તમારા મર્યા પછીની મિનિટોમાં જ તમારી રંગીન તસવીરો વિશ્વભરમાં ફરતી થઈ જશે
ઇલસ્ટ્રેશન
‘મારા રાજ!’
સોમના પરોઢિયે આંખો ખૂલતાં જ પતિની છબિ સમાવતી લેખા પલંગ પરથી ઊતરી. પ્રાત:ક્રિયા દરમ્યાન રાતે આરંભેલી પોતાની પ્રણયકથાનું અનુસંધાન મેળવી લીધું ઃ
ADVERTISEMENT
પોલો ક્લબમાં નિયમિત આવતા પ્રિન્સ રાજવીર સાથે મન મળ્યું, તેમનેય મારો નેડો લાગ્યો ને એક દિવસ અચાનક જ તેમણે પૂછી લીધું, લેખા, મારી જોડે પરણીશ?
ના પડાય નહીં અને હા ભણવા જેવી મારી હેસિયત ક્યાં હતી? જોકે એ મર્યાદા રાજકુટુંબને ન નડી એથી નતમસ્તક થઈ જવાયું હતું.
મહારાણી ખુદ ભેટ-સોગાદ સાથે માગું લઈને ઘરે આવ્યાં, સાથે અર્ણવસિંહ પણ હતો ઃ ‘જોયુંને મા, મારા રામ જેવા ભાઈએ સીતા જ શોધી!’
બે ભાઈઓનું બૉન્ડિંગ મારાથી
છૂપું નહોતું અને અર્ણવના એક જ
વાક્યે આયાસ વિના હું બે ભાઈઓમાં ભળી ગઈ.
જોકે રાજઘરાનાના આગમને હેબતાયેલાં લલિતામા રિશ્તાની વાતે બઘવાયેલાં ઃ ‘આવડી આ છોકરી રાજરાણી બનશે?’
રાજવી મહેમાનોની હાજરીમાં તો તેમની જીભે તાળું લાગી ગયું, રણજિત પણ ડઘાયેલો રહ્યો, પણ મહેમાનો જતાં તેમને ધીરે-ધીરે કળ વળી ઃ
‘બળ્યું આ રૂપ...’ મહેલથી પધારેલા મહેમાનો જતાં તેમણે ટલ્લા ફોડ્યા હતા, ‘કેટલી રાતે રાજાનો કુંવર રીઝ્યો?’
સાંભળીને સમસમી જવાયેલું. મા મને ગમે તે કહે, પણ રાજવીર મર્યાદા ચૂકે એવું ધારી પણ કેમ શકે!
‘આમાં આટલી ઊકળે છે શાની!’ રણજિત પણ ક્યાં ઓછો ઊતરે એમ હતો, ‘તારા માટે બીજું ધરાય પણ કેમ, આખરે લોહી તો તવાયફનુંને!’
‘તવાયફ...’
એવો ધક્કો અનુભવાયો કે હું પડતાં રહી ગઈ.
મારા પ્રત્યાઘાતે લલિતામાના ડોળા ચકળવકળ થયા ઃ ‘છોકરી, તેં રાજને કહ્યું નથી લાગતું કે તું તવાયફની દીકરી છે? જાણીને તો રાજઘરાનાના લોકો રાજી કેમ થાય!’
ઓહ, કોઈને કેમ સમજાવવું કે એવું ક્યારેય સૂઝ્યું જ નહીં... રાજની હાજરીમાં મને મારું કોઈ દુઃખ સાંભરતું પણ નહીં. બાકી રાજવીરથી છુપાવવાનો ઇરાદો હોય જ નહીં. અરે, લલિતામા-રણજિત ઓરમાયાં છે એવુંય કહેવાયું નહીં. એવી વાત, સંદર્ભ કદી ઊખળ્યાં જ નહીં. પ્રીતમાં ક્યારેક આવું કોઈ પણ ઇરાદા વિના બનતું હોય છે.
