તેણે ડઘાયેલા સમીર સાથે નજર મેળવી, ‘પણ આજની રાત તમે ચૂક્યા તો કાલ સવાર પછીની તમારી જિંદગીમાં મારું પણ સ્થાન હશે એ સત્ય સાથે સૂરજને આવકારવાનો રહેશે.’

ઇલસ્ટ્રેશન
‘બંસરી, એક મિનિટ.’
સમીર-બંસરી નવા કૉટેજમાં હમણાં જ થાળે પડ્યાં. ફરીને પાછાં આવ્યાં ત્યારે કૉટેજમાં દીપડો આવ્યાનું જાણી ડઘાઈ જવાયેલું.
‘એ કૉટેજ હમણાં બંધ જ રાખવાના છીએ, તમને સામેનું કૉટેજ આપું છું... એ સેફ છે.’
અલબત્ત, સમીરે ડાયરીમાં સ્પષ્ટ લખ્યું છે કે તે બંસરીની હત્યાને અંજામ આપવા માથેરાન લાવ્યો છે. બંસરીને બેહોશ કરીને ખીણમાં ફંગોળી દેવાનો પ્લાન વિચારેલો, પણ ખીણમાં ઊંડે ન પડી, ઊગરી ગઈ તો ગણતરી ઊંધી પડે, એટલે ડૉક્ટરની બુદ્ધિને સૂઝે એવો પ્લાન સમીરે બનાવ્યો છે. આજે માથેરાનની છેલ્લી રાતે બંસરીને દૂધમાં ઘેનની દવા આપી સૂવડાવી દઈ સમીર ઍરનું ઇન્જેક્શન આપી દેશે. તેણે લખ્યું છે કે ‘માની લાડલી પીસફુલ ડેથ તો ડિઝર્વ કરે જ છે... બંસરીનું પત્તું સાફ થાય એ પછી તેની જ યાદનું બહાનું કાઢી હું પરણીશ નહીં, માના વહાલ પર કેવળ મારો હક રહેશે!’
-‘આટલું જાણ્યા પછી બીજું કંઈ ન કરતાં મારે બંસરીને ચેતવી દેવી ઘટે!’
-એટલે અત્યારે, સમીરની નજર ચૂકવી બંસરીને લાઉન્જમાં બોલાવીને અમાત્યએ સીધી ડાયરી ધરી, ‘આ લો, તમારી થનારી હત્યાનો લેખિત પુરાવો!’
‘હત્યા!’ પોતાનો પતિ જ મા પ્રત્યેના વહાલને કારણે પોતાને મારી નાખવા માગે છે એ જાણી બંસરીએ ધક્કો અનુભવ્યો. ‘ડાયરીનું લખાણ સમીરનું છે, બેચાર પાનાં ઉથલાવ્યા પછી અમાત્યની બાતમીમાં શક નથી રહેતો. સમીર આજે મને ફરવા લઈ ગયો એ પણ ખરેખર તો દવા–ઇન્જેક્શનની ખરીદી માટે! સમીર મને મારવા માગે છે, જસ્ટ બિકોઝ, હું ધીરુમાની લાડલી છું એટલે? કોઈને કહો તો મનાય નહીં. આજે દીપડો આવ્યો ન હોત તો અમાત્યના હાથમાં ડાયરી ચડી ન હોત તો...’
‘હું તમારી સાથે છું, બંસરી, પોલીસમાં જવું છે?’
અને બંસરીના ચહેરા પર મક્કમતા ઝળકી : ‘નહીં, પહેલાં તો મારા પતિદેવ સાથે હિસાબ સમજવો છે!’
અમાત્ય તેનું તેજ નિહાળી રહ્યો.
lll
‘મારે શું કરવું જોઈએ?’
બંસરીને સૂઝતું નથી.
‘મારા સમીર જેવો દીકરો દુનિયામાં બીજો નહીં હોય!’
માને હંમેશાં દીકરાને વખાણતાં જ જોયાં. ધીરુમા સાથે જીવ હળી ગયેલો. શ્રીમંતાઈનો રુઆબ નહીં, બીજાને નીચા સમજવાની વૃત્તિ નહીં. પોતાના સ્વભાવ-સંસ્કારથી બંસરીએ તેમને જીતી લીધેલાં. માની વાતોમાં દીકરો હંમેશાં કેન્દ્રસ્થાને હોય... પોતે હસતી પણ ખરી : ‘મા, દીકરાનું નામ જપતાં તમને થાક નથી લાગતો!’
તેઓ મલકતાં, ‘દીકરા જેટલી જ વહુને વખાણવી પડે એવી એક કન્યા જડી છે... અને એ તું છે!’
‘મા!’ પોતે લજ્જાયેલી છતાં તરત તો ઇનકાર જ ફૂટેલો : ‘મા, ક્યાં તમે ને ક્યાં મારું ગરીબ ખોરડું!’
‘મને મા માનતી હો તો પોતાને ગરીબ કહેવાની તારી હિંમત કેમ થઈ!’ માએ કહેલું, ‘હા, તને સમીર પસંદ ન હોય તો...’
‘ના, સમીરને નકારવાનું કોઈ કારણ નહોતું. તેની માતૃભક્તિ દેખીતી છે, એથી તેને માવડિયો ગણવાની મારી માનસિકતા નથી અને જે જુવાન પ્રોફેશનમાં અવ્વલ હોય, દીકરા તરીકે શ્રવણની પંગતમાં બેસનારો હોય તે પતિ તરીકે પણ ઊણો નહીં જ ઊતરે!’
-‘આજે જાણ થાય છે કે ૯ મહિનાના અમારા લગ્નજીવનમાં સમીરના હૈયે પ્યાર હતો જ નહીં. સમીર મને પરણ્યા માના આગ્રહવશ, સંસાર માંડ્યો કેવળ માને પોતરો આપવા. આ પુરુષ પોતાની જવાબદારી કે મારી ખુશી ખાતર કશું કરતો જ નથી, સામે ચાલીને પહેલી વાર માથેરાન લાવ્યો તો એ મને મારવાના ઇરાદે!’
બંસરીની આંખોમાં ભીનાશ છવાઈ. ‘ને હું મૂરખી, તેને પતિ પરમેશ્વર માનતી રહી! માની સામે મને ડિવૉર્સ દેવાની હિંમત ન થાય એટલે મને મારી નાખવાનું પ્લાનિંગ કરતી વેળા તમને મારાં માબાપનોય વિચાર ન આવ્યો? અરે, તમારાં પોતાનાં મા પણ આ આઘાત સહી નહીં શકે! તમારી ડાયરીના આધારે પોલીસમાં પકડાવી દઉં તોય મા રડી-રડીને જીવ કાઢી દે! જે માને ખાતર સમીર મને મારવા માગે છે એ જ માને ખાતર મારે ખરેખર તો કોઈ બીજો જ રસ્તો લેવો રહ્યો...’
‘કેવળ માને ખાતર?’
બંસરીએ વિવશતા અનુભવી. સમીરના મનમાં જેકંઈ રહ્યું હોય, હું તો ચાહું છું તેમને! અને એવું જ હોય તો ભલે થઈ જતી આજે એ પ્રેમની કસોટી!’
ઊંડો શ્વાસ લઈ બંસરીએ આંખો બંધ કરી દીધી. ખોલી ત્યારે દ્વિધા નહોતી.
lll
‘ડેમ ઇટ!’
સમીરે એક હાથના પંજામાં બીજા હાથની મુઠ્ઠી પછાડી, ‘મને બરાબર યાદ છે, રિટર્ન થતી વેળા મેડિકલ શૉપમાંથી મેં ઘેનની દવા સાથે ઇન્જેક્શનની સિરિંજ ખરીદી જીન્સના હિપ પૉકેટમાં મૂકેલી... અત્યારે સૂતી વેળા બંસરીને દૂધમાં દવા ભેળવવાની છે ત્યારે ખિસ્સું ફંફોસતાં જાણ થાય છે કે હત્યાનો સામાન જ નથી! હવે!’
‘શું શોધો છો, સમીર?’ અચાનક તેની સામે આવી બંસરીએ તેને ચમકાવી દીધો. દવા- ઇન્જેક્શન આપતી બંસરીને તે ફાટી આંખે નિહાળી રહ્યો. ત્યાં બંસરીએ બીજો હાથ આગળ કરીને ડાયરી દેખાડી, ‘મારી હત્યા માટેની આ ખરીદી હતીને?’
