આકાર-કજરીને જાણે કોની નજર લાગી કે આકાર સંન્યાસના માર્ગે જતો રહ્યો
ઇલસ્ટ્રેશન
‘ખુદા ઝૂઠ ન બુલવાએ મિયાં, આપ તો અભી સે બૂઢે હો ગએ.’
અરમાનમિયાંને પત્નીનું મેણું હાડોહાડ લાગ્યું, પણ શું થાય! ચાલીસની ઉંમરે નવજુવાન જેવો તરવરાટ કાયામાં ન જ રહ્યો હોય, બેગમ જોકે પાંત્રીસીમાં પ્રવેશ્યા પછી પણ તેમની પ્યાસ અકબંધ છે!
ADVERTISEMENT
પાંચ-સાડાપાંચ વર્ષ અગાઉ પાડોશમાં વિધવા બાનુ રહેવા આવ્યાં એ બદલાવ અરમાનને સ્વાભાવિકપણે ગમ્યો હતો. પોતે વિધુર ને એ બેવા, બન્ને નિ:સંતાન. સવાર-સાંજ આદાબ થતા, અરમાન કર્ટસી દાખવતા : આપ અમારા અમદાવાદ શહેરમાં નવાં છો, કોઈ પણ ખિદમત હોય તો જરૂર કહેજો...
‘મેં સાંભળ્યું છે તમે મૉડલિંગની એજન્સી ચલાવો છો...’
ક્યારેક અરમાનને બિરયાનીની દાવત પર તેડાવી બેગમ એજન્સીનો અછડતો ઉલ્લેખ કરી મૂળ મુદ્દે આવે : ત્યારે તો ઘણા હૅન્ડસમ મૉડલ તમારી ઑફિસનાં ચક્કર કાટતાં હશે. બટ લેટ મી ટેલ યુ, એમાંથી તમારા જેવું ચાર્મિંગ હૅન્ડસમ કોઈ નહીં હોય!
અરમાન પૂરેપૂરા પીગળી ગયા. તેમણે નિકાહનો પ્રસ્તાવ મૂક્યો. બેગમને તો જાણે એની જ ઝંખના હતી.
લગ્નજીવનની શરૂઆત રૂડી રહી. ધીરે-ધીરે આયેશાએ ઑફિસ આવવાનું શરૂ કર્યું ત્યારે તો અરમાને એવું જ માન્યું કે પોતે કોઈ ફૂલફટાકડી મૉડલના ચક્કરમાં ન ફસાય એની સાવધાની ખાતર બેગમે કામકાજ જોવા માંડ્યું. બહુ મોડે-મોડે, બલકે હમણાં-હમણાંથી બત્તી થઈ કે તે ખુદ મેલ મૉડલ્સ પર નજર શેકવા આવતી હતી!
વધુ એક કડવો ઘૂંટ ગળી ગયો અરમાન.
પાછલા વરસેકથી બેગમને ઑફિસમાં એટલો રસ નથી પડતો, ભાગ્યે જ કોઈક વાર ઑફિસે આવે. એનું કારણ છે. ઘરની બરાબર સામેના મેદાનમાં કુસ્તીબાજીનો અખાડો ખૂલ્યો છે! ઝરૂખેથી મૅડમ તેમની પ્રૅક્ટિસ અચૂક નિહાળતાં હોય છે....
કેવળ નિહાળતી હશે? કે પછી ગમી ગયેલા કોઈ મલ્લને આ જ બિસ્તરમાં....
અરમાને હોઠ કરડ્યો. અલબત્ત, આ બધી શંકા-કુશંકાઓ છે. અને એના મૂળમાં છે આયેશાની અનહદ કામવૃત્તિ! લગ્નના પાંચ વર્ષે, હવે ચાલીસની ઉંમરે નવજુવાન જેવો તરવરાટ અરમાનની કાયામાં ન જ રહ્યો હોય. બેગમ જોકે પાંત્રીસીમાં પ્રવેશ્યા પછી પણ તેમની પ્યાસ અકબંધ છે! પરિણામે બેગમનાં મેણાંટોણા સહી લેવા પડતાં.
