Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જાણે-અજાણે યે કહાં આ ગએ હમ પ્રકરણ-૫

જાણે-અજાણે યે કહાં આ ગએ હમ પ્રકરણ-૫

Published : 02 May, 2025 02:24 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

તું મને ધમકી આપે છે! મારા આગલા વરે ઍસિડ અટૅકની ધમકી આપી તો તેને મેં ખતમ કર્યો

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘શે...ખ...ર!’

આયેશા ચિત્કારી ઊઠી. શેખરનો પાશ, તેનાં ચુંબનો દાહ પ્રેરતાં હતાં. વસ્ત્રોનું આવરણ કરડવા લાગ્યું.



‘તારી ખૂબી એ છે આયેશા કે તું નિરાવૃત્ત અવસ્થામાં વધુ સુંદર દેખાય છે...’


દૂરના ભૂતકાળમાંથી શબ્દો પડઘાયા. આવું તો યુસુફ કહેતો.

આયેશા સંભારી રહી...


આકારના ‘સંન્યસ્ત’ બાદ હું યુસુફને પરણી, હાઇવે પર આવેલા મકાનમાં બે જણનો અમારો સંસાર જામ્યો. આકારને અમે વીસરી ચૂકેલાં. કેવા સુખમય દિવસો હતા... ને કેવી ઉન્માદક રાત્રિઓ!

રામ કે અલ્લાહ જ જાણે અમારા સુખને કોની નજર લાગી ગઈ! લગ્નના ચોથા વર્ષે શુગરની બીમારીમાં યુસુફનું શરીર ગળતું ગયું. એક સમયનો હટ્ટોકટ્ટો જુવાન પાતળી પરમાર જેવો એકવડિયો બની ગયો. મને સંતોષવાની ત્રેવડ જ તે ગુમાવી બેઠો... પથારીમાં તેનાં હવાતિયાં મને વધુ તરસી રાખતાં. પ્યાસાની નજર કૂવાને ખોજતી હોય છે ને આવું એક પાત્ર મારી નજરમાં બેઠું પણ ખરું. યુસુફના જિમમાં આવતો મિત્રાજ!

મૉડલિંગમાં સ્ટ્રગલ કરતો મિત્રાજ ઠીક-ઠીક રૂપાળો હતો, હસીમજાકની દિલ્લગીથી તેને પલોટી હમબિસ્તર બનાવી દીધો.

એ ચક્કર જોકે લાંબું ન ચાલ્યું. યુસુફને મારા રાગનો ને તેની સંતુષ્ટિ માટે હું કઈ હદ સુધી જઈ શકું એનો પૂરો અંદાજ હતો. અમારા એકાંતને રંગે હાથ ભાળી તેણે મિત્રાજને હન્ટર મારી ભગાડ્યો ને મને આપી ધમકી : તારી કાયાના આવેગને કાબૂમાં રાખ, નહીંતર ઍસિડ રેડી સ્વાહા કરી દઈશ...

એક તરફ કામની ચળ ને બીજી બાજુ યુસુફની કાળોતરી ધમકી.

એ દ્વંદ્વનો એક જ ઉકેલ દેખાયો : યુસુફનો અંત!

પથારીમાં નકામા ઠરેલા પુરુષને પરિતૃપ્તિનો મારો માર્ગ ખટકતો હોય તો મારે માર્ગ બદલવાની નહીં, એ પુરુષને હટાવવાની જરૂર છે!

અને તેનો મેળ જાણે કે કુદરતે જ પાડ્યો.

‘કપરાડામાં દીપડાનો આતંક... બે માણસોને ફાડી ખાધા!’

અખબારના સમાચારે ટિક-ટિક થવા લાગી : આવું મોત કુદરતી ગણાય. યુસુફને ફાડી ખાવા દીપડો તો હું લાવી ન શકું પણ માણસને મારવા માટે સાપ જેવું ઝેરી જનાવર પણ કાફી છે!

આઝમગઢમાં ઘણી વાર મદારીઓ આવતા એટલે ઊંચા ભાવે ઝેરી સર્પ ખરીદી એને જાળવવાની સમજ કેળવવી દુષ્કર નહોતી. બસ, પછી તો યુસુફના શૂમાં સરકાવેલો સાપ કરડ્યો ને કોઈને ગંધ સુધ્ધાં ન આવી કે આ કુદરતી મોત નથી, હત્યા છે!

ત્યાં વધુ રહેવાનો અર્થ નહોતો. મિત્રાજમાં એવો કસે નહોતો પણ એના દ્વારા એટલી ક્લુ મળી કે સ્ટ્રગલર મૉડલ્સ ઘણી વાર એસ્કોર્ટનું કામ પણ કરતા હોય છે. પરંતુ મારવો તો મીર, એ નાતે મેં મૉડલિંગ એજન્સીના શેઠને જ પરાસ્ત કર્યો. બબ્બે પતિઓની માલમિલકત મળ્યા પછી મને આર્થિક નિશ્ચિંતતા હતી જ, તોય ત્રીજો પતિયે પામતોપહોંચેલો હોય એનો વાંધો શું! શરૂમાં બધું બરાબર રહ્યું, પણ પછી અરમાનની ઉંમર વર્તાવા લાગી. પરિણામે વળી થોડાં છાનગપતિયાં. એમાં ઠહરાવ આવ્યો અખાડાના સૌથી જોમવંતા જુવાન શેખરને માણ્યા પછી!

ઘર સામે અખાડો ખૂલ્યા પછી પોતે તાકઝાક કરતી રહેતી, એમાં શેખર નજરમાં વસ્યો. એક વાર તેને ‘મારે અખાડામાં ડોનેટ કરવું હોય તો થઈ શકે?’ એવું પૂછવાના બહાને ઘરે તેડ્યો. પછી મધમીઠી બેત્રણ મુલાકાતો, ઉત્તેજિત કરી મૂકતા સ્પર્શ અને જુવાન શૈયામાં!

શેખર ત્યારે સાવ બિનઅનુભવી હતો. અને તોય અનુભવી એવી મને તેણે હંફાવી દીધેલી. તેની કસાયેલી કાયામાં આખલાનું જોર છે. મારા જોબનની ઝલકે એ આખલો બેકાબૂ બને પછી વરસતા સુખને કોની ઉપમા આપવી!

જાણે-અજાણે આકાર, યુસુફ, અરમાનની જેમ તેનેય મારો નેડો લાગ્યો છે ને મને તેની લત.

આમાં હમણાં-હમણાંની એક જ ધાસ્તી રહે છે : અરમાનને અમારા અફેરની ગંધ તો નહીં આવી હોયને!

કેમ કે તેમનું વર્તન હમણાંનું બદલાયેલું લાગે છે. ક્યારેક ઑફિસથી વહેલા આવી જશે, કાં તો ઑફિસ જાય જ નહીં, નોકરાણી બદલી એમાં તો કેટલા પ્રશ્નોની ઝડી વરસાવી તેમણે!

શેખરને પણ આનો અણસાર હોય એમ આ વિશે પૂછે ત્યારે હોઠ સુધી જવાબ આવી જાય કે એવું થયું તો મારા બીજા ખાવિંદે પણ સર્પના ઝેરથી મરવું પડશે!

અને હવે તો થાય છે કે અરમાનને ખબર પડે એની રાહ પણ શું કામ જોવી! ડિવૉર્સની કચકચમાં પડવાને બદલે ભલે તે મરતો... હજી થોડી વાર પહેલાં મુંબઈ જવા નીકળેલા અરમાન વિનાના આ ત્રણ દિવસ-રાતના એકાંતની આ તો શરૂઆત છે, એ દરમ્યાન અરમાનની એક્ઝિટનો પ્લાન શેખર સાથે ચર્ચી લેવાનો છે. તેને બતાવવા સાપનો કરંડિયો કબાટમાં મૂક્યો છે, સર્પને જોઈ તે કેવો ભડકી જશે!

અને આયેશાની ચીસ સરી, પોતાના પર ફેલાતા પુરુષને તેણે ભીંસી દીધો!

lll

વાહ રે કુદરત!

આનંદ (આકાર) અચંબિત છે. બાર-બાર વર્ષ સુધી પોતે જેનો બોજ વેઠ્યો એ હત્યા થઈ જ નહોતી!

ડૉક્ટરે મરી ગયેલો ઘોષિત કરેલો માણસ ખરેખર જીવિત હોય એવા કિસ્સા બન્યા જ છે. ભોવાલના રાજવીનો સંસારી સાધુનો કિસ્સો જાણીતો છે. મને લાગ્યું, મેં માન્યું કે કજરી મારા હાથે મૃત્યુ પામી ત્યારે વાસ્તવમાં એ મૃત નહીં, મૃતઃપ્રાય હતી. તેનું આયુષ્ય હશે એટલે ઊગરી તો ભલે. ધરમપલટો કરી તે યુસુફને પરણી તો ભલે... અરે, મને સંન્યાસી બનાવી દીધો એનોય વાંધો નહીં. મારા હાથે હત્યા નથી થઈ, મારાં માવતરના નામને બટ્ટો લાગ્યો નથી લાગ્યો એનાથી વિશેષ સંતૃપ્તિ શું હોય!

ખરેખર તો આનંદનો આંચળો ઉતારી આકાર તરીકે જાહેર થવામાં કોઈ વિઘ્ન જ નથી. કજરીએ વેચી નાખેલાં ઘર-જમીન ફરી ખરીદી અહીં જ વસી જવું છે. બહુ થઈ રઝળપાટ.

એ પહેલાં એક વાર યુસુફ-કજરીને મળી લીધું હોય તો! તેમને બહારથી ખબર પડશે તો નાહક આડાઅવળા વિચાર કરી ન કરવાનું કરી બેસે એના કરતાં તેમને મળીને ચોખવટ કરી દઉં કે તમને તમારું સુખ મુબારક, આપણા મારગ આજથી જુદા...

યુસુફ જિમમાં મળી રહેશે માની આઝમગઢ રોકાયેલો આનંદ બપોરે હાઇવેના જિમ પર પહોંચ્યો.

કજરી ઉફે આયેશાના ઉત્તરાર્ધની ત્યારે જાણ થઈ. યુસુફ સ્નેકબાઇટથી મૃત્યુ પામ્યો. તેની બેગમ બધું વેચીસાટી જાણે ક્યાં જતી રહી!

જિમના નવા સંચાલક પાસે એટલી જ વિગત મળી. સહેજ નિરાશ વદને આનંદ જિમની બહાર નીકળ્યો કે પીઠ પાછળ કોઈનો સાદ અફળાયો : તમારે આયેશાબેગમને મળવું છે? તો અમદાવાદ જાઓ...

એ મિત્રાજ હતો. મૉડલિંગમાં ખાસ જામ્યો નહીં એટલે પછી અહીં જ ટ્રેઇનર તરીકે જોતરાઈ ગયો હતો. ઘણાં વર્ષે કોઈને આયેશા બાબત પૂછપરછ કરતાં જોઈ નવાઈ લાગી. પોતે જે જાણતો હતો એ બધું કહી ખરેખર તો સામી વ્યક્તિને આયેશામાં શું રસ છે એ જાણવાની તાલાવેલી વધુ હતી. આનંદે જોકે પેટ ન આપ્યું, પેલો તોય બોલતો રહ્યો, ‘મૅડમ તો સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ નથી પણ એમના હસબન્ડ અરમાનસાહેબ અમદાવાદમાં મૉડલિંગ એજન્સી ચલાવે છે, તે ઇન્સ્ટા પર સ્ટોરી મૂકતા રહે એટલે ખબર રહે.’

આનંદે ઊંડો શ્વાસ લીધો : અમદાવાદ કંઈ અહીંથી દૂર ન ગણાય. આકાર તરીકે છતા થતાં પહેલાં કજરીને મળવું એવું નક્કી કર્યું જ છે તો અમદાવાદ પણ જવું રહ્યું!

lll

સર્પદંશ!

આયેશાનો પ્લાન શેખરને ગમી ગયો એમ કરંડિયામાં સાપ જોઈ કંપારી છૂટી. સાચવીને કરંડિયો કબાટમાં મૂકતી કજરીને એ પલંગ પર તાણી ગયો...

‘કુલટા!’

અચાનક દરવાજો ખૂલ્યો.

શેખર ભડક્યો. અરમાનને સામે ઊભેલો જોઈ આયેશા (કજરી) થથરી ગઈ.

‘બદમાશ.’

અરમાનમિયાંએ હાથમાંની લાકડી શેખરની ઉઘાડી પીઠ પર વીંઝી, ‘ભાગ અહીંથી, નહીંતર પહેલવાનમાંથી પાવૈયો બનાવી દઈશ.’

કેળવાયેલા કુસ્તીબાજ તરીકે શેખર માટે અરમાનને પરાસ્ત કરવો મુશ્કેલ ન ગણાય, પરંતુ માણસ જ્યારે ક્રોધમાં હોય ત્યારે તેના આવેશનો ભરોસો નહીં!

હડબડતો શેખર વિખરાયેલાં વસ્ત્રો ઉઠાવી બહાર ભાગ્યો.

lll

બંગલાના ગેટ આગળ કાર પાર્ક કરી આનંદે ઘડિયાળ જોઈ. રાતના સવાનવ. ટ્રાફિક્ને કારણે થોડું લેટ થયું, પણ આ કંઈ એવો કથોરો સમય પણ ન ગણાય. વળી રાત્રે ઘરમાં અરમાનસાહેબ પણ મોજૂદ હોય, મારે કજરીને એકાંતમાં તો મળવું જ ક્યાં છે?

ગેટ ખોલી આનંદ ભીતર પ્રવેશ્યો. પગદંડીએ ચાલતો મુખ્ય દરવાજે પહોંચ્યો, બેલ તરફ હાથ લંબાવે છે કે ડોર ખૂલ્યું.
પણ આ શું?

દોડતાં-દોડતાં પૅન્ટ પહેરવાની ટ્રાય કરતો જુવાન તેની સાથે અથડાઈને ગેટ તરફ ભાગ્યો. એ દિશામાં જોતો આનંદ અંદરથી આવતા અવાજે ચમક્યો : ‘શંખિણી! આ જ તારું ચારિત્ર્ય?’

આ બધું થઈ શું રહ્યું છે!

અનાયાસ આનંદે અવાજની દિશામાં કદમ ઉપાડ્યાં.

lll

બેચાર મિનિટમાં તો પતિ-પત્નીનો ઝઘડો મારો યા મરો પર આવી ગયો.

અરમાનનાં શબ્દબાણ તો આયેશાએ ખમી લીધાં, પણ તેણે લાકડી ઉગામી કે તે સામી થઈ, ‘તમારી હદમાં રહેજો મિયાં! અને આટલો હોબાળો શાનો કરો છો? તમારામાં વેતા નથી એટલે મારે પારકાને આશરે જવું પડે છે.’

‘લાજવાને બદલે તું તો ગાજે છે! તારો ફેંસલો મારો વકીલ કરશે. તમારી કામલીલાના સ્નૅપ પણ અત્યારે મેં ફોન પર લીધા છે, એને ફરતા કરી દઉં એટલે તને ફદીયુંય પકડાવ્યા વિના તલાક મળી જશે...’

‘તું મને ધમકી આપે છે! મારા આગલા વરે ઍસિડ અટૅકની ધમકી આપી તો તેને મેં ખતમ કર્યો, આજે બદનામીની ધમકી આપનારને મારવાનું એ હથિયાર અત્યારેય મારી પાસે છે!’

ઉઘાડા શરીરે ચાદર વીંટી ઊભેલી આયેશા તેના વૉર્ડરોબ તરફ ગઈ, કરંડિયો કાઢી તેણે કેળવાયેલા શિકારીની જેમ સર્પને બે હાથે ઊંચકી લીધો : તૈયાર થઈ જા મરવા!

અરમાનના હાથમાંથી લાકડી પડી ગઈ. આયેશાના દેખાવથી વધુ તેના શબ્દો ભયંકર હતા. આયેશાની કજરી તરીકેની સફર હું જાણું છું. તેનો પહેલો પતિ સાધુ થયો, બીજા પતિ યુસુફની તેણે હત્યા કરી હતી?

‘તારો પણ એ જ અંજામ નિર્ધારિત હતો...’ ફૂંફાડા મારતી આયેશા આગળ વધી કે ‘બસ કજરી બસ. કેટલું પતન વહોરીશ?

દરવાજાથી આવેલા અવાજે વર-બૈરી બેઉને ચમકાવ્યાં.

હવે આ કોણ છે? તારો બીજો આશિક?’ અરમાને શંકા થૂંકી.

આયેશા પઝલ્ડ હતી, ધારી-ધારીને આગંતુકને નિહાળતી રહી. આ મોહક મુખડું, તેજભરી આંખો-ઘૂંટાયેલો અવાજ... ના, ન હોય, હું માનું છું એવું તો ન જ હોય!

‘મને ન ઓળખ્યો કજરી? હું આકાર!’

આ...કા...ર! કજરીએ ગરદન પર ભીંસ અનુભવી. ભૂતકાળનો ધક્કો લાગ્યો હોય એમ હાથમાંથી સર્પ વચકી ગયો ને સીધો તેના જ પગ પર ડંખ માર્યો એ કુદરતનો કેવો ન્યાય!

lll

કજરી (આયેશા)ને બચાવી શકાઈ નહીં. હૉસ્પિટલના બિછાને આકુ-અરમાનની અંતિમ વિદાય પહેલાં થોડી વાર માટે હોશ આવ્યા ત્યારે કહી ગઈ : જીવનમાં વાસનાથી વધુ સંયમનું મહત્ત્વ છે એ મને અંતઘડીએ સમજાય છે. મેં લગામ તાણવાની પરવા કે પ્રયાસ કર્યા જ નહીં અને જાણે-અજાણે વાસનાના કળણમાં ખૂંપતી જ રહી. એક વારના જીવનદાને પણ જે સુધરી નહીં તેનો અંજામ આવો જ હોવાનો, તમે ખુદને એનો દોષ ન દેશો, આકાર... શેખરને ક્ષમા કરજો. તેનો કોઈ વાંક નથી. આવતા જન્મે નર્સ બનું તો કેવું સારું! મારાં પાપ કંઈક તો નિર્મૂળ થાય....

કહેતાં તેણે ડોક ઢાળી દીધી.

કથાના ઉપસંહારમાં એટલું જ કે અરમાને આયેશાની ઐયાશી પર પડદો રાખ્યો છે. શેખર પણ તેને વિસારી જીવનમાં આગળ વધી ગયો છે. આનંદનો અંચળો ઉતારી આકાર તેના ગામ જઈ વસ્યો છે. ‘સંન્યાસમાંથી સંસાર’માં પાછા ફરવાનો લોકમત આકુએ ટકાવી રાખ્યો છે. માતા-પિતા અને માવજી સરખા સ્વજનોના પુણ્યપ્રતાપે તેના સૂના જીવનમાં વસંતનાં પગલાં જરૂર થવાનાં, તેને હવે કોઈ ગ્રહણયોગ નડવાનો નથી એટલું વિશેષ.

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2025 02:24 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK