‘કાલે રાતે આપણે બૅન્કની દીવાલ તોડવાની છે. અબ્દુલ, તું સિક્યૉરિટી કૅમેરા હૅક કરવા માટે તૈયાર રહેજે. સચિન તારે બૅન્કના ગાર્ડને વાતોમાં વળગાડવાનો છે. અને રોમેશ, તારે લૉકર્સના આંકડા ગણવાના છે.’
ઇલસ્ટ્રેશન
કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં આવેલી ‘શ્રીજી ફરસાણ માર્ટ’નું શટર બંધ હતું પણ અંદર કામ ચાલુ હતું. મુંબઈ અને કાંદિવલી માટે આ એક સામાન્ય ફરસાણની દુકાન હતી જ્યાંથી ગરમાગરમ ગાંઠિયાની સુગંધ આવતી હતી અને લોકોના પેટમાં ઉંદરડા દોડવા માંડતા તો જીભ ચટાકા લેવા માંડતી, પણ અંદરનું વાતાવરણ જુદું હતું.
દુકાનમાં ત્રણ જુવાનિયાઓના નસીબનો નવો અધ્યાય લખાતો હતો. અબ્દુલ, સચિન અને રોમેશ અત્યારે પરસેવે રેબઝેબ હતા. તેમનું કામ ચાલુ હતું તો બા દુકાનના એક ખૂણામાં રાખેલી ખુરસી પર બેસીને હાથમાં માળા ફેરવતાં હતાં. જોકે તેમની આંખો અને આંખોની તીક્ષ્ણ નજર આ ત્રણેયની હિલચાલ પર હતી.
ADVERTISEMENT
‘બાબલાવ...’ બાએ ત્રણેયની સામે જોયું, ‘જલદી હાથ ઉપાડો, રાત ટૂંકી છે ને કામનો ઢગલો પડ્યો છે.’
બાના અવાજમાં મક્કમતા હતી તો એ અવાજમાં એવો જાદુ હતો કે થાકીને લોથપોથ થઈ ગયેલા સચિને ફરીથી ડ્રિલ મશીન ઉપાડી લીધું હતું.
દુકાનના પાછળના ભાગમાં મોટું ફ્રીઝર હતું, એ ફ્રીઝરની નીચે સુરંગ ખોદવાનું કામ ચાલતું હતું. દિવસ દરમ્યાન ફ્રીઝર પડ્યું રહે અને રાતના સમયે એ હટાવીને કામ શરૂ કરવામાં આવે. દિવસ દરમ્યાન પણ સતત ફરસાણની દુકાનનું કામ કરવાનું અને રાત આખી સુરંગ ખોદવાનું કામ કરવાનું. અબ્દુલ, રોમેશ અને
સચિનની હાલત ખરાબ થઈ ગઈ હતી. જોકે બાએ જ એમાં રસ્તો કાઢી આપ્યો હતો.
‘એવું લાગે તો દિવસ દરમ્યાન ઘરાકી ન હોય ત્યારે થોડી-થોડી વાર તમારે આરામ કરી લેવો.’ બાનો સ્વાર્થ પણ ક્લિયર થઈ ગયો હતો, ‘શું છે, આરામ કરી લીધો હશે તો રાતના કામમાં આળસ નહીં રહે ને કામ
સારું થશે.’
રૉયલ ઇન્ડિયા બૅન્ક અને શ્રીજી ફરસાણ વચ્ચે માત્ર પંદર ફીટનું અંતર હતું, પણ સુરંગમાં ઊતરવાના અને બૅન્કમાં બહાર નીકળવાના
ત્રણ-ત્રણ ફીટનું અંતર જુદું એટલે કે કુલ એકવીસ ફીટની સુરંગ બનાવવાની હતી. જો સાત દિવસમાં બૅન્કમાં દાખલ થવું હોય તો દરરોજ ઓછામાં ઓછી ત્રણ ફીટની સુરંગ બનાવવી પડે. જો ટાર્ગેટ મુજબ કામ ચાલે તો પણ
કટ-ટુ-કટ લેવલ પર કામ પૂરું થાય અને બૅન્કમાં દાખલ થઈ શકાય.
આ ટાર્ગેટમાં હજી બહુ મોટો ટ્વિસ્ટ આવવાનો બાકી હતો.
lll
રાતના બે વાગ્યા હતા. સચિન સુરંગની અંદર હતો અને ખોદાયેલી સુરંગમાંથી માટી બહાર ફેંકતો જતો હતો અને ત્યાં જ અચાનક અવાજ આવ્યો.
ઠણણણ...
‘ધીમે-ધીમે... અવાજ બહાર સુધી જશે.’
અબ્દુલે તરત જ સચિનને ટોક્યો પણ અવાજે બાને કંઈક જુદું જ ઇન્ડિકેશન આપ્યું હતું. બા ઊભાં થઈ સુરંગ પાસે આવ્યાં.
‘બાબલા, જો તો... ડ્રિલ મશીન માંડ. અવાજ કંઈક
જુદો છે.’
‘જી બા...’
કહ્યાગરા દીકરાની જેમ સચિને અવાજ આવ્યો હતો એ જગ્યાએ ડ્રિલ મશીન માંડ્યું અને ડ્રિલ મશીનનો અવાજ બદલાયો.
પહેલાં એક પથ્થર સાથે અથડાવાનો જોરદાર અવાજ આવ્યો અને પછી અવાજ બોદો થવા માંડ્યો.
‘બા, આ...’
મોબાઇલ ટૉર્ચમાં સચિને નજર કરી અને બીજી જ સેકન્ડે તે ગભરાઈને બહાર આવી ગયો.
‘શું છે અંદર?’
‘તું, તું જા...’ સચિને અબ્દુલને કહ્યું, ‘જો...’
અબ્દુલે બા સામે જોયું, બાની આંખોમાં સુરંગમાં ઊતરવાનો
આદેશ હતો.
અબ્દુલ સુરંગમાં ઊતર્યો અને અંદરનું દૃશ્ય જોઈને તેના હોશ
ઊડી ગયા.
સુરંગ ખોદતી વખતે વચ્ચે મ્યુનિસિપલ કૉર્પોરેશનની મુખ્ય પાણીની પાઇપલાઇન આવી હતી. આ પાઇપલાઇન બૅન્કના સુરક્ષા નકશામાં ક્યાંય દર્શાવવામાં આવી નહોતી. જો ડ્રિલ જરા પણ વધારે જોરથી વાગી હોત તો આખી સુરંગમાં પાણી ભરાઈ ગયું હોત અને તેમનો પ્લાન ત્યાં જ પૂરો થઈ ગયો હોત.
અબ્દુલ બહાર આવી ગયો.
lll
‘બા, મૂકો બધું પડતું. આમાં હવે કામ થાય જ નહીં.’ રોમેશે બા સામે જોયું, ‘પાઇપલાઇન રસ્તો રોકીને ઊભી છે. કોઈ કાળે હવે આગળ વધી ન શકાય.’
‘અલ્યા બાબલા, તું તો હંમેશાં રિસ્ક લેવામાં પાવરધો હતો, હવે આમાં શું શિંયાવિંયા થઈને ઊભો રહી ગયો છો?’ બાના ચહેરા પર સ્માઇલ હતું, ‘આ પાઇપલાઇન જાય છે ક્યાં એ પહેલાં જુઓ.’
અબ્દુલ તરત જ કામે લાગ્યો અને તેણે ગૂગલ મૅપ્સ અને બાએ પહેલેથી મેળવી રાખેલા મ્યુનિસિપલ કૉર્પોરેશનના સિવિલ મૅપ ચેક કરવાનું શરૂ કર્યું.
‘બા, પાઇપલાઇન બૅન્કના ફાયર સેફ્ટી યુનિટ સુધી જાય છે.’
‘હંમ...’
‘બા, બરાબરના આપણે ફસાયા છીએ. આ મુશ્કેલી દૂર ન થાય.’
‘મુશ્કેલી નહીં બાબલા...’ બાએ ગંભીરતા સાથે કહ્યું, ‘આ મોકો
છે, ચાન્સ.’
અબ્દુલ, રોમેશ અને સચિન બા સામે જોતા રહ્યા.
‘કામ અટકશે નહીં. પ્લાનમાં ચેન્જ કરશું.’ બાએ હુકમ કર્યો, ‘હવે આપણે નીચેથી નહીં, પણ પાઇપની સમાંતર, પાઇપની લાઇનેલાઇન સુરંગ બનાવવાની છે, જે આપણને સીધા બૅન્કની ડ્રેનેજ સિસ્ટમ સુધી લઈ જશે.’
કોઈ કશું કહે કે બોલે એ પહેલાં બા સુરંગમાં અંદર જવા માટે જમીન પર બેસી ગયાં. પણ વ્યર્થ, બાનું ભારે શરીર એમાં દાખલ થઈ શકે એમ નહોતું. બા ફરી ઊભાં થયાં.
‘અબ્દુલ, અંદર જા. કામે લાગો. ચાલો...’
lll
‘એય છોકરા, જલેબી ગરમ જ છેને?’
કાઉન્ટર પર ઝોકાં ખાતા અબ્દુલની આંખો ખૂલી અને તેણે સામે ઊભેલા ખાખી વર્દીધારીને જોયો કે તરત પેલાએ રોફ સાથે ઓળખાણ આપી.
‘ઠાકુર કૉમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં છું.’ તેણે નામ પણ કહી દીધું, ‘હેડ કૉન્સ્ટેબલ પાંડે...’
‘બોલોને સાહેબ.’ અબ્દુલે જોયું હતું કે તાવડા પર બેઠેલા રોમેશના ચહેરા પર પરસેવો વળવા માંડ્યો હતો,
‘શું આપું?’
‘માયલા... ઊંઘમાં છો? પૂછું છું તો ખરો, જલેબી ગરમાગરમ છેને?’
‘એકદમ સાહેબ, ગરમ અને શુદ્ધ દેશી ઘીમાં.’
‘હંમ... આપ બસો ગ્રામ.’ પાંડેએ ચૅર નજીક ખેંચી બેઠક જમાવી, ‘અહીં જ ખાવાની છે એટલે ધીમે-ધીમે આપીશ તો પણ ચાલશે.’
પાંડેની નજર દુકાનમાં ફરતી હતી.
‘બધું ફરસાણ અહીં જ બનાવો છો કે પછી બહારથી લઈ લો છો?’
‘ના, મોટા ભાગનું અહીં જ બનાવીએ છીએ.’ અબ્દુલે જવાબ આપ્યો, ‘બાકી, અમારી વર્કશૉપ છે ત્યાં તૈયાર થાય.’
‘હંમ....’ પાંડેની નજર હજી પણ દુકાન પર હતી, ‘ભેળસેળ કરતા નહીં હં... બાકી મ્યુનિસિપાલટી પકડે એ પહેલાં હું જેલમાં ઘાલી દઈશ.’
પાંડેએ અચાનક સચિન સામે જોયું અને તેની આંખો પહોળી થઈ.
સચિનનાં કપડાં પર માટી હતી.
‘અલ્યા, આ તારાં કપડાં માટીવાળાં કેમ?’
પાંડેના સવાલમાં શંકા સ્પષ્ટ હતી, પણ સચિન નબળો ઊતરે એમ નહોતો.
લંગડાતી ચાલે સચિન તરત પાંડેની સામે આવ્યો.
‘સાહેબ, પાછળ ગોડાઉનમાં જૂના ડબ્બા ખસેડતો હતો તો પડી ગયો. આખું ભોંયરું સાફ કર્યુંને એટલે...’
પાંડે કંઈ વધારે પૂછે એ પહેલાં અબ્દુલે તેની સામે જલેબી પીરસી દીધી.
પાંડેને ખુશ કરવા અબ્દુલે એમાં ઑલમોસ્ટ પાંચ ગ્રામ વધારે કેસર પણ ભભરાવી દીધું હતું. કેસર અને ઘીની મિશ્રિત ખુશ્બૂએ પાંડેની આંખોમાં ચમક લાવી દીધી.
‘વાહ...’ જલેબીનો પહેલો ટુકડો મોઢામાં મૂકતાં પાંડેના મોઢામાંથી નીકળી ગયું, ‘અદ્ભુત જલેબી બનાવી છે.’
પ્લેટ ખાલી કરી પાંડે ઊભો થયો અને તેણે ખિસ્સામાં હાથ નાખ્યો.
‘કેટલા દેવાના?’
‘સાહેબ, તમારી પાસેથી પૈસા લઈને અમારે થોડું પાપમાં પડવાનું હોય?’ અબ્દુલ બોલ્યો, ‘ઘર માટે બાંધવાની હોય તો પણ કહી દો સાહેબ.’
‘હંમ... એની અત્યારે જરૂર નથી.’
દુકાનની બહાર નીકળતાં પહેલાં પાંડેએ ફરી એક વાર સચિન અને પછી દુકાનના પાછળના ભાગ પર નજર કરી અને પછી તે પોતાની બાઇક પર રવાના થઈ ગયો.
પાંડે જેવો દેખાતો બંધ થયો કે અબ્દુલ, રોમેશ અને સચિનના જીવમાં જીવ આવ્યો.
ત્રણેયના મોઢામાંથી હાશકારો નીકળે એ પહેલાં જ બાનો અવાજ આવ્યો.
‘આ પોલીસવાળો પાછો આવશે.’
બા દુકાનના પાછળના ભાગમાં ફ્રીઝરની બાજુમાં બેઠાં હતાં.
‘પાછો પણ આવશે ને દુકાનની આસપાસ તેના આંટાફેરા પર રહેશે એટલે હવેથી કામનો અવાજ દબાવવા દુકાનમાં જોર-જોરથી ભજન અને સંગીત વગાડવાનું શરૂ કરો.’ બાના અવાજમાં ગજબનાક ઠંડક હતી, ‘લોકોને લાગવું જોઈએ કે અહીં ભક્તિની જ વાત છે, શક્તિની નહીં...’
lll
કામ આગળ વધી રહ્યું હતું ત્યારે રોમેશ લૉકર અને બૅન્કની વિગતો ચેક કરતો હતો અને એ ચેક કરતાં અચાનક તેના ચહેરાનો રંગ ઊડી ગયો.
‘અબ્દુલ.’ રોમેશ અબ્દુલને પકડીને સાઇડ પર લઈ ગયો, ‘અબ્દુલિયા આમાં માત્ર મુસ્તાકનાં જ પેપર્સ નથી, આ બૅન્કમાં મારા પપ્પાના કરોડોનાં શૅર્સ ને સોનું પણ પડ્યાં છે.’
‘હં તો...’
‘અરે શું હં તો...’ રોમેશનો અવાજ ધ્રૂજતો હતો, ‘આપણે બૅન્ક લૂંટશું પછી બૅન્ક સીલ થઈ જશે ને મારો બાપ રસ્તા પર આવી જશે યાર. મારી સિસ્ટરનાં બે મહિના પછી મૅરેજ છે. અમે મરી જશું...’
‘અરે એવું કંઈ નહીં થાય. તું ખોટું ટેન્શન કરે છે.’
‘અરે ના... થશે. તને, તને ખબર નથી. અમારામાં દહેજનું કેટલું મહત્ત્વ છે.’ રોમેશે રસ્તો કાઢ્યો, ‘હું, હું બાને વાત કરું છું. મારે વાત કરવી જ પડશે.’
‘વાત કરીને તું શું કરીશ રોમેશ... તને લાગે છે કે બા તારી વાત માને?’
‘હું બાને એટલું તો કહી શકુંને કે આપણે એક લૉકર વધારે તોડશું અને મારા પપ્પાના શૅર્સ અને સોનું પણ સાથે લેતાં આવશું.’
‘હં, પછી? ઘરે જઈને તું શું કહીશ?’ અબ્દુલનો તર્ક સાચો હતો, ‘આ લ્યો પપ્પા, તમારા શૅર-તમારું સોનું... હું બૅન્ક લૂંટવા ગયો ત્યારે એમાંથી કાઢતો આવ્યો!’
‘હા યાર... એ પણ છે.’ રોમેશને વાસ્તવિકતા સમજાઈ, ‘તો હું શું કરું યાર?’
‘કંઈ નહીં, જે ચાલે છે એમ ચાલવા દે.’ અબ્દુલે કહ્યું, ‘જ્યારે ભવિષ્ય સુધરી શકવાના આસાર ન હોય ત્યારે હાથે કરીને વર્તમાન બગાડવા જવાની ભૂલ નહીં કરવાની. ચાલે છે એમ બધું ચાલવા દે.’
રોમેશે સાંભળી તો લીધું પણ તેનું મન માનતું નહોતું.
lll
‘હવે બધા સાંભળો...’
સાંજનો સમય હતો અને અબ્દુલ, રોમેશ, સચિન બાની સામે ઊભા હતા. બા પોતાની ચૅર પર હતાં અને બાના હાથમાં આજે માળાને બદલે બંદૂક હતી.
‘કાલે રાતે આપણે બૅન્કની દીવાલ તોડવાની છે. અબ્દુલ, તું સિક્યૉરિટી કૅમેરા હૅક કરવા માટે તૈયાર રહેજે. સચિન તારે બૅન્કના ગાર્ડને વાતોમાં વળગાડવાનો છે. અને રોમેશ, તારે લૉકર્સના આંકડા ગણવાના છે.’
રોમેશના મનમાં હજી પણ દાવાનળ પ્રગટેલો હતો. છેલ્લા અડધા કલાકથી તેના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે આ જ સમય છે, બા સાથે ગદ્દારી કરીને સામે ચાલીને પોલીસને ઇન્ફર્મેશન આપી દેવી.
‘એક વાત યાદ રાખજો.’ જાણે કે રોમેશના મનના વિચારો વાંચી લીધા હોય એમ બાએ તેની સામે જોયું, ‘જે મારો સાથ છોડે છે, મારી સાથે ગદ્દારી કરે છે તેને હું આ દુનિયા છોડાવી દઉં છું. તેને પણ અને તેની ફૅમિલીને પણ...’
(ક્રમશ:)