આમાં આઠ-નવ મહિનાથી બેગમમાં આવેલો બદલાવ અરમાનને શંકાશીલ થવા પ્રેરે છે. પહેલાં કરતાં તે વધુ ખુશમિજાજમાં રહેવા લાગી છે. આખા દિવસની જૂની આયાને બદલે છૂટક કામવાળી બંધાવી છે - એ બપોરે જોઈતું એકાંત મળી રહે એટલે જને? ક્યારેક તબિયતની કચાશને લીધે અરમાન ઑફિસ ન જાય કે કોઈ કારણસર વહેલો આવી જાય તો મોં બગાડે - તેનો રંગરેલીનો પ્રોગ્રામ બગડતો હશે તો જને? - આવી શંકા જાગવી સ્વાભાવિક હતી. તરસ્યું માણસ પાણી દેખાય ત્યાં ખોબો ધરી જ દે એ તો સામાન્ય સમજ છેને! અરમાને વિચાર્યું : બેગમને આ વિશે સીધું પુછાય નહીં, ખરેખર તો પહેલાં મારે ખાતરી કરવી જોઈએ કે મારી શંકામાં તથ્ય છે કે કેમ?
એ માટે શું કરાય?
lll
મારું આઝમગઢ!
દૂરથી ગામની સીમ નજરે પડતાં સેલ્ફ-ડ્રાઇવ કરતાં આનંદની આંખે ઝળઝળિયાં બાઝ્યાં.
કાર પાદરે જ ઊભી રાખી તેણે પગપાળા જવાનું નક્કી કર્યું. વીત્યાં વર્ષોમાં શરીર થોડું ભરાવદાર થયું છે. દાઢી રાખી છે એટલે એક નજરે તો કોઈ તેને આકાર તરીકે ઓળખી નથી શકવાનું... તેણે વિચાર્યું : મારે ઓળખાવું પણ નથી. મારે તો બસ, મારા ઘરને, જમીનને ‘કેમ છો?’ પૂછીને નીકળી જવું છે. હા, શક્ય બને તો ઘરેથી મા-પિતાજીની તસવીર લઈ જવી છે. રાતોરાત ઘર છોડવાની ઉતાવળમાં તેમની એકેય નિશાની રાખી નથી શક્યો હું...
તેનાં પગલાં શિવમંદિર તરફ વળ્યાં. વીત્યાં બાર વર્ષમાં મંદિરમાં ભાગ્યે જ કોઈ ફેરફાર થયેલો લાગ્યો.
આ પ્રાંગણમાં તેના બાળપણનો એક હિસ્સો સમાયો છે. અહીં તેઓ કેટલું રમતા. માની આંગળી પકડી તે મંદિરનાં પગથિયાં ચડતો અને પૂજારીકાકા -
‘જય શિવશંભુ!’
મંદિરના ઓટલેથી ભોળાનાથનો જયકાર કરનારા પીતાંબરધારી પૂજારીકાકા નથી, તેમની હવે અવસ્થા થઈ હશે. આ તો તેમના પુત્ર નીલકંઠભાઈ.
એ પણ બપોરની વેળા આવી ચડેલા આગંતુકની ઓળખ માગતા હોય એમ તાકી રહ્યા એટલે ગૉગલ્સ સરખા કરતાં આનંદે ગળું ખંખેર્યું, ‘જયશિવશંકર મહારાજ! મહેમાન છું.’
‘મહેમાનનું સ્વાગત છે. કોના ઘરે પરોણા છો?’
અને આનંદે જીભ કચરી, ‘મધુસૂદન માસ્તરને ત્યાં.’
ચોંકી ગયા નીલકંઠભાઈ. આ નામ કેટલા વખતે સાંભળ્યું! ચાર પગથિયાં ઊતરી તે નિકટ આવ્યા,
‘ત્યાં તમારે કોનું કામ છે? તમે છો કોણ? ક્યાંથી આવ્યા છો?’ એકશ્વાસમાં તેમણે પૂછી લીધું.
‘જી હું...હું... આયેમ ફ્રૉમ લંડન.’ મનમાં આવ્યું એમ આનંદ બોલતો ગયો, લઢણ પણ સહેજ બદલી, ‘યુ નો, માય ફાધર ઇઝ ફ્રેન્ડ ઑફ માસ્તર. અહીં આવતો હતો તો તેમણે ઇન્સિસ્ટ કર્યું કે તેમને મળતો આવજે. યુ નો...’
‘ત્યારે તો તમારા ફાધરને ખબર જ નથી લાગતી કે માસ્તરના દેહાવસાનને તો વર્ષો થયાં.’
‘ઓહ.. સો સૅડ.’
‘માસ્તરનાં ધર્મપત્ની પણ નથી રહ્યાં. શિવપાર્વતીની જોડી હતી તેમની.’
આનંદને થયું વધુ રોકાયો તો મમ્મી-પપ્પાની યાદમાં રડી પડાશે. ઉતાવળે થૅન્ક્સ કહી તેણે બહાર નીકળવા પીઠ ફેરવી કે નીલકંઠભાઈના શબ્દો અફળાયા, ‘તેમને એક દીકરોય હતો, રૂડો રૂપાળો, સંસ્કારડાહ્યો પણ કાચી ઉંમરે તેણે સંસાર ત્યજ્યો.’
એવી જ આનંદને બ્રેક લાગી, મહારાજ સંસાર ત્યજવાનું શું બોલી ગયા? તેમણે તો કહેવું જોઈતું હતું કે બદમાશ માવતરનું નામ બોળી પરણેતરની હત્યા કરી ભાગી ગયો...
‘બિચારી તેમની વહુ.’
અકાળ મૃત્યુને વરી - બાકીના શબ્દો આનંદ મનમાં બોલ્યો.
‘કેવી સારસ જોડી હતી. આકાર-કજરીને જાણે કોની નજર લાગી કે આકાર સંન્યાસના માર્ગે જતો રહ્યો ને વરસદહાડામાં તેની બૈરી ધરમ પલટી મુસલમાનને પરણી ગઈ.’
હેં!
ધારણા બહારનું સાંભળી આનંદ પૂતળા જેવો થયો : મેં આ શું સાંભળ્યું? પૂજારી મહારાજ આ શું બોલી ગયા? જેને મેં મારા હાથે મારી હતી એ જીવતી હોય જ કેમ?
અસંભવ, અશક્ય!
lll
આ હુસ્ન!
ચહેરા પર મેકઅપનો હળવો લસરકો કરી આયેશા આયનામાં પોતાની ખૂબસૂરતી નિહાળી પોરસાઈ રહી: કોઈ શિલ્પકારે સંગેમરમરમાંથી તરાશી હોય એવી ગોરી કાયાના ઘાટીલા વળાંકો છત્રીસની ઉંમરે પણ ષોડશી અવસ્થા જેટલા જ કામણગારા છે. પચીસ વરસના જુવાનને ચસોચસ બાંધી રાખે એવા!
‘વિલાસી સ્ત્રી!’
ઘૂંટાયેલા પુરુષ સ્વરે આયેશા ઝબકી. નજર ઊંચી કરી અરીસામાં જોયું તો ભડકી જવાયું. પોતાની પીઠ પાછળ એક પુરુષ ઊભો છે ને તેના હાથ મારી ગરદન તરફ વધી રહ્યા છે.
ના, એ પુરુષ કોણ છે એની તો આયેશાને બરાબર ખબર હતી. શરીરસુખના મામલે પણ એ પુરુષ ભુલાય એવો ક્યાં હતો?
‘તારી રગોમાં લોહી નહીં, વાસના વહે છે... એક વાર તું મારા હાથે મરતાં બચી, આજે...’
તેના હાથ ગરદને ભીંસાય છે. આયેશાની ચીસ ગળામાં રૂંધાય છે. કપાળની નસ ફૂલી જાય છે, ડોળા ચકળવકળ થવા માંડે છે : છો...ડ... રૂંધાતા શ્વાસે માંડ અસ્ફુટશો સ્વર ફૂટે છે : છો...ડ મને આ...કાર!
અને ધબ દઈને તે ખુરસી પરથી ફર્શ પર પડી.
દૃશ્ય વિખરાઈ ગયું. આકાર ક્યાંય નથી. બંધ રૂમમાં કોઈ આવી પણ કઈ રીતે શકે?
સ્વસ્થ થતી તે ફરી મિરર સામે ગોઠવાઈ. ઘડી પહેલાં રૂપાળા લાગતા ચહેરા પર ફીકાશ વર્તાઈ.
અને બન્નેમાં ભેદ હતો. મિરર સામે મુસ્લિમ લિબાસમાં આયેશા બેઠી હતી, પ્રતિબિંબ માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર પહેરતી કજરીનું હતું. બેઉ મજહબથી જુદાં, પણ સૂરતથી એક!
‘તેં તો મને ગભરાવી મૂકી.’ આયનામાં કજરી જાણે કહેતી હતી, ‘આટલાં વર્ષે તને અચાનક આકાર કેમ યાદ આવ્યો! મને તો લાગ્યું આ વખતે હું નહીં બચું.’
આયેશા ઉર્ફે કજરી આંખો મીંચી ગઈ : બાર-સાડાબાર વર્ષ અગાઉની એ રાતે મારી બેવફાઈ પામી ગયેલો આકાર આક્રોશમાં આવી ગરદન દબાવતો ગયો ત્યારે પોતે હૃદય ધબકારા છોડી દેતું હોય એવું અનુભવ્યું. મગજમાં અંધારપટ છવાતો ગયો, આંખોમાંથી જાણે તેજ ચાલ્યું ગયું... ઑલમોસ્ટ ડેડ.
જીવન-મૃત્યુ વચ્ચે એક દોરા જેટલું અંતર રહ્યું હશે ત્યારે આકારની પકડ છૂટી હોવી જોઈએ... મને મારવી નહીં હોય એટલે મને જીવતી છોડી? કે પછી મને મરેલી માની તે ભાગી ગયો?
આનો જવાબ તો આકાર જ આપી શકે. હું તો એટલું જાણું કે મારી આંખો ખૂલી ત્યારે હું હૉસ્પિટલમાં હતી. ખરેખર તો બીજી સવારે મેં યુસુફના કૉલ રિસીવ ન કરતાં તેણે તપાસ માટે આદમીને મોકલ્યો હતો, એમાં મોડું થયું હોત તોય મારો શ્વાસ છૂટી ચૂક્યો હોત... ડૉક્ટરે મને ‘આઉટ ઑફ ડેન્જર’ જાહેર કરી ત્યાં સુધી યુસુફ સતત તેમના સંપર્કમાં રહેલો, પછી પણ અમારી ફોનમાં જ વાતો થતી. મારી હત્યાના પ્રયાસ પછી આકારની ગેરહાજરી રહસ્યમય હતી, ગામમાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી. યુસુફે ચારે દિશામાં આદમી દોડાવ્યા, પણ આકારનો કોઈ પત્તો નહીં. તેણે આત્મહત્યા નથી કરી એટલું તો ચોક્કસ.
‘તો-તો તે તને મરેલી માની ભાગી જ ગયો... મે બી, તે દૂર રહ્યે આપણા પર નજર રાખતો હોય ને તને જીવિત ભાળી પાછો આવે તો-તો ઠીક, પણ ન જ આવ્યો તો સાત વર્ષ સુધી કાયદો તેને મરેલો નહીં માને ને તારે ન ત્યક્તા કે ન વિધવા જેવી અવસ્થામાં જીવવું પડે...’
બાપ રે. એટલી રાહ કોણ જુએ!
આનો અફલાતૂન ઉકેલ યુસુફને જ સૂઝ્યો! આકારના હસ્તાક્ષરની નકલ કરી તેણે નાનકડી ચિઠ્ઠી ઊભી કરી: કજરી સાથેનો મારો સંસાર સુખી જ છે પણ હું મારાં માબાપને ભૂલી નથી શકતો. તેમના અકાળ મૃત્યુનો ઘા વૈરાગ્ય જન્માવે છે, એટલે હું મારું સર્વસ્વ કજરીના નામે કરી સંસાર ત્યાગું છું, સંન્યસ્તના માર્ગે જાઉં છું. આ લખાણને જ મારી વસિયત ગણવું...
ન હોય! વર્ષો પહેલાં ગુજરી ગયેલાં માબાપના ગમમાં આકાર અચાનક સાધુ બની જાય એ ગળે નથી ઊતરતું... ગામમાં આવું માનનારા ઘણા હતા, બેચાર ચૌદશિયાઓએ પોલીસના કાનમાં ફૂંક મારી, પણ કજરી મક્કમ રહી : તેમના અણધાર્યા વનવાસથી તો કજરી બેહોશ થઈ ગઈ, મરતાં માંડ બચી, તોય કોઈથી મનાતું ન હોય તો જેવી જેની સોચ!
ધીરે-ધીરે કજરીનો મત સ્વીકારાયો, પોલીસનેય કશું મળ્યું નહીં એટલે બીજું થાય પણ શું? દરમ્યાન લોકનજરમાં પહેલાં જિમના ટ્રેઇનર તરીકે, પછીથી મિત્રરૂપે યુસુફ ગોઠવાતો જાય એમ વર્તી તેઓ આકારના ગયાના વર્ષમાં પરણી ગયાં એ પણ સૌને સ્વાભાવિક લાગ્યું. મિસિસ કજરી મહેતામાંથી તે ધરમ બદલી મિસિસ આયેશા યુસુફખાન બની ગઈ. અને પછી...
પણ પછીની કહાણી અત્યારે શું કામ સંભારવી? અત્યારે તો મારા પ્રીતમ સાથે ખુશખબરી વહેંચવા દે.
અને આયેશાએ વિચારમેળો સમેટી લીધો. અરીસા પરથી નજર વાળી લેતાં કજરી અદૃશ્ય થઈ ગઈ. હવે આકાર-યુસુફનું પણ સ્થાન નહોતું.
તેણે ઉત્તેજનાથી કાંપતા હાથે કૉલ જોડ્યો : હેય, આવતા વીકમાં ત્રણ દિવસ માટે અરમાન ઑફિસના કામે મુંબઈ જવાના છે, અત્યારે ઑફિસ જતાં પહેલાં જ તેણે આ ખુશખબર આપ્યા... એ ત્રણ દિવસની પ્રત્યેક ઘડી તું મને મારી લગોલગ જોઈએ!’
સામેથી સીટી સરી.
ત્યારે ઑફિસ પહોંચેલા અરમાનને ખાતરી હતી કે મારા મુંબઈ જવાનું જાણી આયેશા આવો જ કોઈ પ્લાન બનાવ્યા વિના નહીં રહે - જો તેને ખરેખર કોઈ લફરું હશે તો બસ, મારે તો અચાનક રેઇડ પાડી તેને રંગેહાથ ઝડપવાની જ રહેશે. પછીનું કામકાજ મારા લૉયર સંભાળી લેશે.
પતિ-પત્નીએ પોતપોતાના પ્લાન્સ તો બનાવ્યા, પણ કુદરતના પ્લાનની તેમને ક્યાં ખબર હતી?
(આવતી કાલે સમાપ્ત)