‘તો હવે એના પર પડદો જ રાખ મારી બાઈ! સાવિત્રીની સચ્ચાઈ ત્રીજું કોઈ જાણતું નથી ને અહીંથી કોઈ મહેલે કહેવા નથી જવાનું કે આપણે સાવકાં મા-દીકરી છીએ! એવી જાણ થાય તોય શું, કહેવાનું કે અમે સગાં-સાવકાંના ભેદ રાખ્યા જ નથી!’
હેં! આ લલિતામા બોલે છે?
ઓરમાન મામાં અચાનક પ્રગટેલી મીઠાશ અકારણ નહોતી એ તો પછી સમજાયું!
‘બસ, તું તારે એટલું યાદ રાખજે કે તારી પેદાશનો ભેદ તારી આ સાવકી મા અને ભાઈ જાણે છે! તું તારે અમને જાળવી લેજે. વાર-તહેવારે મોકો જોઈને અમારી ઝોળી જર-ઝવેરાતથી ભરતી રહેજે, બીજું શું!’
બીજા શબ્દોમાં આ બ્લૅકમેઇલિંગ થયું, પણ લલિતામા પાસે બીજું અપેક્ષિત પણ શું હોય? ના, મારે આવી કોઈ લટકતી તલવાર નથી રાખવી. રાજથી હું એટલું મોટું સત્ય છુપાવી ન શકું...
‘જા, જઈને કહી દે! પણ પછી એ છોકરાનું હૈયું ભાંગશે, તેં છેતર્યાનો આઘાત તેને આપઘાત કરવા પ્રેરે તો...’
શિવ શિવ! આ કલ્પના જ અસહ્ય હતી. હૃદયભંગ થયેલો માણસ શું ન કરે? અને રાજ તો કેવા ઊર્મિશીલ. તેમનું હૈયું વીંધવાનો અપરાધ હું કરી જ કેમ શકું! નહીં, મારાથી આટલા ક્રૂર ન થવાય!
- અને બસ એક રહસ્ય ભીતર દબાવીને હું રાજઘરાનાની વહુ બની. જાતને મનાવી લીધી ઃ મને મારી માવતરની પ્રીત પર ગર્વ છે. માની કૂખ મળ્યાનો નાઝ છે અને એ સત્ય હોય તો માના કુળમૂળની ચર્ચા જ અસ્થાને છે!
ઠીક છે, મહેલથી, મારા સંસારથી તેમને દૂર અળગાં રાખવાની સાવધાની સાથે લલિતામા-રણજિતનું મોં ભરતી રહી છું. કેટલુંક વહેવારના નામે ને કેટલુંક ખૈરાતના હિસ્સામાંથી. ખરેખર તો સૂર્યામા પોતે જ ઉદાર મને આપવાનું કહેતાં હોય છે એટલે મારે એવી ખાસ તકલીફ કે જૂઠ બોલવાની નોબતેય નથી આવી. બાકી મારા સુખ આડે હું સાવકાં મા-ભાઈને આવવા નહીં દઉં.
અત્યારે પણ મન મક્કમ કરતી લેખાએ સઢ બદલ્યો ઃ ‘મારે બીજાં ઘણાં કામ છે. કાલે મારા લાડલા દિયરની સગાઈ છે!’
lll
મંગળની સવારથી મોંઘેરા મહેમાનોનું આગમન થવા માંડ્યું. રાજવીર-લેખા આગતા-સ્વાગતામાં ખડાપગે હતાં.
‘પધારો અમારા સૌથી
આદરણીય મહેમાન!’
મોડી સવારે આવી પહોંચેલાં રાજમાતાને આવકારતા ઉદયસિંહજી-તારામતી ભાવવિભોર બન્યાં. બે કુંવરો અને લેખાવહુએ પાયલાગણ કર્યાં.
‘આ તર્જની, મારી દીકરી જ માનોને...’ રાજમાતા તેના જાસૂસ હોવાનો ફોડ પાડતાં નહીં, શી જરૂર!
‘પણ મને મહેમાન ન માનતાં...’ તર્જની મીઠું મલકી, ‘લેખાભાભી, સગાઈના કામકાજમાં મને તમારી સાથે જ રાખજો.’
‘વાહ, છોકરીએ તો આવતાં જ બધાનું મન
મોહી લીધું!’
lll
છેવટે તૈયાર થઈ સૌ હૉલમાં ભેગાં થવા માંડ્યાં. રાજમાતા સાથે તર્જની પણ પ્રવેશી. રાજવી મહેમાનોની સરભરામાં વ્યસ્ત લેખાને કહ્યું, ‘અહીંનું હું સંભાળી લઈશ, તમે ફટાફટ તૈયાર થઈને આવો, ભાભી.’
‘થૅન્ક્સ, તર્જની. તું આવી તો મને બહુ જ હેલ્પ રહી.’
લેખા તેના કક્ષ તરફ વળી. તર્જની મહેમાનોમાં ફરી કંઈ જોઈતું-કરવાનું હોય તો પૂછતી રહી. શરબત-સૂકા મેવા-મીઠાઈની ડિશ બધાને પહોંચે છે એની ખાતરી કરતી તર્જનીએ વાતવાતમાં જાણી પણ લીધું કે શાહી મહેમાનોથી સહેજ અલગ બેસી મીઠાઈની બબ્બે
પ્લેટ આરોગી ગયેલાં સન્નારી લેખાભાભીનાં માતુશ્રી છે : તેમની સાથેનો જુવાન ભાભીનો ભાઈ રણજિત જ હોવો જોઈએ.
લલિતાબહેનની નજર પણ તર્જની પર હતી. પીળા-લીલા ઘાઘરા-ચોલીમાં આ યુવતી કેવી રૂપાળી લાગે છે. લેખાના સસરાની જ કોઈ સગી હશે. મારા રણજિત જોડે આનું ગોઠવાય ખરું? બાકી મહેમાનોનો શું ઠાઠ છે! તેમનાં પહેરવેશ-ઘરેણાં સામે અમે મા-દીકરા લેખાએ મોકલાવેલાં વસ્ત્રો છતાં મામૂલી લાગીએ છીએ! મારે લેખાને કહેવું પડશે કે...
ત્યાં તો મહારાજ-મહારાણીએ દેખા દીધી એટલે સચેત થઈ જતાં લલિતાબહેને વિચારબારી બંધ કરી દીધી.
‘અરે વાહ!’ રાજમાતા બોલી
ઊઠ્યાં, ‘તારામતી, તમે તો સાસુ જેવાં ઝગમગો છો!’
મહારાજા ઉદયસિંહજી રજવાડી પોશાકમાં હતા. માથે બાંધેલા સાફામાં સાચુકલો હીરો ઝગમગી રહ્યો હતો, પણ મહારાણીની સજાવટનું પૂછવું જ શું! સોના-રૂપાના અસલી તાર મઢ્યું બનારસી સેલું સહેજેય સિત્તેર-એંશી લાખનું હોવાનું. હીરા-માણેકના દાગીના વચ્ચે ધ્યાન ખેંચતો હતો મહારાણીની ગરદને શોભતો કુંદન મઢ્યો ખાનદાની હાર! લાંબા હારનું જાડું-પહોળું પેન્ડન્ટ પણ કેવું નકશીકામભર્યું છે!
‘આ અમારું ત્રણ પેઢી જૂનું ઘરેણું છે, રાજમાતા. મને મારાં સાસુમાએ આપેલું. આવા શુભ પ્રસંગે તેમના આશીર્વાદ તો મારે પહેરવા જ પડેને.’
લલિતાબહેન જેવાની તો
આંખો પહોળી થઈ ગઈ હતી આ નેકલેસ જોઈને!
‘આ તો ભલું થયું કે તારા દિયરનું સગપણ લેવાનું થયું ને તારે અમને મહેલ નિમંત્રવાં પડ્યાં... અને તો જાણ્યું કે તારે કેવા ઠાઠ છે! બદલામાં તું અમને આપે છે એ તો ચણા-મમરા જેવું.’ છેવટે, પૅલેસમાંથી નીકળી બસ તરફ જતી વેળા લાગ જોઈ તેમણે લેખાને આંતરી ક્યારનું ખદબદતું ઓકી નાખ્યું, ‘આ તારી સાસુએ પહેર્યો છે એવો જ હાર મને જોઈએ, મારી બાઈ! નહીંતર હું તારો સંસાર સળગાવી શકું છું એ તું ક્યાં નથી જાણતી!’ કહી મલક્યાં, જરા જોરથી બોલ્યાં, ‘જા દીકરી, અમે કંઈ મહેમાન થોડાં છીએ! તું તારું કામ કર...’
ખિન્નતા ખંખેરીને લેખા વળે છે કે તર્જની દેખાઈ. ખરેખર તો મહારાણી વહુને શોધતાં હતાં એટલે લેખાને તેડવા આવેલી તર્જનીએ દાખવવા ન દીધું કે મા-દીકરીનો વાર્તાલાપ પોતે સાંભળી ચૂકી છે!
lll
‘આવો, અમ આંગણું પાવન કરો!’
વીરનગરના મુખ્ય પૅલેસના દ્વારે મહેમાનોનું શાહી સ્વાગત થયું. રાજમાતાનો વિશેષ સત્કાર થયો. વેવાઈઓ ગળે મળ્યા, વેવાણો ભેટી. અર્ણવની આંખો નંદકુમારીને ખોજતી રહી.
‘તેને આવવામાં વાર છે!’ લેખાએ દિયરના કાનમાં ટહુકો પૂર્યો, પછી પડખે ચાલતી તર્જનીને કામ ચીધ્યું, ‘પહેલા માળે કુંવરીનો કક્ષ છે. મારા દિયરની સંદેશવાહક બનીને જા અને તેનો એક હાઇક્લાસ ફોટો પાડી આવ!’
સગાઈ-લગ્નમાં જુવાન હૈયાંને આવું ગમતું હોય છે.
‘હું જાઉં તો ખરી, પણ મને ઇનામમાં શું મળશે?’ રાજમાતા વડીલોમાં વ્યસ્ત હતાં અને તર્જનીને રાજવીર-લેખા-અર્ણવ સાથે ગોઠી ગયું હતું.
‘માગ, માગ, તું માગે એ મારો ભાઈ આપશે!’ રાજવીર હસ્યો.
‘આઇ ડાઉટ. હું જો કહું કે તમારા હનીમૂનમાં અમને સૌને લઈ જજો તો અર્ણવભાઈ માને ખરા?’ તર્જનીના પ્રશ્ને અર્ણવના ચહેરા પર રતાશ ધસી આવી, ‘પહેલાં તમે સગાઈનું પતાવોને, તો હનીમૂન સુધી પહોંચાશેને!’
આ વાત પર હસતી તર્જની
પોતાની પાસેનો કુંવરીને ચડાવવાના દાગીનાનો થાળ લેખાને સુપરત કરીને સીડી તરફ વળી.
lll
હું શુ કરું? મારે શું કરવું જોઈએ?
નંદાને સમજાતું નથી. આજે મારા જીવનનો આટલો મહત્ત્વનો દિવસ, તોય હૈયે ઉલ્લાસને બદલે ઉચાટ છે!
તેના મૂળમાં છે ધૅટ બ્લૅકમેઇલર. ગઈ કાલે ફરી ફોન રણકાવીને તે અજાણ્યા પુરુષે કહ્યું હતું,
‘કાલે તમારી સગાઈ છે, રાઇટ! રાજવી પરંપરા અનુસાર આવા પ્રસંગોએ કુટુંબની સ્ત્રીઓ ખાનદાની ઘરેણાં પહેરતી હોય છે. તમારાં થનારાં સાસુજી પણ પહેરશે... બસ, તેમનાં એ ઘરેણાં મને જોઈએ!’
‘હેં!’ પોતે ખળભળી ગયેલી.
‘એમ કોઈનાં ઘરેણાં કેમ ઉતરાય!હું બહુ-બહુ તો મારી માતાશ્રીની જ્વેલરી દઈ શકું, અર્ણવનાં મધરના દાગીના કેમ માગી શકું?’
‘ન જ મગાય. ઘરેણાં તમારે માગવાનાં નથી, ચોરવાનાં છે! કેમ કેવી રીતે એ બધું મારા પર છોડી દો. હું ફંક્શન પહેલાં તમને બધું કહી દઈશ.’
‘અસંભવ, મારાથી એવું કંઈ જ નહીં બને જેમાં બન્ને પરિવારની આબરૂનું ધોવાણ થાય! અમારા ઘરે અમારા મહેમાનોની શાન જાય એનો અર્થ જાણો પણ છો? રજપૂતાનામાં આનાથી મોટી નાલેશી કોઈ નહીં. મારા પિતાનું ખોરડું વલોવાય એ પહેલાં તો હું જીભ કાપી મોત વહાલું કરીશ.’
‘એ જેવી તમારી મરજી... પણ તમારા મર્યા પછીની થોડી જ મિનિટોમાં તમારી રંગીન તસવીરો વિશ્વભરમાં ફરતી થઈ જશે. એનો બદલો ભૂત બનીને મારી સાથે ન લેતાં.’
ધારદાર કટાક્ષ સાથે બ્લૅકમેઇલરે ફોન કટ કર્યો હતો.
- અત્યારે પણ નંદકુમારીએ તેનો અજંપો અનુભવ્યો. મારે તો એક બાજુ કૂવો ને બીજી બાજુ ખાઈ છે! ક્યાં જાઉં, શું કરું?
- અને વળી ફોન રણક્યો... ‘આ તો એ જ નંબર!’
‘મહેમાનો આવી ચૂક્યા છે રાજકુમારી. તમારાં સાસુજી ઝવેરાતથી લદાયાં છે અને એમાંય તેમણે કુંદન મઢ્યો સોનાનો હાર પહેર્યો છે એની તો આભા જ નિરાળી છે!’
‘બદમાશ...’ નફરત અનુભવતી કુંવરી બીજી પળે ચોંકી, ‘પણ આ બધું તમે કેમ જાણ્યું? તમે ફંકશનમાં હાજર છો?’
તેની છાતી ધડકી ગઈ. બ્લૅકમેઇલર આસપાસ હોવાની સંભાવના તાણ વધારી દેનારી હતી. સગાઈ માટે પૅલેસમાં અઠવાડિયાથી તડામાર તૈયારીઓ ચાલે છે. ભોજન માટે શામિયાણાની સજાવટ, મહેમાનોની સરભરા માટે મહેલનું રંગરોગાન, લાઇટિંગ, મુખ્ય હૉલનું ડેકોરેશન, કેટરિંગ સર્વિસ માટે કામચલાઉ કંઈકેટલા કર્મચારીઓનું આવાગમન થતું રહ્યું છે એમાં ભળી જવું બહુ સરળ છે બ્લૅકમેઇલર માટે.
‘હું હાજર છું કે નહીં એ જાણવું જરૂરી નથી. તમે માત્ર એટલી નિસબત રાખો કે ત્યાંની પળેપળની મને ખબર રહે છે...’ સામેથી સંભળાયું, ‘હવે કામની વાત.’
(ક્રમશઃ)