‘હેં!’ સમીરનું હૈયું ડૂબવા લાગ્યું. ‘રૂમ બદલવાની ધમાલ અને બંસરીને મારવાની તાણમાં ડાયરી તો ભુલાઈ જ ગયેલી! મારો કોઈ અંગત મિત્ર નહોતો. મા સાથેનાં સંસ્મરણો લખવાની ટેવ પડેલી, પછી તો એમાં હત્યાના પ્લાનિંગ સુધીનું અંતરમન ઊલેચાતું ગયેલું. એ ડાયરી બંસરીના હાથમાં આવી ગઈ, તે મારી મનોગત જાણી ગઈ.’
‘તમે કદી મારા થયા જ નહીં સમીર, પણ હું તમારી થઈ ચૂકી એનું શું?’ બંસરીનું દર્દ છલકાયું, એમાં આવેશ ભળ્યો, ‘એક પળ તો એવું થયું કે ડાયરી સાથે તમને માના હવાલે કરી દઉં...’
‘નો!’ મા જાણે તો શું થાય એ વિચારે જ કમકમી જવાયું.
‘પોતાનાં માવતરને, જીવનસાથીને, સંતાનને, ભાઈ-બહેન કે પછી સખા-સખીને અમાપ ચાહવામાં કોઈ દોષ નથી, પણ એ ચાહત કોઈ નિર્દોષની હત્યા માટે પ્રેરે ત્યારે બીમારી બની જાય છે....’ તેણે સમીરનો હાથ પકડ્યો, પસવાર્યો, ‘અને હું નર્સ છું, ઇલાજમાં માનું છું. તમે ડૉક્ટર છો, ઇલાજમાં સાથ આપશો એવી શ્રદ્ધા છે.’
સમીર સ્તબ્ધ હતો. બંસરીમાં આજે નોખું તેજ લાગ્યું.
‘આપણી વચ્ચે આ એક રાત હજી છે, સમીર...’ બંસરીએ દવા-સિરિંજ સમીરને થમાવીને પલંગ પર લંબાવ્યું, ‘ચાહો તો તમારું ધાર્યું કરી તમે એને તમારા વળાંકે વાળી શકો છો... ઍર ઇન્જેક્શન માટે મને બેહોશ કરવાની પણ જરૂર નથી. હું હસતા મોઢે મારું મોત પચાવી જઈશ. મારા પ્રેમનો આનાથી મોટો પુરાવો બીજો તો શું આપું?’
તેણે ડઘાયેલા સમીર સાથે નજર મેળવી, ‘પણ આજની રાત તમે ચૂક્યા તો કાલ સવાર પછીની તમારી જિંદગીમાં મારું પણ સ્થાન હશે એ સત્ય સાથે સૂરજને આવકારવાનો રહેશે.’
અને તેણે આંખો મીંચી દીધી.
lll
‘પછી!’
અમાત્યની ઉત્સુકતા ઊછળી, ‘અફકોર્સ, તમે જીવિત છો, એટલે સમીરસાહેબ ઇન્જેક્શન વાપરી ન શક્યા, થૅન્ક ગૉડ, પણ પોતાની જિંદગી સાથે આવું રિસ્ક કોણ લે!’
‘મોતની એ ખાઈ ઓળંગ્યા વિના હું મારા જીવનને પામી શકું એમ ક્યાં હતી?’ બંસરીએ ખભા ઉલાળ્યા, ‘સાચું કહું છું, સમીરના હાથે મૃત્યુ પામી હોત તોય અફસોસ ન હોત. આને જ પ્રીત કહેતા હશે?’
‘પ્રીત...’ અમાત્યના ચિત્તમાં કજરી ઝળકી.
‘બાકી હું નસીબમાં માનનારી છું. સારું-નરસું જે થાય એ તમારા ભાગ્યમાં લખ્યું હોય એમ જ થાય. કુદરત એનો યશ કે અપયશ લેવા ન માગે એટલે બીજાને નિમિત્ત બનાવે.’
તેના શબ્દો ભીતર કશુંક ઢંઢોળતા ગયા.
‘તમે જ વિચારો કે સમીર આખા માથેરાનમાં તમારી જ હોટેલમાં કેમ કૉટેજ બુક કરાવે? અમારા જવાના આગલે દહાડે જ દીપડો શું કામ દેખાય? એને ઝડપવાના બહાને રૂમ ફંફોસતાં તમને જ ડાયરી કેમ મળે? આ દરેક ક્રિયા પાછળનાં કારણોની કુદરતને જ ખબર. મારું મોત સમીરના હાથે હશે જ તો લાખ ઉપાયે પણ હું બચી નહીં શકું, પણ કુદરત ક્યાંક આ નિમિત્તે સમીરને પામવાનો ચાન્સ આપવા માગતી હોય તો એ તક ઝડપવાની જ હોયને!’ બંસરીએ સ્મિત વેર્યું, ‘અને જુઓ, એ રિસ્ક ફળ્યું પણ ખરુંને!’
તેણે સૂચવેલી દિશામાં અમાત્યએ નજર ફેરવી તો સમીર પાણી ગરમ કરવાના બંબાના સળગતા કોલસામાં પોતાની ડાયરી હોમતો દેખાયો. એને માટે આખી રાત અગ્નિપરીક્ષા જેવી વીતી હતી. બે વાર સિરિંજ હાથમાં લીધી, પણ બંસરીના ચહેરાનું તેજ જોઈને ગરદન ઢીલી પડી જતી, ‘મારા પર આટલો વિશ્વાસ મૂકનારીને હું છેહ કેમ દઈ શકું!’
‘હું નર્સ છું, ઇલાજમાં માનું છું...’ બંસરીના શબ્દો પડઘાયા. ‘એક વાર તેના ઇલાજને અનુસરી જોયું હોય તો?’
એની સાથે જ રૂમમાં પ્રકાશ પથરાયો. સવાર થઈ ચૂકી. સમીરના ચહેરા પર રાહત હતી, બંસરીના વદન પર ખુશી.
અત્યારે પણ એ ચમકનો સાક્ષી બનતો અમાત્ય જુદા જ વિચારોમાં ગોથાં ખાતો હતો : ‘મારી સાથે જે થયું એ મારા નસીબને કારણે થયું કે...
આપોઆપ તે ખૂલ્યો. તેની કથની જાણી બંસરીએ સ્મિત વેર્યું, ‘અમે તો કજરીના ઓશિંગણ રહેવાનાં... તમારે બદલે કોઈ બીજું હોત તો મને ઉગારવા આટલી તકલીફ ન લીધી હોત, મને ઉગારવા જ ઈશ્વરે તમારા અહીં આવવાનો જોગ ઘડ્યો હોય એવુંય બનેને!’
‘હેં!’ અમાત્યની સમજબારી ખૂલી ગઈ. ઈશ્વરની મરજી વિના જગતમાં પાંદડુંય હાલતું નથી... તેની જ ઇચ્છા નહીં હોય, મારા નસીબમાં ચાંદ પર જવાનું લખ્યું નહીં હોય! આમાં પુરુષાર્થને કોરાણે કરવાનો તર્ક નથી, બધું નસીબ પર છોડી નિષ્ક્રિય બનવાનો સંદેશ તો બિલકુલ નથી, પણ કજરી ઇન્જર્ડ ન થઈ હોત તો હું ઇસરોને બદલે અહીં ન હોત ને તો કદાચ બંસરીને કોઈએ ઉગારવાનું બન્યું ન હોત એ પણ એટલું જ સાચું.
‘આ તર્ક, આ સમજ સાચાં, તો કજરીનો દોષ જ ક્યાં!’
અમાત્યનું ભીતર ઊમડઘૂમડ થવા લાગ્યું. જિંદગીનો પ્રવાહ ફરી પલટાવાની એંધાણી આપવા લાગ્યું.
‘અમાત્ય, તમે ‘ઇસરો’માં જવાના હતા એના પરથી સાંભર્યું. આજે આપણુ ‘ચંદ્રયાન’ મૂન પર લૅન્ડ કરી રહ્યું છેને!’
અમાત્ય જુદું બોલ્યો, ‘ચંદ્રયાન ચાંદ પર પહોંચે એ પહેલાં મારે ચંદ્રાયન કરવાનું છે...’
lll
‘કજરી.. કજરી!’
અમાત્યના સાદે જીવણભાઈ-મમતાબહેન બહાર દોડી ગયાં. નિસ્તેજ કજરી દ્વારે આવતાં સુધીમાં હાંફી ગઈ.
‘આ કજરી!’
અમાત્ય કજરીને ભાળી પૂતળા જેવો થયો. પિયુને જોતી કજરીનાં નૈન ગંગા-જમના બની ગયાં. અમાત્યનું અચાનક આવી ચડવું સૌથી મોટી સરપ્રાઇઝ હતી, એ કેમ બન્યું એના કાર્યકારણમાં અહીં કોઈને રસ નહોતો.
ત્યાં ઘડિયાળના ૬ વાગ્યાના ટકોરાએ કજરીને ધ્યાનમાં આવ્યું, ‘અંદર આવો અમાત્ય, ચંદ્રયાનનું લાઇવ ટેલિકાસ્ટ આવવાનું...’
‘નહીં...’ ડોક ધુણાવતા અમાત્યએ મા-પિતાની હાજરીના સંકોચ વિના કજરીને હૈયાસરસી ચાંપી દીધી, ‘આજે તો હું મારા ચંદ્ર તરફ આવ્યો, એ ઘટનાને મારા અસ્તિત્વમાં ઘૂંટાઈ જવા દે... મારી નાસમજીમાં ચાર-ચાર વર્ષ તારાથી દૂર રહ્યો, એની ક્ષમા પણ કયા શબ્દોમાં માગું?’
એવો જ કજરીએ તેના હોઠ પર હાથ મૂક્યો. અમાત્યની પાંપણ વરસી, ‘મા, મુરત કઢાવ. આજનું ચોઘડિયું શુભ હોય તો મારે કાલ નથી કરવી પરણવામાં!’
અને એ જ પળે ચંદ્રયાન મૂન પર લૅન્ડ થયું.
આનો આનંદ જ હોયને!
-એના ૬ મહિના પછી અમાત્ય-કજરી અને સમીર-બંસરી માથેરાનની ‘નવજીવન’ હોટેલમાં ભેગાં થયાં છે. આપણી મૅટર કોઈ ત્રીજું જાણે છે એનો ફોડ જીવનસાથી સમક્ષ અમાત્ય-બંસરીએ નહોતો પાડ્યો, ‘શી જરૂર? સમીરનો બદલાવ અમાત્યને પરખાયો. કજરી બધાને થપ્પો રમવા તૈયાર કરતી હતી. તેમનાથી દૂર બંસરી-અમાત્યએ અપડેટ શૅર કર્યું,
‘સાઇકિયાટ્રિસ્ટની સારવાર રંગ લાવી છે, એટલું આસાન નહોતું, પણ માને હજીય એટલું જ ચાહતા સમીરના હૈયામાં મારા માટે પણ એટલી જ મોહબ્બત છે...’
બંસરીનું સુખ ઊઘડ્યું. ધીરુમા જોકે આજે પણ આમાંનું કંઈ જાણતાં નથી. એ તો દીકરા-વહુને રાજી જોઈ રાજી!
અમાત્યએ ડોક ધુણાવી : ‘મારા તોફાને અમાત્ય ફરી મને છોડી જશેની ધાસ્તીએ કજરી પણ ખૂલીને જીવવાનું ભૂલી ગઈ હતી. કદી રિસાઈને, કદી સોગંદ આપીને મેં તેને ફરી આંબે ચડતી કરી અને ધીરે-ધીરે કજરી પૂર્વવત્ થઈ અને ગયા મહિને ‘ઇસરો’મા સિલેક્ટ થયા પછી તેની રહીસહી અણખટ પણ ઓગળી ગઈ...’
‘યાર, કજરી તને થપ્પો રમાડીને થકવી દે છે?’ છેવટે રમતના વિરામમાં સમીરે પૂછતાં અમાત્ય સહેજ શરમાયો, રમત બંધ કરાવી બન્ને યુગલ પોતપોતાના કૉટેજમાં ચાલ્યાં ગયાં.
બંધ દરવાજા પાછળ સુખ જ વરસી રહ્યું હતું જે હવે નજરાવાનું નહોતું!
સમાપ્ત