈ આઇડિયા વિચારતો હોય ત્યારે તેને ચપટી વગાડવાની ટેવ હતી. વિચારતાં-વિચારતાં તેને આઇડિયા મળી જાય કે તરત તેને પોતાની જાંઘ પર તાળી મારવાની આદત હતી.
જગ્ગુએ ત્રીજી જ મિનિટે જાંઘ પર તાળી મારી, ‘યસ, જિગર! આ કામ માટે જિગર બિલકુલ ફિટ રહેશે!’
જિગર તેમની ટોળકીનો શાર્પશૂટર હતો. કપડાં સ્ટાઇલમાં પહેરતો, કૉલર અધ્ધર રાખતો, રાતના ટાઇમે પણ ગૉગલ્સ પહેરતો અને પોતાની રિવૉલ્વર પર પણ ઇમ્પોર્ટેડ સેન્ટ છાંટતો હતો. જિગરની આ સ્ટાઇલ હતી. ‘ગોળી છોડ્યા પછી રિવૉલ્વર સૂંઘીએ ત્યારે મસ્ત સુગંધ આવવી જોઈએ.’
જોકે જિગરને કોઈ ફિલ્મી હીરોનો વહેમ નહોતો છતાં એક બાબતમાં તે ફિલ્મી હીરો જેવો જ હતો - નાહવાની બાબતમાં! તેને જ્યારે પણ ફોન કરો ત્યારે તે બાથરૂમમાં જ હોય. જગ્ગુએ તેને ફોન કર્યો ત્યારે પણ તે ટબમાં જ હતો.
જગ્ગુએ જ્યારે તેને ફોનમાં કહ્યું કે ‘ફટાફટ આ જા, તેરે કુ એક રોમૅન્ટિક કામ કરને કા હૈ...’ ત્યારે તે એમ સમજેલો કે કોઈ ખૂબસૂરત છોકરીને ટપકાવી નાખવાની હશે. એટલે નાહ્યા પછી જિગરે બબ્બે વખત સેન્ટ છાંટ્યું હતું, પરંતુ જ્યારે જગ્ગુએ તેને લાકડાના પીપ જેવી સ્ત્રીની તસવીર બતાવી ત્યારે જિગરનો આખો મૂડ ખલાસ થઈ ગયો.
‘યાર જગ્ગુ, આ જાડીની ગેમ કરવાનું કામ ભલે તને રોમૅન્ટિક લાગતું હશે, પણ મને તો જરાય રોમૅન્ટિક નથી લાગતું.’
‘આની ગેમ નથી કરવાની...’ જગ્ગુએ જિગરના ખભા પર હાથ મૂકીને સ્માઇલ આપતાં કહ્યું, ‘આની સાથે તારે લફરું કરવાનું છે!’
‘શું?’ જિગર ભડક્યો, ‘યાર, થોડીક તો મારી ઇજ્જતનો ખ્યાલ કર? આ સરકસના તંબુ સાથે લફરું કરતાં મને કોઈ જોઈ જશે તો મારી તો આબરૂના કાંકરા થઈ જશે જગ્ગુ!’
‘મૅડમનો ઑર્ડર છે...’ જગ્ગુએ ઠંડા અવાજે કહ્યું, ‘હવે જરા ડિટેઇલ સમજી લે.’
મૅડમનું નામ પડતાં જિગર ટાઢોબોળ થઈ ગયો. હવે કંઈ બોલવાનો અર્થ જ નહોતો. જગ્ગુએ ડિટેઇલ્સ આપી, ‘ઊંચાઈ સવાપાંચ ફુટ જેટલી એટલે કે પી.સી. કરતાં ચાર ઇંચ ઊંચી છે. વજન ૧૧૨ કિલો એટલે કે પી.સી. કરતાં ૬૦ કિલો વધારે વજનદાર છે અને અભ્યાસ આઠમા ધોરણ સુધી એટલે કે પી.સી. કરતાં અડધો છે.’
‘યાર, મને એ નથી સમજાતું કે બધી વાતમાં તું તેની સરખામણી પી.સી. સાથે શા માટે કરે છે?’ જિગરે અકળાઈને પૂછ્યું. ‘એટલા માટે...’ જગ્ગુએ ઠંડકથી કહ્યું, ‘કે તારે પી.સી.ની જગ્યા લેવાની છે!’
જિગર ડઘાઈ ગયો.
‘હા ડિયર જિગર...’ જગ્ગુ બોલ્યો, ‘પી.સી. તેનો હૃદયસ્વામી છે. તેનો પતિપરમેશ્વર છે અને તેની પત્ની પી.સી.ને સલમાન ખાનથી જરાય કમ નથી સમજતી!’
જગ્ગુએ જ્યારે પી.સી.એ કરેલી
ફોટો-ટ્રિકની વાત કરી અને મંજુમૅડમનું આ જાડીએ કેવું અપમાન કરી નાખ્યું એની વાત કરી ત્યારે જિગરને પણ ચક્કર આવી ગયાં, પરંતુ જગ્ગુએ તેનો ખભો થપથપાવતાં કહ્યું, ‘જિગર ડિયર, તું પણ કોઈ સલમાન ખાનથી કમ નથી. જા ફતેહ કર!’
‘એક મિનિટ...’ જિગરે કહ્યું, ‘આ પી.સી.ની મિસિસનું નામ શું છે?’
‘નામ...’ જગ્ગુએ ઘણાં કાગળિયાં ફેંદ્યા પછી એ મળ્યું, ‘નામ છે મંદાકિની!’
lll
‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ ઍન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ’ના લેખકે કહ્યું છે કે દરેક વ્યક્તિને પોતાનું નામ બહુ ગમતું હોય છે. સામી વ્યક્તિ સાથે મિત્રતા કરવા માટેનો પાયાનો નિયમ એ છે કે વાતચીત દરમ્યાન તેનું નામ વારંવાર બોલો.
પરંતુ પી.સી.ની મિસિસને આ નિયમની ખબર જ નહોતી.
એટલા માટે કે ૨૦ વર્ષના લગ્નજીવન દરમ્યાન પી.સી. ક્યારેય તેનું નામ બોલ્યો જ નહોતો. ક્યારેક બીજા આગળ ઓળખાણ કરાવવાની હોય તો પી.સી. તેની ઓળખાણ ‘આપણાં મિસિસ છે’ એમ કહીને જ કરાવતો. અરે, તેઓ જે ફ્લૅટમાં રહેતાં હતાં ત્યાં પણ પી.સી.ની મિસિસને કોઈ નામથી નહોતું ઓળખતું. શરૂઆતમાં પી.સી. એકલો જ રહેતો ત્યારે ફ્લૅટમાં બધા તેને પી.સી. કહીને જ બોલાવતા એટલે જ્યારે તે પરણ્યો ત્યારે પી.સી.ની મિસિસનું નામ શરૂઆતમાં તો ‘પી.સી.ભાભી’ હતું, પણ સમય જતાં ‘પી.સી.ભાભી’માંથી ‘પી.સી.માસી’ કે ‘પી.સી.કાકી’ થઈ ગયું હતું, કારણ કે પી.સી.ને ફ્લૅટમાં બધા ‘પી.સી.કાકા’ કહીને જ બોલાવતા!
આ તરફ જિગરનેય ખબર નહોતી કે પી.સી.ની મિસિસને આ નિયમની ખબર નહીં હોય એટલે તેણે પહેલા સ્ટેપમાં જ લોચો માર્યો. તેણે એક સરસમજાનો ફૂલોનો બુકે ખરીદ્યો અને કાર્ડમાં લખ્યું,
ટુ મંદાકિની,
- ફ્રૉમ અ ફ્રેન્ડ
ફ્લૅટ નીચેથી એક છોકરાને બોલાવીને તેને ચૉકલેટ આપીને બુકે સાથે ઉ૫૨ મોકલ્યો, પણ થોડી જ વા૨માં તે પાછો નીચે આવ્યો, ‘ઍડ્રેસ ખોટું લાગે છે. ઉપર કોઈ મંદાકિનીબહેન નથી રહેતાં!’
‘હવે?’ જિગરને થયું ‘જાને-જિગર, મામલો રોમૅન્સનો છે, જાતે જ જવું પડે!’
ડોરબેલ દબાવી, બારણું ખૂલ્યું. મંદાકિનીનાં દર્શન થયાં. અડધા ખૂલેલા બારણામાંથી મંદાકિનીની કાયાનો પાંચમો ભાગ જ પ્રગટ થતો હતો, પરંતુ દૃશ્ય મનભાવન હતું. કારણ કે મંદાકિનીએ ફૂલ-ફૂલવાળી ડિઝાઇનનું ગાઉન પહેરી રાખ્યું હતું, જેમાંથી શરીરના કોઈ વળાંક દેખાય એવી શક્યતા જ નહોતી અને હા, ચહેરો પણ બારણા પાછળથી અડધો જ ડોકાતો હતો.
(ક્રમશ:)