Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તારણહાર (પ્રકરણ ૨)

તારણહાર (પ્રકરણ ૨)

14 February, 2023 12:27 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘બસ બહેન, તમે ન હોત તો હું જીવતો ન હોત એ કેમ ભૂલો? તમે તો મને તમારી પીડા કહી નહીં. અહીંના સ્ટાફ પાસેથી જાણ્યું ત્યારે જ ગાંઠ વાળી કે જેણે જીવ બચાવ્યો તેની ભીડ ન સાચવું તો નગુણો ગણાઉં’

તારણહાર (પ્રકરણ ૨)

વાર્તા-સપ્તાહ

તારણહાર (પ્રકરણ ૨)


શાવરની ધારે આકારને સહેજ થથરાવી દીધો. શ્રાવણી સાથે સમણામાં સ્વિટ્ઝરલૅન્ડના હનીમૂન સ્વીટમાં ગાળેલી માદક રાત્રિનો આસવ ઓસર્યો ન હોય એમ બદન હજી ધગતું હતું. આ બુખારનો ઇલાજ શ્રાવણી જ કરી શકે.
‘મે આઇ કમ ઇન, સર?’ 
શાવર લેતો આકાર સાંભરી રહ્યો.

છએક મહિના અગાઉ શ્રાવણી પહેલી વાર ઇન્ટરવ્યુ માટે ખારની ઑફિસે આવી હતી. ‘મે આઇ કમ ઇન, સર?’ કૅબિનનો દરવાજો અડધો ઉઘાડીને અદબભેર પૂછતી યુવતીને જોતાં જ હૈયું હરાય એવી ઊથલપાથલ લાગણીતંત્રમાં થઈ ગયેલી. એ પળ સુધી આકુ લવ ઍટ ફર્સ્ટ સાઇટમાં માનતો નહોતો એ વાત જુદી.
ના, ખૂબસૂરત છોકરીઓ તો અનેક જોઈ, આકુને આકર્ષી ગઈ આની રૂપસજ્જા! લોટસ પ્રિન્ટવાળી સિલ્કની સાડી, કમળના રંગનું સ્લિવલેસ બ્લાઉઝ, હાથમાં એ જ રંગના બે પાટલા, કાનોમાં મૅચિંગ લટકણિયાં અને કોરા લાંબા વાળમાં ખોસેલું રાતું ગુલાબ! મેક-અપના નામે આંખોમાં કાજલ, હોઠો પર હળવી લિપસ્ટિક, કપાળે છોટીસી બિંદી, બસ!    



       
૨૪-૨૫ની મૉડર્ન ગર્લ ઇન્ટરવ્યુ માટે સાડી પહેરીને આવે એ ઘટના જ અચરજકારક હતી અને સાધારણ સજાવટમાં શ્રાવણીનું સૌંદર્ય એવું મહોર્યું હતું કે આકારના વાણી-વર્તનનો તાલમેલ નહોતો બેસતો. શ્રાવણીને એ પરખાયું ને ખરું પૂછો તો ગમ્યું પણ, કેમ કે આકારની દૃષ્ટિમાં વિકાર નહોતો. તે પોતે પાછો આટલો હૅન્ડસમ! 
ઇન્ટરવ્યુ પતાવીને તે નીકળતી હતી કે આકારથી બોલાઈ ગયું, ‘યુ નો શ્રાવણી, મારી મૉમ હંમેશાં સાડી પહેરતી. કેશમાં ફૂલ કે ગજરો હોય જ.’
તેનું વાક્ય શ્રાવણીને સ્પર્શી ગયું, ‘યા, આઇ થૉટ ઇવેન્ટ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જાઉં છું તો પોશાક એવો હોવો જોઈએ જે પ્રોફેશનલ ઇવેન્ટમાં પણ શોભે અને સોશ્યલ ઇવેન્ટમાં પણ જામે. સો આ સાડી. ઇન ફૅક્ટ, મને સાડી પહેરવી ગમે.’


લાઇક માય મૉમ! 
મહદંશે પુત્ર જીવનસાથીમાં માના ગુણ ખોળતો હોય છે. જાણે-અજાણે શ્રાવણી બંધબેસતી લાગી આકારને. વધતા સહેવાસે તેના ગુણ ઊઘડતા ગયા એમ તે વધુ ને વધુ ગમવા લાગી. ઇવેન્ટ માટે શ્રાવણી એવા ઇનોવેટિવ આઇડિયાઝ મૂકતી કે આકાર આફરીન પોકારી જતો.
અને આ આકર્ષણ કે પ્યાર એકપક્ષીય નહોતાં... આકુની એ.એસ. ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપની એસ્ટૅબ્લિશ્ડ હતી. આકારમાં બિઝનેસ ગ્રોથની સૂઝ હતી. 
આકારને જાણતી ગઈ એમ શ્રાવણી પણ મહોબતના માંડવે ઝૂલતી થઈ. કૉલેજકાળમાં પોતાનું સ્ટાર્ટ-અપ ઊભું કરનારાએ આપબળે ધંધો જમાવ્યો છે, પણ એનું અભિમાન નહીં. સંસ્કારમાં કહેવાપણું નહીં...

બે હૈયાનું એક થવું અદીઠું નથી રહેતું. 
શ્રાવણી સાવ ફાલતુ કામ ઊભું કરીને આકારની કૅબિનમાં ડોકિયું કરી લે. ક્યારેક કોઈ કામ દરમ્યાન આકુ એટલો લગોલગ આવી જાય કે શ્રાવણીને થાય કે ઉમડઘુમડ થતું હૈયું કંચુકીબંધ તોડીને બહાર આવી જશે! લતાનાં ગીતોથી શેરલોક હોમ્સની લેટેસ્ટ સિરીઝ સુધીની તેમની પસંદ મેળ ખાતી હતી. તેમની નિર્દોષ ચેષ્ટાઓમાં પણ પ્રણય એવો બોલકો રહેતો કે સ્ટાફે તેમને એલ.એમ. (લૈલા-મજનૂ)નો કોડવર્ડ પણ આપી દીધો હોવાની પાછી બેઉને જાણ પણ ખરી! 
નૅચરલી, પ્રણયના એકરારની પહેલ મારે કરવાની હોય... પૅરિસના વાઇરલ થયેલા વિડિયો જેવા ઇશારા બહુ થયા. મારે ખુલ્લા શબ્દોમાં શ્રાવણીને કહી દેવાનું હોય કે હું તને ચાહું છું, તને મારી જીવનસંગિની બનાવવા માગું છું!


શ્રાવણીનો હકાર જ હોય અને છતાં હું ખૂલીને અંતરની લાગણી કહી નથી શકતો. શું કામ?
અને આકારનો હાથ ડાબા પડખે વળ્યો. કમર તરફ સરકાવતા હોઠ ભીડ્યા : નહીં, હવે તો શ્રાવણીને કહી જ દેવું છે... હું ઉછીની એક કિડની પર જીવું છું એ સત્ય ઉજાગર કરવામાં હું ચોક્કસ મોડો છું, પણ હવે વધુ મોડું નથી કરવું... આજે જ આનો ખુલાસો થઈ જવો ઘટે! 
lll

‘કંઈ કહોને આકુ...’ 
શ્રાવણીથી પહેલી વાર આકારને આકુનું સંબોધન થઈ ગયું. આકાર તોય બેધ્યાન જેવો રહ્યો એટલે થોડી ખીજ પણ ચડી.
આજે થયું શું છે જનાબને! બુધની આજની સવારે તે ઑફિસે આવ્યા ત્યારથી ખોવાયેલા લાગ્યા. આજે તેમને ગમતી લેમન કલરની સાડી પહેરી તોય પ્રશંસાનો એક લુક નહીં! બપોરે લંચ-બ્રેક પછી અચાનક મારા ટેબલ આગળ આવીને કહે : ચલ મારી સાથે, જરૂરી કામ છે! 
ત્યારે તો મેં માન્યું કે કોઈ ઑફિશ્યલ કામે જવાનું હશે. એને બદલે તે સીધા જુહુ ચોપાટી લઈ આવ્યા. બપોરની વેળા છાંયડો મળી રહે એવા એકાંતમાં ગોઠવાયા ત્યારે માન્યું કે તે હૈયાની વાત કહેવાના... સાંભળીને સબૂર રાખજે મારા હૈયા, હરખથી ફાટી ન પડતું! 

પણ જો શ્રીમાન બોલતા હોય! શ્રાવણીએ પડખે બેઠેલા આકુને નિહાળ્યા : તેમના કપાળે પ્રસ્વેદ છે, આંખોમાં પરેશાની.... અહં, વાત જુદી જ છે!
હવે શ્રાવણીએ આકુના ખભે હાથ મૂક્યો, ‘તમે મને કંઈ પણ કહી શકો છો આકુ.’
‘જાણુ છું.’ આકારે ઊંડો શ્વાસ લઈને તેનો હાથ હાથમાં લીધો, ‘પણ મારે જે કહેવું છે એ કહેવામાં હું મોડો પડ્યો છું.’
શ્રાવણીનું હૈયું કાંપ્યું. ભૂતકાળના કોઈ બ્રેક-અપ બાબત હશે? મને તો લાગ્યું કે આકુની હૈયાપાટી કોરી છે....
‘વાત મારી કિશોરાવસ્થાની છે.’

ઓ...હ... આ ઉંમરમાં લવ-લફર તો ન હોય... 
‘મારી ઉંમર ૧૪ વરસની. ત્યારે મમ્મી તો ખરી જ, પપ્પા પણ હયાત.’
શ્રાવણી સમક્ષ આકુની કૅબિનની દીવાલે લટકતી નારણભાઈ-શ્વેતાબહેનની તસવીર તરવરી. જોતાં જ વાત્સલ્યમૂર્તિ લાગે એવી તેમની મૂરત. બિઝનેસ આકુએ આપબળે જમાવ્યો એ સાચું એમ કૉર્પોરેશનમાં જૉબ કરતા નારણભાઈનું આર્થિક પોત સાવ પાતળુંય નહીં. અંધેરીમાં તેમનો બે બેડરૂમનો ફ્લૅટ હતો. પોતાની સ્મૉલ કાર પણ ખરી. આકુ કૉલેજમાં આવ્યા એ અરસામાં હૃદયરોગ પિતાજીને ભરખી ગયો. એ પછીનાં બે વરસમાં માએ પિછોડી તાણી. 
માબાપના અકાળ અવસાનનો એકમાત્ર વસવસો આકુને છે, પણ એથી ભાંગી પડવાને બદલે માવતરના આશીર્વાદ હંમેશાં પોતાની સાથે છે એવું માનીને તે આગળ વધતા રહ્યા, મહત્ત્વ એનું.

જોકે અત્યારે આકુ જે અવસ્થાની વાત માંડે છે એમાં નારણભાઈ-શ્વેતાબહેન બેઉ હયાત. 
‘ત્યારે પનોતીની જેમ મને માંદગી વળગી હતી.... બે-એક વાર તાવે ઊથલો માર્યો; પણ પછી યુરિનમાં તકલીફ થવા લાગી, બીજાં કૉમ્પ્લિકેશન્સ વધ્યાં એટલે ફૅમિલી ડૉક્ટર ચોંક્યા. તેમણે મોટી હૉસ્પિટલમાં કેસ રિફર કર્યો... એ લાંબી તપાસનું પરિણામ એ આવ્યું શ્રાવણી કે... મારી બન્ને કિડની ફેલ થઈ ચૂકી હતી!’ 
હેં! મેં કહેવામાં મોડું કર્યું... આકુનો સંદર્ભ હવે સમજાણો!

‘ડાયાલિસિસનાં ચક્કર શરૂ થયાં. કિડની ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર ઇલાજ હતો ને નસીબનું કરવું જો કે મમ્મી-પપ્પા બેમાંથી કોઈની કિડની મને કામ ન લાગે એવો એ મેડિસિનમાં રૅર ગણાય એવો કેસ હતો.’
‘ઓહ...’ શ્રાવણીએ હિંમત બંધાવતી હોય એમ આકુની હથેળી દબાવી, ‘પછી શું થયું?’
‘પછી એક અકસ્માત થયો... અને અમને અમારો તારણહાર મળી આવ્યો!’
તારણહાર. શ્રાવણીના ચિત્તમાં બ્રિજમાસા ઝબકી ગયા. 
‘બન્યું એવું કે...’ શ્રાવણીને કહેતાં આકુ સમક્ષ દૃશ્ય તરવર્યું. 
lll

‘ચિંતા ન કરતો હં દીકરા, ઠાકોરજી સૌ સારાં વાનાં કરશે.’
ડાયાલિસિસ પતાવીને શાહ પરિવાર કારમાં ઘરે જઈ રહ્યો હતો. નારણભાઈ કાર હંકારતા હતા. પાછળ આકુ માના ખોળામાં માથું મૂકી ટૂંટિયું વાળીને આડો પડ્યો હતો. માએ હંમેશ મુજબ દીકરાની હિંમત બંધાવી. ત્યાં અચાનક નારણભાઈએ બ્રેક મારી - અરે! 
ખરેખર તો તેમની આગળ બેફામપણે કાર હંકારતો વાહનચાલક એક રાહદારીને અડફેટમાં લઈને રોકાવાને બદલે પૂરપાટ હંકારી ગયો. થોડી વારમાં ટોળું વળી ગયું. બધા ઘાયલ માણસની દયા ખાતા હતા અને કારવાળાને ગાળ આપતા હતા, પણ મદદ કરવા કોઈ તત્પર નહોતું. એ તો નારણભાઈએ ભીડ ચીરીને લીડ લીધી : બિચારાના માથામાંથી લોહી વહે છે... તેને મારી કારમાં મૂકો, હું હૉસ્પિટલ લઈ જાઉં... 

તેમની અણીના સમયની મદદ તે આદમીનો જીવ બચાવવામાં નિમિત્ત ઠરી. ડૉક્ટરે જ કહ્યું - પેશન્ટને લાવવામાં જરા મોડું થયું હોત તો હૅમરેજથી મૃત્યુના ચાન્સિસ હતા... 

lllઆ પણ વાંચો: તારણહાર (પ્રકરણ ૧)

‘આ સાંભળીને પેશન્ટે ભીની આંખે પપ્પાનો, અમારો આભાર માન્યો હતો...’
આકારે કથા સાંધી, ‘નામ તેમનું દામોદરભાઈ. આજથી સોળ વરસ અગાઉની આ વાત. ત્યારે તેમની વય ત્રીસ-બત્રીસની હશે. સંસારમાં એકલા ને સંન્યાસ આશ્રમ મંદિર આગળ ચાની રેંકડી ચલાવવાનો તેમનો રોજગાર. ચાર દિવસ તેમણે હૉસ્પિટલમાં રહેવું પડ્યું. એ દરમ્યાન પપ્પા ખડપગે રહ્યા, મમ્મીએ પૌષ્ટિક ટિફિન મોકલ્યાં... એમાં તેમનો આશય તો દીકરા માટે દુઆ રળવાનો જ! અને દુઆ ફળી પણ ખરી.. પખવાડિયામાં જ હૉસ્પિટલમાંથી ફોન આવ્યો - આકારને અનુરૂપ કિડની ડોનર મળી ગયો છે... અમને તો ઑપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું પછી જાણ કરાઈ કે ડોનર બીજું કોઈ નહીં, દામોદર અંકલ છે!’
આકાર સમક્ષ ગતખંડ તરવર્યો. 
lll

‘આ તમે શું કર્યું દામોદરભાઈ!’ નારણભાઈ ગદ્ગદ હતા. હૉસ્પિટલના ખંડમાં શ્વેતાબહેને તેમનાં ચરણ પકડી લીધાં, ‘અમે તો દીકરાને દુઆ મળે એ માટે તમારી પાછળ ઘસાયા, પણ તમે તો વિના ઢંઢેરો પીટ્યે અમારા તારણહાર બન્યા!’ 
‘બસ બહેન, તમે ન હોત તો હું જીવતો ન હોત એ કેમ ભૂલો? તમે તો મને તમારી પીડા કહી નહીં. અહીંના સ્ટાફ પાસેથી જાણ્યું ત્યારે જ ગાંઠ વાળી કે જેણે જીવ બચાવ્યો તેની ભીડ ન સાચવું તો નગુણો ગણાઉં.’
lll

‘વાહ, કેવા ઉચ્ચ આદર્શ!’ વર્તમાનમાં શ્રાવણીથી બોલી પડાયું, ‘જાણો છો આકુ, આવા એક તારણહાર મારા જીવનમાં પણ આવ્યા...’
માંડ બે વરસની ઉંમરે બળાત્કારમાંથી ઉગારવાની ઘટના વિશે જાણીને આકારના મનમાં બ્રિજમાસા પ્રત્યે અહોભાવ ઊભરાયો : કળિયુગમાં આવા માણસો વિશે સાંભળીએ ત્યારે થાય કે આ પૃથ્વી આવા સત્કર્મીઓને કારણે જ ટકી છે! પછી આંખમાં રાતો દોરો ફૂટ્યો - એ નરપિશાચ જેવો અર્ણવસિંહ મારા હાથમાં આવે તો ખો ભુલાવી દઉં!
‘કેમ? મને રહેંસવા માગતા આદમીને કચડવાનું ખુન્નસ તમને શું કામ?’

આ પણ વાંચો: ઘમંડ (પ્રકરણ ૨)

શ્રાવણીએ ચોક્કસ નસ દબાવી ને તરત એનો પ્રત્યાઘાત આવ્યો, ‘મને કેમ ન હોય શ્રાવણી. ચાહું છું તને...’ કહેતાં આકાર સ્થિર થયો. શ્રાવણીના વદન પર રતાશ ફરી વળી. 
‘સૉરી શ્રાવણી, હું એક કિડનીવાળો તને લાયક ન ગણાઉં... ખરેખર તો લગ્ન વિશે કદી વિચાર્યું નહોતું. ફુરસદ જ નહોતી... પણ તું આવી ને...’ આકુએ દિલગીરી જતાવી, ‘મારે પહેલાં જ ચોખવટ કરવા જેવી હતી.’

‘બસ? બોલી લીધું? રે રામ. આટલા દિવસથી હું જાણે કંઈનું કંઈ વિચારીને મૂંઝાતી હતી કે પ્યાર આટલો દેખીતો હોવા છતાં આ માણસ મને આઇ લવ યુ કહેતો કેમ નથી! અને તમે કોથળામાંથી કિડની કાઢી!’
શ્રાવણીએ તેની પીઠ પસવારી, ‘તમારી આ એક કિડની પણ ન હોતને આકુ તોય મારો પ્યાર બદલાવાનો નહોતો.’ તેની પાંપણ ભીની થઈ, ‘હૈયાની લેવડદેવડમાં કિડની ક્યાં વચ્ચે આવે જ છે!’

કેટલી સહજતાથી શ્રાવણીએ કહી દીધું. એકાએક તે વધુ ગમવા લાગી.
‘યા, બટ તારા પેરન્ટ્સની મરજી...’ કહેતા આકુને શ્રાવણીએ અડધે જ અટકાવ્યો, ‘મારા પેરન્ટ્સને હું જાણું છું. આપણી ખુશીમાં જ તેમની ખુશી.’ 
ત્યારે આકારે તેના ખોળામાં માથું મૂકીને રેતી પર લંબાવ્યું. 
‘અચ્છા આકુ...’ તેના વાળમાં આંગળાં રમાડતી શ્રાવણીએ પૂછ્યું, ‘દામોદર અંકલ સંન્યાસ આશ્રમમાં જ હશેને? ચાલો, પહેલાં તેમના આશિષ લઈએ. મારું સૌભાગ્ય તેમણે બચાવ્યાનો આભાર મારે પણ માનવાનોને.’

‘જરૂર મૅડમ, પણ અંકલ હાલ મુંબઈમાં નથી. ઇન ફૅક્ટ, મોટા ભાગનો સમય તેઓ વિવિધ તીર્થધામોમાં ગાળતા હોય છે. વરસે એકાદ-બે વાર મુંબઈ આવી જાય. એ પણ મને મળવા પૂરતું. મારો આગ્રહ હોય છે એટલે. તેઓ પાછા મોબાઇલ પણ રાખતા નથી. આજે જ તેમને પત્ર લખીને તેડાવી લઉં છું. સગાઈમાં મારા તરફથી વડીલ તરીકે અંકલ જ રહેશે.’
‘તેમના આશીર્વાદ લેવા હું પણ આતુર છું.’ અહોભાવથી બોલતી શ્રાવણીને કે ખુદ આકુને પણ ક્યાં જાણ હતી કે આકારનો તારણહાર દામોદર અને બ્રિજમાસાનો હત્યારો અર્ણવસિંહ એક જ વ્યક્તિ છે! 
એક હત્યાનાં ૨૩ વરસે કુદરતે કેવો જોગ ગોઠવ્યો છે એની કોને ખબર હતી?

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2023 12:27 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK